| 1 |
[ સં. ] |
पुं. |
(પુરાણ ) એ નામનાં સૌથી મોટો પૌરાણિક એક પર્વત; જંબુદ્રિપના ઈલાવૃત નામના ખંડની વચ્ચે આવેલ એ નામનો પર્વત; કર્ણિકાચલ;અમરાદ્વિ; દેવપર્વત; સુમેરુ; હેમાદ્રિ; રત્નસાનુ; સુરાલથ. તેને આધારે પૃથ્વી રહે છે તથા ગ્રહો વગેરે તેની આસપાસ ફરે છે એમ મનાય છે. એમ પણ કહેવાય છે કે, તે સાવ સોનાનો છે અને સૂર્ય તેની આસપાસ ફરે છે, તે પૃથ્વી રૂપી કમળની જાણે એક કળી હોય તેવો જણાય છે. તે મેરુ પર્વતની ચારે દિશાઓમાં દશ દશ હજાર યોજન પહોળા અને ઊંચા મંદર, મેરુમંદર, સુપાર્શ્વ તથા કુમુદ નામના ચાર પર્વતો આવેલા છે. વળી તે પર્વતો ઉપર અનુક્રમે નંદન, ચૈત્રરથ, વૈભાજક તથા સર્વતોભદ્ર નામના ચાર દેવતાઈ બાગો આવેલા છે. જેમ કમળની કળીની આસપાસ કેસરાઓ હોય છે, તેમ મેરુ પર્વતના મૂળ પ્રદેશમાં ચારે બાજુ કુરંગ, કુરર, કુસુંભ, વૈકુંક, ત્રિકૂટ, શિશિર, પતંગ, રુચક, નિષધ, કપિલ, શિનીવાસ, શંખ, વૈડૂર્ય, જારુધિ, હંસ, ઋષભ, નાગ, કાલિંજર અને નારદ વગેરે વીશ પર્વતો આવેલા છે. તેમ જ મેરુની પૂર્વે જઠર ને દેવકૂટ નામના બે પર્વતો આવેલ છે. તે અઢાર હજાર યોજન ઉત્તર તરફ લાંબા ગયેલા છે અને બે બે હજાર યોજન પહોળા ને ઊંચા છે. એ જ પ્રમાણે મેરુની પશ્ચિમે પવન તથા પારિયાત્ર, દક્ષિણે કૈલાસ તથા કરવીર, ઉત્તરે ત્રિશૃંગ તથા મકર નામના પર્વતો આવેલા છે. આ આઠે પર્વતો મેરુથી ચારે દિશામાં મેરુના મૂળ પ્રદેશથી એક હજાર યોજન છોડીને રહેલા છે. આ પર્વતોથી ચારે બાજુ વીંટળાયેલો સુવર્ણગિરિ મેરુ જાણે અગ્નિ હોય તેવો શોભે છે. મેરુ પર્વતના મધ્ય પ્રદેશમાં દશ હજાર યોજન વિસ્તારવાળી અને સમચોરસ, ભગવાન બ્રહ્માની મનોવતી નામની સોનાની નગરી આવેલી છે. આ નગરીની આસપાસ આઠે દિશામાં આઠ લોકપાલોની આઠ નગરીઓ આવેલી છે, જે નગરીઓનાં સ્વરૂપ તે તે લોકપાલોના જેવાં અને વિસ્તાર બ્રહ્મદેવની નગરીના ચોથા ભાગનો છે. આમાંની પહેલી બ્રહ્માની નગરી સૌની વચ્ચે છે અને અનુક્રમે પૂર્વ દિશાથી માંડીને ઈંદ્રની અમરાવતી, અગ્નિની તેજોવતી, યમદેવની સંયમની, નિઋતિની કૃષ્ણાંગના, વરુણની શ્રદ્ધાવતી, વાયુની ગંધવતી, કુબેરની મહોદયા અને ઈશાન દેવની યશોવતી એમ બીજી આઠ નગરીઓ આવેલી છે. તત્ત્વાર્થ સૂત્રમાં લખે છે કે, તેની ઊંચાઈ એક લાખ યોજન છે, જેમાં હજાર યોજન જેટલો ભાગ જ્મીનમાં અને નવાણું હજાર યોજન પ્રમાણ ભાગ જમીનની ઉપર છે. જે હજાર યોજન પ્રમાણ ભાગ જમીનમાં છે તેની લંબાઈ પહોળાઈ દરેક જગાએ દશ હજાર યોજન પ્રમાણ છે; પરંતુ બહારના ભાગનો અંશ જેમાંથી ચૂલિકા નીકળે છે તે હજાર હજાર યોજન પ્રમાણ લાંબો પહોળો છે. મેરુના ત્રણ કાંડ છે. તે ત્રણે લોકમાં અવગાહિત થઈને રહેલો છે અને ચાર વનોથી ઘેરાયેલ છે. પહેલું કાંડ હજાર યોજન પ્રમાણ છે, જે જમીનમાં છે . બીજું કાંડ ત્રેસઠ હજાર યોજન અને ત્રીજું છત્રીશ હજાર યોજન પ્રમાણ છે. પહેલા કાંડમાં શુદ્ધ પૃથ્વી તથા કાંકરા વગેરે, બીજામાં ચાંદી, સ્ફટિક વગેરે અને ત્રીજામાં સોનું અધિક છે. તેનાં ચાર વનોનાં નામ ક્રમપૂર્વક ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક છે. તેના લાખ યોજનની ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂમિકાચોટલી છે જે ચાલીસ યોજન ઊંચી છે. તે મૂળમાં બાર યોજન અને વચમાં આઠ યોજન પ્રમાણ લાંબી પહોળી છે. સૂર્યની તરફ મોઢું કરી ઊભા રહેતાં ડાબી બાજુએ ઉત્તર દિશામાં મેરુ પર્વત છે. ઈંદ્રનું સ્વર્ગ આ પર્વત ઉપર આવેલું મનાય છે.
|