| 2 |
[ સં. નાગવલ્લી-નાગેલી-નાગરવેલ ] |
स्त्री. |
એક જાતની વેલ. તેનાં પાન મુખવાસનાં મૂળ પાનમાં ઘાલી ખાવાથી ઊલટી થઈ વિષ ઉતરે છે. પ્રથમ પાનથી ઊલટી ન થાય તો બે ત્રણ ખાવાં એટલે ઉલટી થશે. ખાવાના પાનમાં કાળાં પાન અને ડીંટાં પાન એવી બે જાત છે. કાળાં પાન ચરચરિત અને ઘણાં ગરમ મનાય છે. રેચ આપવામાં એનો ઉપયોગ થાય છે. ડીંટાં પાને કે જે કપૂરી કહેવાય છે, તે મૃદુ અને સૌમ્ય ગણાય છે. રામટેક પાસે પાન ઘણાં ઉત્તમ થાય છે. તે પાન ઘણા દિવસ રહે તોપણ સુકાતાં નથી. લીલાં પાન કરતાં પાકેલાં પાન ખાવામાં સારાં તેમ જ ગણવાળાં પણ વધારે મનાય છે. પાન વીર્યવૃદ્ધિકર, કામોદ્દીપક, રુચિકર અને કાંતિકર છે. તાંબૂલના અતિ સેવનથી પિત્ત, દંતદૌર્બલ્ય, નેત્રરોગ, બલક્ષય અને મુખરોગ ઉત્પન્ન થાય છે. ગભિણી તેમ જ બાળકને પાન આપવું નહિ. તે વેલ તીખી, તીક્ષ્ણ, રુચિકર, કડવી, અગ્નિદીપક, દાહકારક, કામોદ્દીપક, સારક, ઉષ્ણ, તૂરી, ખારી, વિષદ, રક્તપિત્તહાકર, બલકર, લઘુ, ઋક્ષ, સ્વરપ્રદ, મુખશુદ્ધિકારક તથા મુખને શોભાવનારી અને પીનસ, ઉધરસ, કફ, વાત, શ્રમ, કૃમિ, વાતરક્ત, ભ્રમ, કલેદ તથા કંડૂ મટાડનાર મનાય છે. આ એક જાતની પીળી વેલ છે. તેને કાપીને ઝાડ ઉપર નાખવામાં આવે તો ઝાડનો રસ પીને તે લીલી રહે છે અને ઝાડને સૂકવી નાખે છે. સસણીમાં છોકરાંની છાતી ઉપર પાનનો શેક ગુણકારી મનાય છે. બીજી દવાઓ સાથે તેનો રસ અનુપાન તરીકે અપાય છે. પાનમાંથી ચેવિકોલ નામનો એક કાર્બોલિક એસિડ જેવો પણ તેનાથી પાંચ ગણો જંતુધ્ન પદાર્થ નીકળે છે. તેનાં પાન ગરમ કરીને સ્તન ઉપર મૂકવાથી ધાવણ સૂકવી નાખે છે. પાનનો રસ કાનમાં નાખવાથી ચસકા બંધ થાય છે.
રૂઢિપ્રયોગ
નાગરવેલું પાન = એક જાતનું વેલનું પાંદડું; તાંબૂલ. આ પાનની સારામાં સારી જાત દક્ષિણ હિંદુસ્તાનમાં જ્યાં ઘણો વરસાદ પડે છે ત્યાં તથા પૂના તરફ જ્યાં થોડો વરસાદ પડે છે ત્યાં સારાં થાય છે. નાગરવેલના વાવેતર માટે જમીન ઘણી ફળદ્રુપ જોઈએ. રેતીના કાપવાળી તદ્દન નવી જમીનમાં કે જ્યાં પાણી મળતું ન હોય તેમાં વાવેતર સારૂં થાય છે. નાગરવેલને ખૂબ પાણી જોઈએ છે. વરસાદની ઋતુ ગયા પછી જમીનને દોઢ ફૂટ ઊંડી ખોદી તેમાં પાંદડાનું તથા છાણનું ગળતિયું ખાતર ખૂબ ભરવું. પછી દોઢ દોઢ ફૂટને અંતરે એક પાળો ને એક ગટર કરી પાળા ઉપર નાગરવેલનાં કટિંગ વાવવાં અને ગટરમાં પાણી છોડવું. દર વર્ષે પાણીની ગટર છ છ ઇંચ ઊંડી ઉતારવી. તેમાંથી જે માટી નીકળે તે નાગરવેલના પાળા ઉપર નાખવી. ગટર અને પાળાની કિનારી ઉપર અગથિયાં રોપી જવાં. અગથિયાં જેમ મોટાં થાય તેમ તેને નાગરવેલનો વેલો વીંટળાઈને છાંયો કરે છે. નાગરવેલના વાવેતરને ફરતી બહુ મજબૂત વાડ કરવી. ચોમાસું ગયા બાદ તરત અગથિયાં નાખી રોપી દેવાં અને ઓગસ્ટમાં નાગરવેલનાં પાનના કટકા રોપવા. નવ નવ ઇંચ લાંબા કટકા લેવા, જેમાંના આઠ ઇંચ જમીનમાં આડા નાખવા અને એક ઇંચ ઉપર ખુલ્લા રાખવા. અગથિયાના થડમાં નાગરવેલના કટકા રોપવા. દોઢ ફૂટને અંતરે હારમાં વેલના કટકા રોપવા. દશ દિવસ સુધી લગોલગ પાણી પાવું. નવાં મૂળ મૂક્યા પછી દર ત્રીજે દિવસે પાણી પાવું, તથા જેમ વેલા મોટા થાય તેમ પાણી પાવાની મુદ્દત લંબાવતા જવું. ચોમાસામાં વરસાદ થોડો આવે તો કોશ જોડીને પણ પાણી પાવું. નાગરવેલ અગથિયા ઉપર ચડવા માટે વાંસ કે લાકડીના ટેકા મૂકવા. ઘાસ વગેરે નીંદી સાફ કરવું. અગથિયાની ડાળી ને પાતરાં વધારે ફેલાવા દેવાં નહિ. નાગરવેલને છાંયો રહે તેટલાં રાખી બાકીનાં કાપી નાખવાં. દરેક ઉનાળામાં જમીન ગોડી નવી માટી પૂરવી તથા ખાતર નાખવું.ચોમાસું ગયા પછી પણ ખાતર પાણીની બહોળી માવજત રાખવામાં આવે તો બીજે વર્ષે પાન સારાં આવે. પણ ત્રીજે વરસથી પાન ચૂંટવા માંડવાં એ વધારે સારૂં છે. સારી સંભાળ રાખવામાં આવે તો દશ વરસ સુધી પાન આવ્યા કરે છે. દર ચોમાસામાં અગથિયા ઉપરથી વેલા નીચે ઉતારી વાળીને અરધા જમીનમાં દાબવા, એટલે ફરી ફૂટ થઈ વેલ જામશે.
|