Gujaratilexicon

મિસિસ ફનીબોન્સ

Author : ટ્વિંકલ ખન્ના, ભાવાનુવાદ - આરતી પટેલ
Contributor : યશવંત ઠક્કર

ટ્વિંકલ ખન્નાને રાજેશ ખન્નાની દીકરી, એક સમયની અભિનેત્રી કે પછી પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમારની પત્ની તરીકે તો ઘણાય ઓળખે છે, પરંતુ હવે એમની એક કટાર લેખિકા તરીકેની નવી ઓળખ બની છે. એમની કટારમાં તેઓ રમૂજી અને વ્યંગભરી વાતો લખે છે અને ખૂબ જ નિખાલસતાથી લખે છે. એ વાતો એમણે અનુભવેલી સત્ય ઘટનાઓ અને એની સ્મૃતિઓ પર આધારિત છે. વળી, એ વાતોમાં તેઓ પોતાની કલ્પનાઓ અને પોતાની રમૂજશક્તિનો પણ ઉમેરો કરે છે, જેથી એ વાતો મજેદાર બને છે. ‘મિસિસ ફનીબોન્સ’ પુસ્તક આવી વાતોના સંગ્રહ રૂપે છે. ટ્વિંકલ ખન્નાની આ વાતોને આરતી પટેલે ગુજરાતી ભાષામાં ઢાળી છે. 

આ પુસ્તક એ સાબિત કરે છે કે ટ્વિંકલ ખન્ના જેવી વ્યક્તિ પણ આસપાસના વાતાવરણથી અલિપ્ત ન હોઈ શકે. એમની પાસે પણ પતિદેવ, બાળકો, સાસુમા, નણંદ, પાડોશીઓ, સગાંસંબંધીઓ, કારીગરો, શિક્ષણ, રાજકારણ, પ્રવાસ, ચમત્કારો, વગેરે વિષે વાતો હોય અને એ વાતો પણ એક સામાન્ય ગૃહિણી પાસે હોય એવી જ હોય. વળી, મજાની વાત એ છે કે આ બધી વાતોમાં ટ્વિંકલ ખન્નાએ ક્યાંક ક્યાંક પોતાની પણ મજાક ઉડાવી છે. એમણે આવી વાતો લખીને પોતાની વિચારશક્તિ, નિરીક્ષણશક્તિ, સંવેદનશીલતા અને લેખનશૈલીનો પરિચય આપ્યો છે. એકંદરે એમણે પોતાના સમગ્ર વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે.

ટ્વિંકલ ખન્નાનાં લખાણોમાં એવી હળવાશ છે જે  હળવાશ એનાં લખાણોની વિશેષતા બની જાય છે.

બે ઉદાહરણો જોઈએ. એમણે એક આવી વાત લખી છે : ‘મારાં સાસુને બધાં મમ્મીજી કહે છે. એ આવેશી, ક્રોધી અને ડર લાગે તેવાં છે. જો કે ઘણીખરી બાબતોમાં એ મારા જેવાં છે અને સ્વાભાવિક રીતે ઘણા અલગ. જયારે મારાં નવાં લગ્ન થયેલાં એમણે મને પાસે બેસાડીને કહેલું, ‘જો, એક જ મેદાનમાં બે વાઘ સાથે ન રહી શકે.’ મને નવાઈ લાગેલી, એ વિચારીને કે મને અત્યાર સુધી ખબર જ નહોતી કે મમ્મીજી જંગલી પ્રાણીઓના સંરક્ષણ કામ સાથે સંકળાયેલાં છે.    

બીજું ઉદાહરણ જોઈએ, ‘આલોચના કરવાવાળા’ શીર્ષક ધરાવતું એક લખાણ છે. એમાં એમણે લખ્યું છે કે : ‘આ એવા લોકો છે જે મુસાફરીની તમામ બાબતો માટે ફરિયાદ કરે છે. એમને પ્લેન કેમ મોડું ઉપડ્યું એ પૂછવા કૅપ્ટનને મળવું હોય છે, જમવાનું બેસ્વાદ છે કહીને પાછું મોકલે છે, છ હાર છોડીને પાછળ બેઠેલા કોઈ નાનકડા બાળકના રડવા વિશે ફરિયાદ કરે છે. એને ખરેખર એવું લાગતું હશે કે ફક્ત એને ત્રાસ પહોંચે એટલા માટે મા પોતાના બાળકને ચૂંટેલો ભરીને રડાવતી હશે?’

આવી રસપ્રદ વાતોથી છલોછલ આ પુસ્તકના પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ છે.

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects