| 1 |
[ સં. બદરી ] |
स्त्री. |
બોરફળનું ઝાડ. આ ઝાડ શીતળ, રૂક્ષ તથા કડવું છે અને પિત્ત તેમ જ કફનો નાશ કરનાર મનાય છે. તેનાં ફળ મધુર, તૂરાં તથા ખાટાં હોય છે. પાકાં ફળ મધુર, ખાટાં, ઉષ્ણ, પાચન, લઘુ તથા રુચિકર છે અને અતિસાર, રક્તદોષ, શ્રમ તથા શોષનો નાશ કરે છે. તેનું લાકડું હળ, ગાડાં વગેરે કરવાના કામમાં આવે છે. પાંદડાં ગોળ હોય છે અને તે ઢોર ખાય છે. પાનમાં ત્રણથી પાંચ નસ હોય છે. વીંછીના વિષ ઉપર બોરડીનાં પાંદડાં દંશસ્થાને લગાવી પાટો બાંધવાથી પીડા ઓછી થતી મનાય છે. બોરડીને ઝીણા ઝીણા કાંટા થાય છે. તેનાં ફૂલ ઘણાં ઝીણાં થાય છે. તેનાં લૂમખામાં બોર બેસે છે. હિંદુસ્તાનમાં ખાસ બોરડીનું વાવેતર કરવામાં આવતું નથી, પરંતુ ખેતર અને જંગલમાં બીમાંથી પોતાની મેળે તે ઊગી નીકળે છે. બોરની જાતમાં જંગલી, વડબોર, ખાટાં બોર, ચણી બોર, કલમી, રાંદેરી, અજમેરી, બનારસી, જયપુરી વગેરે છે. કલમી બોરડી આંખ ચડાવી કરવાથી થાય છે. આંખ ચડાવવાની રીત આ પ્રમાણે છેઃ ગમે તેવડી મોટી ખાટી બોરડીનું ઝાડ હોય તેને જમીન ઉપરથી બેથી અઢી ફુટ થડ રાખી કરવતથી કાપી નાખવું અને કાપેલા ભાગ ઉપર પાણીમાં પલાળીને માટી ઢાંકી દેવી. થડથી નવી ડાળીઓ ફૂટવા માંડે છે. તે દરેક ડાળી આંગળી જેવડી જાડી થાય ત્યારે તેની છાલમાં ચાકુથી એક ઇંચ ઊભો તથા પા ઇંચ આડો છેકો દવો. આડો છેકો ઊભા છેકાથી ઉપર કરવો. પછી આંખ ચડાવવાના ચાકુથી છેકા દીધેલા ભાગની ડાળ ઊંચી કરવી અને તેમાં અજમેરી બોરનું પાતરૂં જે જગ્યાએ ફૂટે છે તે આંખનો ભાગ છાલ સહિત ચાકાથી કાપી લેવો અને ઉપરના છેકા કરેલા ભાગમાં લાગુ કરી સૂતળીથી બાંધી દેવો. બોરડી ઉપર આંખ ચડાવવાનું કામ વૈશાખ કે જેઠ મહિનામાં ખરેખરા તડકાની મોસમમાં કરવું. તે સિવાય બીજા મહિનામાં કલમી બોરની આંખ ચડતી નથી. આંખ બીજેથી મંગાવવી હોય, તો નદીના શેવાળમાં આંખોને વીંટવી. પછી ડબામાં પેક કરી મંગાવવાથી આબાદ આવે છે. બોરના રોપા કરવાની બીજી રીત એવી છે કે, બોરના ઠળિયા ક્યારમાં તાજા વાવી દેવા. તેને પાણી પાવાથી રોપા ફૂટી નીકળશે. આંગળી જેવા થડના રોપા થાય, ત્યારે તેમાં ઉપર બતાવેલી રીતે આંખ ચડાવવી. નાના રોપાને પાણી ક્યારામાં પાવાનું રાખવું. વિજ્ઞાનશાસ્ત્રીઓના મત મુજબ બીજા કોઈ ફળઝાડ સાથે આ ઝાડને કુટુંબસંબંધ નથી. આમ નૈસર્ગિક રીતે સંબંધ ન હોવાથી બીજાં ફળઝાડ સાથે એનો સંબંધ કલમ વગેરે ઉપચારોથી જોડી શકાય નહિ. છતાં હાલના જમાનામાં એક અમેરિકન ગૃહસ્થે ભિન્ન ભિન્ન વર્ગનાં ઝાડોનો કલમની રીતથી સંબંધ જોડ્યાંનું સાંભળવામાં આવ્યું છે. શક્તાલુ નામના ફળઝાડ ઉપર તેણે ગુલાબની તથા આલુની કલમ ફતેહમંદ કીધી છે અને એક જ ઝાડ ઉપર અમેરિકમાં થતાં સઘળાં ફળઝાડો કલમથી લાગુ કરવાનું બીડું ઝડપ્યું છે. ઉત્તર હિંદુસ્તાનમાં જયપુર, અજમેર, દિલ્હી, મથુરા, આગ્રા, લખનૌ, કાનપુર, લાહોર વગેરે તરફ કલમની બોરડીનાં ઘણાં મીઠાં અને સારાં બોર થાય છે. ઉત્તમ જાતનાં ખારેક આકારનાં લંબગોળ ને ગોળ બોર બહુ મીઠાં હોય છે. અજમેરી બોરડીનાં ઝાડ હોય તો તેની ડાળીઓ જમીનમાં દાબીને પણ તેવા રોપા કરી શકાય છે. જ્યાં ઘણો થોડો વરસાદ થાય છે. ત્યાં બોરડીનું વાવેતર ફતેહમંદ થાય છે. બોરડીમાં આસો કારતક મહિનામાં ફૂલ આવે છે અને ફાગણ ચૈત્રમાં બોર પાકવા લાગે છે. બોર વીણી લીધા પછી બોરડીની નાની ડાળીઓ કાપી નાખવી કે જેથી બીજે વરસે તેમાં સારાં બોર આવે છે. મોટાં બોરડીનાં ઝાડને ખાતરની કાંઈ જરૂર નથી. બોરડીનું આંખ ચડાવવાનું કામ ઉનાળામાં શરૂ કરાય છે ને જ્યાં થોડો વરસાદ હોય ત્યાં શિયાળામાં પણ થઈ શકે છે. બોરડી ગમે તેવી જમીનમાં થાય છે, પણ ચીકણી માટીમાં થતી નથી. બોરમાં જીવાત લાગુ પડે તે અટકાવવા બોરડીના થડને ચાર ફૂટ ફરતી, તેનાં ઝીણાં મૂળ દેખાય ત્યાંસુધી ચર ખોદી જવી ને તેમાં ચોમાસાની શરૂઆતમાં દરેક બોરડી દીઠ બે શેર મીઠું, દશ શેર એરંડીનો ખોળ, બે ટોપલા ગળતિયું ખાતર નાખી ચર પૂરી દેવી. ત્રણ વરસ સુધી આ ખાતર દેવાથી જીવાત થતી બંધ થશે. બોરડી એકબીજાથી વીશ વીશ ફૂટને અંતરે વાવવી. બોરડી વાવ્યા પછી કલમી હોય તો ત્રીજે વરસે અને રોપા હોય તો પાંચમે વરસે ફળે છે. અલવર અને રાધનપુરમાં સફરજન જેવડાં ગોળ બોર થાય છે. બોરડીનાં છાલ તથા લાખ ઔષધ તરીકે કામમાં આવે છે. બોરડીનાં મૂળિયાં તથા છાલ કોગળા કરવા માટે અપાય છે.
રૂઢિપ્રયોગ
૧. બોરડી ખંખેરવી-ઝંઝેડવી-ઝૂડવી = (૧) ગરીબને ઝૂડી લેવો. (૨) ઠપકો દેવો; ધમકાવવું; સપડાવવું. (૩) બળાત્કારે કોઈની પાસેથી કંઈ પડાવી લેવું. (૪) સારી પેઠે માર મારવો.
૨. બોરડીનાં પાંદડાં લેવાં = મૂઠિયાં મારવાં.
|