| 1 |
|
पुं. |
બે પગ ઉપર ટ્ટાર રહી ચાલનાર બુદ્ધિશાળી પ્રાણી; માણસ; સર્વ પ્રાણીમાં ઉચ્ચ કોટિનો આત્મા; આદમી; માનુષ; મર્ત્ય; મનુજ; માનવ; નર; પુંસ; પંચજન; પુરુષ; પુમાન, નૃ. જૈન મત પ્રમાણે પંચેંદ્રિય જીવોના ચાર વર્ગ કર્યા છેઃ નારક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. આમાંથી પહેલા બે વર્ગવાળા જીવોમાં ભવપ્રત્યય એટલે કે જન્મસિદ્ધ અવધિજ્ઞાન થાય છે અને પછીના બે વર્ગોમાં ગુણપ્રત્યય એટલે કે ગુણોથી અવધિજ્ઞાન થાય છે. પચેંદ્રિય જીવને સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ અને કાન એ પાંચ ઇંદ્રિયો હોય છે. મનુષ્યની ઉત્પત્તિ સંબંધમાં કહેવાયું છે કે, જેમ બીજથી થડ, શાખા, પત્ર, ઉપશાખા, ફૂલ, ફળ થાય છે ને નષ્ટ થાય છે, તેમ બીજકોષ, તેમાંથી પીળા જંતુ, તેમાંથી રૈડરા,તેનું રૂપાંતર કાનખજૂરા વગેરે કૃમિ; પછી કીડી, મકોડા, કાકીડા વગેરે કૃમિ; તે પછી તેનું રૂપાંતર બરડાની કરોડવાળાં પ્રાણી, જેવાં કે માછલી ઇત્યાદિ; તેમાંથી દેડકાં; સર્પ; તેમાંથી ચોપગાં જનાવર; તેમાંથી વાનર એટલે વન માણસ. તેનું રૂપાંતર લુપ્તકડી એટલે નથી જણાયું તે. એ લુપ્તકડીનું રૂપાંતર જંગલી મનુષ્ય; તેનું રૂપાંતર સભ્ય મનુષ્ય. પુરુષ અને સ્ત્રીના બીજના સંયોગથી પાકેલાં ઈંડાંની એક પેશીમાંથી મનુષ્ય શરીરની શરૂઆત થાય છે. ઈંડાંની એ પેશીમાંથી ગર્ભાશયમાં ૨ માંથી ૪, ૪માંથી ૮ એમ ભાગલા પડે છે. જુદાં જુદાં કામ માટે આ પેશીઓનો સમૂહ બને છે અને કામ માટે આ પેશીઓનો સમૂહ બને છે. અને કામ પ્રમાણે તે ગોઠવાઈ જાય છે. એનું આખરી સ્વરૂપ તે મનુષ્ય શરીર અને એ રૂપે એ ગર્ભાશયમાંથી બહાર આવે છે. નવી પેશીઓ બનવાની ક્રિયા ત્યારપછી પણ ચાલુ રહે છે. જૂની પેશીઓ નાશ પામે છે, નવી પેશીઓ બાઝે છે. આ ક્રિયા જીવનપર્યંત ચાલુ રહે છે. મનુષ્ય જેટલો ઈશ્વરની સમીપ આવે છે. તેટલો ઈશ્વરવત બને છે. મનુષ્યમાં પથ્થરનો અને ઇશ્વરનો મેળાપ થાય છે. મનુષ્ય એટલે ચેતનમય પથ્થર. તેથી જ શાસ્ત્રોએ શીખવ્યું કે, તે જ પૂરો જીત્યો જેણે દેહદમન કર્યું. મનુષ્યનું શરીર એટલું કહેતાંની સાથે જ જેને મસ્તક, નેત્ર, નાક, કાન, મુખ, હાથ, છાતી, પેટ, લિંગ, ગુદા, પગ ઇત્યાદિ હોય એવી એક કર્મેંદ્રિય અને જ્ઞાનેંદ્રિય તથા પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇત્યાદિ સૂક્ષ્મ અને સ્થૂલ તત્ત્વોવાળી આકૃતિઓનો આપણને બોધ થાય છે. જૈનો માને છે કે, આટલા ગુણવાળો મનુષ્ય મરીને ફરી મનુષ્ય થાય; જેના હૃદયમાં લજ્જા હોય, જે દયાળુ હોય, જેનો કુદરતી રીતે દાન દેવાનો સ્વભાવ હોય, કોઈના દબાણથી નહિ પણ સ્વત: દાનશાળી હોય, દાંત હોય, પોતાની ઇંદ્રિયોને દમનારો હોય, દક્ષ હોય, ચતુર હોય, હરેક શુભ કાર્ય કરવામાં દક્ષ અને જે હમેશા સરલ પ્રકૃતિવાળો રહેતો હોય, હઠી કે દુરાગ્રહી ન હોય, સાચી વાત સમજવામાં આવતાં તરત તેનો સ્વીકાર કરનાર હોય, સાચી વાતમાં માન અપમાનની કાંઈ કીમત ન ગણે. આવી પ્રકૃતિવાળો મનુષ્ય હોય તે મનુષ્યયોનિમાંથી આવેલો છે અને મનુષ્યયોનિમાં જશે. દુનિયાની સપાટીના છઠ્ઠા ભાગ ઉપર મનુષ્યો વસે છે અને તે ભાગ જુદા જુદા ખંડોમાં વહેંચાયેલા છે. તે પ્રમાણે મનુષ્ય જાતિના પણ અમુક મોટા વિભાગો પડી ગયા છે. વિનોબા લખે છે કે: કાલિદાસે એક ઠેકાણે મનુષ્યને ઉત્સવપ્રિય કહેલ છે કાલિદાસનું મનુષ્ય સ્વભાવનું જ્ઞાન ઊંડું હતું, અને તેનાથી તે કવિ કહેવાને અધિકારી થયા. બધાંનો અનુભવ છે કે, મનુષ્યને ઉત્સવ પ્રિય છે કે શું પ્રિય છે ? દુ:ખોથી દબાયેલું હૃદય ઉત્સવાના કારણે હલકું થઈ જાય છે. મનુષ્ય પડછાયામાં જ પાગલ થઈ રહ્યો છે. આજે તે પાંચ ઇંદ્રિયોનો જ આનંદ લઈ રહ્યો છે. જો આંખ ઇંદ્રિય તેને ન હોત તો તે ચાર જ ઇંદ્રિયોનો આનંદ સંસારમાં માનત. કાલે જો મંગળ ગ્રહમાંથી કોઈ છ ઇંદ્રિયવાળો મનુષ્ય ઊતરી આવે. તો આ બિચારો પાંચ ઇંદ્રિયવાળો રોવા લાગી જશે અને કહેશે કે, તેના મુકાબલે આપણે કેટલા દીન છીએ ?
ઉપયોગ
અદ્વૈતવાદી હું મોટો ઊંચ નીચ મને ન કો,
મનુષ્ય માત્ર માનું છું ધર્મકર્મે સમાન હું. – ગાંધીગીતા
|