10 |
|
पुं. |
ચોવીસ તસુનું લંબાઈ ભરવાનું માપ; ફૂટ, ઇંચ અથવા મીટરના વિભાગ પાડલે એક સાધન; કોઈ પણ અંતરનાં બે બિંદુ વચ્ચેનું છેટું ભરવાનું એક માપ. ગજ ઉપરનાં ચોવીસ આંગળનાં જુદાં જુદાં નામ છે: માત્રા=બે આંગળ, કળા=બે આંગળ, પર્વ=ત્રણ, આંગળ, મુષ્ટિ=ચાર આંગળ, તળ=પાંચ આંગળ, કરપદ=છ આંગળ, દૃષ્ટિ=સાત આંગળ, તૂણી=આઠ આંગળ, પ્રદેશ=નવ આંગળ, ગોકર્ણો=અગિયાર આંગળ, વિતસ્તી=બાર આંગળ, અનાહપદ=ચૌદ આંગળ, રતની=એકવીસ આંગળ, અતરની=ચોવીસ આંગળ. ચોવીસ ઈંચ લાંબી ધાતુ અથવા લાકડાની પટ્ટીનો ગજ બનાવવામાં આવે છે. દર આઠ ઇંચને અંતરે ફૂલ જેવો આકાર કરવામાં આવે છે. તેમાં પહેલા ફૂલ સુધી બ્રહ્મા, બીજા ફૂલ સુધી વિષ્ણુ અને ત્રીજા ફૂલ સુધી રુદ્રની હદ છે. એક ગજના ચોવીસ તસુની ત્રેવીસ રેખા થાય છે. તે દરકે રેખા અથવા આંકા ઉપર એક એક દેવતા ગણતાં ત્રેવીસ દેવતાઓ થાય છે. માટે એ ત્રેવીસ રેખાઓ ઉપર ત્રેવીસ દેવોનું સ્થાપન થાય છે. પહેલી રેખા ઉપર મહાદેવનું, બીજી રેખા ઉપર વાયુનું, ત્રીજી ઉપર વિશ્વદેવનું, ચોથી ઉપર અગ્નિનું, પાંચમી ઉપર બ્રહ્માનું, છઠ્ઠી ઉપર સૂર્યનું, સાતમી ઉપર રુદ્રનું, આઠમી ઉપર યમનું, નવમી ઉપર વિશ્વકર્માનું, દશમી ઉપર આઠે વસુનું, અગિયારમી ઉપર ગણપતિનું, બારમી ઉપર વરુણનું તેરમી ઉપર કાર્તિક સ્વામીનું, ચૌદમી ઉપર ઇચ્છા દેવીનું, પંદરમી ઉપર ક્રિયા દેવીનું, સોળમી ઉપર જ્ઞાનનું, સત્તરમી ઉપર કુબેરનું અઢારમી ઉપર ચંદ્રમાનું, ઓગણીસમી ઉપર જયનું, વીસમી ઉપર વાસુદેવનું, એકવીસમી ઉપર બલભદ્રનું, બાવીસમી ઉપર કામદેવનું અને ત્રેવીસમી ઉપર વિષ્ણુનું સ્થાપન કરી એ સર્વેનું પૂજન કરાય છે.
રૂઢિપ્રયોગ
૧. ગજ ગજ કૂદવું = (૧) ખૂબ રાજી રાજી થઈ જવું; અતિ આનંદથી ઊભરાઈ જવું; મલકાઈ જવું. (૨) ગુસ્સાથી ઊંચા નીચા થઈં કંઈ પણ બોલવું. (૩) પતરાજી બતાવવી. (૪) મસ્તીમાં આવવું. તોરમાં રહેવું.
૨. ગજ ગજ છાતી ફૂલવી = અતિ હર્ષ થવો.
૩. ગજ ઘાલવા = (૧) કાબૂ વગર વાત કરવી. (૨) જીતી શકાય નહિ એવું હોવું. (૩) મજબૂત હોવું.
૪. ગજ જેવું = સંગીન; મજબૂત.
૫. ગજ માપે પણ તસુ ન ફાડે-વેતરે નહિ = મોટી મોટી વાતો કરે પણ કરવાનું આવે ત્યારે કંઈ કરે નહિ; વચન આપે પણ પાળે નહિ.
૬. ગજ વાગવો = (૧) અજમાવેલું જોર ફાયદાકારક નીવડવું; યોગ્ય ઠેકાણે યોગ્ય શક્તિ કામે લાગવી. (૨) પગ જામવો; સ્થિર થવું.
૭. ગજની ઘોડી અને સવા ગજનું ભાઠું = કંગાળ સ્વરૂપ; ડોશીને ઢબુ મુંડામણ; સોના કરતાં ઘડામણ મોંઘું.
૮. ગજનો આંકો ન સૂઝવો = કાંઈ ન આવડવું.
૯. ગજે તસુ માફ-ગજનો તસુ = ઘણા સદ્ગુણ આગળ એક દુર્ગુણનો હિસાબ ન હોય.
૧૦. નવસો ગજના નમસ્કાર = દૂરથી જ નમન.
૧૧. પોતાને ગજે માપવું = પોતાના સ્વતંત્ર મત પ્રમાણે અભિપ્રાય બાંધવો.
૧૨. રજનું ગજ કરવું = પીંછાનું પારેવું કરવું; વધારી દેવું; વધારીને વાત કરવી.
|