| 1 |
[ સં. ] |
न. |
જીવાત્મા; શરીરમાં રહેલું ચૈતન્યત્ત્વ. પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એવા તેના દશ પ્રકાર છે. પહેલાં પાંચ મુખ્ય પ્રાણ અને બીજા પાંચ ઉપપ્રાણ કહેવાય છે. તેમનાં સ્થાન અનુક્રમે હૃદય, ગુદા, નાભિ, કંઠ, શરીરની રક્તવાહિનીઓ, નાભિનો ઉપલો ભાગ, આંખનાં પોપચાં, પકવાશય, કંઠનો નીચલો ભાગ અને શરીરનાં પાર્થિવ પરમાણુઓ છે. પ્રાણ શ્વાસોચ્છવાસ અને ભૂખતરસનું નિયમન કરે છે. અપાન મળમૂત્રને નીચે લઈ જાય છે. સમાન ખાધેલપીધેલ અન્નજળને પાચનયોગ્ય સમ બનાવે છે. ઉદાન શરીરને ધારણ કરી રાખે છે. વ્યાન રક્તને ગતિ આપે છે. નાગ ઓડકાર લાવે છે. કૂર્મ આંખ મિચાવે તથા ઉઘાડે છે. કૃકલ છીંક લાવે છે. દેવદત્ત બગાસાં ખવરાવે છે અને ધનંજય મૃત શરીરને ફુલાવે છે. નાસિકાના ડાબા છિદ્રમાંથી જ્યારે શ્વાસોચ્છવાસની ગતિ હોય ત્યારે ઇડા નાડી વહે છે એમ જાણવું. જમણા છિદ્રમાંથી જ્યારે શ્વાસોચ્છવાસની ગતિ થતી હોય ત્યારે પિંગળા નાડી વહે છે એમ જાણવું અને જ્યારે બંને છિદ્રમાંથી શ્વાસોચ્છવાસની ગતિ સરખી થતી હોય ત્યારે સુષુમ્ણા નાડી વહે છે એમ જાણવું. આ ત્રણ નાડીઓને ક્રમથી ગંગા, યમુના અને સરસ્વતી પણ કહેવામાં આવે છે. શરીરની અંદરનો પવન ઘણે ભાગે નાકની બહાર બાર આંગળ જાય છે. તે પવનનો કેવળ કુંભ દ્વારા નિરોધ કરવાથી યોગીને સમાધિલાભ થાય છે. પ્રાણની આ પ્રમાણેની બાર આંગળ ગતિ યોગાભ્યાસથી ઓછી કરી શકાય છે. એક આંગળ ઓછી કરવાથી તે યોગાભ્યાસથી નિષ્કામતા પ્રાપ્ત થાય, બે આંગળ ઓછી કરવાથી સ્વાભાવિક આનંદની કાંઈક પ્રાપ્તિ થાય, ત્રણ આંગળ ઓછી કરવાથી કાવ્ય કરવાની શક્તિની પ્રાપ્તિ થાય, ચાર આંગળ ઓછી કરવાથી વાચાસિદ્ધિની પ્રાપ્તિ થાય, પાંચ આંગળ ઓછી કરવાથી દૂરદષ્ટિની પ્રાપ્તિ થાય, છ આંગળ ઓછી કરવાથી આકાશગમનની પ્રાપ્તિ થાય, સાત આંગળ ઓછી કરવાથી તીવ્ર વેગની પ્રાપ્તિ થાય, આઠ આંગળ ઓછી કરવાથી અણિમાદિ અષ્ટસિદ્ધિઓની પ્રાપ્તિ થાય, નવ આંગળ ઓછી કરવાથી મહાપદ્મ, પદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ, ખર્વ એ કુબેરની નવનિધિની પ્રાપ્તિ થાય. દશ આંગળ ઓછી કરવાથી તેને દશ પ્રકારનાં સ્વરૂપની પ્રાપ્તિ થાય.દશ પ્રકારનાં સ્વરૂપના વિષ્ણુના દશ પ્રકારના અવતારનાં સ્વરૂપ અથવા દશ પ્રકારની દિશાનાં સ્વરૂપ એવા બે અર્થ છે. અગિયાર આંગળ ઓછી કરવાથી છાયાની નિવૃત્તિની પ્રાપ્તિ થાય અને બાર આંગળ ઓછી કરવાથી હંસગતિની એટલે જીવના સાચા સ્વરૂપની પ્રાપ્તિ અને ચંદ્રામૃતરસનું પાન પ્રાપ્ત થાય એમ મનાય છે.
|