ભગવતસિંહજી

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

ગોંડલના એ નામના કોષકાર રાજવી. મહારાજા ભગવતસિંહજીનો જન્મ ગુજરાતી ભાષાના ઉદયકાળમાં સને ૧૮૬૫ના ૨૪મી ઓક્ટોબરે સારા યે સૌરાષ્ટ્રમાં સમૃદ્ધ ગણાતા ધોરાજી શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ સગ્રામજી ને માતાનું નામ મોંઘીબા હતું. કોષકાર ભગવતસિંહજી શ્રીકૃષ્ણ ભગવાનથી ઊતરી આવેલ ગૌરવશાળી જાડેજા રજપૂત હતા. શ્રીકૃષ્ણથી ૧૨૪મી પેઢીએ થઈ ગયેલ કુંભાજી પહેલાએ સને ૧૬૩૪માં ગોંડલની ગાદી સ્થાપી. તેમના પ્રપૌત્ર ભાકુંભાજીએ ગોંડલ રાજ્યની મર્યાદા ઘણી વિસ્તારી. ભાકુંભાજીએ કાઠિયાવાડનું કાળજું કોરીને ગોંડલ રચ્યું. તેમાં કેળવણી અને સંસ્કારથી પ્રાણસંચાર મહારાજા ભગવતે કર્યો. નવ વર્ષની ઉમરે તેઓને રાજકોટની રાજકુમાર કોલેજમાં મોકલવામાં આવ્યા. કોલેજમાં દાખલ થયા પહેલાં તેમણે ગુજરાતી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મેળવી લીધું હતું. શિક્ષકોએ જોયું કે, ઠાકોર સાહેબ ઉમરના પ્રમાણમાં ઘણા જ વિચારશીલ છે અને પુસ્તકો તેમને ઘણાં જ પ્રિય છે. જ્યારે બીજા કુમારો રમતગમતમાં ભાગ લેતા હોય, ત્યારે તેઓ પોતાનો વખત પુસ્તકોમાં અથવા ચિત્રરેખા દોરવામાં ગાળતા. ડ્રોઈંગ અને ચિત્રરેખા દોરવામાં નિપુણ હોઈ તે બદલ તેમણે સારાં ઇનામો મેળવ્યાં હતાં. શિક્ષકો તેમને માટે ઘણાખરા વિષયોમાં સારા, ઘણા સારા અથવા ઉત્કૃષ્ટ એવા ઉચ્ચ અભિપ્રાયો આપતા અને દર વર્ષે મુખ્ય મુખ્ય ઇનામો તેમને જ મળતાં. તેમણે વધારાના વિષયો પણ રાખ્યા હતા. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા પછી સને ૧૮૮૩માં તેઓ યરપના પ્રવાસે ઊંચી કેળવણી લેવા માટે ગયા. આ પ્રવાસ વિષેની પોતાની નોંધપોથી ઈ. સ. ૧૮૮૫માં એમણે બહાર પાડી. તેમાં તેમનાં સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ, ઊંડો દેશપ્રેમ, સુધારક દૃષ્ટિ તથા ભૂતદયાથી દ્રવતા હૃદયનું પ્રત્યક્ષ દર્શન થાય છે. સ્થાનિક પ્રાકૃતિક સાધનોને ખીલવી દેશને આબાદ કરવાની ઉચ્ચ વૃત્તિ, પશ્ચિમના દેશો પાસેથી આપણે અને આપણી પાસેથી તેઓએ ગ્રહણ કરવો જોઇતો બોધ વગેરે બાબતોનાં વર્ણનો તેમાં જોવામાં આવે છે. પાણી પૂરૂં પાડવાની યોજનાઓ, બેંડ, છેલ્લામાં છેલ્લી ઢબના કારખાનાં, ખાણ વગેરે લોકોને સરળતા, સુખ કે આનંદ આપનારાં જે જે સાધનો તેમણે મુસાફરી દરમિયાન જોયાં, તે તે પોતાના સંસ્થાનમાં દાખલ કરવાનો તેમણે નિશ્ચય કર્યો અને ક્રમે ક્રમે અત્યારે ગોંડલમાં એ બધાં જોવામાં આવે છે. લીડ્ઝ અને લિવરપુલ જેવાં ઔદ્યોગિક અને વેપારી શહેરોની મુલાકાતથી તેમને હિંદની અર્થશાસ્ત્રવિષયક પદ્ધતિની ખામી જોવામાં આવી. કાચો માલ દેશની બહાર મોકલી તેના બદલામાં ઘણી વધેલી કીમતનો તૈયાર માલ લાવવા કરતાં હિંદમાં જેના તે સ્થળે કારખાનાં કાઢી સ્થાનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો દેશને ઘણો ફાયદો થાય તેમ તેમને લાગ્યું. વળી બધી બાબતોમાં હિંદ કરતાં ઇંગ્લંડ આગળ વધેલું તેમને લાગ્યું નહિ. તેમણે લખ્યું છે કે, આપણી દેશી રમતો જે થોડે ખરચે બધા અવયવોને પુષ્કળ કસરત આપે છે, તે પરદેશી ખર્ચાળ રમતો કરતાં ઘણી ઉત્તમ હોઈ પસંદ કરવા લાયક છે. એક સ્થળ મારકેટને બદલે હિંદી શબ્દ બજાર વાપેલો જોવામાં આવતાં તેઓએ લખ્યું છે કે, અંગ્રેજો હિંદી ભાષા કરતાં હિંદીઓને પોતાને વધારે ચાહતા થાય એ ઇચ્છવા જેવું છે. જ્યાંસુધી એવી ભાવના થશે નહિ, ત્યાંસુધી હિંદુસ્તાનમાં સુખના દિવસ આવશે નહિ. વળી તેઓ લખે છે કે, રાજાએ અને પ્રજાએ તેલ અને પાણીની માફક અલગ અલગ ન રહેવું જોઇએ, પણ રાજાએ પોતાનું અતડાપણું છોડી દઈ પ્રજાની સાથે છૂટથી ભળવાની પહેલ કરવી જોઇએ. લંડનની ઝૂઓલોજિકલ ગાર્ડન જોઇને તેમણે લખેલું છે કે, માણસ પોતે સ્વતંત્રતા ચાહનાર હોવાનો દાવો કરે છે, એમ છતાં પોતાની ગમ્મતને ખાતર તે પોતાથી ઊતરતા દરજ્જાનાં પ્રાણીઓને કેદમાં પૂરી રાખવાનું વલણ ધરાવે છે. આપણા અંગત આનંદને માટે પશુપંખીને પાંજરાંમાં પૂરી રાખવાં એ મને તો વાજબી લાગતું નથી. પારેવાં, પોપટ અને બીજાં નિર્દોષ પ્રાણીઓને રમતને ખાતર શિકાર કરવાની પદ્ધતિને તેમણે ધિક્કારી કાઢી. સેંટ જ્યોર્જિઝ હોસ્પિટલની મુલાકાત વખતે તેમણે લખેલું છે કે, મને તબીબી ધંધા માટે રુચિ છે. ગરીબ લોકોને દર્દમાંથી મુક્ત કરી અંગત સંતોષ મેળવવા માટે ડોક્ટર થવાની મને અનેક વાર ઇચ્છા થઈ છે. જો ડોક્ટર પોતાના ગજવા કરતાં દરદીની સંભાળરાખવાની વધારે કાળજી રાખે, તો તે ઘણો કલ્યાણકારી ધંધો છે. સમાજસુધારણાના ક્ષેત્રમાં પણ તેમના ઉમદા વિચારો દેખાઈ આવે છે. ઇંગ્લંડમાં સ્ત્રીઓને જે જાતનું સ્વાતંત્ર્ય આપવામાં આવે છે, તે સંબંધી તેઓ લખે છે કે, હિંદુ સ્ત્રીઓને વધુ સ્વાતંત્ર્ય આપવામાં આવે એ ઇચ્છવા યોગ્ય છે. પરંતુ અંગ્રેજ સ્ત્રીઓને જે હદ સુધી સ્વતંત્રતા આપવામાં આવે છે. તેટલી ઇષ્ટ નથી. પુરાતન કાળમાં હિંદી સ્ત્રીઓને જેટલું સ્વાતંત્ર્ય આપવામાં આવતું તેટલું જ અત્યારે અપાવું જોઇએ. ઓઝલ પડદાના રિવાજની વિરુદ્ધ તેમણે સખ્ત ટીકા કરી છે. તેઓ જોઈ શક્યા હતા કે, કેળવણી એ સુધારાની ચાવી છે. તેમાં યે સ્ત્રીકેળવણીને તેઓ પ્રધાનપદ આપતા. બાળલગ્નના રિવાજની વિરુદ્ધ તેઓ જણાવે છે કે, કન્યાઓ લગ્નનો અર્થ સમજતી થાય તેટલી ઉમરે પહોંચ્યા પછી જ લગ્ન થવાં જોઇએ. સગ્રામજી બાપુ ગુજરી ગયા ત્યારે તેમની ઉમર ચાર વર્ષની હતી. સને ૧૮૮૪માં સંયુક્ત કારભાર શરૂ થયો, ત્યારથી જ તેમને તક મળતી ત્યારે તેઓ ગામડાં અને લોકોને પરિચય કરવા આખા રાજ્યમાં મુસાફરી કરતા અને તે વખતે રેવન્યુ, પોલીસ અને ન્યાયકચેરીઓ, નિશાળો, દવાખાનાઓ અને એવી બીજી સંસ્થાઓની તેઓ મુલાકાત લેતા. તે જ સાલમાં તેમને સ્વતંત્ર સત્તા સોંપવામાં આવી. તે જ વરસે ધોરાજીમાં ફર્ગમન હોસ્પિટલનો પાયો નાખ્યો અને હુન્નરઉદ્યોગ તથા કલાને ઉત્તેજન આપવા ગોંડલમાં હુન્નરશાળા સ્થાપી. દરબારી ગઝેટની શરૂઆત પણ કરી દીધી. સને ૧૮૮૫ના જાન્યુઅરિની પહેલી તારીખે તેઓ મુંબઈ યુનિવર્સિટિના ફેલો નિમાયા. ધોરાજીમાં સગ્રામજી પાઠશાળા શરૂ થઈ ને ગોંડલમાં બાઈસાહેબબા નિરાશ્રિતગૃહ બંધાવ્યું. હજુ એમની જ્ઞાનપિપાસા શાંત થઈ નહોતી. વૈદ્યકીય જ્ઞાન માટે સને ૧૮૮૬માં તેઓ સ્કોટલંડ ગયા અને લાયકાતની રૂએ સ્થાન મળતાં તેઓ એડિનબરની યુનિવર્સિટિમાં જોડાયા. અહીં તેમણે વાઢકાપ, પાટાપિંડી આદિનું કામ અઢાર માસ સુધી જાતે કર્યું. રાજ્યના કામ અંગે અચાનક ગોંડલ પાછા ફરવાનું થતાં એડિનબરની સેનેટે તેમને માનપ્રદ એલ્એલ્.ડી.ની ડિગ્રી અર્પણ કરી. સને ૧૮૮૭માં મહારાણી વિક્ટોરિઅનો સુવર્ણ મહોત્સવ ઊજવાતાં કાઠિયાવડાના રાજવીઓના પ્રતિનિધિ તરીકે હાજરી આપી અને તે વખતે તેમને કે.સી. આઇ.ઇ. નો માનવંતો ખિતાબ મળ્યો. એ જ વખતે ધોરાજી પોરબંદર રેલવેની શરૂઆત થઈ. ગોંડલ પહેલા વર્ગમાં મુકાયું. આ વખતે પ્રજાએ આપેલ મુબારકબાદીના જવાબમાં તેમણે કહેલું કે, લોકોને સુખી કરવા, તેમની ફરિયાદો દૂર કરવી, તેઓનું પ્રજાકીય મહત્ત્વ વધારવું અને દેશનાં સાધનો ખીલવવાં એ રાજાની ફરજ છે એમ હું માનું છું. આ અરસામાં તેમણે વૃક્ષોને વધારવા જંગલખાતું ખોલ્યું. ખેડૂતોને ખેતીવિષયક જ્ઞાન આપવા ખેતીનો વર્ગ ખોલી, ફરતા ખેતી સ્નાતક ઉપદેશકો નીમ્યા. પોલીસ ખાતામાં પણ પોતપોતાના કામમાં પ્રવીણતા મેળવે માટે જવાબદાર, ફોજદાર વગેરેની પરીક્ષાઓ દાખલ કરી. પ્રજાને ઘરનો માલિકીહક્ક આપ્યો ને ટેલિફોનની સગવડ કરી. ધોરાજીમાં લેડિ રે કન્યાશાળા સ્થાપી. સને ૧૮૮૯માં રાણીશ્રી નંદકુંવરબાની તબિયત બગડતાં એડિનબર જવું પડ્યું. આ સમયનો સદુપયોગ કરી લેવા ફરીથી એડિનબર યુનિવર્સિટિમાં જોડાયા. અભ્યાસ પૂર્ણ થતાં તેમને એમ.બી.સી. એમ.અને એમ.આર.સી.પી.ની ડિગ્રીઓ મળી. ઓક્સફર્ડની ડી.સી.એલ.ની ડિગ્રી પણ તેણે મેળવી. ત્યાર બાદ મહારાણી સાથે અમેરિક, જપૅન, ચીન, ઓસ્ટ્રેલિઅ, સિલોન વગેરે દેશોની મુસાફરી કરી પાછા ફર્યા. સને ૧૮૮૭માં વિઘોટીનો હળવો દર નક્કી કરી દાખલ કર્યો ને ખેડૂતો જમીનના અઘાટ હક્કદાર બન્યા. સને ૧૮૯૩માં ખેતી ને હુન્નરઉદ્યોગના ઉત્તેજન અર્થે કૃષિકાળા ને ઉદ્યોગનું એક મોટું પ્રદર્શન ગોંડલમાં ભર્યું. તે વખતે તેમણે જણાવેલું કે ખેડૂતોની આબાદીમાં જ રાજ્યની સમૃદ્ધિ સમાયેલી છે. સને ૧૮૯૫માં પૂના ફર્ગસન કોલેજને મહારાજાએ રૂપિયા ૨૨,૫૦૦ની ઉદાર બક્ષિશ આપી. આને પરિણામે આજે પણ ગોંડલના દશ વિદ્યાર્થીઓ વગર ફીએ ફર્ગસન કોલેજમાં ભણી શકે છે ને ત્યાંના ભગવતસિંહજી ક્વાર્ટર્સમાં મફત રહી શકે છે. આ અરસામાં તેઓને એડિનબરની એફ.આર.સી.પી. ની ડિગ્રી મળી. આયુર્વેદનો સંક્ષિપ્ત ઇતિહાસ નામે પ્રાચીન આયુર્વેદ સંબંધી શોધખોળવાળો ભાવવાહી અને વિદ્વત્તાપૂર્ણ નિબંધ લખી એડિનબરની યુનિવર્સિટિને મોકલી આપ્યો અને તેથી યુનિવર્સિટિએ તેમને એમ.ડી.ની ડિગ્રી આપી. સને ૧૮૯૭માં મહારાણી વિક્ટોરીઅની ડાયમંડ જ્યુબિલિ વખતે કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી આપી અને તે વખતે તેમને જી.સી.આઈ.ઈ નો ઈલકાબ મળ્યો. સને ૧૮૯૯માં ભયંકર દુષ્કાળ વખતે દુકાળિયાં માટે આશ્રમો અને દવાખાનાં સ્થાપ્યાં. લાખો રૂપિયાનાં બાંધકામો કાઢ્યાં. વિઘોટીનો અમુક ભાગ માફ કરી અંગત નાણાંમાંથી પણ બક્ષિશો આપી. કૂવા, બળદ, ઘાસ, ઓજારો માટે લાખો રૂપિયા ધીર્યા. પરિણામે આખા રાજ્યમાં ભૂખમરાથી એકે મરણ થયું નહિ. ગ્રાસિયાના કુમારોને માટે ગોંડલમાં ગ્રાસિયા કોલેજ સ્થાપી. તે વખતે મહારાજાએ જણાવેલું કે, ભૂખમરાથી કોઈ પણ મરી જતું નથી, એ તપાસ રાખવી જેમ નાના મોટા દરેક રાજ્યની પવિત્ર ફરજ છે, બલ્કે તેમાં તેઓનું ઘણું હિત સમાયેલું છે, તેમ પ્રજાવર્ગનો કોઈ પણ ભાગ માનસિક ખોરાક એટલે કેળવણી વગ મૃતપ્રાય થતો નથી એ પણ જોતાં રહેવાનો દરેક દરેક રજ્યનો ધર્મ છે, એમ હું સમજું છું. સને ૧૯૦૦માં ઘાસચારાની તંગીને લીધે તમામ વીડીઓ સાર્વજનિક ઉપયોગ માટે ખુલ્લી મૂકી. સગ્રામજી હાઈ સ્કૂલ, મોંઘીબા હાઈ સ્કૂલ જેવાં ભવ્ય બાંધકામો થયાં. ૧૯૦૧ની સાલ પણ નબળી હોવાથી પાનેલીનું તળાવ રૂપિયા ચાર લાખને ખર્ચે બંધાવ્યું. આ વખતે કેળવણી ખાતું સાંભળી તેનાં બાંધકામો ને શિક્ષણસાધનો પાછળ લાખો રૂપિયાનું ખર્ચ કર્યું. સને ૧૯૦૩માં નિરાધાર અનાથ બાળકોનાં ભરણપોષણ, રક્ષણ અને કેળવણી માટે ભગવતસિંહજી બાલાશ્રમની સ્થાપના થઈ. તેમાં ધર્મ, જ્ઞાતિ કે સ્થળના ભેદ વગર અનાથ બાળકો ઊછરે છે અને કેળવણી ઉપરાંત હુન્નરઉદ્યોગનું જ્ઞાન મેળવી, સ્વતંત્ર જીવનનિર્વાહ ચલાવવા શક્તિમાન થાય છે. આજથી અર્ધી સદી પહેલાં અહીં હાથવણાટનો અસલી ઉદ્યોગ દાખલ કરાયો છે. સંવત ૧૯૭૧માં આ આશ્રમ જોઇને મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે: આ આશ્રમને જોઇ મારી આંખો ઠરી છે. તેની સ્વચ્છતા વગેરે બહુ સારાં લાગ્યાં. આશ્રમવાસીઓને સારૂ શાળ વગેરેનાં સાધનો છે તે દીર્ધદૃષ્ટિ સૂચવે છે. આશ્રમને દીર્ધાદાયુ ઇચ્છું છું. સને ૧૯૦૯માં ગોંડલની સમસ્ત પ્રજાએ મહારાજનો રાજતોત્સવ ઊજવ્યો. તે વખતે મહારાજએ કહેલું કે, વિધ્નો દૂર કરી સગવડતા પૂરી પાડવી એ રાજ્યની ફરજ છે અને પ્રજાએ પોતે કેળવણી, કળાકૌશલ્ય, હુન્નરઉદ્યોગ, વેપારવાણિજ્ય અને સમાજસુધારાની વિવિધ પ્રકારની પ્રગતિ સાધવી જોઇએ. સ્ત્રીઓની ઉન્નતિ માટે સને ૧૯૧૯માં મફત અને ફરજિયાત કન્યાકેળવણી શરૂ થઈ. કુમારી શ્રી લીલાબાનાં લગ્ન પ્રસંગે વિવિધ નવાઝિશો કરવા ઉપરાંત કોલેજમાં અભ્યાસ કરતી ગોંડલની ગમે તેટલી કન્યાઓ માટે લીંલાબા શિષ્યવૃત્તિની સ્થાપના કરી. સને ૧૯૨૬માં ગોંડલની વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, ગુજરાતી, પાઠ્યપુસ્તકમાળા, સંસ્કૃત, રાષ્ટ્રભાષા, ફારસી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સ્વાધ્યાયવલ્લી અને ઇતરવાચનમાળાઓ મળીને ૧૬૧ જેટલાં પ્રકાશનો થયાં. આ બધા માટે શિક્ષિત શિક્ષકો તૈયાર કરવા સને ૧૯૨૭માં ગોંડલ અધ્યાપન મંદિર સ્થપાયું. સને ૧૯૨૮માં ઓકટોબરની માસની પહેલી તારીખે ભગવદ્રોમંડલ નામના બૃહત્શબ્દકોષની શરૂઆત થઈ. મહારાજાએ જાતે શ્રમ લઈને, માતૃભાષાની અનન્ય સેવાનું આ મહાન કાર્ય કર્યું છે. ગુજરાતીમાં સર્વાંગસંપૂર્ણ કોષની ખામી મહારાજને ઘણા વખત થયાં સાલ્યા કરતી હતી. શરૂઆતમાં જ કોઈ પણ કોષમાં ન હોય તેવા વીશ હજાર જેટલા પોતે એકઠા કરેલ શબ્દો આપ્યા. આ ઉપરાંત પોતાના નિત્યના વાચનમાંથી, પ્રજાની અરજ ઉપરથી કે પછી ફરવા જતાં નજરમાં આવેલ વસ્તુઓ ઉપરથી રોજરોજ અવનવા શબ્દો તેમના તરફથી મળ્યા કરતા. સંગ્રહ કરેલ શબ્દોને તપાસવા, તેના અર્થ, જોડણી, વ્યાકરણ, વ્યુત્પત્તિ, અવતરણ, વિગતો વગેરે સંબંધી સૂચના કરવી, એક કરતાં વધારે વાર જાતે પ્રૂફ જોવાં, અક્ષર, ભાષા, ટાઈપ આદિની સૂચના આપવી, એ રીતે મહારાજા બહુ બારીકીથી આ કામમાં રસ લઈ સમય અને શ્રમનો ભોગ આપતા. આ રીતે એમના આ પ્રિય કાર્ય પાછળ તેમણે પોતાનાં તન, મન અને ધન અર્પણ કરેલ હતાં, એટલું જ નહિ પણ ૮૦ વર્ષની પાકી વયે અંતઘડી સુધી ગુર્જરી ગિરાને એક અમૂલ્ય મુકટમણિથી શણગારવા મહાન પ્રયાસો કર્યા છે. ભગવદ્રોમંડલ નામનો આ બૃહદ્ધ ગુજરાતી શબ્દોકોષ મહારાજાની સાહિત્યસેવામાં કલગીરૂપ છે. એમના સમયમાં થયેલાં ભવ્ય બાંધકામોનો આંકડો કરોડોનો થાય છે. બંને બાજુ છાયાતરુઓથી સુશોભિત સુંદર પાકી સડકો ને પુલો, હવાપ્રકાશવાળાં ગામડે ગામડે અને શહેરે શહેરે શોભતાં ભવ્ય શારદાલયો, પોલીસચોકીઓ ને દરવાજાઓ, દવાખાનાંઓ અને આશ્રમો એમની અમર કીર્તિરૂપી છે. નગરપુનર્રચના ને ગ્રામ્યસુધારણાથી પ્રજાનાં જીવન બદલી નાખ્યાંને સુખસગવડનાં સાધનો વધાર્યાં. સને ૧૯૩૪માં માધ્યમિક કેળવણી પણ મફત કરવામાં આવી. બિહાર અને કવેટાના ધરતીકંપ વખતે લાખ લાખ રૂપિયાની સખાવતોથી હિંદભરમાં ખ્યાતિ મેળવી. સને ૧૯૩૪માં ગોંડલની પ્રજાએ મહારાજાશ્રીનો સુવર્ણ મહોત્સવ ઘણાં જ ઉત્સાહથી ઊજવ્યો. તે વખતની સુવર્ણ તુલાવિધિનું બે લાખ રૂપિયાનું સોનું પ્રજાહિતનાં કાર્યોમાં વપરાયું. ગામડે ગામડે ને શહેર શહેરે કૂવા, અવેડા, પંપ, ઘાટ, તળાવો વગેરે જળાશયો બંધાવવામાં આવ્યાં. સને ૧૯૩૭માં શહેનશાહ જ્યોર્જ છઠ્ઠાએ જી.સી.એસ.આઈ.નો માનવંતો ખિતાબ આપ્યો. સને ૧૯૩૯માં અનાવૃષ્ટિથી દુષ્કાળ પડતાં ગોંડલની પ્રજાને ઉગારી લેવા રૂપિયા એક કરોડ વાપવાનો નિર્ણય કર્યો. તેમાંથી પ્રજાનાં પશુઓના નિભાવ અર્થે ગામડે ગામડે નીરણ નીરવાનો પ્રબંધ કર્યો. એકલું ઘાસ મંગાવવામાં રૂપિયા ૨૮ લાખ તે વખતે ખર્ચાયા. પાંજરાપોળો ઉપરાંત મોટા પાયા ઉપર પશુગૃહોની ગોઠવણ થઈ અને પરિણામે ઢોરની સંખ્યા ઘટવાને બદલે હજારોની સંખ્યામાં વધારો થયો. ગરીબોને રોજી આપવા ગામોગામ કંઈ ને કંઈ કામો શરૂ કરાયાં. જાહેર ઉપયોગનાં પચીસ લાખનાં કામો શરૂ થયાં. ખેડૂતોના રક્ષણાર્થે પણ રૂપિયા પચીસ લાખનાં કામો શરૂ થયાં. ખેડૂતોના રક્ષણાર્થે પણ રૂપિયા પચીસ લાખની મંજૂરી મળી. સારૂં અનાજ મળવાના પણ પ્રબંધો થયા. આ વખતે એમનો ખાસ હુકમ હતો કે, મારા રાજ્યમાં કામધંધાના અભાવને લીધે એક પણ માણસ રોજી વગરનો ન રહેવો જોઇએ અને એક પણ પશુ ખાવાના અભાવે મરવું ન જોઇએ. ગોંડલ રાજ્યમાં શિક્ષિતના ૨૮ ટકા છે અને સાત વરસની નીચેનાં બાદ કરતાં ૩૫ ટકા શિક્ષિત છે. એમની સખાવતો પણ ઉદાર હતી. સને ૧૯૪૧માં અનાવૃષ્ટિથી પીડિત ખેડૂતોને, અતિવૃષ્ટિથી પાયમાલ થયેલ ધોરાજી ઉપલેટાની પ્રજાને સહાય આપાવમાં કશી કચાશ રખાઈ નહોતી. તે વખતે ચાલતા વિશ્વયુદ્ધમાં નિરાધાર બનેલાં કુટુંબોનાં માણસોને સહાય આપવામાં અને રક્ષણાર્થે ખસેડવામાં આવતાં નિર્દોષ બાળકોની સહાય માટે લાખ, લાખ રૂપિયા અપાયેલ છે. યુદ્ધ દરમિયાન ગોંડલની પ્રજાને ઘઉં, બાજરો અને તેલ જેવી જીવનની જરૂરિયાતની ચીજો ઉપર ભાવનિયમન દાખલ કરી ભારે રાહત આપી હતી. ગોંડલ સંસ્થાન કદમાં ભલે સાગર માંહેના બિંદુ સમ હોય, પણ ઉત્તમ સંસ્કૃતિ, સાચી કેળવણી, ઉન્નત આત્મા વગેરે જોતાં ગોંડલ સંસ્થાનનું સ્થાન રાજસ્થાનોના ઇતિહાસમાં ઊંચું છે. રાજ્ય કરવેરાથી તદ્દન મુક્ત કર્યું એ તેમને માટે જગતભરમાં નોંધપાત્ર હકીકત છે. ગોંડલ, ધોરાજી, ઉપલેટા ઉપરાંત મોવિયા કે જે પાંચ હજારની અંદરની વસતીવાળું છે ત્યાં પણ વીજળી બત્તીની સગવડ કરવામાં આવી છે. ગોંડલનો વેપાર વધતો ચાલ્યો છે, હુન્નર ઉદ્યોગની ખિલવણી થઈ, ખેડૂતો સમૃદ્ધ બન્યા. અત્યંત સાદાઈ, મોજશોખ અને વ્યસનનો અભાવ, કરકસરી છતાં ઉદાર સ્વભાવ, પ્રજાપ્રેમ ને કેળવણીનો બહોળો પ્રચાર કરવાની તમન્ના એ એમના અંગત ગુણો હતા. ગોંડલ રાજ્યને એમણે સુખી, સંસ્કારી ને સમૃદ્ધ કરી, હિંદભરમાં અજોડ બતાવી આત્મસંતોષ માન્યો હતો સંવત બે હજારના ફાલ્ગુન માસની પૂર્ણિમાએ તેમનો દેહ પંચત્વને પામ્યો. ભાંડારકર જેવા સંશોધક, ગોખલે જેવા હિંદસેવક, ફિરોજશાહ જેવા ધારાશાસ્ત્રી એડવિન આર્નોલ્ડ જેવા વિચારક એમના મિત્રો હતા. ગૌરક્ષા ને ફાંસીબંધી, દાણમાફી ને ભણતરમાફી, અઘાટ હક્ક ને કરમુક્તિ, સુંદર સડકો ને મોટા પુલો, ગ્રામ્યસુધારણા ને નગરપુનર્રચના, ન્યાયરક્ષણ, રાજમહેલશાં ભવ્ય શારદામંદિરો ને ગુજરાતી અંગ્રેજી વાચનમાળાઓ, માતૃભાષા પ્રત્યેના પ્રેમરૂપી ભગવદ્રોમંડલ નામનો ગુજરાતી બૃહત્ શબ્દકોષ વગેરે તેમના અચલિત કીર્તિસ્તંભો છે. રાજ્યતંત્રમાં તેઓ પોતાને ટ્રસ્ટી માનતા. દાનદયામાં લાખોની દેણગી ઉપરાંત તેણે પશુ, પંખી, જન, ઝાડને પણ અભયદાન આપેલું.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects