Gujaratilexicon

ચિંતા છોડો, સુખથી જીવો

Author : Dale Carnegie
Contributor : હરિતા ત્રિવેદી

ચિંતા છોડો, સુખથી જીવો (લેખકઃ ડેલ કાર્નેગી, અનુવાદક – આદિત્ય વાસુ)

વેઇન ડાયર, રૉન્ડા બર્ન, નોર્મન વિન્સેન્ટ પીલ, નેપોલિયન હિલ, રોબિન શર્મા વગેરે અને બીજા અનેક લેખકો આજે મોટિવેશનલ રાઇટર્સ તરીકે પ્રખ્યાત છે. કદાચ આમાં સૌથી પહેલું નામ આવે ડેલ કાર્નેગીનું. એમના ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુએન્સ પીપલ’ પુસ્તકે અનેક લોકોને પ્રેરણા આપી અને એમના જીવન બદલી નાખ્યા. એમનું આવું જ એક બહુચર્ચિત પુસ્તક છે ‘હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ’. અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલા આ પુસ્તકનું ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે આદિત્ય વાસુ દ્વારા અને એનું શીર્ષક એટલે ‘ચિંતા છોડો, સુખથી જીવો.’

ડેલ કાર્નેગીએ અનુભવેલા ડિપ્રેશન અને એમાંથી બહાર આવવા અપનાવેલી પદ્ધતિઓને પુસ્તકરૂપે રજૂ કરી છે. આ પુસ્તકના પ્રકરણોને આઠ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા ભાગમાં ચિંતાને લગતી  પાયાની હકીકતોને રજૂ કરીને તેને દૂર કરવાની રીત બતાવી છેઃ (1) ખરાબમાં ખરાબ પરિણામનો વિચાર કરવો (2) એ પરિણામને સ્વીકારી લેવું અને (3) એ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરી શકાય એ વિચારવું. કાર્નેગી કહે છે કે આ પદ્ધતિ આપણને શુદ્ધ વિચારસરણી આપીને પરિસ્થિતિ કે સમસ્યાના ઉકેલ તરફ દોરી જાય છે. બીજા ભાગમાં ચિંતાનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય એ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. ત્રીજો ભાગ આવરે છે ચિંતા કરવાની ટેવને તોડવાની રીતો. આ રીતોમાં વ્યસ્ત રહેવાની કળા શીખવવામાં આવી છે જેનાથી ચિંતા સાથે નકારાત્મક વિચારોથી પણ દૂર રહેવામાં મદદ મળે છે.

ચિંતા છોડવાની બીજી રીત દર્શાવતા કાર્નેગી કહે છે કે કોઈ પરિસ્થિતિ પર આપણો કાબૂ ન હોય ત્યારે પરિસ્થિતિઓ સામે લડવાને બદલે એમને સ્વીકારી લઈને આગળ વધવું જોઈએ. ચોથા ભાગમાં કાર્નેગી માનવમનને ભેટ આપે છે સારી વસ્તુઓ પર ધ્યાન આપવા તેમજ બીજાને ખુશ કરીને સ્વયં ખુશ રહેવા જેવા સાત ઉપાયોની જેનાથી મનને શાંતિ અને ખુશી મળે એવા માનસિક વલણની રચના કરી શકાય. પાંચમા ભાગમાં ચિંતાના અસ્ત માટે આધ્યાત્મિકતાનો ઉદય કરવાનું કહેવામાં આવ્યું છે. છઠ્ઠા ભાગમાં કોઈપણ કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા ટીકાને પહોંચી વળવાની રીત બતાવવામાં આવી છે. કાર્નેગી કહે છે કે શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા પછી આત્મસંતોષ મળે છે અને પરિણામ કે ટીકાની ચિંતા રહેતી નથી. આ સાથે અહીં અનુભવથી શીખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચિંતા અને થાકને રોકવા માટે આરામ લેવાનું અને કામને રસપ્રદ બનાવવાનું સાતમા ભાગમાં સમજાવ્યું છે. આઠમા અને અંતિમ ભાગમાં ચિંતા દૂર કરનારા લોકોના અનુભવો વર્ણવવામાં આવ્યા છે. આ સાથે વ્યક્તિગત સમસ્યાઓની ક્ષુદ્રતા અનુભવીને આગળ વધવા માટે લોકોને ઇતિહાસ વાંચવાનું સૂચન પણ કાર્નેગી કરે છે. આમ, આ પદ્ધતિઓનો નિર્દેશ કરીને માનવનને ચિંતામુક્ત કરવાની અને એક સંપન્ન જિંદગી જીવવાની ચાવી આ પુસ્તક પૂરી પાડે છે.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects