| 2 |
|
पुं. |
મોઈદંડાની રમત. તેના ઘણા પ્રકાર છે. તેમાં જગુ, વકટ, લેન, મૂઠ, નાર, આંખ અને વૈદ એવા શબ્દો ગણતરી માટે વપરાય છે. તે તેલુગુ ભાષાના ઓકટી એટલે એક, રેંડુ એટલે બે, મુંડ એટલે ત્રણ, નાલગુ એટલે ચાર, આસં એટલે પાંચ અને સૈદુ એટલે છ એ શબ્દોની જોડે મળતા આવે છે. ખુલ્લા મેદાનમાં તે રમાય છે. રમવાનાં સાધનમાં એક ગિલ્લી અને એક દંડો જોઇએ. ગિલ્લી બેથી અઢી ઇંચ લાંબી લાકડાની હોય. કેટલેક ઠેકાણે તેને બદલે હિંગણબેટ નામના ફળનો ઉપયોગ કરાય છે. દંડો લાકડાનો આશરે એકથી દોઢ ઇંચ જાડો અને એક હાથ લાંબો હોવો જોઇએ. બદી અગર ગબી જમીનમાં ખોદવી. પૈસો વગેરે ઉડાડીને કોણે દાવ આપવો અને કોણે લેવો તે પહેલાં નક્કી કરવું. દાવ લેનારે પહેલાં ગિલ્લીને એવી ઉડાવી કે સામા પક્ષનો કોઇ તેને અદ્ધરથી ઝીલી ન લે, તેમ છેક નજીકની હદમાં પણ ન પડે. આ રીતે ઉડાડેલી ગિલ્લી જો ઝિલાઈ જાય તો રમનારનો વારો પૂરો થાય અને બીજો રમનાર આવે. ન ઝિલાય તો દાવ આપનારે તે ગિલ્લીને બદી તરફ એવી રીતે ફેંકવી કે તે બદીમાં પડે અથવા દંડાને આંટે. જો એમ થાય તો રમનારનો દાવ જાય. તેમ ન થાય તો રમનાર તે લઇને ભાજી મારે. જો તેનો ટોલ્લો ખાલી જાય તો તેનો વારો પૂરો થાય જો કોઇ ગિલ્લી અદ્ધરથી ઝીલે તોપણ વારો જાય. જો ઝિલાય નહિ અગર ટોલ્લો વાગતાં નીચે પડે તો બદીથી જેટલે દૂર પડી હોય તેટલી જગાની માપણી એ દંડા વતી કરે અને વકટ, લેન, મૂઠ, નાર, આંખ, વૈદ અને જગુ એમ મોઢેથી બોલે. એ રીતે સાત દંડા થાય કે એક જગુ થયો ગણાય. જેટલા જગુ થાય તેટલા સામા પક્ષ ઉપર લેણા થાય. વકટ અને લેન થઈ ગયા પછી ગિલ્લી ઉપર જો ટોલ્લો લાગે તો જગુ દંડા માગવાનો હક પ્રાપ્ત થાય છે અને જેટલા અંક થાય તેટલા આખા જગુ પ્રતિપક્ષ ઉપર ચડે. તે પછી જો ટોલ્લા વાગે તો બેવડા જગુ ચડી શકે છે. વળી તે પછી ટોલ્લા વાગે તો તેવડા કે ચોવાડા જગુ પણ ચડાવી શકાય અને એ પછી મરજી પ્રમાણે રમી શકાય. દાવ આપનાર ગિલ્લી ઝીલી લે, બદી ઉપર ગિલ્લી પડે, બદીથી એક દંડાની અંદર ગિલ્લી પડે, બદી ઉપર રાખેલા દંડાને ગિલ્લી આંટે અથવા શરૂઆતમાં ભાજી મારતાં અગર પછી કોઇ પણ ટોલ્લો ન વાગે તો દાવ લેનારનો દાવ પૂરો થાય અને બીજો છોકરો દાવ લે. આમ એક પક્ષનો વારો પૂરો થતાં બીજા પક્ષનો વારો આવે. જે પક્ષના જગુ વધારે થાય તે પક્ષ જીત્યો ગણાય. હારનાર પક્ષનો દરેક રમનાર દશવીશ ઊઠબેસ કરે અથવા તે દરેકના હાથ ઉપર દંડો મરાય એવો પણ કેટલેક ઠેકાણે રિવાજ છે. દાવ લેનારનો દાવ બીજી પણ કેટલીક રીતે પૂરો થાય છે: (૧) ગિલ્લી બદીની નજદીક પડે અને સામા પક્ષનો છોકરો જો `ફલંગ મારી` એમ બોલે તથા તે ગિલ્લી ને બદી વચ્ચેનું અંતર એક જ ફલંગ મારી ઠેકી જાય તો તે રમનાર બાદ થાય. (૨) ટોલ્લો મારતાં દંડો છૂટી જાય અને જો સામા પક્ષનો કોઇ તેને લઈ ચુંબન કરી લે તો તે રમનાર બાદ થાય. (૩) રમતાં રમતાં ગિલ્લી ખોવાઈ જાય અને રમનારો `હજારિયા, દુસરી ગિલ્લી મેરા દાવ` એમ બોલે તો બીજી ગિલ્લી લઇને તે રમી શકે, પણ તેવું બોલતાં પહેલાં જો સામા પક્ષનો કોઈ `દાવ નહિ આપુ` એવું બોલી દે તો રમનાર બાદ થાય. લાલ ગિલ્લીદંડો: આ પ્રકારમાં પણ રમનારના બે પક્ષ પડે છે. પ્રથમ દાવ-લેનાર છોકરો ગિલ્લીને બદીમાં ઊભી મૂકે. તેના ઉપરના છેડા ઉપર જરા દંડો મારીને તેને જરા ઉછાળે અને પછી ટોલ્લો મારી ઉડાડે. પછી ગિલ્લી જ્યાં પડી હોય ત્યાંથી બદી સુધીનું અંતર કેટલા દંડા થશે તે તેણે મોઢેથી અંદાજે કહેવું. તે અંતર સામો પક્ષ કબૂલ રાખે તો માપી લેવાની જરૂર નહિ, પણ કબૂલ ન રાખે તો માપી લેવું જોઇએ. જો કહેવા જેટલા અથવા વધારે દંડા થાય તો વારો ચાલુ રહે, પણ જો ઓછા દંડા થાય તો રમનાર બાદ થાય. તેના કહેવા જેટલા અથવા વધારે દંડા થયા હોય તો કહેલા દંડા તેણે કર્યા એમ ગણાય અને બીજો તેમાં વધારો કરે. એમ બધાનો વારો આવે અને દંડા ગણાતા જાય. પછી સામો પક્ષ દાવ લે અને તેના પણ દંડા ગણાય. જે પક્ષના વધારે દંડા થાય તે પક્ષ જીત્યો ગણાય. આબકદૂબક; એક તરફ રમનાર એકલો અને બીજી તરફ દાવ આપનાર બધાં એ રીતે આ રમત રમાય છે. પ્રથમ રમનાર છોકરો બદી પાસે ઊભો રહે. બાકીના ગિલ્લી ઝીલવા માટે થોડા છેટા ઊભા રહે. રમનારો પ્રથમ ગિલ્લી કોલે છે. જો ઝિલાય તો તેનો વારો પૂરો થાય અને બીજાનો વારો આવે. જો ઝિલાય નહિ તો રમનાર દંડો ગિલ્લીમાં ઊભો રાખે અને દાવ આપનાર ત્યાં ઊભા રહીને દંડાને આંટે. જો આંટે તો રમનારનો વારો જાય. જો ન આંટે તો જ્યાં ગિલ્લી હોય ત્યાં રમનાર જઈ તેના છેડા ઉપર ટપ્પો મારી ઊંચે ઉછાળી તેના ઉપર ટોલ્લો મારે અને બદીથી એક દંડા જેટલે અંદરે દંડો આડો મૂકે. દાવ આપનાર તે ગિલ્લીને લઈ દંડાને બરાબર આંટે. જો આંટે તો રમનારનો વારો જાય. જો ન આંટે તો ફરીથી ટોલ્લો મારે અને એ રીતે રમત ચાલુ રહે. રમનારા વધારે હોય તો બે પક્ષ પાડીને પણ આ રમત રમાય. આ રમતમાં ગિલ્લી ઝિલનારને કોટિયું આપવામાં આવે છે. કોટિયું લેવાની રીતે એવી છે કે છોકરો જમણો પગ ઊંચો કરી જમણો હાથ તેની નીચે ઘૂંટણ આગળ ઘાલે અને એ હાથમાં દંડો પકડી ગિલ્લીને ઉછાળે. બાકીનું બધું પહેલાંની પેઠે જ રમાય.
|