1 |
[ સં. વિ ( વિશેષે કરીને ) + આ ( મર્યાદા ) + કૃ ( કરવું ) ] |
न. |
કોઈ પણ ભાષા બોલવા અને લખવાના નિયમોનું શાસ્ત્ર; શુદ્ધ બોલવા લખવાની રીતિનું શાસ્ત્ર; ભાષાના શુદ્ધ પ્રયોગો, નિયમો વગેરેનું શાસ્ત્ર; ભાષાના નિયમોને લગતી વિદ્યા; વિશેષે કરીને ભાષાને મર્યાદામાં કરવી તે; પદ અને પદાર્થની અશુદ્ધિને દૂર કરી તેની શુદ્ધિ સાધનારું શાસ્ત્ર; શબ્દની સાધુતાનો બોધ કરનાર શાસ્ત્ર; જેનાથી શબ્દોનું સ્પષ્ટીકરણ થાય તે શાસ્ત્ર; શબ્દાનુશાસન; ભાષાશાસ્ત્ર; શબ્દના અમુક અર્થને ઉદ્દેશીને સ્વર, પ્રકૃતિ, પ્રત્યય વગેરેનું વિધાન કરીને પદના વિભાગનો અર્થ વિશેષ જણાવનાર ગ્રંથ. સંસ્કૃત પુષ્પાંજલિમાં લખ્યું છે કે, જે શાસ્ત્રમાં શબ્દમાં પ્રકૃતિ ને પ્રત્યય જુદા પાડી પ્રત્યયના અર્થ દર્શાવ્યા હોય છે અને જેમાં શબ્દોનાં શુદ્ધ રૂપ તથા તેનો વાક્યમાં પરસ્પર સંબંધ કેવી રીતે છે તે વિષે વિવેચન કર્યું હોય છે તે વ્યાકરણ કહેવાય છે. આ રીતે એ શાસ્ત્રમાં શબ્દોનું સ્પષ્ટીકરણ થાય છે. તેને શબ્દાનુશાસન પણ કહે છે; કેમકે, એમાં શબ્દોનું અનુશાસન એટલે ઉપદેશ કરાય છે, અસાધુ શબ્દથી જુદા પાડી સાધુ શબ્દ સિદ્ધ થાય છે. વ્યાકરણ ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. તે સાધુ શબ્દનું જ્ઞાન કરાવે છે અને અસાધુ અપભ્રષ્ટ શબ્દનો પ્રયોગ અટકાવે છે. એક પિતાએ પુત્રને કહ્યું કે, ભાઈ, બીજાં શાસ્ત્ર ન ભણે તો ભલે, પરંતુ વ્યાકરણનો તો અભ્યાસ કર જ. તેનું જ્ઞાન નહિ થાય તો તું ગમે તેવાં અશુદ્ધ રૂપ વાપરીશઃ સ્વજન ( પોતાનાં માણસ )ને બદલે શ્વજન ( કૂતરા ), સકલ ( સઘળું )ને બદલે શકલ ( ખંડ કકડો ) અને સકૃત્ ( એક વાર )ને બદલે શકૃત ( છાણ ) કહીશ. આવું અનિષ્ટ પરિણામ ન આવે માટે તારે વ્યાકરણ તો ભણવું જ જોઈએ. અર્થાત્ શુદ્ધ ભાષાના રક્ષણને માટે વ્યાકરણનું અધ્યયન આવશ્યક છે. શિક્ષા ( ઉચ્ચારશાસ્ત્ર ), કલ્પ (ક્રિયાવિધિશાસ્ત્ર), વ્યાકરણ, નિરુક્ત ( વ્યુત્પત્તિશાસ્ત્ર), છંદ અને જ્યોતિષ એને વેદનાં છ પ્રધાન અંગ માન્યાં છે અને પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્રોને ઉપાંગ એટલે ગૌણ અંગ માન્યાં છે. છ પ્રધાન અંગોમાં વ્યાકરણ એ પ્રધાનતમ અંગ છે એમ ભાષ્યકાર અને હરિ માને છે; કારણ કે, વ્યાકરણના સારા જ્ઞાન વિના બાકીનાં અંગનું જ્ઞાન અપૂર્ણ છે. દરેક પ્રજા પોતાના ધર્મપુસ્તક પ્રત્યે અત્યંત પૂજ્યભાવ દર્શાવે છે. વેદ હિંદુઓનું ધર્મપુસ્તક છે. વેદ એટલે મંત્ર અને બ્રાહ્મણ. ઉપનિષદોનો એમાં જ સમાવેશ થાય છે. વેદના અંત ભાગમાં છે તેથી એ વેદાંત કહેવાય છે. જે સમયે છાપવાની કળાનું સંશોધન થયું નહોતું તે સમયે ઋષિકુળોમાં શિષ્યો ગુરુમુખે ઉચ્ચારેલા મંત્રોનું શ્રવણ કરી વેદનું અધ્યયન કરતા. આ કારણથી વેદને શ્રુતિ કહે છે. વ્યાકરણના અધ્યયન વગર વેદના મંત્રોનો શુદ્ધ ઉચ્ચાર કે અર્થ સમજાય નહિ; વળી સ્વરમાં ફેરફાર થાય તો અર્થનો અનર્થ થાય. એ વિષે આખ્યાયિકા એમ છે કે, એક સમયે વૃત્રે ઇંદ્રનો નાશ કરવા મારણમંત્રનો આરંભ કર્યો હતો. તેમાં ઇંદ્રશત્રુર્વર્ધસ્વ એટલે તું `ઇંદ્રનો શત્રુ-છેદનાર થા` એવો અર્થ પ્રતિપાદન કરવાનો હતો; માટે ઇંદ્રશત્રુ શબ્દમાંનો છેલ્લો સ્વર ઉદાત્ત પઠવો જોઈએ; કેમકે, તત્પુરુષ સમાસ અંતોદાત્ત છે, અર્થાત્ એમાં છેલ્લો સ્વર ઉદાત્ત છે; પરંતુ ઋત્વિજે એ શબ્દનો પહેલો સ્વર ઉદાત્ત ઉચાર્યો. આથી સમાસ બહુવ્રીહિ થઈ ગયો અને એનો અર્થ `ઇંદ્ર છે શત્રુ-કાપનાર જેનો` એવો વિપરીત થયો. આ પ્રમાણે સ્વરના દોષથી યજમાન જે વૃત્ર તેનો જ નાશ થયો. દુષ્ટ શબ્દનો પ્રયોગ ન થાય માટે વ્યાકરણ શીખવું જોઈએ. ભગવાન કાત્યાયને વ્યાકરણ શીખવાનાં મુખ્ય પ્રયોજન ચાર આપ્યાં છેઃ (૧) શુદ્ધ ભાષાનું રક્ષણ, (૨) સંક્ષેપે જ્ઞાન, (૩) શુદ્ધ રૂપનો તર્ક, (૪) તે વિષે અસંદેહ. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં વ્યાકરણો છે, પણ ગુજરાતી ભાષામાં વિ. સં. ૧૦૦૦ સુધી એકે વ્યાકરણ ગ્રંથ જણાયો નથી. વ્યાકરણનાં પાંચ અંગ છેઃ સૂત્ર, ગણપાઠસહિતવૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિ અને લિગાનુશાસન.
ઉપયોગ
નેપાળની અંદર મુખ્ય ગ્રંથોમાં બુદ્ધના ૯ વ્યાકરણને નામે ઓળખાતા નવ ગ્રંથો છે. તેનાં નામઃ (૧) પ્રજ્ઞાપારમિતા, (૨) ગંડવ્યૂહ, (૩) દશભૂમીશ્વર, (૪) લંકાવતાર, (૫) તથાગતગુહ્નકા, (૬) સમાધિરાજ, (૭) સ્વર્ણપ્રભા, (૮) સદ્ધર્મપુંડરિક, (૯) લલિતવિસ્તર.- પુરાતત્ત્વ.
|