| 1 |
|
पुं. |
એક જાતનો ક્ષાર. કેટલાંક તળાવની અંદર ટંકણ રહેલો છે, તે તેનું પાણી સુકાઈ જવાથી તળે જામી રહે છે. તે સિવાય બે ત્રણ જુદી જુદી જાતના ક્ષાર ભેગા કરી ઉકાળી તેમાંથી ટંકણ બનાવવામાં આવે છે. ટંકણ બે જાતનો થાય છે: સોહાગો અને પાટિયો. આમાં સોહાગો વધારો મેલો હોય છે. તેની સફેદ ગાંગડી થાય છે. પાટિયો ટંકણખાર પ્રમાણમાં વધારે પોચો થાય છે. જે ટંકણખાર બજારમાં મળે છે તે શુદ્ધ અને ચોખ્ખો હોતો નથી. શુદ્ધ ટંકણખારના સ્વચ્છ, પારદર્શક કટકા આવે છે અને તે પડ્યો પડ્યો થોડો થોડો ઓગળે છે. અશુદ્ધ ટંકણખાર શુદ્ધ કરવાની રીત એવી છે કે, એક રતલ ટંકણ લઈ તેમાં અર્ધા રૂપિયાભાર કળીચૂનો નાખી ચાર રતલ પાણીમાં ઉકાળવો. પછી તે કપડાથી ગળી લેવો ને તે પાણી સુકાવી નાખવું. શુદ્ધ ટંકણખારના આથી પાસા બંધાઈ જશે. જે ટંકણખારને તપાવી તેમાંથી પાણીનો ભાગ ઉડાડી દેવામાં આવ્યો હોય તેને ફુલાવેલ ટંકણ કહે છે. ટંકણખાર મૂત્રલ, ઋતુ લાવનાર, વેણ લાવનાર, ક્ષારહર અને રોપણ છે. ટંકણ ખાવાની દવા તરીકે એકલો આપવા કરતાં બીજી દવાની સાથે બહુ અપાય છે. તે ખાંસી, દમ, સંગ્રહણી અને અજીર્ણની અંદર ઉપયોગી છે. ગર્ભાશયના વ્યાધિમાં ને ખસૂસ કરીને સૂતિકારોગને માટે તે એક ઉત્તમ ઉપાય છે. તે કેટલાક રસાયનની અંદર પડે છે. કફના વ્યાધિ જેવા કે જીર્ણ સસણી ને કફકાશ, જેમાં બળખા ઘણા ને બહુ ચીકણા પડે છે, ત્યાં બળખાની ચીકાશ તોડવાને માટે ટંકણ અપાય છે. તેથી કફ ઘણી સહેલાઈથી બહાર નીકળી આવે છે. વછનાગ અને ધતૂરા જેવી ઉગ્ર દવાઓની સાથે તે દમના રોગમાં અપાય છે. ક્ષારહર તરીકે ટંકણ મૂત્રાશયના વ્યાધિમાં વપરાય છે. પેશાબની અંદર રેતી પડતી હોય અગર પેશાબમાં બહુ દાહ થતો હોય તો ટંકણ ખવરાવવાથી અગર ઉષ્ણોદક સાથે તેની પિચકારી મારવાથી પણ દરદીને શાંતિ થાય છે, તેમ જ તેની મૂત્રલ અસર ઘણી સરસ હોવાને લીધે તે પેશાબ છૂટથી લાવે છે. તેટલા માટે તે મૂત્રરોગ અને જલોદરમાં અપાય છે. અજીર્ણ, અરુચિ અને ખાધા પહેલાં પેટમાં દુખતું હોય ત્યારે ટંકણને વાતહર તથા દીપક પદાર્થ સાથે મેળવવામાં આવે છે. સોનું વગેરે ધાતુના રેવણ કામમાં પણ તે વપરાય છે. મોઢામાં ફોલ્લા પડ્યા હોય અથવા ચાંદાં પડ્યાં હોય અથવા જીભ ઉપર ઘારાં પડ્યાં હોય ત્યારે ટંકણ બહુ લાગુ પડે છે. મોટા માણસને એક ભાગ ટંકણખાર અને ત્રીશ ભાગ પાણીના કોગળા કરવાથી ફાયદો થાય છે. બાળકને તે મધમાં મેળવી મોઢામાં આંગળી વડે ચોપડાય છે. ટંકણમાં દાંત સાફ કરવાનો ગુણ પણ રહેલો છે. ચામડીના દોષમાં ટંકણનું પાણી કરી ચોળવાથી ચળ ઓછી થાય છે. મોઢા ઉપરના સાદાં એટલે પાકવા ઉપર નથી આવ્યાં તેવાં ખીલ ઉપર ટંકણને ગુલાબજળની અંદર મેળવી લગાડવાથી ખીલ બેસી જાય છે. મોઢામાં બહુ થૂક વહે છે ત્યારે ટંકણના કોગળા કરવામાં આવે છે. તેની માત્રા ૨ થી ૪ વાલ છે. તે ધાતુ ગાળવામાં પણ કામ આવે છે. હિમાલયની પેલી તરફનાં સરોવર, જે તિબેટના ચંગનાથ અને બીજા ભાગમાં આવેલાં છે, તેના પાણીનું બાષ્પીભવન થઇ ટંકણખાર બને છે. કશ્મીરની દક્ષિણે અને પંજાબમાં તે ખાણોમાંથી પણ મળી આવે છે. આગળ તિબેટમાંથી આવતો ટંકણખાર વિલાયત જતો, પણ હાલ બનાવટી ટંકણખાર બનાવવામાં આવેલો હોવાથી તે ઝાઝો પરદેશ જતો નથી; તેને સુહાગી, સિંધુકર, સુભગ, સુવર્ણપાટક, સૌભાગ્ય, સોહાગા, ધાતુદ્રાવક, ખડિયો ક્ષાર, રસશોધન વગેરે કહે છે. પારદર્શક જુદા જુદા માપના કટકાવાળો સ્વાદે ખારો હોય તે ઉત્તમ પ્રકારનો ટંકણખાર કહેવાય છે.
|