માઉંટ આબુ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

અર્બુદા પર્વત પર આવેલું એ નામનું શહેર; મૌંટઆબુ. આબુરોડ સ્ટેશનથી પંદર માઈલ દૂર તે શહેર આબુ પર્વતના શિખર ઉપર આવેલું છે. તે પર્વતને શાસ્ત્રમાં અર્બુદગિરિ કે નંદિવર્ધન નામ પણ આપેલું છે. તેને ` ધી હિલ ઓફ વિઝડમ`, `ધી સેન્ટ્સ પિનેકલ`, `ધી રજપૂત ઓલિમ્પસ` કે `ધી મન્સ કેપિટેલિયા` પણ કહે છે. તેને અરવલ્લી પર્વતમાળાનો એક વિભાગ ગણવામાં આવે છે; પણ તેનો દેખાવ પર્વતની દ્વીપકલ્પ જેવો નજરે પડે છે. આ પર્વતની ઊંચાઇ સમુદ્રની સપાટીથી ૪૦૦૦ ફૂટ જેટલી છે અને કેટલેક ઠેકાણે તો એ કરતાં પણ વિશેષ હોવાની માલૂમ પડે છે. તેનું સૌથી મોટું શિખર `ગુરુશિખર` સમુદ્રની સપાટીથી ૫૬૫૩ ફૂટ જેટલું ઊંચું છે. હિમાલય અને નીલગિરિ પર્વતની હારમાળાની વચ્ચે આટલી ઊંચાઈવાળું એક પણ શિખર નથી. તે પર્વતની ઓપરને વિસ્તાર લંબાઈમાં બાર માઈલ જેટલો છે. સપાટીની ફરતો એનો ઘેરાવો ૪૮ કોષનો એટલે લગભગ ૧૦૦ માઈલ ગણી શકાય. ભારતવર્ષમાં જે સ્થાન સીમલાનું છે તેની સરખામણીમાં મૂકી શકાય તેવું સ્થાન કોઈ પણ હોય તો તે આ ગિરિરાજ આબુ જ છે. ત્યાં વરસમાં ૨૦ ઇંચથી માંડીને ૧૫૮ ઇંચ સુધી વરસાદ પડે છે. છેલ્લા દશ વર્ષ દરમ્યાન સરેરાશ ૬૮ ઇંચ વરસાદ પડે છે. તે પર્વત ઉપર સામાન્યત: બે વખત ઉપર રહેવાનો સમય અનુકૂળ હોય છે. પહેલો વખત માર્ચ આખર કે એપ્રિલ શરૂઆતથી ૧૫ જુલાઈ પર્યંત છે અને બીજો વખત ઓક્ટોબરથી શરૂ થઇ નવેંબર સુધીનો ગણાય છે. આ દિવસોમાં જળવાયુ આરોગ્યપ્રદ ને પુષ્ટિ આપનાર બની રહે છે. ૐ પ્રકાશ ગુપ્તાના સંશોધન પ્રમાણે આબુ પર્વતની ઐતિહાસિક વિગત ઘણી જ પુરાણી છે. એક કિવદંતી પ્રમાણે તે પર્વત સત્યુગમાં હતો. કેટલાંય વર્ષ પૂર્વે તે સ્થાન ઉપર એક વિશાળ મેદાન હતું. દેવી તેમ જ દેવો ત્યાં નિવાસ કરતાં. આ સ્થાન ઉપર વશિષ્ઠ ઋષિએ તપશ્ચર્યા કરી હતી. સંજોગવશાત્ એક દિવસ તેમની ગાય ફરતી ફરતી તે મેદાનના એક વિભાગમાં જ્યાં ઊંડો ખાડો હતો તેમાં પડી ગઈ. ઋષિની પ્રાર્થનાથી સરસ્વતી નદીએ તે ખાડો પાણીથી પૂરી દીધો ને ગાય કાઢી આપી. ફરી બીજા પશુઓ તે ખાડામાં પડી ન જાય એટલા માટે ઋષિએ હિમાચળને વિનંતિ કરી. હિમાચળે પોતાના પુત્ર નંદિવર્ધનને તે કાર્ય કરી આપવા મોકલ્યો. તે લંગડો હોઇને અર્બુદ નામના સર્પથી મદદથી ત્યાં જઇ પહોંચ્યો અને તે અર્બુદ સર્પને તે ગર્તમાં પૂરી દીધો. ત્યારથી તે પર્વતનું નામ અર્બુદાચલ પડ્યું. અર્બુદા શબ્દ ઉપરથી અપભ્રષ્ટ આબુ થયો. અદ્યતન દૃષ્ટિએ તે પર્વતની શોધ ૧૩માં સંવતમાં કલિયુગમાં આજથી ૧૯૯૧ વર્ષ પહેલાં વૈશાખી આઠમને દિવસે થયેલી મનાય છે. અકબરનામામાં અબુલફઝલ જણાવે છે કે આબુનું જૂનું નામ અર્બુદા અચલ હતું. અર્બુદા દિવ્ય શક્તિનું નામ છે, જે સ્ત્રીના સ્વરૂપમાં રહીને મુસાફરોને રસ્તો બનાવે છે, અને અચલનો અર્થ પર્વત થાય છે. સમ્રાટ ચંદ્રગુપ્તના દરબારમાં સીરીઅન એલચી મેગેસ્થનીસે પોતાના સંસ્મરણોમાં ઇ.સ. પૂર્વે ૩૨૫માં આ પર્વતનો ઉલ્લેખ કર્યો છે. તે આધારે પ્લીની સને ૨૩-૭માં આબુને `મન્સ કેપિટેલિયા` અગર તો દેહાંતદંડનો પર્વત કહે છે. ચીની મુસાફર હૂએનસંગ યાને યુઆનસંગ પણ આ પર્વતની બાજુમાંથી પસાર થયો હતો. અગિયારમા સૈકાની શરૂઆતમાં આ ઐતિહાસિક પર્વત પરમારોના કબજામાં હતો અને તેરમાં સૈકાના અંતમાં હથિયાર બળે તે સિરોહીના દેવડાઓના કબજામાં આવ્યો. સને ૧૮૮૨માં કર્નલ ટોડે આબુની પ્રથમ મુલાકાત લીધી હતી. સને ૧૮૪૦માં નકામા થઈ ગયેલા યરપિયન સૈનિકોને પ્રથમવાર ત્યાં મોકલ્યા હતા. ત્યાર પછી તે જગ્યા ઉપર એક સેનેટોરિયમ ઊભું કરવામાં આવ્યું. પછીથી સિરોહીના મહારાવે બ્રિટિશને આબુનો કાયમી પટ્ટો કરી આપ્યો. હિંદ છોડી જતાં પહેલાં અંગ્રેજોએ કાયમી પટ્ટો રદ કરી આબુનો કબજો પાછો સિરોહીને સોંપી દીધો. દેશી રાજ્યોના જોડાણ વખતે આબુ સહિત સિરોહીનો વહીવટ મધ્યસ્થ સરકારની વતી મુંબઈ સરકારે સને ૧૯૪૯ની ૫મી જાન્યુઅરિએ સંભાળી લીધો છે. વેસ્ટર્ન રેલ્વેના આબુ રોડ નામના સ્ટેશનથી એક પાકી સડક ઠેઠ પહાડના મથાળા સુધી જાય છે. તેની લંબાઈ ૧૭|| માઇલ છે. આ સડકનો દેખાવ સર્પાકાર જેવો છે. પર્વત ઉપરનો આ રસ્તો બાંધકામ કલાનો એક અદ્ભુત નમૂનો છે. આ પર્વતનો ઢોળાવ વિધવિધ પ્રકારનાં વૃક્ષો અને પુષ્પોથી ભરચક દેખાય છે. વિશાળ શિલાઓ, જંગલી પુષ્પોનું ચિત્તાકર્ષક દૃશ્ય, પર્વતની પછી ઝાડો અને ઝાડોની પછી પાછો પર્વત અને તેને અંગે હજારો ફૂટની વિશાળતાનું રમ્ય મેદાન, પાણીનાં નાજુક ઝરણાંઓ અને એવાં બીજાં નૈસર્ગિક સૌંદર્યનાં અનેક ચિત્રવિચિત્ર મનોહર દૃશ્યો અહીં જોવા મળે છે. જોવાલાયક સ્થળો: ૧. નખી તળાવ, ૨. ટોડ રોક અને નનરોક, ૩. રઘુનાથજી મંદિર, ૪. રામકુંડ, ૫. અનાદરા પોઈન્ટ, ૬. સનસેટ પોઈન્ટ, કરોડીધજ, ૭. પાલનપુર પોઈન્ટ, ૮. બેલિજ વોક, ૯. અર્બુદા દેવી, ૧૦. ગોમુખ, ૧૧. વશિષ્ઠ આશ્રમ, ૧૨. ગૌતમ આશ્રમ, ૧૩. વ્યાસતીર્થ, ૧૪. નાગતીર્થ, ૧૫. નીલકંઠ મહાદેવ, ૧૬. દેલવાડા, ૧૭. વિમલશાહનું જિનાલય, ૧૮. વસ્તુપાલ તેજપાલનું મંદિર, ૧૯. ટ્રેવર તાલ, ૨૦. અચલ મહાદેવ, ૨૧. અચળગઢ, ૨૨. ભર્તૃહરિની ગુફા, ૨૩. રેવતી કુંડ, ૨૪. ભૃગુ આશ્રમ, ૨૫. શાંતિનાથનું મંદિર, ૨૬. ઓરિયા, ૨૭. ગુરુશિખર, ૨૮. ઋષિકેશ, ૨૯. ચંદ્રાવતી અને ૩૦. શાંતિ આશ્રમ. આ પર્વતનું માહાત્મય અતિશય છે. એક માત્ર ભારતવર્ષના જ નહિ, પરંતુ યરપ, અમેરિક તેમ જ દુનિયાભરના દેશોમાંથી ભારતવર્ષની યાત્રાર્થે આવનાર મુસાફર આ સ્થાને અવશ્ય આવે છે એટલું જ નહિ પણ દેલવાડાના શ્રેષ્ઠ શિલ્પને નિહાળી તેના મન પર ઊંડી છાપ પડે છે. એ મંદિરોની કારીગરીની ખરી ખૂબી તો એ છે કે છતમાં કોતરેલ દેવદેવીઓની પ્રતિમાઓ જાણે સાક્ષાત્ જીવંત જ હોય એવો ભાસ થાય છે અને ઘુંમટ પરની કોતરણી તેમજ વિધવિધ તોરણોની કળાસમૃદ્ધિ જોતાં સ્તબ્ધ થઇને આંખો આડા હાથ કરી ત્યાં ને ત્યાં આશ્ચર્યભાવે બેસી જવાનું મન થઈ જાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

સોમવાર

6

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects