1 |
[ સં. ] |
पुं. |
આજના સૂર્યોદયથી કાલના સૂર્યોદય સુધીનો સમય; દહાડો; દિન; દી; વાર; સાઠ ઘડીનો કાળ; ચોવીસ કલાકનો સમય. દિવસ બે પ્રકારના છેઃ નાક્ષત્ર દિવસ અને સૌર અથવા સાવન દિવસ. એક નક્ષત્ર એક વાર યામ્યોત્તર રેખા ઉપર આવીને બીજી વાર પાછું ત્યાં આવે તેની વચ્ચેના સમયને નાક્ષત્ર દિવસ કહે છે. પૃથ્વીને પોતાની ધરીની આસપાસ ફરતાં જેટલો વખત લાગે છે તેટલો જ આ વખત હોય છે. તેમાં વધઘટ થતી નથી. તેથી જ્યોતિષીઓ નાક્ષત્ર દિનમાનનો બહુ વ્યવહાર કરે છે. સૂર્યને યામ્યોત્તર રેખા ઉપર આવી ફરીને ત્યાં આવતાં જેટલો વખત લાગે તેને સૌર અથવા સાવન દિવસ કહે છે. નાક્ષત્ર તથા સૌર દિવસમાં કાંઈક ને કાંઈક ફરક આવે છે. કોઈ દિવસે યામ્યોત્તર રેખા ઉપર એક સ્થાને અને એક સમયે સૂર્યની સાથે કોઈ નક્ષત્ર હો તો, બીજે દિવસે તે સ્થાન ઉપર તે નક્ષત્ર કાંઈક વહેલું આવશે, પણ સૂર્ય કેટલીક મિનિટ પછી આવશે. તેમ છતાં નાક્ષત્ર તથા સાવન એ બંને પ્રકારના દિવસો પૃથ્વીના તેની ધરીની આસપાસ ફરવા સાથે સંબંધ રાખે છે. પરંતુ નક્ષત્રને એક વખત યામ્યોત્તર રેખા ઉપર આવ્યા પછી ફરીને ત્યાં આવતાં દર વખતે એકસરખો સમય લાગે છે; જ્યારે સૂર્ય એ પ્રમાણે દર વખતે એકસરખે સમયને અંતરે આવતો નથી. તેને કોઈ વખત વધારે, તો કોઈ વખત ઓછો સમય લાગે છે. આથી સૌર દિવસનું માન વધતું ઘટતું રહે છે. તે માટે ગણતરી ઠીક રાખવા એક સૌર વર્ષના ત્રણસો સાઠ ભાગ કરી તેના એક ભાગને સૌર દિવસ માનવામાં આવે છે. હિંદુઓમાં દિવસની ગણતરી એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીની લેવામાં આવે છે. લગભગ બધી પ્રાચીન જાતિઓમાં દિવસની ગણતરી આ પ્રમાણે થાય છે. એશિઅની બીજી અનેક જાતિઓમાં તથા યરપના ઓસ્ટ્રિઅ, ટર્કી અને ઇટલિ દેશોમાં પણ સૂર્યોદયથી સૂર્યોદય સુધીનો સમય ગણવામાં આવે છે. યરપના ઘણા દેશો તથા મિસર અને ચીનમાં દિવસ મધરાતથી મધરાત સુધીનો ગણવામાં આવે છે. પ્રાચીન રોમન લોકો પણ તે પ્રમાણે દિવસ ગણતા. હાલ ભારતવર્ષમાં રેલવે કામો માટે દિવસનો આરંભ મધરાતથી લેવામાં આવે છે. યરપના જ્યોતિષીઓ પોતાની ગણતરી માટે મધ્યાહ્નથી મધ્યાહ્ન સુધી દિવસ માને છે. પંદરમી ઓગસ્ટ. સને ૧૯૪૭ના રોજ જ્યારે હિંદ અંગ્રેજ શાસનથી મુક્ત થયું, ત્યારે પણ એ આઝાદીનો મંગળ પ્રારંભ ચૌદમી ઓગસ્ટની મધરાતના બરાબર બાર વાગતાંની સાથે જ થયો હતો. હોંશથી ઉજાગરો સહન કરીને પણ આઝાદ હિંદીઓએ તે ચિરઃસ્મરણીય અણમોલ ઘડીએ સ્વાતંત્ર્યઉત્સવ ઊજવ્યો હતો. પુરાણાનુસાર બ્રહ્માના દિવસમાં નામ આ પ્રમાણે છેઃ (૧) શ્વેત (વારાહી), (૨) નીલલોહિત, (૩) વામદેવ, (૪) રચંતર, (૫) રૌરવ, (૬) પ્રાણ, (૭) બૃહત્કલ્પ, (૮) કંદર્પ, (૯) સત્ય અથવા સદ્ય, (૧૦) ઈશાન, (૧૧) વ્યાન, (૧૨) સારસ્વત, (૧૩) ઉદાન, (૧૪) ગારુડ, (૧૫) કૌર્મ, (૧૬) નારસિંહ, (૧૭) સમાન, (૧૮) આગ્નેય, (૧૯) સોમ, (૨૦) માનવ, (૨૧) પુમાન, (૨૨) વૈકુંઠ, (૨૩) લક્ષ્મી, (૨૪) સાવિત્રી, (૨૫) ઘોર, (૨૬) વરાહ, (૨૭) વૈરાજ, (૨૮) ગૌરી, (૨૯) માહેશ્વર, (૩૦) પિતૃ.
રૂઢિપ્રયોગ
૧. ચઢતો દિવસ = (૧) ઓધાન રહી ગર્ભનું બઢવું. (૨) દિનપ્રતિદિન સારૂં થતું રહેતું હોય એવો સમય; જાહોજલાલીનો વખત.
૨. દિવસ ગણવા = (૧) કોઈ આવવાને કે કોઈના મરણનો શોક શમવાને આજ એક, કાલ બે એમ દિવસો ગણવા; જોતજોતામાં કાળ વહી જવો. (૨) મરણ નજીક આવવું. (૩) રાહ જોવી.
૩. દિવસ ચડવા = ગર્ભ રહેવો.
૪. દિવસ ચડવો = સૂર્યોદય થવા ઉપરાંત કાંઈક વધારે વખત થવો.
૫. દિવસ ઢળવો = સંધ્યાનો સમય નજીક આવવો; સૂર્યાસ્તનો વખત થવા આવવો.
૬. દિવસ પડવો = ખરાબ વખત આવવો.
૭. દિવસ ફરવો-વળવો = ભાગ્ય ઊઘડવું; નસીબ બદલાવું.
૮. દિવસે દિવસ-દિવસે દિવસે = રોજ; દિવસોદિવસ.
૯. દોહેલા દિવસ = મુશ્કેલીનો વખત.
૧૦. ધોળે દિવસે = દિવસના ભાગમાં; એવે વખતે કે જ્યારે બધા લોકો જાગતા તથા દેખતા હોય.
૧૧. પ્રતિ દિવસ = રોજરોજ; નિરંતર; હમેશ.
|