1 |
|
पुं. |
ગુજરાતનો રહેવાસી; ગુજરાતમાં વસનારો પુરુષ. ગુજરાતી લોકો ઘણા સાહસિક છે અને વેપાર કરવામાં કુશળ છે. હિંદુસ્તાનના દરેક પ્રાંતમાં અને રાજ્યમાં તેઓ વેપારને અર્થે વસેલા છે ને ત્યાં ગુજરાતી ભાષા બોલે છે. હિંદુસ્તાનની બહાર આફ્રિકમાં, બ્રહ્માદેશ વગેરે દેશોમાં પણ ગુજરાતીઓની મોટી સંખ્યા માલૂમ પડે છે. મદ્રાસમાં પણ રેશમ વણનારા ઘણા ગુજરાતીઓ લાંબો વખત થયાં વસ્યા છે. પંજાબ, સંયુક્ત, પ્રાંત, બંગાળ, અજમેર-મેરવાડા, મધ્યપ્રદેશ, રજપૂત સંસ્થાને, હેદરાબાદ, મ્હૈસુર ને કશ્મીરનાં રાજ્યો, ક્વેટા, બ્રહ્મદેશ, કુર્ગ, અંદામાન વગેરે પ્રદેશોમાં ગુજરાતીઓ વસેલા છે. સ્વદેશમાં ગુજરાતી ભાષા બોલાનારાઓની સંખ્યા લગભગ એક કરોડ અને ગુજરાત બહાર હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાં ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા લગભગ પંદર લાખ છે.
|
5 |
|
स्त्री. |
ગુજરાતમાં બોલાતી લખાતી ભાષા. સ્વરૂપમાં હિંદી કરતાં ગુજરાતી જૂની છે અને તે ભાષાનું જૂનું પ્રાંતિક સ્વરૂપ છે. ચાલુક્ય રજપૂતો અને કાઠિયાવાડના દ્વીપકલ્પમાં લઈ ગયા અને ત્યાં બીજી હિંદી બોલીઓથી છૂટી પડવાથી એ ધીમે ધીમે સ્વતંત્ર ભાષા બની. આ રીતે હિંદીમાંથી જે રૂપો જૂનાં થઈ જતાં રહ્યાં છે તે એમાં કાયમ રહ્યાં છે. ગુજરાત અને કાઠિયાવાડ ઉપરાંત ગુજરાતી ભાષા કચ્છમાં બોલાય છે. ઉત્તર તરફ ગુજરાતી ભાષા છેક પાલણપુરની ઉત્તર સીમા સુધી ફેલાયેલી છે. તેની બહાર સિરોહી અને મારવાડમાં મારવાડી ભાષા બોલાય છે. સિંધમાં થર અને પાસ્કર જિલ્લાના દક્ષિણ કિનારા પાસે ગુજરાતી ભાષા બોલાય છે. દક્ષણમાં સુરત જિલ્લાની દક્ષિણ હદ સુધી એ ભાષા પ્રસરેલી છે. એ દક્ષિણ સીમાના બંને બાજુના પ્રદેશોમાં ગુજરાતી અને મરાઠી બંને બોલાય છે. પૂર્વ તરફ ધરમપુરના રાજ્યમાં એ ભાષા ચાલે છે. વળી એ દિશાએ પર્વતની હાર આવેલી છે તે ગુજરાતની પૂર્વ સીમા બની છે. એ ડુંગરોની તળેટીની હારમાં ઉત્તર તરફ છેક પાલણપુરની પૂર્વ સીમા જ્યાં એ ડુંગરો આરાવલિની પર્વતમાળા તરીકે પ્રસિદ્ધ છે, ત્યાંસુધી ગુજરાતી ભાષા પ્રચલિત છે. આ ડુંગરોમાં ભીલ લોકોની વસતી છે. એ ડુંગરોની પેલી તરફ પૂર્વ અને દક્ષિણમાં રજપૂતાનાનો મુલક આવેલો છે ત્યાંની પ્રાંતિક બોલીઓ જયપુરી અને માળવી છે. એ બંને ભાષાઓને ગુજરાતી ભાષા સાથે ઘણો ગાઢો સંબંધ છે. મારવાડી ભાષાને ગુજરાતી સાથે ઘણો સંબંધ છે અર્વાચીન ગુજરાતી ભાષા જ્યાં બોલાય છે. તે બધા પ્રદેશોમાં અને અર્વાચીન મારવાડી જ્યાં બોલાય છે તેના ઘણાખરા ભાગમાં કંઇ નહિ તો પંદરમા સૈકા સુધી તો એક જ ભાષા બોલાતી હતી, જેને આપણે જૂની ગુજરાતી ભાષા કહીએ છીએ તે હતી. આ પ્રમાણે તે સમયે મારવાડી ગુજરાતીથી જુદી ન હતી. ગુજરાતી ભાષા મૂળ સંસ્કૃતમાંથી ઉતરી આવેલ છે. જૂની ગુજરાતી: (૧) કાળક્રમે સંસ્કૃત શબ્દના અપભ્રંશ થવાથી ને દેશ્ય શબ્દના મિશ્રણથી સંસ્કૃત ભાષા પલટાઈને પ્રાકૃત ભાષા થઈ. (૨) પ્રાકૃત ભાષાના ઘણા શબ્દો અધિક અપભ્રંશ પામીને જૂની ગુજરાતી થઈ. (૩) અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ. સ. ૧૨૯૭માં ગુજરાત જીત્યું, ત્યારપછી જૂની ગુજરાતીમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થયો. તે પહેલાં પણ પશ્ચિમનાં બંદરોના અરબસ્તાન સાથેના વ્યાપાર સંબંધને લીધે અને ઇ. સ. આઠમા સૈકામાં પારસીઓના ગુજરાતમાં આવાગમન અને વસવાટને લીધે અરબી અને ફારસી શબ્દો અપભ્રંશ ભાષામાં દાખલ થયેલ. ચલિત અને પ્રારંભિક રૂપ: આદ્ય ગુજરાતી: (૧) તઘલખ વંશના અંતથી ઈ. સ. ૧૪૧૪ કે જે નરસિંહ મહેતાના જન્મનું વર્ષ છે, ત્યારથી ગુજરાતી ભાષા કંઈક નિશ્ચિત અને સામાન્ય સ્વરૂપ ધારણ કરે છે. (૨) નરસિંહ મહેતા પછી થોડે સમયે હિંદુસ્તાનમાં યરપી પ્રજાઓ વ્યાપાર અર્થે આવી. ગુજરાતમાં પણ તેમનો વસવાટ થયો. ફ્રેંચ, ડચ, પોર્ટુગીઝ પ્રજાઓ પણ થોડેઘણે અંશે આપણો શબ્દભંડોળ વધારતી ગઈ. અંગ્રેજી ભાષાના શબ્દો દાખલ થવા માંડ્યા. (૩) ત્યારપછી ગુજરાત મરાઠાઓના હાથમાં પડ્યું અને થોડા મરાઠી શબ્દો પણ પ્રવેશ કરી શક્યા. સ્થાયી ને નિશ્ચિત રૂપ: નવી ગુજરાતી: (૧) અંગ્રેજી પછી ગુજરાતી ભાષા અને સાહિત્યનો નવો યુગ બેઠો. અંગ્રેજી શબ્દ અને અંગ્રેજી વાક્યરચના પણ ઘણાં સામાન્ય થઈ પડ્યાં છે. (૨) શિક્ષણના પ્રચારને અંગે સંસ્કૃત ભાષાનો અભ્યાસ વધવા માંડ્યો અને તે સાથે શુદ્ધ સંસ્કૃત શબ્દોનો પ્રચાર ઘણો વધી ગયો. (૩) આમ ગુજરાતી ભાષાના નવા યુગની શરૂઆત નર્મદાશંકરથી થાય છે. તે સમયે પ્રજાને પોતાના નવા વિચારો, નવી ભાવનાઓ પ્રગટ કરવી હતી. કવિતા તે માટે યોગ્ય વાહન ન હતું. સમયની આ જરૂરિયાતે ગુજરાતી ભાષાને સ્થાયી અને નિશ્ચિત રૂપ આપ્યું, જેમાંથી નવી ગુજરાતીનો જન્મ થયો. આદિકાળ ઇ. સ. ૧૪૧૧થી ૧૫૨૬: (૧) ઇ. સ. ૧૪૧૧માં અહમદશાહે પાટણને બદલે અમદાવાદને ગુજરાતનું પાટનગર બનાવ્યું. (૨) ઇ. સ. ૧૪૫૯માં મહમદ બેગડાએ જૂનાગઢ રાજ્ય જીતી લીધું. (૩) આવા અશાંતિના સમયમાં પ્રજાનું મન ધર્મ અને પરલોક તરફ વળ્યું. (૪) પંદરમાં સૈકાની શરૂઆતમાં ભક્તિના નવા માર્ગની કવિતાથી નરસિંહ મહેતાએ ગુજરાતને ગજાવ્યું. સામાન્ય રીતે નરસિંહ મહેતાએ ગુજરાતી કવિતાની શરૂઆત કરી. નરસિંહ પૂર્વે જૈન દેવાલયોમાં કવિતા લખાતી, પણ તે ત્યાં જ દટાઈ પડી રહેતી. પ્રત્યેક દેશના સાહિત્યનો ઇતિહાસ તપાસતાં માલૂમ પડશે કે કવિતાથી જ સાહિત્યની શરૂઆત થાય છે. (૫) ભારતવર્ષમાં પંદરમી સદીમાં ભક્તિનું એક પ્રચંડ મોજું આવ્યું: ગુજરાતમાં નરસિંહ અને મીરાં, બંગાળમાં ચૈતન્ય, ઉત્તર હિંદમાં સુરદાસ અને તુલસીદાસ અને દક્ષિણમાં એકનાથ અને તુકારામ. (૬) આ જ સદીમાં ભાલણ નામે ગુજરાતી કવિતા લખનાર એક બીજો ભક્ત કવિ પણ થયો છે. શુષ્કકાળ ઇ.સ. ૧૫૨૬થી ૧૬૦૫: (૧) દિલ્હીના પઠાણ સુલતાનોની સત્તા ધીમે ધીમે પડી ભાંગવાથી ગુજરાતના સૂબા સ્વતંત્ર થઈ ગયા. સોળમા સૈકામાં ગુજરાતમાં અંધેર ચાલ્યું. (૨) આ કાળમાં ત્રણ ઉપકવિઓ થયા છે: વસ્તો, વચ્છરાજ અને તુલસી. એ ત્રણેની કવિતાઓ એના પછીના યુગના મહાકવિઓને માર્ગદર્શક છે. સુવર્ણયુગ ઇ. સ. ૧૬૦૫થી ૧૭૪૮: (૧) અકબર બાદશાહના મૃત્યુવર્ષ ૧૬૦૫થી મોઘલ સામ્રાજ્યના અંતના વર્ષ ૧૭૪૮ સુધી ગુજરાતમાં શાંતિ ફેલાઈ હતી. (૨) ગુજરાતના આર્થિક જીવનનો પણ આ સુવર્ણકાળ હતો. (૩) આ સુવર્ણયુગમાં ગુજરાતે ત્રણ મહાવકવિઓ આપ્યા: અખો, પ્રેમાનંદ અને શામળ. (૪) સામાજિક જીવનને અખાએ પહેલી વાર કવિતાનો વિષય બનાવ્યો. (૫) પ્રેમાનંદ પૌરાણિક શૈલીનો મહાકવિ છે. શેક્સપિયર માફક તેણે બીજાના કાર્યને સુધારી આપ્યું છે. (૬) પ્રેમાનંદના અનુગામી શામળના સમયમાં ઉર્દુ રાજ્યભાષા હતી. આથી શામળનાં કાવ્યની ભાષામાં ફારસી અને અરબીમાંથી ઉદ્ભવેલા શબ્દોનું પ્રમાણ વધુ છે. તેનામાં વાર્તાકાર તરીકેની શક્તિ દેખાઈ આવે છે. તેની કવિતા વિશેષ મૌલિક છે. ગુજરાતી ભાષાના ઘડતરમાં શામળનો ફાળો ઘણો કીમતી છે. આજેય શામળનાં કેટલાંક વાક્યો આપણી ભાષામાં કહેવતરૂપે વપરાય છે. (૭) આ સમયમાં નાકર, મુકુંદ, વિષ્ણુદાસ, વીરજી, રત્નેશ્વર અને દેવીદાસ ગૌણ કવિ થઈ ગયા. (૮) જોકે ગદ્યના વિકાસ વિના ભાષા સ્થાયી સ્વરૂપ ધરી શક્તી નથી, તોપણ પદ્ય દ્વારા વિચારોનું વહન કરી શકે એટલું સામર્થ્ય ગુજરાતી ભાષાને તો આ સમયમાં જ પ્રથમ પ્રાપ્ત થયું, એટલે જ જ આ સુવર્ણયુગ કહેવાયો. સ્વામીનારાયણ યુગ ઈ. સ. ૧૭૪૮થી ૧૮૫૨: (૧) ઈ. સ. ૧૭૪૮ પછી ગુજરાતમાં મરાઠી રાજ્ય સ્થાપાયું. અઢારમી સદીમાં ગુજરાતમાં સર્વત્ર અશાંતિનો સમય હતો. મુસલમાન રાજાઓ અંદરોઅંદર લડવા લાગ્યા અને પરિણામે ગુજરાત અંગ્રેજોના હાથમાં આવ્યું. (૨) અશાંતિના દુ:ખના દિવસોમાં વળી પાછો આધ્યાત્મિક કવિતાનો પુનર્જન્મ થયો. (૩) આ સમયમાં વૈષ્ણવોનું જોર ઓછું થયું ને સ્વામીનારાયણ સંપ્રદાય થયો. આ યુગમાં ઘણા ગૌણ કવિઓ થયા છે, પણ તેમાં દયારામ, ધીરો, પ્રીતમ, દેવાનંદ, બ્રહ્માનંદ અને નિષ્કુળાનંદ હજુ પણ વંચાય છે આ સમયમાં થોડાં સ્ત્રીકવિઓ પણ થયાં હતાં: દિવાળી બાઈ, કૃષ્ણાબાઈ. ઉદયકાળ ઈ. સ. ૧૮૫૨થી ૧૮૮૭: (૧) ઈ. સ. ૧૮૫૨માં દયારામનું મૃત્યું થયું અને તેની સાથે ગુજરાતમાં સમયની જરૂરિયાતે ગદ્ય જમાવ્યું. જ્યાંસુધી પ્રજામાં વિચારશીલતા ન આવે ત્યાંસુધી સાહિત્યરૂપે ગદ્ય ઉત્પન્ન થઈ શક્તું નથી. સમસ્ત જગતનું ગદ્ય સાહિત્ય આ વિધાનની સાક્ષી પૂરે છે. (૨) નર્મદ અને તેની સમકાલીન ભાવનાશાળી વ્યક્તિઓએ ગદ્યને પોષ્યું. અમદાવાદમાં દલપતરામ ને મહીપતરામ, મુંબઈમાં નર્મદાશંકર ને કરસનદાસ મૂળજી ગુજરાતી ગદ્ય સાહિત્યને ધપાવી રહ્યા હતા. તે અરસામાં રણછોડભાઈ ઉદયરામ, મન:સુખરામ સૂર્યરામ અને ઝવેરીલાલ યાજ્ઞિકનું ત્રીજું મંડળ ઉદ્ભવ પામ્યું. અંગ્રેજી સંસ્કાર અને નવા વિચારો ને ભાવનાનો સારો પ્રચાર થવા માંડ્યો. (૩) નર્મદ પહેલાં ગદ્યનું અસ્તિત્વ ન હતું એમ તો ન જ કહી શકાય: પત્ર, લેખ આદિ. (૪) ગુજરાતી ગદ્ય સાહિત્યની ખરી શરૂઆત દયારામના મૃત્યુ પછી થઈ.એમાં સમયની જરૂરિયાત જ કારણભૂત હતી. જેમકે, ૧૯મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત: મોટા છાપખાનાં; ઇ. સ ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટિ; ઇ. સ. ૧૮૫૯માં મુંબઈ યુનિવર્સિટિની સ્થાપના અને નર્મદ જેવા પ્રતિભાશાળી યુગપુરુષનો જન્મ નવીન યુગ ઇ. સ. ૧૮૮૭થી ચાલુ: ઇ. સ. ૧૮૮૭થી ગુજરાતી સાહિત્યનો નવો યુગ શરૂ થયો છે. એનાં મૂળ નર્મદ-દલપતના સમયમાં જ નખાયેલ છે. ગુજરાતી ભાષા વણખેડાયેલી નથી. એ ગુજરાતી ભાષામાં પ્રેમાનંદ જેવા કવિના સર્વ રસના સઘન વિચારો સમાઈ શક્યા, શામળ ભટ્ટની પોતાના સમયને ચીતરતી તથા સંસારને અવલોક્તી પ્રબોધતી કલમને ગુજરાતી ભાષાથી કંઈ આંચકો પડ્યો નહિ, દયારામની અતિ સૂક્ષ્મ લાગણીઓ સ્વચ્છંદપણે પોતાનો પ્રકાશ કરી શકી, મુક્તાનંદ બ્રહ્માનંદ વગેરે નવા ધર્મનો ગંભીર તથા ઊછળતો જુસ્સો તડાકાની સાથે બીજાને દર્શાવી શક્યા, નિષ્કુળાનંદનો તીવ્ર વૈરાગ્ય તેની દરેક લીટીમાં સંપૂર્ણ સમાઈ રહ્યો છે તથા ધીરો, દેવાનંદ, ભોજો ભગત વગેરે કેટલેક દરજ્જે અભણ હતા તોપણ તેમણે તપીને ભૂલમાં અથડાતા જગતને જે વેણ સંભળાવ્યાં તે તેના સફળ સ્પષ્ટ વક્તાપણાને માટે અદ્યાપિ મશહૂર છે.
|