માઉંટ એવરેસ્ટ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ અં. ]

અર્થ :

એ નામનું હિમાલયનું સર્વોચ્ચ શિખર; જગતમાં સર્વોચ્ચ શિખર; ગૌરીશંકર શિખર. તેની ઊંચાઈ ૨૯,૪૪૧ ફૂટ માનવામાં આવી છે. હિમાલયના એવરેસ્ટ શિખરને આંબવા માટે, એની ટોચ ઉપર ઊભા રહેવાનું માન મેળવવા માટે કેટકેટલા વિદેશીઓએ પ્રયત્નો કર્યા છે, છતાં યે એ શિખર તો ઊભું છે અજેય વીર યોદ્ધા સમું. જગતના સૌથી ઊંચા શિખરની બિહામણી અને અજેય પ્રકૃતિનો પરિચય આપતાં વિજયગુપ્ત મૌર્ય લખે છે કેઃ બે માણસ હિમાલયના સૌથી ઊંચા શિખર એવરેસ્ટના ખભા ઉપર ઊભા હતા. એક હતો સ્વિત્ઝર્લેંડનો નિષ્ણાત પહાડી રેમોન્ડ લેમ્બર્ટ અને બીજો હતો નેપાળનો શેરપા યુવાન તેનસિંગ. તેમની સામે ઉપર હાથવેંતમાં લાગતી એવરેસ્ટની ભવ્ય ચોટી હતી. ઉત્તરમાં તિબેટનો વિશાળ પહાડી પ્રદેશ વિસ્તરતો હતો. પૂર્વમાં, એવરેસ્ટને ઉગમણે પડખે ૧૬ હજાર ફૂટ ઊંડી ખીણ સીધી ઊતરી જતી હતી. જે સિદ્ધિ મેળવવા આજે ત્રીશ વર્ષોથી કેટલાય સાહસવીરો ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે, એ સિદ્ધિ હવે આ બે માણસોને હાથવેંતમાં દેખાતી હતી. પરંતુ એટલામાં ભયંકર સૂકા, ઠંડા પવને એમની આંખોને કોરી કરી નાખી. ઘૂઘવટી કરતાં એ પવને તેમને પડકાર કર્યો. જાણે વાયુદેવ કહેતા હોય કે તમે જે સિદ્ધિ હાથવેંતમાં જુઓ છો તે મૃગજળ સમાન છે. કોઈ માનવી હિમાલયના મસ્તક ઉપર પગ મૂકી શકશે નહિ. સામે તિબેટ ઉપર હવામાન સ્વચ્છ અને સુંદર હતું, પણ નપ્સે શિખર ઉપરથી વાદળનો મહાસાગર ઊમટ્યો. આંધી, ધુમ્મસ અને હિમથી આ બે સાહસવીરો મૂંઝાવા લાગ્યા. બરફ કરતાં પણ વધુ ઠંડો અને ભયંકર વાવાઝોડાં જેવો પવન સુસવાટા મારવા લાગ્યો અને જાણે હાડકાપાંસળા સોયથી વીંધાતાં હોય એવી વેદના ઠંડીથી થવા લાગી. માત્ર ત્રણ પગલાં ભરતાં થાકથી શરીર ઊભું રહી જતું હતું. બરફમાં પગ ઊંડા ઊતરી જતા હતા અને ભેખડો દુર્ગમ લાગતી હતી. હિમ વરસતું હતું. તેઓ બંને ૨૮,૨૧૫ ફૂટથી આગળ વધી શક્યા. એ મહાન વિજય માત્ર આઠસો ફૂટ ઊંચો હતો ત્યારે તેનસિંગ અને લેમ્બર્ટ એ વિજય જતો કરીને ભાગી છૂટયા ત્યારે એ પ્રશ્ર થાય છે કે, શું એવરેસ્ટ કદી જીતાશે જ નહિ ? એની પ્રકૃતિમાં એવું શું છે કે, જેની પાસે શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ થયેલા નિષ્ણાત પર્વતખેડુઓ પણ પરાજય પામે છેઃ (૧) બરફ, (૨) ઠંડી, (૩) પવન, (૪) હવાની વધુ પડતી શુષ્કતા, (૫) હવાનું પાતળાપણું અને ઓછું દબાણ, (૬) તેથી થતો શક્તિનો વધુ પડતો વ્યય અને (૭) આ બધાં કારણોની શરીરના જ્ઞાનતંતુઓ તથા ખાસ કરીને મન ઉપર થતી અસર માનવીના પરાજય અને પ્રકૃતિના વિજય માટે જવાબદાર છે. એવરેસ્ટ ઉપર તો ઘણી વાર ૧૫૦ માઈલની ઝડપે પવન ફૂંકાય છે ! કલાકે ૫૦ માઈલની ઝડપનો પવન તો હમેશ ફૂંકાતો જ હોય છે. સાડા દશ હજાર ફૂટ ઊંચા બદરીનાથ ઉપર ૪૦ અંશથી ઓછું ઉષ્ણતામાન હોય છે. ૨૧,૦૦૦ ફૂટ ઊંચે શૂન્ય અંશ થઈ જાય છે. ૨૫,૦૦૦ ફૂટ ઉંચે શૂન્યની નીચે ૨૦ અંશ ઊતરી જાય છે. રાતે એવરેસ્ટ ઉપર ૩૫,૦૦૦ ફૂટ ઊંચેથી ઠંડી હવા ઊતરી આવે છે અને ત્યારે ઉષ્ણતામાન શૂન્ય નીચે ૬૦ અંશ ઊતરી જાય છે. એવરેસ્ટ ઉપર ચડવાવાળા રાતે ખાસ પ્રકારના કોથળામાં પેસીને સૂઈ જાય છે. બરફની ઠંડી સહન થઈ શકે, પણ બરફ ઉપરથી ફૂકાંતા તોફાની પવનની ટાઢ હાડકાં સુધી પહોંચીને માણસનાં ગાત્ર શિથિલ કરી નાખે છે. આપણે જેમ ઉપર તેમ હવા પાતળી પડતી જાય છે અને તેનું દબાણ ઘટતું જાય છે. દશ હજાર ફૂટ ઊંચે જઈએ છીએ ત્યાં સુધી તો આ ફેરફારની ખાસ જાણ નથી થતી, પરંતુ ૧૨,૦૦૦ ફૂટ ઊંચે સામાન્ય માણસને જરા બેચેની થાય છે. ૨૫,૦૦૦ અને ૨૮,૦૦૦ ફૂટની વચ્ચે ક્રમે ક્રમે પ્રાણવાયુની જરૂર પડે છે. તે ન હોય તો માણસના હૃદય અને ફેફસાના સ્નાયુઓ ગળી જાય અને માણસ મૃત્યુ પામે.૨૮,૦૦૦ ફુટથી વધુ ઊંચે તો માણસ પ્રાણવાયુ વિના જીવી શકે નહિ. એવરેસ્ટ ઉપર આરોહણ કરનારા એટલા માટે પ્રાણવાયુ સાથે લઈ જાય છે. જો બરફના ધલવ પ્રકાશથી બચવા ચશ્માં ન પહેર્યાં હોય તો આંધળા થવાનો ભય છે. ૨૭,૦૦૦ ફૂટ ઊંચે ગયા પછી ત્યાંનું હવામાન સ્નાયુઓને ગાળી નાખે છે, ફેફસાં ને હૃદયના સ્નાયુઓ નિષ્ક્રિય થતાં મૃત્યુ નીપજે છે, મન ઉપર કોઈ અજબ અસર થાય છે. માણસને ઊંઘ આવવા લાગે છે અને જો તે નિદ્રાને વશ થઈ જાય તો તેની તે નિદ્રા ચિરનિદ્રા બની જાય છે. હાલમાં આ અજેય માઉંટ એવરેસ્ટ કે ગૌરીશંકર શિખર ઉપર ભારતના સાહસિકોને જવાનો પ્રબંધ થઈ રહ્યો છે અને પ્રબંધકારની મહેચ્છા છે કે, વિશ્વના આ સૌથી ઊંચા શિખર ઉપર ભારતના સાહસિકો સૌથી પહેલાં પહોંચવાના મંગળ મુહૂર્ત તરીકે ગૌરીશંકરના તે અજેય સ્થાન ઉપર ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ રોપે !

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

સોમવાર

6

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects