7 |
|
पुं. |
જેના ઉદયાસ્તથી દિવસ રાત થાય છે તે સર્વ ગ્રહોમાં તેજસ્વી ગ્રહ; પૃથ્વીને પ્રકાશ, ગરમી ઇત્યાદિ આપતો આકાશીય ગોળો; સૂરજ પુરાણ અનુસાર સૂર્યના એક પૈડાવાળા સ્થાને રથને રહિત વર્ણના સાત ઘોડા જોડાય છે. અરુણ તેનો સારથિ છે. રથનો વેગ એક ઘડીમાં ૯૦, ૧,૨૦૦ યોજનનો છે. આવા રથમાં બેસનાર હિરણ્યના જેવા વર્ણવાળા, ચાર ભુજાવાળા, બે હાથમાં કમળ અને બીજા બે હાથમાં અભય અને વર ધારણા કરનાર કાળચક્રના નિયામક એવા શ્રી સૂર્યનારાયણનું સ્વરૂપ વેદમાં અને બ્રાહ્મણ ગ્રંથોમાં વર્ણવેલું છે. ઉપરાંત સૂર્યસૂક્ત વર્ણન છે કે સૂર્યના અશ્વો અને રશ્મિઓ પ્રાણી માત્રને જાણનાર એવા જાતવેદસ એટલે સૂર્યદેવનું આખા વિશ્વને જોવા માટે ઊંચે વહન કરે છે. તે સૂર્યની દૈવી શક્તિ છે તે સૂર્યનું માહત્મય છે. તે પોતાના મધ્યમાં વિસ્તારેલું તેજ અસ્ત થતી વેળા પોતા તરફ પાછું ખેંચી લે છે અને જ્યારે પોતાના અશ્વોને રથથી છૂટા પાડે છે ત્યારે રાત્રી સર્વ દિશામાં પોતાનો અંદાર પછેડો પાથરી દે છે. આ સૂર્ય વિશ્વરૂપ છે, સર્વ રોગહર છે, સૌને જ્ઞાન દેનાર છે, સૌને તપાવનાર છે, પરમ એક છે, ગતિ છે, જ્યોતિસ્વરૂપ છે, હજારો કિરણોવાળો છે, સેંકડો રીતે વર્તી રહેલ છે, પ્રજાનો પ્રાણ છે, એવો સૂર્ય ઊગી રહ્યો છે. તાત્પર્ય કે જેમ સ્થૂલ જગત એ સૂર્યની જ પ્રતિમા છે તેમ સૂર્ય સહિત આ સમસ્ત જગત આત્માનું જ પ્રતિરૂપ છે. સ્થૂળ સૂર્ય જેમ રોગહર છે તેમ આ આત્મા સર્વ રોગના મૂળ કારણરૂપ જે ભવરોગ તેનો હરનાર છે. સૂર્ય જેમ પોતાનો ઉદય સાથે જ અંધારામાં પડેલી તમામ વસ્તુને પૃથક્ પૃથક્ જણાવી દે છે તેમ આ આત્માનો ઉદય થતાં જ સૌને જગતનું યથાર્થ જ્ઞાન થાય છે. જેમ સૂર્ય જગતના તમામ પદાર્થોને તપાવે છે તેમ આ આત્મા પણ પુણ્યાપુણ્યને તપાવી સૂકવી નાખે છે ! જેમ સૂર્ય ગ્રહોપગ્રહોનું પરાયણ છે, તેમ આ આત્મા પણ સમસ્ત જગતની પરમ ગતિ છે. સૂર્યને ઘણી પત્નીઓ છે. રામાયણ અને પુરાણમાં સૂર્યને કશ્યપ અને અદિતિનો પુત્ર કહ્યો છે. વળી રામાયણમાં તેને બ્રહ્માના પુત્ર તરીકે પણ વર્ણવેલ છે. વિશ્વકર્માની દીકરી સંજ્ઞા તેની પત્ની થાય છે. તેનાથી તેણીને ત્રણ સંતાન થયાં; વૈવસ્વત મનુ, યમ અને યમી અથવા યમુના. અતિ તે જ સહન ન થવાથી સૂર્યની સ્ત્રી સંજ્ઞા ઘોડીનું સ્વરૂપ ધારણ કરી તપ કરવા ગઈ. સૂર્ય ઘોડાનું સ્વરૂપ ધારણ કરી તેની પાછળ પડ્યો. તેવા સ્વરૂપમાં તેને અશ્વિનૌ અને રેવતિ એમ સંતાન થયાં. સૂર્ય પોતાની સ્ત્રી સંજ્ઞાને ઘેર પાછો લાવ્યો તેણીના પિતા વિષ્વકર્માએ સૂર્યને ચક્ર ઉપર ચડાવ્યો અને તેના તેજનો આઠમો ભાગ કાપી નાખ્યો. જે કટકાઓ નોખા થયા તે પૃથ્વી ઉપર પડ્યા. તે કટકાઓમાંથી વિશ્વકર્માએ વિષ્ણુનું ચક્ર, શિવનું ત્રિશૂળ, કુબેરનું હથિયાર, કાર્તિકેયનું ભાલું અને બીજા દેવતાઓના હથિયાર બનાવ્યાં. કર્ણ સૂર્યનો દીકરો હતો. સૂર્ય શનિ અને સુગ્રીવનો પિતા હોવાનું મનાય છે. વૈવસ્વત મનુ ઇક્ષ્વાકુનો પિતા થાય અને તેનાથી સૂર્યવંશ ઉત્પન્ન થયો. અશ્વના સ્વરૂપમાં સૂર્યે યાજ્ઞવલ્ક્ય ઋષિને શ્વેતયજુર્વેદ કહ્યો હતો. તેણે સત્રાજિતને સ્યામંતક મણિ આપ્યો હતો. પૃથ્વી ઉપર જે જે સજીવ છે તેને તેને સૂર્યનો આશ્રય છે. ગ્રહમાલાનો અધિપતિ મોટી કૃપા કરીને જે કાંઈ પ્રકાશ અને ઉષ્ણતા આપે છે તેના ઉપર તે જીવોની હયાતી અવલંબી રહી છે; જીવનોપયોગી પદાર્થો પક્વનાર મેઘ પણ સૂર્યમાંથી ઉત્પન્ન થાય છે. ઉનાળો, ચોમાસું અને શિયાળો એ ઋતુ કરનાર પણ સૂર્ય જ છે. પ્રકાશ અને ઉષ્ણતા એ બેના યોગથી સૂર્ય તે સ્થાવર અને જંગમનો આત્મા છે તે જ પ્રમાણે સૂર્ય પોતાના વિલક્ષણ પ્રભાવથી આપણા ભૂલોકને ઊંચે આકાશમાં ખેંચી પકડીને પોતાની આસપાસ ફેરવે છે સૂર્યમાંથી ઉષ્ણતાનો વરસાદ સતત સર્વ દિશામાં થયા જ કરે છે. પરંતુ સૂર્યમાંથી નિ:સરતી ઉષ્ણતાના બે અયનાંશમાંથી સહેજ હિસ્સો પૃથ્વીને મળે છે. સૂર્યના અંગમાં પૃથ્વીને આકાશમાં પોતાની આસપાસ ફેરવવા જેટલું બળ આવ્યું છે તે કેવળ તેના આકાર ઉપરથી નથી; ઘણા ય ધૂમકેતુઓ એવા છે કે, આકારમાં તેઓ સૂર્યથી પણ ચડી જાય છે; પરંતુ તે ધૂમકેતુઓના અંગમાં આકર્ષણ શક્તિ સમૂળગી હોતી નથી. સૂર્યનું પ્રકૃતિ દ્રવ્ય પૃથ્વીના પ્રકૃતિ દ્રવ્ય જેટલું જડ નથી; શુમારે ચારગણું વિરલ એટલે છૂટું છૂટું છે. તેમ છતાં પણ તેનું એકંદર દ્રવ્ય ગણીએ તો પૃથ્વીથી સવા લાખ ગણું સૂર્યનું વજન છે. સૂર્યબિંબ ઉપર શુક્રના અધિક્રમણ સિવાય બીજી પણ બે ત્રણ રીતોનું હાલમાં સૂર્યનું અંતર કાઢવામાં આવ્યું છે. તે પણ અત્યારે ય તે ગણનામાં બે ત્રણ લાખ માઈલની ભૂલ આવવાનો સંભવ છે. જ્યાં અનેક કોટિનો હિસાબ ચાલતો હોય ત્યાં બે ત્રણ લાખની ભૂલ કંઈ બહુ મોટી ન કહેવાય. નરી આંખે જોઈએ તો સૂર્યબિંબના સર્વ ભાગ ઉપર સમાન તેજ જણાય છે. પરંતુ દૂરબીનથી જોતાં તેના ઉપર એક અથવા અનેક કાળાં ટપકાં દેખાય છે અને બાકીનું બિંબ એકાદા સ્વચ્છ પ્રવાહી પદાર્થમાં આંખના દાણા અગર બારીક કણ તરતા હોય એવું દેખાય છે. આ ઝાંખા દેખાય છે. કોઈ કોઈ જગ્યાએ તો તે બિલકુલ દેખાતા જ નથી. આને કણ કહીએ છીએ ખરા પરંતુ તેનો વાસ્તવિક વિસ્તાર સેંકડો માઈલનો હોય છે. સર્વે ડાઘની આકૃતિ એકસરખી હોતી નથી. વળી સૂર્ય પોતાના આંસ ઉપર ફરે છે. તેને લીધે એક જ ડાઘ જુદા જુદા ભાગ ઉપર જુદો જુદો દેખાય છે. પોતાની મેળે ડાઘના આકારમાં પણ ફેરફાર થાય છે. કેટલાક ડાઘ કેટલાક દિવસ દેખાઈ પાછા નહિ જેવા થઈ જાય છે. કોઈ કોઈ ડાઘ તો એટલો મોટો હોય છે કે, તે નરી આંખે પણ દેખી શકાય છે. કોઈ કોઈ ડાઘના ક્ષેત્રફળ કોટ્યવધિ માઈલ હોય છે. ડાઘનો મધ્યભાગ બહુ કાળો દેખાય છે તેને છાયા કહે છે અને તેની આસપાસ સહેજસાજ કાળાશ પડતી જગ્યા દેખાય છે તેને છાયાકલ્પ કહે છે. ઈ. સ. ૧૬૧૧માં પહેલવહેલા આ ડાઘાની શોધ થઈ. સૂર્ય પોતાના આંસ ઉપર ચક્કર ચક્કર ફરે છે એ વાત આ ડાઘા ઉપરથી સમજાઈ. આ અક્ષપ્રદક્ષિણાકાળ સૂર્યબિંબ ઉપર સઘળા ભાગમાં એકસરખો નથી. વિષુવવૃત્ત કરતાં ઘ્રુવ તરફના પ્રદેશમાં આંસ ઉપર ફરતાં સૂર્યને વધારે વખત લાગે છે. આ ફરકમાં પણ જુદે જુદે વખતે ફેર પડે છે. શુમારે પચીસથી છવીશ દિવસ સુધીમાં સૂર્યની અક્ષપ્રદક્ષિણા થાય છે. સૂર્ય ઉપર આ ડાઘ કોઈ વર્ષે બહુ જ દેખાય છે અને કોઈ વર્ષ થોડા દેખાય છે અને કોઈ વર્ષ સમૂળગા દેખાય નહિ એવું કદ પણ થતું નથી. એકવાર ડાઘ બહુ જ દેખાય તો ફરીથી શુમારે સવા અગિયાર વર્ષે જેટલા કાળે પાછા એટલા દેખાય છે. આ ડાઘ દેખાવાના કાળનું ચક્ર સવા અગિયાર વર્ષનું જ ફળ છે એ સવાલના નિશ્વયાત્મક જવાબની હજુ સુધી શોધ થઈ શકી નથી; પરંતુ આનું કારણ બાહ્યોપાધિ નથી; સૂર્યની કોઈ અંત:સ્થિતને લીધે નિયમિત સમયે આ ડાઘા દેખાય છે એમ પ્રખ્યાત જ્યોતિષીઓનાં અનુમાન છે. સૂર્યના ડાઘાના કાળચક્રને અનુસરીને ધાન્યાદિકના ભાવ ઓછા વધતા થાય છે. ડાઘા કમી હોય છે ત્યારે સૂર્યકિરણ પાકને અનુકૂળ હોય છે એવો હર્શલનો મત હતો. વર્ષાદ અને દુકાળ સાથે ડાઘાને સંબંધ છે. પણ ડાઘ ઉપરથી દુકાળ સંબંધી નિયમો બહુ બાંધવા ફાવતાં નથી. હર્શલનો મત ત્યારપછીના અનેક વર્ષોના અનુભવ ઉપરથી ખરો ઠર્યો નથી; તથા ડાઘને આપણી પૃથ્વીના ઉષ્ણતા અને વાતાવરણ સાથે કંઈ પણ સંબંધ છે કે નહિ, તેમ જ જો કદાપિ કંઈ પણ સંબંધ હોય તો તે કેવા પ્રકારનો છે તે બાબતમાં કાંઈ પણ સિદ્ધાંત હજુ નક્કી થયો નથી. આરોરા નામે ચમત્કારિક પ્રકાશ ઉત્તર ધ્રુવ તરફ ફેલાય છે તે અને વિદ્યુતશક્તિ એ બંનેને સદરહુ ડાઘ સાથે કંઈક સંબંધ છે એવું દેખવામાં આવ્યું છે. જે વર્ષે ડાઘ બહુ દેખાય છે તે વખતે વિદ્યુત-યંત્રો અને લોહચુંબક એ બંનેને બહુ જ ઉપાધિ થાય છે. ઈ.સ. ૧૮૯૧-૯૨માં પુષ્કળ ડાઘોને લીધે તારા-યંત્રનું કામ અટકી પડ્યું એવું અનુભવમાં આવ્યું છે. ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે વર્ણલેખક દૂરબીનથી સૂર્યના તેજોગોળની આસપાસ અનેક ચમત્કાર દેખાય છે. તેજોગોળની પહેલું એક આવરણ છે. તે આવરણ તેજોમય છે. તેનો પૃષ્ઠભાગ ઊંચોનીચો દેખાય છે. તે ભાગ કરવતના દાંતા જેવો જણાય છે. કરવતના દાંતા એક સરખા હોય છે, તેટલું નિયમિત તે આવરણ નથી હોતું. આપણે તેને ક્રકચાવરણ કહીએ. તેમાં બે થર છે. નીચેનો થર સૂર્યબિંબથી સુમારે એક બે વિકળા છે અને ઉપરનો થર સુમારે દશપંદર વિકળા છે, અર્થાત માંહ્યલાની ઊંચાઈ શુમારે પાંચસેં છસેં માઈલ છે અને બાહ્યલાની સુમારે બે હજારથી સાત હજાર માઈલ પર્યંત છે. આ આવરણમાંથી વચલા ભાગમાંથી લાલ અથવા ગુલાબી રંગની જ્વાળા બહાર આવે છે. આ જ્વાળાઓ કોઈ કોઈ વાર થોડી છે અને કોઈ કોઈ વાર વધારે હોય છે. સૂર્ય ઉપર ડાઘ નથી હોતા તે વખતે આ જ્વાળાઓ પણ મુદૃલ હોતી નથી. આ જ્વાળાઓને આપણે તેજ:શૃંગ અથવા શૃંગ કહીએ. તેજોગોળથી તે કોઈ કોઈ વાર પાંચસો માઈલ ઊંચા હોય છે અને કોઈ કોઈ વાર એક લાખ માઈલ ઊંચે જાય છે. ક્રકચાવરણની આસપાસ ઝગમગતું પ્રકાશમંડળ હોય છે તેનું કિરીટ એટલે મુગટ અર્થને સૂચવનાર કોરોના એવું અંગ્રેજી નામ છે. આ મંડળ તેજોગોળની આસપાસ સર્વત્ર હોય છે. આને આપણે પ્રભાકિરીટમંડળ અથવા પ્રભામંડલ કહીશું. આમાં કોઈ કોઈ વાર બે ભાગ દેખાય છે: એક માંહ્યલો અને બીજો બાહ્યલો. માંહ્યલો ભાગ વિશેષ તેજસ્વી હોય છે. પ્રભામંડલ કેટલીકવાર તદૃન સાંકડું દેખાય છે. કેટલીકવાર તે થોડીક કળા પહોળું દેખાય છે. અને કેટલીકવાર તે બિંબના જેટલું જ બહાર પ્રસરેલું હોય છે. સૂર્ય ઉપર ડાઘ થોડા હોય છે ત્યારે તો તે તદૃન નાનું હોય છે ડાઘ બહુ જ હોય છે ત્યારે તે બહુ જ પહોળું થાય છે. બિંબનો વ્યાસ સુમારે આઠ લાખ આઠ હજાર માઈલ છે. પ્રભામંડલ પોણા લક્ષથી સોળ લક્ષ માઈલ પર્યંત પહોળું હોય છે,એટલે કે તેજોગોળની ઉપર તે એટલું ઊંચું હોય છે. ખગ્રાસ સૂર્યગ્રહણની વખતે પ્રભામંડળ કોઈ કોઈ વાર નરી આંખે પણ દેખાય છે. એવું દૂરબીનની શોધ થયા પહેલાંનાં ખગ્રાસ ગ્રહણનાં વર્ણનો ઉપરથી દેખાય છે. તે ગ્રહણ જોનારાઓને તેનું સ્વરૂપ અને કારણ જાણમાં ન હતાં. પરંતુ દૂરબીનથી તેનું સ્વરૂપ સ્પષ્ટ દેખાવાથી આગળનાં વર્ણનો આ પ્રભામંડળનાં જ છે એવું સિદ્ધ થયું. સૂર્યગ્રહણમાં ચંદ્રબિંબના યોગથી સૂર્યનું આચ્છાદન થતે થતે પૂર્ણ આચ્છાદન થાય છે કે તરત જ બિંબની આસપાસ વિલક્ષણ પ્રભામંડળ કેટલીએક મિનિટ દેખાય છે. બિંબની નજીકનો ભાગ બહુ તેજસ્વી હોય છે. તે સહેજસાજ ખુલ્લો લાલ હોય છે. તેની બહાર આછો પીળો અગર મોતીના તેજ જેવો રંગ દેખાય છે. મંડળનો સુમારે અર્ધો ભાગ સાધારણ તેજસ્વી દેખાય છે. તેનું બાહ્યલું તેજ ઝાંખું થવા માંડે છે અને છેવટે તે તદૃન ફીકું દેખાય છે. આ રંગ સર્વદા એક સરખા નથી હોતા. આ તરફના વેધ ઉપરથી એમ દેખાયું છે કે, પ્રભામંડળ તદૃન ગોળ હોય છે એવો નિયમ નથી. કોઈ કોઈવાર તેનો આકાર અનિયમિત હોય છે. કોઈ વાર ચારે બાજુએ તેના ખૂણા લંબાયેલા હોય છે. સુમારે બસો વર્ષ પહેલાનાં એક ગ્રહણમાં તેજ:શૃંગ દેખાયાનો ઉલ્લેખ છે. પરંતુ તે તરફ જ્યોતિષીનું વિશેષ લક્ષ લાગ્યાને તો સુમારે એક સૈકો જ થયો છે અને ક્રક્ચાવરણની વિશેષ શોધ તો ગયા વીસ વર્ષમાં જ થઈ છે. સૂર્ય ઉપર પ્રભામંડલ અને તેજ:શૃંગો શાને લીધે ઉત્પન્ન થાય છે, આ મંડલ શૃંગો અને ક્રક્ચાવરણ એ સર્વેની શરીર ઘટના કેવી છે અને આ સર્વેના અંતર્ભાગમાં કહેનાર સાક્ષાત્ સૂર્ય એ પદાર્થ છે, વળી તેનાં ઉપર ડાઘ શા માટે દેખાય છે, એ બધું સમજવાને માટે હાલમાં જ્યોતિષીઓના પ્રયત્નો ચાલુ છે. ગેલીલીયો, હર્શલ ઇત્યાદિ નામાંક્તિ જ્યોતિષીઓના સ્વપ્નમાં પણ નહોતું આવ્યું એવી શોધો હાલમાં કરવામાં આવે છે. તથાપિ સૂર્યપ્રકૃતિ એટલી અગમ્ય છે કે, તેના સંબંધી જ્ઞાન હજી સુધી બાલ્યાવસ્થામાં જ છે. અનેક વર્ષો સુધી અનેકના પ્રયત્નો ચાલુ રહી હજારો શોધ થઈ તે સર્વનો વિચાર થશે તે વખતે સૂર્યની ઘટના સમજાય તો સમજાય. તથાપિ હાલમાં જાણેલી બાબતો આશ્ચર્ય કરે એવી છે. પ્રભામંડલને સૂર્યનું વાતાવરણ નથી એ નિર્વિવાદ સિદ્ધ થયું છે. તેનાં કારણ આ છે: સૂર્યપૃષ્ઠ ઉપર આકર્ષણ શક્તિ પૃથ્વીની આકર્ષણ શક્તિ કરતાં અઠ્ઠાવીશ ગણી છે. પૃથ્વી ઉપર જે પદાર્થ એક શેર થાય છે તે પદાર્થ સૂર્ય ઉપર શુમારે અઠ્ઠાવીશ શેર થાય. વાતાવરણમાં ઉપરના ભાગનું દબાણ નીચેના ભાગ ઉપર ભૂમિતિના પ્રમાણસર વધતું જાય છે. તદૃન હલકો વાયુ હાઇડ્રોજન તેનું પણ પણ જો વાતાવરણ હોય તો આ આટલા મોટા દબાણને લીધે ને વાયુ તળિયેથી બહુ જ જાડો થવો જોઈએ. પરંતુ પ્રભામંડલમાં એવી ઘનતા મુદ્દલ નથી. સને ૧૮૪૩નો ધૂમકેતુ તેમાં થઈને ગયો ત્યારે તેના ઉપર તેનું ઘર્ષણ લેશ પણ થયું ન હોતું. તે પ્રભામંડલ તદૃન વિરલતાવાળું છે. આ ઉપરથી પ્રભામંડલને વાતાવરણ નથી. તેની શરીર ઘટના સંબંધી એવું અનુમાન છે કે, સૂર્યની અતિ ઉષ્ણતાને લીધે વરાળ રૂપે થયેલાં દ્રવ્ય-પરમાણુંનું તે બનેલું છે-તે પરમાણું પરસ્પર જોડાયેલાં નથી. તેમાંનાં કેટલાક સ્વયંપ્રકાશી હોય છે ને કેટલાંક સૂર્યના પ્રકાશથી પ્રકાશે પ્રભામંડલમાં એક સરખો ફેરફાર થયા કરે છે એવું દેખાય છે. આ ઉપરથી તેનાં પરમાણું સર્વકાળ એક ઠેકાણે નથી હોતાં એમ દેખાય છે. આ પરમાણું સૂર્યપૃષ્ઠથી એટલાં ઊંચાં કેવી રીતે રહે છે એ શંકા છે. એ વિષે ત્રણ અનુમાન છે. પહેલું આ કે, આ પરમાણું તેજોગોળમાંથી ઝપાટાબંધ બહાર પડે છે અને ઊંચે જઈ પાછાં ગોળ ઉપર પડે છે. આ ઉત્તર સ્વીકારતાં બાધ એ આવે છે કે દર સકંડે બસો માઈલ જેટલો વેગ તે પરમાણુઓમાં આવે એટલા જોરથી તેજોગોળના સર્વભાગમાંથી સર્વકાળને પરમાણુઓ બહાર જતાં હોવાં જોઈએ એમ માનવું પડે છે. બીજું અનુમાન આવું છે કે, સૂર્યમાંથી બહાર પડેલાં પરમાણું વિદ્યુતશક્તિને જોરે થોડી ઘણી વાર ઊંચે રહે છે. ત્રીજું અનુમાન આવું છે કે, સૂર્ય આસપાસ ફરનારા અતિ સૂક્ષ્મ ઉલ્કાઓના સમુદાયોનું આ પ્રભામંડલ બનેલું છે. પ્રભામંડલની અંદર ક્રક્ચાવરણ છે. આ સૂર્યનું વાતાવરણ છે. એમાં તદૃન હાઇડ્રોજન છે. જેમ જેમ અંદર જઈએ તેમ તેમ અનેક ધાતુઓ વરાળ રૂપે છે. તળિયાથી આ આવરણની ઘનતા બહુ જ છે અને સૂર્યના તેજોગોળમાંથી નીકળનાર કિરણઓનો ત્યાં લોપ થાય છે, એટલે કે કેટલાંક કિરણો તેઓ ગળી જાય છે. હાઇડ્રોજન. સોડિયમ, લોખંડ, મેગ્નેશિયા બેરિયમ, તાંબું, જસત, ક્યાલશિયા, ક્રોમિયમ, નિકલ, ટીટેનિયમ, કોબોલ્ટ, મેંગેનીઝ-આ સર્વ તત્ત્વો ક્રક્ચાવરણાં છે. સોનું પણ તેમાં હશે એમ સંભવિત છે. તે ઉપરાંત પૃથ્વી ઉપર જેની માહિતી નથી એવા પણ કેટલાક પદાર્થો છે. આ સર્વ અતિ ઉષ્ણ વરાળની સ્થિતિમાં છે. આમાં ધાતુઓ મુખ્ય કરીને નીચેના થરમાં છે અને વાયુ મુખ્ય કરીને ઉપર છે. શૃંગી ક્રક્ચાવરણ ઉપર પુષ્કળ ઊંચાઈ ઉપર હોય છે. પ્રભામંટલનો વર્ણલેખ ફક્ત સૂર્ય ગ્રહમાં જ સરસ નીકળે છે. એ સિવાય બીજી કોઈ રીતે પ્રભામંડલ સ્પષ્ટ નીકળી શકતું નથી. પરંતુ પ્રભામંડલ કરતાં શૃંગો તેજસ્વી અને ઉષ્ણ હોવાના કારણે તેમાંનો વર્ણલેખ સૂર્ય પ્રકાશેલો હોય તે છતાં પણ નીકળે છે. આ શૃંગો બે પ્રકારનાં છે. કોઈ વાદળાં માફક તરતાં હોય છે પરંતુ કોઈ પણ પદાર્થ ખેંચીને પકડી શકે તેવું વાતાવરણ શૃંગો છે તે પ્રદેશમાં નથી. આને લીધે પ્રભામંડલનું દ્રવ્ય ઊંચે કેવી રીતે રહે છે એ કહેવું જેવું કઠણ છે તેવું જ આ શૃંગો સંબંધમાં છે. તેમાંનાં કેટલાક શૃંગો તો એક જગ્યાએ બહુવાર સ્થિર રહે છે, તેને લીધે પ્રભામંડલ અવલંબી રહેવા સંબંધી પહેલાં બે કારણો આને લાગુ પડતાં નથી. માત્ર ત્રીજું કારણ લાગુ પડે છે. બીજાં પ્રકારનાં શૃંગો ઉદ્ગમનથી થાય છે. ક્રક્ચાવરણમાંથી મોટા ઝપાટાથી હાઇડ્રોજન અને મેગ્નીશિયમ બહાર પડે છે. તેનો વેગ દર સેરંડે દોઢસો માઈલ પર્યંત હોય છે. આ ઉદ્ગમન કેટલીએક ઘડીઓ સુધી અને કોઈ કોઈ વાર કેટલાએક દિવસ સુધી એક સરખું ચાલ્યા કરે છે. આ પદાર્થોની વરાળ હજારો માઈલ પથરાય છે અને વળી પાછી તેજોગોળ ઉપર આવીને પચે છે સૂર્યપૃષ્ઠ ઉપર ક્રક્ચાવરણમાં જુદા જુદા વ્યાપાર ઘણા વેગથી ચાલે છે. આપણને પ્રકાશ અને ઉષ્ણતા મળે છે. તે સૂર્યના તેજોગોળમાંથી મળે છે. દૃશ્યબિંદુના મધ્યમાંથી પ્રકાશ અને ઉષ્ણતાનાં અરીભવન બહુ થાય છે. મધ્યબિંદુમાંથી ઉષ્ણતા જેટલી નીકળે છે તેનાથી અર્ધી ઉષ્ણતા તેની કોરના ભાગમાંથી નીકળે છે. પ્રકાશ શુમારે તૃતીયાંશ નીકળે છે અને રાસાણિક કિરણો સપ્તમાંશ બહાર પાડે છે. સૂર્યની આસપાસ જે આવરણ છે તેમાં ઉષ્ણતા અને પ્રકાશનું ગળી જાવું થાય છે. તેજોગોળમાંથી જેટલાં કિરણ બહાર પડે છે તેમાંના શુમારે અર્ધોઅર્ધ ક્રક્ચાવરણમાં ગૂમ થઈ જાય છે. જો આ આવરણ ન હોય તો સૂર્ય હાલ છે તે કરતાં શુમારે બમણો ગરમ અને બમણો તેજસ્વી હોત અને તે આંખને અધિક સ્વચ્છ નીલવર્ણો દેખાતો હોત. સૂર્યબિંબ ઉપર ડાઘા દેખાય છે તે મુખ્ય કરીને વિષુવવૃત્તની બે બાજુએ સૂર્યના ત્રીશત્રીશ અંશ પર્યંત દેખાય છે. તેની પેલીપાર જે ડાઘ દેખાય છે તે ઝાંખા દેખાય છે. આ ડાઘ કેવી રીતે ઉત્પન્ન થયા તે વિષયમાં હજુ સુધી કંઈ સિદ્ધાંત નિશ્ચિત થયો નથી. સૂર્ય ઉપર જે વિલક્ષણ ઊથલપાથલ ચાલેલી હોય છે તેનું કારણ તેજોગોળમાંના દ્રવ્યોની અત્યંત ઉષ્ણતા અને રસાયન પ્રીતિને લીધે સંયોગ પામવાનું તેઓનું વલણ છે. ડાઘ વિષે સેચી નામે નામાંક્તિ વેધકુશળ જ્યોતિષીનો મત આ પ્રમાણે છે: હાઇડ્રોજન, મેગ્નેશિયમ, સોડિયમ એ સર્વેની અતિ ઉષ્ણ વરાળ તેજોગોળમાંથી બહાર નીકળી ઊંચે આવે છે. તેનાં અંગમાં પ્રકાશ કિરણને ગળી જવાનો ગુણ છે. તેને લીધે તેજોગોળ અને આપણી આંખ એ બે વચ્ચે જ્યારે તે એક જગ્યાએ સજ્જડ જામે છે ત્યારે તે વરાળ તે કિરણોને આપણા તરફ આવવા દેતી નથી. આને લીધે તે ઠેકાણે બિંબ ઉપર આપણને ડાઘ દેખાય છે. બીજા જ્યોતિષીઓના મત પ્રમાણે કિરણનિગિલન એટલે તે કિરણને ગળી જવાની ક્રિયા એ જ ડાઘનું મુખ્ય કારણ છે. તેજોગોળની ઘટના કેવી છે તે સંબંધમાં બે મત છે. તેનો ઉપલો ભાગ ઘન હોવો જોઈએ અને પ્રકાશ તથા ઉષ્ણતા તેમાંથી આવતાં હોવાં જોઈએ એવો સંભવ દેખાય છે. આ ઘન ક્વચની જાડાઈ સુમારે ત્રણ ચાર હજાર માઈલ હોવી જોઈએ. આ તેજોગોળનો બહારનો ભાગ ઘન ન હોય તો તેનો પૃષ્ઠભાગ સર્વકાળ એકસરખો સપાટ દેખાય નહિ. તે વાયુરૂપી છે એવો કેટલાકનો મત છે. પરંતુ જો તેમ હોય તો વેગથી બહાર પડનાર શૃંગો ઉપર બને છે તેમ તેમાં પણ મોજાં ઊછળીને તેની સપાટી ભાંગી નાખે. પરંતુ તે કદી ભાંગતી નથી. આ કવચ પૃથ્વીના પૃષ્ઠભાગ જેટલું ઘન હોય એવું નથી. તેની અંદર પદાર્થો અતિ ઉષ્ણ વાયુરૂપ સ્થિતિમાં છે; તેના ઉપર દ્રવ્યનાં ઘન પરમાણુઓ તરતાં હશે અને આવા પરમાણુઓનું આ ક્વચ બન્યું હશે. તેથી કરીને તેની સપાટી ભાંગતી નથી આવો સાધારણ મત છે. તેજોગોળનો આ જે ઉપલો થર છે તેમાં સર્વે દ્રવ્યો વાયુની અવસ્થામાં છે. આ અંદરના ભાગ ઉપર એટલું બધું દબાણ છે કે, તેની ઘનતા પ્રવાહી પદાર્થ જેટલી છે. તો પણ ત્યાં ઉષ્ણતા અતિશય હોવાથી તેમાંના સર્વ દ્રવ્યો રસાયન સંયોગ ન પામતાં વાયુરૂપ સ્થિતિમાં છે. તેજોગોળની ઉષ્ણતાની ગણના કરવી કઠણ છે તે સુમારે બે કોટિ અંશ હોવી જોઈએ.જર્મન ડો. બ્રુનો લેગે સ્વતંત્ર રીતે ને જાતમહેનતે શોધ કરી છે કે, સૂર્યનાં કિરણથી રોશની ને વાહન ચલાવી શકાશે. તેની આ શોધનાં સાધનો સાવ સાદાં છે. ક્યુપ્રસ ઓકસાઇડનું મિશ્રણ પાતળા તાંબાના પતરા ઉપર પાથરી તેને બંને તારના છેડા લગાડી દેવામાં આવે છે ને પછી તે ઉપર સૂર્યકિરણ નાખતાં એક દીવો થાય અથવા એક મોટર ચાલે એટલો વીજળિક પ્રવાહી ચાલે છે. સૂર્યનો વ્યાસ ૮,૬૫,૦૦૦ માઈલ છે. સૂર્યના જો ૧૦,૦૦,૦૦૦ ભાગ પાડવામાં આવે તો દરેક ભાગ પૃથ્વી કરતાં મોટો થશે. પણ આ દરેક ભાગ પૃથ્વી જેટલો વજનમાં હશે નહિ.આપણી પૃથ્વીની ઘનતા વિશેષ છે, કેમકે, સૂર્યમાં ઘણો ભાગ વાયુરૂપ છે સૂર્યની ગરમી આપણા ઉષ્ણતામાપક યંત્રના શબ્દમાં દશ હજારથી અંશ જેટલી છે ઈ. સ. ૧૬૧૦માં ગેલીલીઓએ શોધી કાઢ્યું કે, શોધી કાઢ્યું કે, સૂર્યની સપાટી ઉપર કાળા ડાઘા છે. આ કાળા ડાઘાઓ હંમેશા તેઓની જગા બદલતા હતા. આ ડાઘાઓ જેમ સૂર્યની બાજુ ઉપર જાય તેમ નાના દેખાય છે. સૂર્ય પોતાની ધરી ઉપર ફરે છે. એક વખત સંપૂર્ણ ફરવાને માટે લગભગ ૨૪ કે ૨૫ દિવસ થાય છે એટલે કે, પૃથ્વીને ધરી ઉપર ફરવાને ૨૪ કલાક લાગે છે જ્યારે સૂર્યને ૨૪ થી ૨૫ દિવસ લાગે છે. જે દિશા તરફ સૂર્ય ફરે છે તે એક જ દિશા તરફ આ ડાઘાઓ જાય છે. એક ડાઘાને સૂર્યના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતા લગભગ બાર કે તેર દિવસ લાગે છે. આ ડાઘા જુદી જુદી ઝડપે ચાલે છે. આ કાળા ડાઘાઓ ફરતા વાયુના છે કે જે સૂર્યના ઊંડા ભાગમાંથી આવે છે. આ ડાઘાઓ એવડા મોટા હોય છે કે, આપણા જેવી બે પૃથ્વી તેની અંદર સહેલાઈથી સમાઈ શકે. સૂર્યના ડાઘાઓ અને પૃથ્વી ઉપર બનતા બનાવ વચ્ચે કંઈક સંબંધ હોય છે. પૃથ્વીનું આકર્ષણપણું અને પૃથ્વી ઉપરની ચુંબકીય સોઇની ગતિ આ ડાઘાઓની ગતિ સાથે સંબંધ રાખે છે. આ ડાઘાઓ કદ અને સંખ્યામાં દર વરસે બદલાયા કરે છે. છેલ્લા ત્રણસો વરસના અવલોકન પછી માલૂમ પડ્યું છે કે, આ ડાઘાઓમાં નિયમિત વધઘટ થયા કરે છે. દર અગિયાર વરસે ડાઘાઓની સંખ્યા અને કદ સરખાં માલૂમ પડે છે. આ નિયમિત વધઘટ શા માટે થાય છે તે હજુ સુધી માલૂમ પડ્યું નથી. આ ઉપરાંત સૂર્યમાં સૂર્યોન્નત જ્વાલા પણ હોય છે. સૂર્યોન્નત જ્વાલા તેના રતાશ પડતા રંગ માટે જાણીતી છે. આ સૂર્યાન્નત જ્વાલાઓ સાધારણ દૃષ્ટિએ દેખાતી નથી પરંતુ ગ્રહણ વખતે જોઈ શકાય છે.આ સૂર્યોન્નત જ્વાલા મોટા ભડકાઓ હોય છે અને ભડકાઓની પેઠે તેઓ ઝગઝગાટ માર્યા કરે છે. આવો એક ભડકો પૃથ્વીના વ્યાસ કરતાં દશગણો લંબાઈમાં હોય છે. આ ઉપરથી એમ સાબિત થયું છે કે, સૂર્યની સપાટી શાંત નથી, પરંતુ નિરંતર તોફાનોથી ભરપૂર છે. સૂર્યની આસપાસ ભડકાના કુંડાળાને તેજોમંડલ કહે છે. આપણે જાણીએ છીએ કે, સૂર્ય સુદ્ધાંત બધા તારાઓ ધીમે ધીમે ઠરતા જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ બહારના રાસાયનિક પદાર્થોમાં ફેરફાર થાય છે. આ ફેરફાર સાથે તેના તેજમાં પણ ફેર પડે છે. સૌથી પ્રથમ તારો તદૃન સફેદ પ્રકાશ આપે છે. ત્યાર પછીની અવસ્થામાં આપણા સૂર્યની માફક સહેજ પીળાશ પડતું તેજ આપે છે અને તેનાથી પણ વિશેષ ઠરવાથી રતાશ પડતું તેજ આપે છે. સૂર્ય ઘણાં વરસો અગાઉ શરૂઆતમાં ઘણો જ વિસ્તૃત હતો. ત્યારપછી ધીમે ધીમે શીત થવાથી પ્રમાણમાં ઘન થતો જાય છે. આધુનિક વિજ્ઞાન મુજબ આપણા સૂર્ય ઉપર તેજશૃંગ દેખાય છે તે ઘણું કરી હાઇડ્રોજન વાયુના ઉદ્ગમથી થાય છે. આપણા સૂર્ય અને તારા બન્નેની શરીર ઘટના સામાન્ય રીતે સરખી જ હોય છે. સૂર્ય ઉપર શુમારે દર ૧૧ વર્ષે બહુ ડાઘ દેખાય છે. તે વખતે સૂર્ય એ બીજું કંઈ જ નહિ પણ આટલા ચોક્કસ કાળમાં નિયમિત રૂપ વિકાર પામનાર એક તારો જ છે. આ વિકાર બહુ જ થોડો, છતાં કાંઈ પણ છે ખરો. બીજા તારા પ્રમાણે આપણા સૂર્યને પણ ગતિ છે. શૌરી નામે પુંજમાં એક બિંદુ તરફ તે સપરિવાર ચાલ્યો છે. આ ગતિ બહુ જ થોડી એટલે ૧૦૦ વર્ષમાં શુમારે ૩૭ વિકલા છે. દર સેકંડે તે ૩.૪ માઈલ જાય છે એવો કોઈ કોઈનો મત છે. કોઈ કોઈના મતે એની ગતિ આના કરતાં વધારે ઝડપ વાળી છે. પૃથ્વીના પેટામાંથી ૧૨ સાલ ૩૪ કોટિલક્ષ ટન કોલસા નીકળે છે. આ સર્વ કોલસા સૂર્ય ઉપર પાથરી સળગાવીએ ત્યારે જેટલી ઉષ્ણતા ઉત્પન્ન થાય તેની ચાર કોટિ પટ ઉષ્ણતા દર સેકંડે સૂર્ય બહાર પાડે છે. આમાંનો શુમારે સવા બે અબ્જાંશ ભાગ પૃથ્વીને મળે છે અને સર્વ ગ્રહોને મળીને સાડી બાવીશ કોટિ અંશ ભાગ મળે છે. બાકીની સર્વ ઉષ્ણતા આકાશમાં નકામી જાય છે. દ્રવ્ય અને શક્તિ શૂન્યમાંથી ઉત્પન્ન થઈ શકતાં નથી અને તેજ પ્રમાણે તેમનો લય પણ થતો નથી એવો હાલના ભૌતિક શાસ્ત્રનો સિદ્ધાંત છે. એટલે કે, સૂર્યમાં આપોઆપ ઉષ્ણતા ઉત્પન્ન થતી નથી. તેની જે ઉષ્ણતા ચાલી જાય છે તે કોઈ પણ રૂપે તેના પાછી મળ્યા વગર અરીભવન સતત ચાલવાનું નહિ. અરીભવન સીધી લીટીમાં થાય છે. સૂર્યમાંથી ઉષ્ણતા જાય છે તે તેની પાસે પાછી આવતી નથી. તેમ થતું હોત તો રાત્રે સૂર્યની ઊલટી દિશામાંથી ઉષ્ણતા આપણને મળતી હોત પણ તેવો અનુભવ નથી. અરીભવનથી જનારી ઉષ્ણતા નષ્ટ થતી નથી ત્યારે તે આરાશમાં સીધી લીટીઓમાં આગળ જતી હોવી જોઈએ. ઈશ્વર શક્તિથી તે કાળાંતરે સૂર્યને મળનારી હોય તો કોણ જાણે, હાલાં તો તે મળતી નથી. તો પછી સૂર્ય પાસેથી હાલમાં જે અતર્ક્ય ઉષ્ણતા બહાર પડે છે તે બદલ તેને ઠંડક મળે છે કે કેમ એ મોટી વિચારવા જેવી બાબત છે. આકુંચન મત પ્રમાણે વાયુરૂપ ગોળાના આકુંચનને મર્યાદા છે. કેટલાક કાળે સૂર્ય દ્રવ્યરૂપે થશે અને ત્યારે આકુંચન બંધ થશે. ત્યારથી તેની ઉષ્ણતાના સંયમમાં ભરાવો ન થતાં તે ઓછી થવા માંડશે. પૃથ્વી ઉપરનાં પ્રાણી આદિનાં પોષણ થવાને પૂરતી ઉષ્ણતા બહુ તો બીજા એક કોટિ વર્ષે બહાર પડશે. અરીભવન કમી થશે તેમ તેમ કાર્બનથી ઉત્પન્ન થયેલા સંયક્ત વાયુ સૂર્ય આસપાસ જામવા લાગશે. જેવો તે અતિશય જામશે ત્યારે કિરણ નિમિલન પુષ્કળ થવા માંડશે અને છેવટે અપ્રકાશિત થશે. તેનાજ ઉપર પૃથ્વી પ્રમાણે કવચ બનશે અને તેની આસપાસથી બીજા ગોળાઓને ઉષ્ણતા મળતી બંધ થઈ જશે. કેટલાક તારા આવા થયેલા છે. સૂર્ય પૃથ્વીથી એટલે દૂર છે કે, જો દુનિયાની સૌથી ઝડપવાળી આગગાડી ત્યાં જવા સીધી ઊપડે તો તેના રાત અને દિવસ મુસાફરી કરતાં ૧૭૫ વર્ષ લાગે. કેનોપસ નામનો તારો સૂર્યનાં કરતાં ૨૨,૦૦૦ ગણો પ્રકાશિત છે. સૂર્યનાં એકસો આઠ નામ આ પ્રમાણે છે: સૂર્ય, અર્યમા, ભગ, ત્વષ્ટા, પૂષા, અર્ક, સવિતા, રવિ, ગંભિસ્તાન, કાલ, મૃત્યુ, ધાતા, પ્રભાકર, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, જનક, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, ઇંદ્ર, વિવસ્વાન, દીપ્તોશુ, સુચિ, કૃષ્ણા, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, સ્કંદ, વરુણ, યમ, વિદ્યુત, જઠરાગ્નિ, ઐંધન, તેજસ્ય, ધર્મધ્વજ, વેદકર્તા, વેદાંગ, વેદવાહન, સત્યપુત્ર, ત્રેતા, દ્વાપર, કળિયુગ, ધર્માશ્રયી, કળા, કાષ્ટા, ક્ષણ, મુહૂર્ત, પ્રહર, દિવસ, રાત્રી, કાળચક્ર, વિભાવસુ, પુરુષ, શાશ્વત, યોગી, વ્યક્ત, આવ્યકત્, સનાતન, કાલાધ્યક્ષ, પ્રજાધ્યક્ષ, પ્રજાધ્યક્ષ, વિશ્વકર્મા. તમોનુદ, જળ, સાગર, અંશ, જીમૃત, જીવન, અરિકા, ભૂતાશ્રય, ભૂતપતિ, સર્વલોક, નમસ્કૃત, સ્ત્રષ્ટા, સવર્તક, વહ્નિ, સર્વસ્યાદિ, અલોલુપ, અનંત, કપિલ, ભાનુ, કામદ,સર્વતોમુખ, જય. વિશાલ, વરદ, સર્વધાતુ, નિષેચિત, મન:સુપર્ણ, અહંકાર, શિધૂગ, પ્રાણઘાટક, ધન્વંતરી, ધૂમકેતુ, આદિદેવ, આદિતેજ, દ્વાદશઆત્મા અરવિદાસ, સર્વપિતા, સ્વર્ગદ્વાર, પ્રજાદ્વાર, મોક્ષદ્વાર અને કરુણાન્વિત.
ઉપયોગ
સત્ય સૂર્યની પેઠે યે તપાવે પ્રાણ સિંચતો, સૂર્ય સત્ય અભાવે યે સૃષ્ટિનો નાશ થાય છે. – ગાંધીગીતા
|