પુસ્તકો – જાગતા દેવતાઓ
April 23 2015
Written By
                            
                            
Gurjar Upendra
                            
                        
                    ૨૩ એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે, તદુપરાંત આ દિવસ કૉપીરાઇટ ડે તરીકે પણ મનાવાય છે. યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે. આ મહત્ત્વના દિવસે ચાલે પુસ્તક વિશે એક સુંદર લેખ વાંચીએ…
………………………………………………………………………………………………………………………………
જ્ઞાન વધારવા માટે પુસ્તકોનું વાંચન એ એક મહત્ત્વનો આધાર છે. માનવ જાતીએ મેળવેલું બધું જ જ્ઞાન પુસ્તકોમાં ભરેલું છે. જ્યારથી લખવા અને છાપવાની શરૂઆત થઈ ત્યારથી માનવ દ્વારા મેળવેલું જ્ઞાન લિપિબદ્ધ કરીને સંગ્રહ કરવામાં આવે છે.
મિલ્ટન કહ્યું છે,“ પુસ્તકોમાં આત્માનું જીવન છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે.” ગ્રંથો સજીવ છે એટલે જ મિલ્ટને એમ પણ કહ્યું છે, “પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી.”
સિસરોએ કહ્યું છે, “ ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા જેવું નકામું હોય છે.
પ્રગતિશીલ જીવન માટે પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે, કેમ કે પુસ્તકો દ્વારા જ જીવનનું માર્ગદર્શન અને પ્રેરણાપ્રકાશ મળે છે. ઉત્તમ પુસ્તકોમાં ઉચ્ચ વિચારો હોય છે. ઉત્તમ વિચાર, ઉચ્ચ ભાવનાઓ અને કલ્પનાઓ જ્યાં હોય છે, ત્યાં સ્વર્ગ છે. લોકમાન્ય તિલકે કહ્યું છે, “ હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” સ્વર્ગનું અસ્તિત્વ કોઈએ જોયું નથી. મનુષ્યની ઉચ્ચ માનસિક સ્થિતિ કે જે ઉત્તમ વિચારોનું ફળ છે, તે જ સ્વર્ગ છે. ઉત્તમ પુસ્તકોનું સાનિધ્ય મનુષ્યની બુદ્ધિને જ્યાં પ્રાપ્ત થાય છે ત્યાં એને સ્વર્ગની અનુભૂતિ થવા લાગે છે.
સાચો સ્વાર્થ રહિત આત્મીય મિત્ર મળવો મુશ્કેલ છે. સારાં પુસ્તકો સહેજે આપણાં મિત્ર બની શકે છે. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે, જીવનપંથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, “ સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. ”
પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનાં સરળ સાધન છે. અભ્યાસ કરતાં કરતાં મનુષ્ય જીવનની સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એકવાર લોકમાન્ય તિલકનું ઓપરેશન થઈ રહ્યું હતું, એને માટે એમને ક્લોરોફોર્મ સૂંઘાડીને બેભાન કરવાના હતા, પરંતુ એને માટે તેમણે ડૉકટરને ના પાડી અને કહ્યું, “ મને એક ગીતાનું પુસ્તક લાવી આપો હું એને વાંચતો રહીશ અને તમે ઓપરેશન કરી નાંખજો. ગીતા લાવી આપવામાં આવી. લોકમાન્ય એનો અભ્યાસ કરવામાં એવા તલ્લીન બની ગયા કે ડૉકટરોએ ઑપરેશન કર્યું ત્યાં સુધી જરા પણ હાલ્યા પણ નહીં તેમજ તેમને જરાય દુ:ખ માલુમ પડ્યું નહીં. પુસ્તકો વાંચવામાં આવી એકાગ્રતા થાય છે, જે લાંબી યોગ સાધનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતી નથી.
યાદ રાખો કે પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શકાય છે. આથી આપણે નિયમિત સદ્દગ્રંથો વાંચતા રહેવું જોઈએ. ઉત્તમ પુસ્તકોના એકાગ્રપૂર્વક વાંચનને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.
More from Gurjar Upendra
More Article
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.