| 3 |
|
न. |
પતંગિયું; નાના ફૂલ જેવું જીવડું; પાંખોવાળું નાનું રંગબેરંગી જીવડું. કીટકશાસ્ત્રીઓએ એક લાખ જાતનાં ફૂદાં કે પતંગિયાંની ઓળખાણ કરી છે. પતંગિયું પણ મહાન યોગી છે. ફૂલના રસ સિવાય તેને કાંઈ ખપે નહિ. છોડવે છોડવે ઊડે અને ફૂલના રસ ચૂસે. ફૂલમાંથી મધ ચૂસવા માટે તેને લાંબી સૂંઢ હોય છે. જેવાં ફૂલ તેવી તેની સૂંઢ. મોટા ફૂલમાંથી રસ ચૂસતા પતંગિયાંને નાની સૂંઢ હોય છે. કેટલીક જાતનાં પતંગિયાંની સૂંઢ તો ૫,૬ ઇંચ જેટલી લાંબી હોય છે. મૂછ કે સ્પર્શેન્દ્રિય તો દરેક પતંગિયાને હોય છે, પણ જાતજાતનાં પતંગિયાંઓને મૂછ પણ જાતજાતની હોય છે. કોઈને નાની તો કોઈને માટી મૂછો. મૂછો પાસે બે મોટી અને બેથી વધારે નાની આંખો હોય છે. પતંગિયાના સૌંદર્યનો ઘણોખરો આધાર તેની પાંખો ઉપર હોય છે. કુદરતે પોતાની બધી કળા વાપરીને પતંગિયાની પાંખમાં રંગ પૂર્યો છે. પાંખો કંઈક ત્રિકોણાકાર હોય છે. પાછલી પાંખો કરતાં આગલી પાંખો સહેજ મોટી હોય છે. પગ તો પતંગિયાં વાપરતાં જ નથી, તેથી તેના પગ સાવ નાના અને નબળા હોય છે. છાતી અને પેટ ઉપર બંને બાજુએ તેને ઝીણાં ઝીણાં છિદ્રો હોય છે. તેના વડે તે શ્વાસ લે છે. દરેક જાતના જીવડાં આમ પેટથી શ્વાસ લે છે. આમ દેખાવમાં પતંગિયાં ખૂબ નિર્દોષ જણાય છે, પણ તેની ઇયળો વનસ્પતિને ખૂબ નુકસાન કરે છે. કોઈ પાન ખાય, તો કોઈ ફૂલ ખાય. કેટલીક જાતની ઇયળો થડને અંદરથી કોરી ખાઈને આખા છોડને મારી નાંખે છે. કેટલીક જાત ફળ પણ બગાડે છે. ઘરમાં સંગ્રહી રાખેલ અનાજને પણ ઇયળો નુકસાન પહોંચાડે છે. ઇયળો વનસ્પતિ સાથે એકરૂપ થવાથી પંખીઓ જોઈ શકતાં નથી, તેથી તેમનો બચાવ થાય છે. પતંગિયાં પોતાનાં ઈંડાં પોતાની પસંદગીના છોડ ઉપર જ મૂકે છે. ઇયળ જે વનસ્પતિ ખાય, તે છોડ ઉપર જ પતંગિયું ઈંડાં મૂકે. દરેક જાતની ઇયળના ખોરાક પણ જુદા જુદા. કોબીજની ઇયળ રીંગણીનાં પાન ન ખાય. એક છોડની ઇયળ બીજી જાતના છોડ ઉપર ન જીવી શકે. દરેકની ઈંડાં મૂકવાની રીત પણ જુદી જુદી. કોઈ છોડવે છોડવે છૂટાં છૂટાં ઈંડાં મૂકે, તો કોઈ હારબંધ કે ગોળાકાર સંખ્યાબંધ ઈંડાં મૂકે. ઈંડાંના રૂપ રંગ પણ જોવા જેવા. કોઈ ગોળ તો કોઈ લંબગોળ, કોઈ ચપટાં તો કોઈ ઊપસેલાં, કોઈ નજરે ન દેખી શકાય તેવા ઝીણાં તો કોઈ રાઈના દાણા જેવડાં. મોટાં પક્ષીઓ ઈંડા મૂક્યા પછી તેને સેવે છે, પણ પતંગિયાં ઈંડાંની તેવી રીતે દરકાર કરતાં નથી. ઇયળને માથાનો એક, છાતીના ત્રણ અને પેટના દશ સાંધા હોય છે. માથામાં મોં, આંખ અને મૂછ હોય છે. છાતીના દરેક સાંધા ઉપર એક જોડ એમ કુલ ત્રણ જોડ પગ હોય છે. દરેક જાતની ઇયળનાં રંગ અને કદ જુદાં જુદાં હોય છે. કેટલીક જાતની ઇયળોને શરીર ઉપર લાંબા લાંબા વાળ હોય છે. કેટલીકને શીંગડાં જેવો ભાગ થાય છે. ઇયળ અવસ્થા પૂરી થયા પછી તે કોશેટો કરે છે. કોશેટો જમીનમાં, પાન ઉપર, ફળમાં કે થડમાં જ્યાં જેને ફાવે તેમ કરે છે. જેમ પતંગિયાં, તેમનાં ઈંડાં અને ઇયળો અનેક જાતનાં, તેમ તેના કોશેટા પણ રંગરંગના. કેટલાક તદૃન સાદા તો કેટલાક સુંદર. કોશેટામાં ઇયળમાંથી ફૂદું થાય એટલે કોશેટો તોડીને બહાર આવે. ધીમે ધીમે પગ, પાંખ અને અંગ છૂટાં કરે. આમ પતંગિયાંનો જીવનક્રમ ચાલ્યા કરે. પતંગિયાંએ મૂકેલા બધાં ઈંડાંમાંથી પતંગિયાં થાય તો બીજાં પ્રાણીઓને રહેવાની જગ્યા ન મળે. એક એક પતંગિયું પાંચસોથી હજાર જેટલાં ઈંડાં મૂકે છે, પણ વરસાદ, તાપ, પવન, પક્ષીઓ, બીજાં જીવડાંઓ ઈંડાં ઓછાં કરે છે. ઘણી ઇયળો ખોરાક ન મળવાથી મરે, વરસાદ, તાપ, પવન, ઠંડી, કાબર, ચકલાં વગેરે પંખીઓથી મરે. કોશેટા અવસ્થામાં પણ એ જ મુસીબતો હોય છે. આમ પતંગિયાંની વસતી વધી જતી અટકે. આમ તો આપણે ફૂદાં અને પતંગિયાં વચ્ચે કોઈ ફેર પાડતા નથી. ખરી રીતે તો બંને વચ્ચે થોડો ફેર છે. પતંગિયાં ફક્ત દિવસે જ ઊડે છે અને ફૂદાં રાત્રે ઊડે છે અને દિવસે છૂપાઈ રહે છે. રાતે ફાનસ કે બત્તી પાસે આવે તે ઘણાંખરાં ફૂદાં હોય છે. ફૂદાં દિવસે ન જોઈ શકે. ફૂદું હમેશ પાંખો પહોળી રાખીને બેસે છે. પતંગિયું પીઠ ઉપર પાંખ બીડીને બેસે છે.
|