| 4 |
|
पुं. |
ધુમાડાની કાંતિ જેવો તારો; પૂછડિયો તારો; શિખાનક્ષત્ર; કેતુશિખા. સર્વ રાષ્ટ્રોના પ્રાચીન ગ્રંથોમાં પ્રત્યેક ધૂમકેતુના ઉદયનો કોઈ પણ ભયંકર બનાવ સાથે સંબંધ વર્ણવવામાં આવે છે. પણ હવે કેતુનો પરિચય વધવાથી તેનો એટલો બધો ભય લાગતો નથી. તથાપિ અભણ લોકોને તેનો ભય હજુ પણ સર્વ દેશોમાં લાગે છે. ધૂમકેતુનો દેખાવ હજુ પણ અશુભકારક મનાય છે. શરૂઆતમાં ધૂમકેતુ માત્ર તારાની જેવો જ દેખાય છે. માત્ર તેની ગતિ ઉપરથી માલૂમ પડે કે તે તારો નથી પરંતુ ધૂમકેતુ છે. અમુક માસ પછી તેની પૂછડી દેખાવા માંડે છે. તેની પૂછડી અસંખ્ય વાયુના અણુઓની બનેલી છે. સને ૧૯૦૮ ની શરદઋતુમાં દેખાયેલ પૂછડિયા તારાથી ધૂમકેતુ વિષે ઘણું જ્ઞાન મળ્યું છે. આ ધૂમકેતુ બહુ તેજસ્વી ન હતો, છતાં યે ફોટોગ્રાફરની દૃષ્ટિએ તે અભ્યાસ કરવા જેવો લાગ્યો. અમુક અમુક આંતરે ધૂમકેતુની પૂછડીના દેખાવમાં ફેરફાર થયા કરે છે. ઈ.સ. ૧૮૩૫માં દેખાયેલ હેલી નામના ધૂમકેતુની પૂછડી થોડા સમય માટે અદૃશ્ય થઈ ગઈ હતી. બધા ધૂમકેતુ ધીમે ધીમે ક્ષય પામતા જાય છે. ધૂમકેતુને ખરતા તારા સાથે ઘણી સામ્યતા છે. ધૂમકેતુમાં લોઢું, નિકલ અને કલાઈ ધાતુ હોય છે. હાઇડ્રોજન અને કેટલાક બીજા વાયુ પણ તેમાં હોય છે. પૃથ્વીમાં આ બધા પદાર્થ મિશ્રણમાં માલૂમ પડે છે, જ્યારે ધૂમકેતુમાં તેમનું અસ્તિત્વ તદ્દન અલગ હોય છે. બૃહસ્પતિના મંડળમાં આશરે દશ જેટલા ધૂમકેતુ છે. શનિને બે અને યુરેનસને પણ બે ધૂમકેતુ છે. બધામાં નેપ્ચ્યુનના ધૂમકેતુ વિશેષ રસદાયક છે. તેને આશરે પાંચ ધૂમકેતુ છે. પણ બધામાં હેલી ધૂમકેતુ સૌથી વધારે મહત્ત્વનો છે. સૂર્યમાંથી સીધી રીતે બધા ધૂમકેતુ ઉત્પન્ન થયા છે કે ગ્રહોમાંથી ઉત્પન્ન થયા છે તે પ્રશ્નનું નિરાકરણ કરવું ઘણું મુશ્કેલ છે, પરંતુ તેઓ ગ્રહમાંથી જ ઉત્પન્ન થયા હોય એ કહેવું વાજબી ગણાય છે. ધૂમકેતુઓનો પિંડ બહુ જ પાતળા પદાર્થનો બનેલો હોય છે. તે એટલો બધો પાતળો હોય છે કે બધા ધૂમકેતુને આપણે એકત્ર કરી તે બધાના પદાર્થનું વજન કરીએ તો તે વજન ચંદ્રના વજન જેટલું પણ થશે નહિ. ઈ.સ. ૧૮૧૧માં દેખાયેલ ધૂમકેતુ સત્તર મહિના સુધી દેખાયો હતો. તે માર્ચ મહિનામાં નજરે પડ્યો અને સાત મહિના પછી તો તેનો પ્રકાશ બહુ જ હતો. તે વખતે તેની પૂછડી ૧૦,૦૦,૦૦,૦૦૦ માઈલ હતી. ધૂમકેતુ ગ્રહમાંથી ઉત્પન્ન થયા છે અને અત્યારે પણ અનેક ઉત્પન્ન થતા હશે એમ માનવાને મજબૂત કારણો મળે છે. નેપ્ચ્યુનમાંથી મોટા ધૂમકેતુ ઉત્પન્ન થઈ શકે તેમ છે. હેલી અને પોન્સબ્રક્સના બે મોટા ધૂમકેતુ બૃહસ્પતિના ધૂમકેતુ કરતાં ખરેખર મોટા હતા. નરી આંખે દેખાતા ધૂમકેતુના ત્રણ ભાગ હોય છે. તેમાં સાધારણ તારા જેવો નાનો મોટો એક તારો દેખાય છે. તેની આસપાસ ધૂમસ જેવી નાનકડી ચોટલી હોય છે, તેને શિખા કહે છે અને પતાકા જેવું એક મોટું પૂછડું હોય છે, તેને કેતુ અથવા પુચ્છ કહે છે. તારો અને શિખા એ બંને મળીને ધૂમકેતુનો આગલો ભાગ થાય છે. ત્રણ ભાગ પરસ્પરથી જુદા સ્પષ્ટ દેખાતા નથી. તેમાં શિખા ક્યાં પૂરી થઈ અને કેતુ ક્યાંથી શરૂ થયો એ પણ ઘણા પ્રસંગોમાં સમજાતું નથી. કોઈ પૂછડાને જ શિખા અથવા ચોટલી કહે છે અને તેને લીધે જ ધૂમકેતુનું શિખાનક્ષત્ર એવું નામ પડ્યું છે. તેમ છતાં પણ સઘળા ધૂમકેતુઓને પૂછડું હોય છે એમ પણ નથી હોતું. તેથી તારો, શિખા અને કેતુ એવા ત્રણ ભાગ માનવા એ સારૂં છે. આને લીધે ધૂમકેતુને માટે કેતુશિખા એટલે શિખી જેને છે તે, એવી પણ સંજ્ઞા છે. ધૂમકેતુ માટે અંગ્રેજી શબ્દ કોમેટ છે. તેનો અર્થ શિખી એવો થાય છે. ધૂમકેતુનું પૂછડું હંમેશા તારાની જે બાજુએ સૂર્ય હોય તેથી ઊલટી બાજુ ઉપર હોય છે. તે છેવટના ભાગમાં પહોળું અને ઝાંખું થતું જાય છે. કેટલાક ધૂમકેતુઓને બે ત્રણ પૂછડાં હોય છે. ખરી રીતે તે એક જ પૂછડાની જુદી જુદી શાખા હોય છે. સને ૧૭૪૪ના ધૂમકેતુને છ પૂછડાં હતાં. એક કરતાં વધારે પૂછડાં હોય છે ત્યારે મુખ્ય પૂછડાંને ફાંટા ફૂટ્યા હોય એવું દેખાય છે. સને ૧૮૨૩ના કેતુને બે પૂછડાં હતાં. તેમાંનું એક નિયમ પ્રમાણે સૂર્યથી ઊલટી બાજુએ હતું, પરંતુ બીજુ ઘણે ભાગે સૂર્ય તરફ હતું. નરી આંખે જ ધૂમકેતુ દેખાય છે. દૂરબીનની મદદથી જે દેખાય છે તેવાને દૂરબીનકેતુ કહે છે. તેઓ નાના હોય છે. તેમનાં સ્વરૂપ જુદાં જુદાં હોય છે. કોઈ વાર તેમાં તારા હોતા નથી, તો કોઈ વાર પૂછડાં હોતાં નથી. કોઈ વાર પુચ્છ અને શિખા જુદાં જુદાં ઓળખી શકાતાં નથી. તથાપિ સર્વ પ્રકારના ધૂમકેતુની જાતિ એક જ છે. દૂરબીનકેતુ બહુ છેટેથી પ્રથમ દેખાય છે ત્યારે પહેલાં મોટે ભાગે તેની શિખા દેખાય છે અને જો તારો દેખાય છે તો તે પાછળથી દેખાય છે. તેની જે બાજુએ સૂર્ય હોય છે તે બાજુએ શિખા દેખાય. છે. નરી આંખે દેખાતા કેતુનું દૃશ્ય અને વાસ્તવિક આકાર વિલક્ષણ હોય છે, તે સર્વનો સરખો નથી હોતો. તેના અગ્રભાગનો વ્યાસ એક બે લાખ માઈલ હોય છે. કેટલાક તો સૂર્યથી પણ મોટા હોય છે. તેમનાં પૂછડાં લક્ષાવધિ માઈલ લાંબા હોય છે. ઈ. સ. ૧૮૧૧ના કેતુનાં પૂછડાં ૧૧ કરોડ માઈલ લાંબાં હતાં. ધૂમકેતુની ઘનતા બહુ જ થોડી હોય છે. અને દ્રવ્ય પણ થોડું હોય છે. આને લીધે તે ગ્રહ પાસે જાય છે ત્યારે તેનો આકાર અને માર્ગ બંને બદલાય છે. તેનું પૂછડું પારદર્શક હોય છે તેની જાડાઈ કોઈ કોઈ વાર ૫૦ હજાર માઈલ હોય છે, તેમ છતાં પણ તેમાંથી પેલી તરફનાં નક્ષત્રો દેખાય છે. ધૂમકેતુની કક્ષા ત્રણ પ્રકારની હોય છે. કેટલાએકની કક્ષા દીર્ધગોળાકાર હોય છે અને તેને લીધે તેની કેંદ્રચ્યુતિ બહુ હોય છે. આવા પ્રકારની કક્ષા પણ આવૃત્ત હોય છે. એટલે કે તે દીર્ઘવર્તુળ હોવા છતાં પણ તેની કક્ષાની બે શાખા બંને છેડે મળેલી હોય છે. કેટલાએક ધૂમકેતુઓની કક્ષા અન્વસ્ત કે અપાસ્ત જાતની અનાવૃત્ત હોય છે. અંતવૃત્ત કક્ષાની બે શાખા સૂર્યની એક બાજુ ઉપર જ માત્ર મળેલી હોય છે અને બીજી બાજુ ઉપર ફંટાતી જાય છે. જે ધૂમકેતુની કક્ષા અતિ દીર્ઘવર્તુળ હોય છે, તે હમેશા સૂર્યની આસપાસ ફરે છે. એક વાર સૂર્યની બહુ નજીક આવે છે અને ત્યાંથી પાછા વળ્યા પછી બહુ દૂર ચાલ્યો જાય છે, પરંતુ કાળાંતરે ફરીથી સૂર્ય નજીક આવે છે. જે ધૂમકેતુ સૂર્યના આકર્ષણમાં આવી ગયા પછી તેની કક્ષા અન્વસ્ત હોય તો તે ધૂમકેતુ એક વાર સૂર્ય નજીક થઈને ગયા પછી પાછો ફરીથી આવતો નથી. તથાપિ આવા ધૂમકેતુની ગતિમાં કંઈક અડચણ નડે છે, ત્યારે તેની કક્ષા અતિ દીર્ઘવર્તુળ થવાનો સંભવ હોય છે. એકાદ વાર સૂર્યના તડકામાં આવી જઈને તે તરફ આવેલ અપાસ્ત કક્ષાઓના ધૂમકેતુને એક વાર સૂર્યદર્શન લઈને જાય તે પછી પાછા તેમના સપાટામાં આવવાનો સંભવ મુદ્દલ હોતો નથી. ધૂમકેતુના વેગ ઉપરથી તેની કક્ષા કેવા પ્રકારની છે એનો નિર્ણય કરી શકાય છે. સૂર્યથી પૃથ્વી જેટલે અંતરે છે તેટલા અંતર ઉપર રહેલા પદાર્થનો વેગ દર સેકંડે ૨૬ માઈલ જેટલો હોય અને તેના ઉપર સૂર્ય સિવાય બીજા કોઈનું આકર્ષણ ન હોય તો તેની કક્ષા અન્વસ્ત થાય; અને જો વેગ તેથી થોડોક ઓછો હોય તો કક્ષા અતિદીર્ઘવર્તુળ થાય અને વધારે હોય તો અપાસ્ત થાય. અતિદિર્ઘવર્તુળ કક્ષાના ધૂમકેતુનો વેગ જેમ જેમ ૨૬ માઈલની પાસે પાસે હોય, તેમ તેમ તેનો પ્રદક્ષિણાકાળ વધારે હોય છે. અતિદિર્ધવર્તુળમાં નિયમિત કાળે સૂર્ય આસપાસ ફરનારા ઘણા ધૂમકેતુઓ મળેલા છે. તેમને નિયતકાલિક કહે છે. તેઓમાં એકથી વધારે વખત દેખાયેલા એવા ૧૧ છે. હેલીના ધૂમકેતુનો પ્રદક્ષિણાકાળ ૭૬ વર્ષનો છે. ધૂમકેતુની કક્ષા કોઈ પણ પ્રકારની હોય તોપણ તેનો એક ભાગ સૂર્યથી બહુ જ લાંબે હોય છે અને ધૂમકેતુનાં દ્રવ્ય બહુ વિરલ હોય છે, એને લીધે કોઈ પણ ધૂમકેતુ કક્ષાના સઘળા ભાગમાં દેખાતો નથી. સૂર્યની તદ્દન પાસે એટલે પૃથ્વીની કક્ષામાં નીચમાં આવે છે ત્યારે તેનો વેગ પુષ્કળ હોય છે અને તે માત્ર થોડા દિવસ દેખાય છે. જે ધૂમકેતુઓ આપણને દેખાય છે. તે કક્ષાના થોડા ભાગમાં થોડો વખત દેખાય છે. પુષ્કળ ધૂમકેતુઓનો વેગ સેકંડે ૨૬ માઈલની નજીક છે. ઘણાખરા ધૂમકેતુની કક્ષા અતિદીર્ઘવર્તુળ હશે, અને તે એક વાર દેખાયા પછી, હજારો વર્ષ વહી જવા છતાં કોઈ પણ વખતે ફરીથી સૂર્ય નજીક આવશે તેવો સંભવ છે. પ્રદિક્ષિણાકાળ હજારો વર્ષનો હોય એવા ધૂમકેતુ બહુ છે. કેટલાક ધૂમકેતુ તો અપાસ્ત કક્ષાના હશે તો કોઈ વાર ફરીથી આપણા સૂર્ય પાસે આવનાર નથી. પરંતુ તેવા ધૂમકેતુઓ પણ બહુ થોડા છે. ધૂમકેતુ મૂળથી જ આપણી સૂર્યમાલામાંના છે કે સૂર્યમાલાની આસપાસ જે અનંત તારકાપ્રદેશ પથરાઈ રહ્યો છે તેમાંથી આવેલા છે, તેમ જ તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, ઇત્યાદિ સંબંધમાં સિદ્ધાંત હજુ સુધી કંઈ નક્કી થયેલ નથી. હાલમાં એ વિષયમાં એવો મત છે કે, વિશ્વના અપાર પ્રદેશમાં તેજ પથરાયેલ છે. તે તેજને ગતિ છે. આપણો સૂર્ય ગ્રહમાલા સહવર્તમાન આકાશમાં કોઈક પણ સ્થાન તરફ વેગથી ચાલી રહ્યો છે. આને લીધે તે તજોમેધ દ્રવ્યના અંશ અનાદિ કાળથી એક પછી એક આપણા સૂર્યના આકર્ષણને લીધે તેની તરફ જ આવતા જાય છે. આ ધૂમકેતુઓ છે. બીજો મત એવો છે કે, અશનિના દ્રવ્યના ધૂમકેતુઓ બનેલા છે, અથવા તો તે અશનિસંઘાત્મક જ છે અને તે આકાશમાં સર્વત્ર પથરાયેલા છે અને તે કોઈ કોઈ વાર સૂર્યના આકર્ષણમાં ઝપટાય છે. ધૂમકેતુ ઉપર સૂર્ય ઉપરાંત ગ્રહોનું પણ આકર્ષણ થાય છે અને તેને લીધે ધૂમકેતુઓની ગતિ ઓછી વધતી થાય છે. તેમનો વેગ દર સેકંડે ૨૬ માઈલથી ઓછો કે વધતો જે માનથી થાય તે માન પ્રમાણે તેમની કક્ષા બને. ગુરુ જેવા મોટા ગ્રહની તદ્દન નજીક ધૂમકેતુ જાય ત્યારે તેનો વેગ તદ્દન ઘટી જઈ તે લઘુકાલિક એટલે થોડા કાળમાં સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરનારો બને છે. હાલમાં સૂર્યમાલામાંના જે નિયતકાલિક ધૂમકેતુ જાણીતા છે, તે બધા ગ્રહોના આકર્ષણને લીધે સૂર્યમાલામાંના થયા છે કે કેમ, તે નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી, પરંતુ તેમાંના ઘણાખરાની કક્ષા કોઈ પણ ગ્રહની કક્ષા પાસે જાય છે, એ ઉપરથી તેવો સંભવ દેખાય છે. જે કેતુઓના પ્રદક્ષિણાકાળ આઠ દશ વર્ષની અંદરના હોય છે તેને લઘુકાલિક કહે છે. પ્રોકટર નામના પ્રસિદ્ધ અંગ્રેજ જ્યોતિષીનો મત એવો છે કે, નિયતકાલિક ધૂમકેતુઓમાંના ઘણાખરા પ્રાચીન કાળમાં જ્યારે આપણી પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય જેટલા ગરમ હતા તે વખતે તેમના પેટામાંથી જે ઉષ્ણ દ્રવ્ય બહાર નીકળી પડ્યુ તે દ્રવ્યના બનેલા છે. અન્વસ્ત અને અપાસ્ત કક્ષાના જે ધૂમકેતુઓ કોઇ કોઈ વાર આપણી સૂર્યમાલામાં આવે છે, તે તારામાંથી ઉત્પન્ન થયા હોવા જોઈએ. અશનિની ઉત્પત્તિ પણ આ પ્રમાણે જ છે એવો પ્રોકટરનો મત છે. ધૂમકેતુ પોતાની કક્ષામાં જેટલો દૂર કે નજીક હોય તે માન પ્રમાણે તે નાનો મોટો દેખાય, પરંતુ તેનો વાસ્તવિક આકાર પણ સર્વત્ર સરખો નથી હોતો. તે નાનો મોટો થાય છે. જેમ જેમ તે સૂર્યની નજીક અને નજીક આવતો જાય તેમ તેમ તેનો અગ્રભાગ નાનો થતો જાય અને તે સૂર્યથી દૂર જાય તેમ તેમ તે મોટો થાય. પૂછડાનું આનાથી તદ્દન ઊલટું છે. કેતુ સૂર્ય પાસે આવે તેમ તેમ તેનું પૂછડું વધે છે અને દૂર જાય તેમ તેમ તે ઘટતું જાય છે. આ પ્રમાણે તે કેતુનું તેજ પણ સૂર્ય પાસે આવતાં વધે છે અને દૂર જતાં ઘટે છે. ધૂમકેતુનો વિક્ષેપ એટલે ક્રાંતિવૃત્તથી કાટખૂણો કેટલો થાય છે એનો નિયમ નથી. તે ગમે તેટલો થાય. આને લીધે આકાશમાં તે ગમે તે ભાગમાં તે ચાહે તે દિશામાં ફરે છે. વરાહમિહિરે ૬૨ શ્લોકના એક અધ્યાયમાં ધૂમકેતુનાં સ્વરૂપ, સંખ્યા, શુભાશુભ ફલ વગેરે જણાવેલ છે. તે લખે છે કે: એકસો એક ધૂમકેતુઓ છે એમ કેટલાક ઋષિઓ કહે છે, ત્યારે કેટલાક કહે છે કે તેમની સંખ્યા હજાર છે. હજારમાંથી કેટલાક સૂર્યથી થયેલા છે, કેટલાક ચંદ્રના પુત્ર છે, તેમ જ કેટલાક બુધ આદિ પાંચ ગ્રહ, રાહુ, પૃથ્વી, મૃત્યુ, બ્રહ્મા, અગ્નિ, વાયુ, પ્રજાપતિ, વરુણ એમના પુત્ર છે અને કેટલાક અંતરિક્ષમાંથી જુદી જુદી દિશાઓમાંથી ઉત્પન્ન થનાર દિક્પુત્રો છે. ઈસવી સનના આરંભથી આજ સુધી નરી આંખે શુમારે ૫૦૦ ધૂમકેતુ દેખાયાનો લેખ છે એમ યરપિઅન ગ્રંથો ઉપરથી જણાય છે. દૂરબીન નીકળ્યા પછી તેની મદદથી શુમારે ૨૫૦ કેતુ આજ સુધી દેખાયા છે. દર સાલ બહુ કરી સાત આઠ નવા દૃષ્ટિએ પડે છે. કેપ્લરનો મત એવો હતો કે, સમુદ્રમાં જેમ માછલાં તેમ આકાશમાં ધૂમકેતુ પથરાયેલા છે. હાલમાં પણ કેટલાકનો તેવો જ મત છે. આપણી સૂર્યમાલાની બહાર જે સ્થિતિ હોય તે ખરી, પરંતુ સૂર્યમાલાની અંદર તો કેતુ અગણ્ય નથી જ. જો તેમ હોય તો હાલના દૂરબીનમાંથી નિત્ય એકાદ તો દેખાડો હોત જ. તથાપિ એકંદર જે ધૂમકેતુ હશે તેમાંથી થોડાક જ આજ પર્યંત દેખાયા છે એટલું તો ખરૂં. નિયમિત કાળે ઉલ્કાવૃષ્ટિ થાય છે. તેનો અશનિસમૂહ ધમકેતુની કક્ષામાં ફરતો રહે છે. ઉલ્કાવૃષ્ટિ અને ધૂમકેતુ એ બેને નિકટ સંબંધ છે. કેતુની ઘટના વિષે અનેક મત છે, પરંતુ તે માટે કોઈ સિદ્ધાંત હજી પણ નક્કી થયો નથી. તેનાં તદ્દન સાદાં સ્વરૂપ દૂરબીનકેતુમાં દેખાય છે. તે વાદળા જેવા અથવા વરાળ જેવા બારીક કણોના બનેલા દેખાય છે. દૂરબીનકેતુની ઘટના તેવી જ ધૂમકેતુની હોવી જોઈએ એમ અનુમાન થાય છે. કેતુના વ્યાસ હજારો માઈલનો હોય છે, પરંતુ તેમાંથી પેલી તરફના પદાર્થ દેખાય છે, તેમ જ તેના શેષ દ્રવ્યમાંથી ઉલ્કાવૃષ્ટિ થાય છે. આ ઉપરથી એવા અનુમાનને સમર્થન મળે છે કે, નાના નાના અશનિ એકઠા થઈને ધૂમકેતુ બનેલો હોવો જોઈએ. દૂરબીનકેતુ ઘન અને વાયુરૂપી એવા કોઈ મિશ્રણનો બનેલો હોવો જોઈએ એવું અનુમાન છે. મોટા ધૂમકેતુના તારાનો વ્યાસ સેંકડો માઈલ હોય છે. તે તારા, ગ્રહની માફક એક ઘન પદાર્થ હોય અથવા ધૂમકેતુ જે દ્રવ્યોનો બનેલો હોય છે તે દ્રવ્યો એક ઠેકાણે જાડાં હોઈ તેમાંથી તે બન્યો હોય, અથવા અનેક અશનિ એક ઠેકાણે સજ્જડ જામી જઈ તે થયેલો હોય, એ વિષે કંઈ પણ નિશ્ર્વયપૂર્વક કહી શકાતું નથી, પરંતુ સૂર્યની ઉષ્ણતાથી જેની વરાળ થાય છે એવાં દ્રવ્યોનો તે બનેલો છે એમાં સંશય નથી. તેની આસપાસ એક ઉપર એક એમ વરાળનાં આવરણો હોય છે. મોટા કેતુનું પૂછડું એ કંઈ તે કેતુને મઢેલો સ્થિર અવયવ નથી. ધૂમકેતુનું પૂછડું એ તેનો મુખ્ય ભાગ જે તારો તેમાંથી સૂર્યની ઉષ્ણતાથી નીકળનાર વરાળનો ગોટો છે. કેતુનો તારો અશનિનો બનેલો છે. અશનિના પ્રકૃતિઅંશ વિરલ હોવાથી તેમાં વાયુ હોય છે, તે સૂર્યની ઉષ્ણતાને લીધે બહાર નીકળે છે. સૂર્યની ઊલટી બાજુએ તેના પ્રકૃતિઅંશનું કંઈક ઘનીભવન થઈને અતિ વિરલ એવું પૂછડું બને છે. આવો એક મત છે. પરંતુ તે સંબંધમાં હજુ સુધી કંઈ પણ સિદ્ધાંત નક્કી થયો નથી. સૂર્યની ઉષ્ણતાથી ધૂમકેતુના અગ્રભાગની હમેશા વરાળ થતી જાય છે. એ ઉપરથી તેનો આકાર ઉત્તરોત્તર ઘટતો જતો હોવો જોઈએ. આકાર ઉત્તરોત્તર ઘટતો જાય છે. તેને લીધે એક વાર જોયેલો ધૂમકેતુ કેવળ બાહ્ય સ્વરૂપ ઉપરથી બીજી ખેપે ઓળખાય એવો નિયમ નથી. કક્ષાની સ્થિતિ ઉપરથી એટલે મુખ્યત: તેની કેંદ્રચ્યુતિ અને વિક્ષેપ ઉપરથી તે ઓળખાય છે. એકાદી ધૂમકેતુની સવારી વેગથી આવીને પૃથ્વીને આલિંગન આપે તો શી દશા થાય એવો ભય વારંવાર લાગેલ છે. પરંતુ તે ધૂમકેતુ તે પ્રકારનો હોય અને તેનો જ ભાગ પૃથ્વી સાથે અથડાય તે પ્રમાણે તેનાં જુદાં જુદાં પરિણામ આવે. ધૂમકેતુના પૂછડામાંથી પૃથ્વી નીકળી જાય તો કંઈ પરિણામ થવાનું નહિ. આવો બનાવ કેટલીક વેળા થયો યે હશે. સને ૧૯૧૦માં દેખાયેલા ધૂમકેતુના પૂછડામાંથી પૃથ્વી સહીસલામત પસાર થઈ હતી. દૂરબીનકેતુમાંથી પૃથ્વી જાય તો બહુ મોટો ઉલ્કાપાત થાય એટલું જ, તેથી વધારે ભયંકર પરિણામ તેમાંથી થાય નહિ. પરંતુ મોટા કેતુના તારા સાથે પૃથ્વીને યુદ્ધ થાય ત્યારે જ માત્ર આશા નહિ. તે વાતાવરણમાં સરકતાં વેંત જ સર્વ આકાશ હજારો સૂર્યથી સર્વત્ર તેજસ્વી બની રહે અને તેમાંથી એટલી ઉષ્ણતા ઉત્પન્ન થાય કે તેની ગરમીથી કઠણમાં કઠણ ખડક પણ પીગળી જાય. ચાર પાંચ સેકંડ વીતે નહિ, તેટલામાં તો તે પૃથ્વી ઉપર ઢળે. તે તો ચૂર્ણ થઈને પીગળી જાય જ; પણ પૃથ્વીના પૃષ્ઠ ઉપરના સર્વ પદાર્થોની વરાળ થઈ જઈને પૃથ્વીનું કેવું રૂપાંતર થાય તેની કલ્પના સુદ્ધાં કરી શકીએ નહિ. પરંતુ આવા યુદ્ધનો સંભવ બહુ જ થોડો છે.
|