| 10 |
[ સં. પૃથુ ( વિશાળ ) ] |
स्त्री. |
જેના ઉપર આપણે વસીએ છીએ તે જમીનનો એક મોટો ગોળો કે ગ્રહ; પૃથિવી; મહી. તેના પર્યાય શબ્દોઃ વિપુલા, ધાત્રી, કુંભિની, ભૂતધાત્રી, રત્નગર્ભા, જગતી, સાગરાંબરા, ધરા, વસુંધરા વસુધા, વિશ્વંભરા, રસા, અનંતા, ભૂ, ઇલા, ક્ષિતિ, ભૂમિ, અચલા, સ્થિરા, ધરિત્રી, ધરણી, ક્ષોણિ, જ્યા, કાશ્યપી, સર્વંસહા, ક્ષ્મા, ક્ષમા, ઉર્વી, વસુમતી, ગોત્રા,કુ, અવની અને મેદિની. બાર માત્રાનો એક તાલ. બે તાલનો એક ગજ, પોણાબે ગજનો એક કિષ્કુ, ચાર ગજનું એક ધનુષ્ય અથવા એક દંડ, બે હજાર ધનુષ્યનો એક કોશ, બે કોશની એક ગવ્યૂતિ, બે ગવયૂતિનો એક યોજન અને એવા સો કરોડ યોજનની આખી પૃથ્વી થાય છે. પૃથ્વીનું ઉપલું ઘનીભૂત પૃષ્ઠ ૫૦ માઈલ જાડું છે. આપણી પૃથ્વીથી સૂર્યનું છેટું ૯૨, ૯૦, ૦૦, ૦૦૦ માઈલ છે, જ્યારે નજીકમાં નજીક તારાનું ૨૫, ૫૦, ૦૦ કરોડ માઇલ છેટું છે. પૃથ્વીનો મધ્ય વ્યાસ ૭,૯૧૮ માઈલ છે. તેની ઘનતી પાણીથી ૫.૬૬ પટ છે. તેનો અક્ષ પ્રદક્ષિણાકાળ ૨૩ કલાક, ૫૬ મિનિટ અને ૪ સેંકડ છે. તેનો સૂર્ય પ્રદક્ષિણાકાળ ૩૬૫.૨૬ દિવસ છે. સૂર્યથી તેનું મધ્ય અંતર ૨૨૩ લાખ માઈલ છે. તેની કક્ષાકેંદ્રચ્યૂતિ. .૦૧૬૮ છે. પૃથ્વી પોતાની દરરોજની ગતિમાં દર સેકંડે ૧૫, ૦૦૦ ફૂટના વેગથી આગળ વધે છે. પૃથ્વી પહેલા સૂર્યના જેવો જ એક ઉષ્ણ ગોળો હતી, પણ તેની ઉષ્ણતા કમી થતાં થતાં મૂળ દ્રવ્યમાંથી કંઈ દ્રવ્ય પાતળું અને કંઈ ઘટ્ટ બનતું ગયું અને પૃથ્વી ઉપર હવા અને પાણી નિર્માણ થયાં. પછી તે ત્રણેના સંયોગથી સર્વ સજીવ અને નિર્જીવ સૃષ્ટિ થઈ. પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ગુણ છે. પૃથ્વીનો સૂર્ય આસપાસ ફરવાનો માર્ગ ધૂળ અને પથ્થરવાળો છે. આ માર્ગમાં પૃથ્વી અનેક ખરતા તારા અને પથ્થર સાથે અથડાય છે. ૧૯૦૮માં સાઈબીરિઅમાં એવું બન્યું કે, એક વિશાળ/ પ્રકાશનો જથ્થો ગર્જના સાથે પૃથ્વી સાથે અથડાયો. અથડાવાથી ઉત્પન્ન થયેલ ગરમ હવાએ તે ભાગના ચોતરફના ઝાડપાન બાળી નાખ્યાં. આરિઝોનનાં રણમાં હજારો વર્ષ પહેલાં એક નાનો પુછડિયો તારો પડ્યો હતો, તેથી એક માઈલ લાંબો અને ૫૭૦ ફૂટ ઊંડો ખાડો થયો હતો. બીજા કોઈ ગ્રહ કે ઉપગ્રહ ઉપરથી પૃથ્વી જોવામાં આવે તો તે આસમાની રંગની, વાદળાથી ઢંકાયેલી લાગે. આ આસમાની રંગ હવાને લઈને દેખાય છે. પૃથ્વીના ગર્ભમાં લોખંડ અને નિકલ છે. તેની ઉપર મજબૂત ખડકનું પડ છે. અને તે ઉપર હળવા ખડકનું પડ છે. પૃથ્વીની સપાટીનો પોણો ભાગ પાણીથી ઢંકાયેલ છે. પૃથ્વી તેની ધરીની આસપાસ ફરે છે, તેથી આપણને રાત અને દિવસ, ભરતી અને ઓટ અને કેટલાક નિયમિત પવનો પૃથ્વી ઉપર મળે છે. પૃથ્વી તેની ધરી ઉપર સીધી રહેતી નથી, પણ સહેજ એક બાજુ તરફ નમેલ છે, જેથી અમુક સમયે પૃથ્વીનો ઉત્તર ભાગ સૂર્ય તરફ નમેલો હોય છે. અને અમુક સમયે પૃથ્વીનો દક્ષિણ ભાગ નમેલો હોય છે. જે ભાગ સૂર્ય તરફ નમેલો હોય ત્યાં ઉનાળો અને બીજા અર્ધ ભાગમાં શિયાળો હોય છે. એક વરસમાં પૃથ્વી ૩૬૫ વાર તેની ધરી ઉપર ફરે છે. પૃથ્વી સૂર્યનો ભાગ છે. અને ચંદ્ર પૃથ્વીનો ભાગ છે. પૃથ્વી ઉપર પાંચ મહાદ્વીપ અને પાંચ મહાસમુદ્ર છે. દરેક મહાદ્વીપની અંદર અનેક દેશ અને અનેક નાના દ્વીપ વગેરે છે. સમુદ્રોમાં બે મોટા અને અનેક નાના નાના દ્વીપ તથા દ્વીપપુંજ પણ છે. આઘુનિક વિજ્ઞાન અનુસાર આખા સૌર જગતનું ઉપાદાન પ્રથમ સૂક્ષ્મ જ્વલંત નિહારિકાના રૂપમાં હતું. નિહારિકામંડળ અત્યંત વેગથી ફરવાથી તેનો થોડો ભાગ છૂટો પડી મધ્યસ્થ દ્રવ્યની આસપાસ ફરવા લાગ્યો. આ પ્રમાણે છૂટો થયેલ અંશ પૃથ્વી, મંગળ, બુધ વગેરે ગ્રહ છે, જે સૂર્યની આસપાસ ફરે છે. જ્વલંત વાયુરૂપ પદાર્થ ઠંડો થતાં જ્વલંત પ્રવાહીના રૂપમાં આવ્યો અને જેમ જેમ તે ઠરતો ગયો તેમ તેમ તેના ઉપર પોપડી બાઝતી ગઈ. ઉપનિષદો પ્રમાણે પરમાત્મામાંથી પહેલાં આકાશની ઉત્પત્તિ થઈ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ અને જલમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. મનુના જણાવવા પ્રમાણે મહત્તત્વ, અહંકારતત્ત્વ અને પંચ તન્માત્રાઓમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે. પુરાણોમાં પૃથ્વીની ઉત્પત્તિ સંબંધી ઘણી કથાઓ છે. એક કથામાં કહ્યું છે કે, મધુકૈટભના મેદમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ, તેથી તે મેદિની કહેવાઈ બીજી એક કથામાં કહ્યું છે કે, ઘણા દિવસો સુધી પાણીમાં રહેવાના કારણથી જ્યારે વિરાટ પુરુષના રોમકૂપોમાં મેલ ભરાઈ ગયો , ત્યારે તે મેલમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. પુરાણોમાં પૃથ્વીને શેષનાગની ફણા ઉપર અથવા કાચબાની પીઠ ઉપર આવેલી કહી છે. પૃથ્વી એ સૂર્યમાળામાંનો ત્રીજો ગ્રહ છે. તેને ચંદ્ર ઉપગ્રહ છે. અને તેની સાથે તે બીજા ગ્રહોની માફક સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી સહેજ બેઠી ગોળ છે. તેનો આકાર નારંગીના જેવો ગોળ છે. અને ધ્રુવ આગળ તે જરા ચપટી છે. પૃથ્વી ઉપર પોણાછ કરોડ ચોરસ માઈલ કોરી જમીન છે અને બાકીના ત્રણ ભાગમાં પાણી અથવા સમુદ્ર છે. હાલના શોધકો અને ગણતરીબાજો કહે છે. કે, પૃથ્વી નવ કરોડ વર્ષ ઉપર અસ્તિત્વમાં આવી હશે. પૃથ્વીના અંદરના ભાગમાં અત્યંત ગરમી છે. શરૂઆતમાં પૃથ્વી વરાળમય હતી એમ પણ કેટલાક કહે છે. પૌરાણિક મતે પૃથ્વી જળમાંથી ઉત્પન્ન થઈ હતી અને ભગવાને વરાહ રૂપ લઈ એક દૈત્યને મારી તારી હતી. પૃથુ રાજાના નામ ઉપરથી પૃથ્વી નામ પડેલું પણ મનાય છે. પૃથ્વી ઉપર પ્રાથમિક જીવનની શરૂઆત આઠ કરોડ વર્ષ પહેલાં થઈ મનાય છે. પૃથ્વી તેની ધરી ઉપર ફરે છે. તે જ્ઞાન આર્યભટ્ટે ઈ.સ. પૂર્વે પાંચમા સૈકામાં મેળવ્યું હતું. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ખરા કારણની સમજૂતી પણ તેણે આપી હતી.
ઉપયોગ
વિશુદ્ધ વસ્તુ હોમાયે યજ્ઞ વિશુદ્ધ થાય છે, પૃથ્વી યજ્ઞ વિના તો ના એક ઘડી નભી શકે. – ગાંધીગીતા
|