पुं.
મહિસુરમાં આવેલો એ નામે એક પર્વત. મહિસુરમાં તે સૌથી ઊંચો પર્વત છે અને વીસ માઈલ સુધી તે લંબાયેલો છે. પોતાની સૌંદર્યમયતા માટે તે ખૂબ જ પ્રખ્યાત છે. આ પર્વતનું પૌરાણિક સમયનું નામ ચંદ્રદ્રોણ પર્વત હતું, કેમકે તેનો આકાર ઘોડાની નાલને મળતો આવે છે. હાલનું તેનું નામ બાબાબદન નામના એક મુસ્લિમ સંતના નામ ઉપરથી પડેલું છે. પર્વત ઉપર જતાં અર્ધે રસ્તે પિતાગુફા નામે એક ગુફા આવે છે. આ સ્થાન હિંદુ તેમ જ મુસ્લિમ બંને માટે એકસરખું માન્ય થઈ પડેલું છે. મુસલમાનો માટે તે હજરત દાદા હૈયત મીર કલંદર નામે એક મહાન સંતની કબર ગણાય છે. મુસલમાન લોકો તેને દક્ષિણનું મક્કા કહીને માન અને પૂજ્યભાવથી સંબોધે છે. હિંદુઓની દૃષ્ટિએ તે જ સ્થાનને ગુરુ દત્તાત્રેયની ગાદી તરીકે ગણવામાં આવે છે અને એમ પણ માનવામાં આવે છે કે, તે દત્તાત્રેય ભગવાન જન્મ ધારણ કરી પ્રલયકાળને વખતે જગતની અંધાધૂંધીનો અંત લાવી શાંતિ અને વ્યવસ્થા સ્થાપશે. આ ગુફાની ઊંચાઈ માત્ર પાંચ ફૂટની આસપાસમાં છે. તેમાં પ્રવેશ કરતી વખતે બીજી વધુ કબરો પણ જોવા મળે છે. વળી છેવટના ખૂણામાં એક દૈવી ઝરણું છે. તેનું પાણી આરોગ્યપ્રદ ગણાય છે. ગુફાના એક ખૂણામાં એક ઓટલા ઉપર રૂપાની બનાવટની પાદુકાની એક જોડી નજરે પડે છે. મુસ્લિમો તેને મીર કલંદર સાહેબની પાદુકાઓ ગણે છે; હિંદુઓ તેને ભાવિ ગુરુ દત્તાત્રેયની ચરણપાદુકાઓ માને છે. આ ગુફાની દક્ષિણે એક બીજી નાની ગુફા આવેલી છે. તેમાં એક દ્વાર આવેલું છે. તે આપણને એક ભૂગર્ભ માર્ગના મુખ આગળ લઈ જાય છે. તેને મક્કાદ્વાર તરીકે ઓળખવામાં આવે છે અને વંશપરંપરાથી એમ મનાતું આવે છે કે, મક્કા જવાના ભૂગર્ભમાર્ગની અહીંથી જ શરૂઆત થાય છે. આ ગુફાનો સંચાલક એક મુસલમાન ફકીર હોય છે. તે હિંદુ તેમ જ મુસ્લિમ બંને યાત્રીઓની સગવડ સાચવે છે અને તેમની દેખભાળ કરે છે. અહીં નૈવેદ્ય તરીકે સામાન્ય રીતે સાકર, મીઠાઈ, કેળાં અને નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. ધૂપ પણ અહીં ખૂબ વપરાય છે. આ પિતાગુફાની વ્યવસ્થા કરવા માટે એક મઠ છે. તેના ઉપરી તરીકે એક સ્વામીની પસંદગી કરવામાં આવે છે. આ સ્વામી હમેશ મુસલમાન જ હોય છે. તે પરણેલ અને સૈયદ કુટુંબમાંથી પસંદ કરેલ હોય છે. આને સ્વામી કહો કે ફકીર કહો; તેના હોદ્દાનું નામ હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિના વિચિત્ર મિશ્રણથી યુક્ત છે. તે આ પ્રમાણે છેઃ શ્રી દત્તાત્રેય સ્વામી બાબાબદન સ્વામી જગદ્ગુરુ. આ પર્વત અને આ ગુફા વિષે હિંદુ તેમ જ મુસલમાનોમાં પ્રચલિત અનેક દંતકથા છે. તેવી જ દંતકથાઓ ત્યાંનાં જંગલો અને ઝરણાંઓની બાબતમાં પણ સાંભળવા મળે છે. ગદાતીર્થ નામના એક ઝરણાની બાબતમાં એવી દંતકથા ફેલાયેલી છે કે, એક વાર પાંચ પાંડવો માતા કુંતા સાથે ફરતા ફરતા અહીં આવેલા. તૃષાથી વ્યાકુળ થતાં માતા કુંતાએ પાણી માગ્યું. ત્યારે પાંચે ભાઈઓમાં સૌથી વધુ બળવાન ભીમે પોતાની ગદા પૃથ્વી ઉપર પછાડી અને તાત્કાલિક ત્યાંથી પાણી વહેવા માંડ્યું. એ જ આ ગદાતીર્થ ઝરણું.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.