| 1 |
[ સં. ] |
पुं. |
સર્વ કર્મથી રહિત થઈ શાશ્વત સુખ પામવાનો રસ્તો. જૈનધર્મમાં મોક્ષનો માર્ગ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્ર કહેલ છે. વૈષ્ણવ ધર્મગ્રંથોમાં કહેલ છે કે, સત્ ચિત્ આનંદમય હોવું એ આત્માનું લક્ષણ છે. પદાર્થ જે અવસ્થામાં હોય તેને તે અવસ્થામાં જોવો તેનું નામ સત્. જૈનશાસ્ત્રોમાં સત્ શબ્દ માટે પારિભાષિક શબ્દ સમ્યગદર્શન છે. ચિત્ માટે સમ્યગજ્ઞાન શબ્દ છે અને આનંદનું નામ ચારિત્ર છે. જીવ નામનો પદાર્થ તે સમય છે. જયારે જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી, દર્શનજ્ઞાન સ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વરૂપે લીન થઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે દર્શનજ્ઞાન ચારિત્રમાં નિશ્ચિત થવાથી પોતાના સ્વરૂપને એકતારૂપે એક જ વખતે જાણતો તથા પરિણામતો એવો તે સ્વસમય એમ શ્રદ્ધા કરવામાં આવે છે. આને મોક્ષમાર્ગ કહ્યો છે. સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારનું જ્ઞાન છે. અસ્તિકિંચિત્ કાંઈક છે, એવું જાણ્યું તેને દર્શન કહે છે. સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ; તત્ત્વાર્થસૂત્રનું આ પહેલું સૂત્ર છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન તથા સમ્યકચારિત્ર એ મોક્ષના માર્ગ છે. સામાન્યજ્ઞાનને દર્શન કહે છે. અસ્તિ કિંચિત્ કાંઈક છે. એવું આપણને ભાન થાય છે, પછી તે ભાન કોઈ ચીજનું હો, આત્માનું હો, પરમાત્માનું હો, ગમે તેનું હો. ચાલતાં ચાલતાં પગમાં કોઈ ચીજ દાખલ થઈ ગઈ. આપણે વિચારીએ છીએ કે, કાંઈક છે. આનું નામ સામાન્ય જ્ઞાન. પછી આપણે તે ચીજને જોઈ તે ચીજ શું છે, કેવી છે, કેવા રંગની છે, એ બધી બાબતનો બરાબર નિશ્ચય કરીએ છીએ. આનું નામ વિશેષ જ્ઞાન. આ વાત આત્મા ઉપર ઉતારીએ. આત્મા કોઈ ચીજ છે એટલું જ્ઞાન કરવું તેનું નામ દર્શન અથવા સામાન્ય જ્ઞાન. પણ આ આત્મા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રનો માલિક છે, સચ્ચિદાનંદમય છે, સિદ્ધ સ્વરૂપી, અરૂપી, અભેદી, નિરંજન નિરાકાર સ્વરૂપ છે એ બધું જાણવું તે વિશેષજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રકાર કહે છે કે: તત્ત્વનો વિચાર કરવો તે બુદ્ધિનું ફળ છે. ભગવાને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ બતાવ્યાં છે. એમાં કેટલા હેય એટલે ત્યાગવા જોગ, કેટલા જ્ઞેય એટલે જાણવા જોગ અને કેટલા ઉપાદેય એટલે આદરવા જોગ છે એ બધી બાબતોનું જ્ઞાન કરવું, તેમાં બુદ્ધિ લગાડવી તેનું નામ વિશેષ જ્ઞાન છે. સંસારમાં નાના પ્રકારના મનુષ્ય હોય છે. કેટલાક એવા હોય છે કે જે વિશેષજ્ઞ હોય છે. બધું સમજે છે, પરંતુ કરવામાં સમર્થ નથી બનતા. તેઓ સમજે છે કે, આત્મચિંતન કરવું જોઈએ: યમ, નિયમ, યોગ, સમાધિ, સ્વાધ્યાય, પઠનપાઠન, તપસ્યા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે આત્માના હિતની બાબતો છે, તે જરૂર કરવી જોઈએ. પણ તે તે કરતા નથી .કેટલાક લોકો કરવાને સમર્થ હોય છે, પણ જાણતા નથી હોતા કે, શું કરવું, કેમ કરવું, શા માટે કરવું ? યોગ્ય વિધિ શું છે? તત્ત્વોને જાણનાર અને તે કરવાને સમર્થ હોય એવા મનુષ્ય સંસારમાં બહુ કમ હોય છે. તત્ત્વોનું જાણપણું પણ હોય અને તે કરવાને સમર્થપણું પણ હોય. એ બંને બાબત હોય ત્યારે મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન અને ક્રિયા બંને હોવાથી મોક્ષ થાય છે. એકલા જ્ઞાનથી કાંઈ થતું નથી, એકલી ક્રિયાથી કાંઈ થતું નથી. એ બંને સાથે હોવાં જોઈએ.
|