| 3 |
[ સં. જ્ઞાતિ ] |
स्त्री. |
અમુક રીતરિવાજો અને ધર્મ વગેરેને લીધે હિંદુઓમાં પડેલા જે નાના મોટા લોકસમુદાય તે; જ્ઞાતિ; અમુક ગામ, દેશ વગેરે ઉપરથી એકસરખી રહેણીકરણીના લોકોનો સંસારવ્યવહારના નિભાવ માટે બંધાયેલો જથ્થો; કુળ, વાડા કે વર્ગનો લોકસમૂહ. બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, સોની, કણબી, લોહાણા, ભાટિયા, કડિયા, સુતાર, મોચી, વાળંદ, ભંગી, ચમાર વગેરે તેના નમૂના છે. નાત મૂળે ગામડાંની સંસ્થા છે. શહેરમાં એનું જન્મસ્થાન નથી. હિંદુસ્તાનમાં પારસી અને એંગ્લો ઇન્ડિઅન સિવાય બધામાં નાતો છે. મુસલમાનોમાં પણ શેખ, સૈયદ, પઠાણ વગેરે નાતો છે. નાતની પ્રથા અને ગામડાં વચ્ચે કાર્યકારણ જેવો સંબંધ છે. જમવા અથવા કન્યા આપવા લેવાના સંબંધને માટે જોડાયેલા જનસમૂહને નાત કહે છે. જે પદાર્થ અથવા પ્રાણી સરખા ગુણવાળાં હોય છે તેને માટે જાત શબ્દ વપરાય છે. નાત શબ્દથી અમુક પ્રકારના વ્યવહારનું જ્ઞાન થાય છે. જાત શબ્દથી તેમ થતું નથી, પણ અમુક પ્રકારના ગુણોનાં સામાન્યપણાનું જ્ઞાન થાય છે. જાતમાં નાતનો સમાવેશ થાય પણ નાતમાં જાતનો સઘળી રીતે સમાવેશ થતો નથી. નાત શબ્દ પ્રાણીઓના અને મુખ્યત્વે માણસના સમૂહને માટે વપરાય છે. જાત બીજા પદાર્થો માટે વપરાય છે. વ્યસન તથા સરખી ખોડવાળાં માણસો માટે નાત વપરાય છે, જાત શબ્દ વપરાતો નથી.
રૂઢિપ્રયોગ
૧. નાત કરવી-જમાડવી = જ્ઞાતિનાં બધાં માણસોને ભોજન આપવું.
૨. નાત ગંગાનો પ્રવાહ છે = નાતના માણસોનો સમુદાય જ્યારે એકત્રિત થાય ત્યારે તે પવિત્ર મનાય છે.
૩. નાત નાતનું ખાય-નાતે નાતનું વરે ને મુસાભાઈનાં વાપાણી = પારકાને ખર્ચે પોતાનું કાર્ય સાધવું. આ સંબંધમાં વાર્તા છે કેઃ એક ગામમાં મુસાભાઈ નામે એક ઘાંચી રહેતો હતો. તે ઘાણી પીલી તેલ વેચી પોતાનું ગુજરાત ચલાવતો. પોતાનો વહેવાર માંડમાંડ નિભાવતો. ગામમાં કોઈ વખતે મુસાભાઈને પૈસાની જરૂર પડે તો કોઈ આપતું નહિ. તેવામાં મુસાભાઈની મા ગુજરી ગયાં. ગામમાં ઘાંચીના ઘર પંદરેક હતાં. સગાંસંબંધીઓમાં મુસાભાઈની આબરૂ ઠીક હતી. સૌ ભાઈઓ ભેગા થયા અને ઠરાવ કર્યો કે, મુસાભાઈની મા ગુજરી ગયા, છતાં મુસાભાઈ તેનો દાડો કરતો નથી. તે ખાવા માટે બધે આવે છે અને ખવરાવવા વખતે ના પાડે છે, તે કેમ ચલાવાય ? માટે જો તે દાડો ન કરે તો તેનો વહેવાર આજથી બંધ કરવો. મુસાભાઈ મૂંઝાણો. તેણે વિચાર કર્યો કે, થાય તે થાય, પણ દાડો કર્યા સિવાય છૂટકો નથી. તેણે કહ્યું કે, મારે દાડો કરવો છે, મારે સૌને જમાડવાં છે, પરંતુ મારૂં ઘર ગરીબ છે, ઘરમાં કાંઈ ઠામવાસણ પણ નથી. સૌને જમાડવાં શેમાં ? સૌ આનંદથી બોલી ઊઠ્યા કે ઠામવાસણમાં શું મૂંઝાઈ ગયો ? અમારા ઘરમાં ઠામવાસણ છે તે કોનાં છે ? નાતનો માલ નાત ન વાપરે ત્યારે કોણ વાપરે ? મુસાભાઈએ તો દાડાની તૈયારી કરવા માંડી. બધા ભાઈઓને ત્યાંથી જોઈએ તે કરતાં વધારે ઠામવાસણ લાવ્યો. રસોઈ માટે જોઈએ તેટલાં રાખી બાકીનાં એક શેઠને ત્યાં ગીરો મૂકી પૈસા ઉપાડ્યા અને જોઈએ તેટલો માલ લાવ્યો. જાતજાતની મીઠાઈઓ બનાવી, જુદી જુદી જાતનાં ફરસાણ તૈયાર કરાવ્યાં. સૌને જમવા બોલાવ્યાં. સૌ જમવા બેઠાં. ઉનાળો હતો તેથી ગરમી વિશેષ પડતી હતી. સૌને અકળામણ થવા માંડી. મુસાભાઈએ વિચાર્યું, નાત ક્યાંથી ? સેવા કરવાનો આવો અવસર બીજો નહિ મળે. મુસાભાઈ તો ખડે પગે ઊભા રહી ભીનું ધોતિયું કરી સૌને પવન નાખવા માંડ્યાં. પવન નાખતા જાય અને કહેતા જાય, ભાઈઓ, ઉતાવળ કરતા નહિ, પેટ ભરીને જમજો. નાતનું છે અને નાતને ખાવું છે. નાતનો માલ નાતને કામ ન આવે તો બીજા કોને આવે ? માટે જરાયે ગભરાશો નહિ. આ તો આપણી નાત ભલી છે અને મારી મદદે દોડી આવી, નહિ તો મારા જેવો દૂબળો માણસ શું કરી શકે ? એટલે ખરી હકીકત તો એ છે કે, નાત નાતનું જમે છે અને મુસાભાઈનાં તો વાપાણી છે. મુસાભાઈ હસતા હસતા આમ કહેતા જાય અને લોકો આનંદમાં આવી વધારે વધારે જમતા જાય. જમીને સૌ સૌને ઘેર ગયાં. થોડા દિવસ પછી બધા વાસણની ઉઘરાણીએ આવ્યા. ત્યારે મુસાભાઈએ ઠંડે કોઠે જવાબ આપ્યો કે વાસણ તો શેઠની દુકાને પડ્યાં છે. જેને જોઈતાં હોય તે પૈસા ભરીને લઈ આવે. બધાએ ગુસ્સે થઈને પૂછ્યું, અરે બદમાશ, એ ઠામ અમે તને ક્યાં ગીરો મૂકવાં માટે આપ્યાં હતાં ? મુસાભાઇએ કાયદો અને તર્કશાસ્ત્ર એ બંનેનો આશ્રય લઈ પોતાનો બચાવ કર્યો કે હા, એ વાત ખરી કે વાસણ ગીરો મૂકવા માટે તમોએ મને સ્પષ્ટ કહ્યું નહોતું, છતાં તમોએ એમ પણ ક્યાં કહ્યું હતું કે એ વાસણ માત્ર રસોઈ માટે જ કામમાં લેવાનાં છે. તદુપરાંત તમોએ જ એમ કહ્યું હતું કે, નાતનો માલ નાતને કામ ન આવે તો કોને આવે ? તેથી નાતનો માલ હતો અને નાત જમાડવા માટે મેં તેનો ઉપયોગ કર્યો છે, તેમાં શું ખોટું કર્યું છે ? નાતભાઈઓ બધા ગુસ્સે તો ખૂબ થયા, પરંતુ કંઈ વળે તેમ નહતું, તેથી સૌ સૌને ઘેર ગયા.
૪. નાતનું નોતરૂં અને પરબનું પાણી એમાં સપાડું શું ? = ગોદો મારવો અને ખાવો; જમવું અને જમાડવું એમાં ઉપકાર કે સપાડા જેવું કંઈ હોય જ નહિ. તેવી રીતે નાતનું છોકરૂં નાતમાં વરે એ બંનેને માટે જન્મસિદ્ધ હક્કને અનુસરીને છે. તેમાં કોઈ કોઈના ઉપર ઉપકાર કરતું નથી.
૫. નાતનું બંધારણ = નાતના રીતરિવાજ.
૬. નાતે થાય તે નાણે ન થાય = સંબંધના યોગે કરીને જ કાર્ય થઈ શકે છે તે પૈસાથી પણ થઈ શકતું નથી.
૭. નાતે મરવું અને નાતે તરવું = શુભ અને અશુભ કાર્યો નાતની સાથે જ રહીને પતાવવાં; નાતના સહકારથી અને નાતના સંગાથમાં જ શુભ અશુભ કાર્યો કરવાં.
|