न.
મીઠું પાણી. ખારું પાણી મીઠું બનાવવાની સહેલી અને સસ્તી પદ્ધતિ વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. નપાણીઆ પ્રદેશોને વસવાટ અને ખેતી માટે ઉપયોગમાં લઈને વિશ્વના મોટા વિસ્તારોને આ પદ્ધતિનો લાભ અપાશે. પાણીમાંથી ક્ષાર તત્ત્વો દૂર કરવા માટે અત્યારે કેટલીક પદ્ધતિઓ અમલમાં મુકાય છે. આ પદ્ધતિઓ અત્યંત ધીમી અથવા અતિ ખર્ચાળ હોય છે. પરંતુ અમેરિકાની એક મંડળીએ એક એવી પદ્ધતિ શોધી છે કે જે આ પ્રશ્નનો ઉકેલ આપે છે. આ એવી જાતનો અણુ છે કે વિદ્યુતથી એકબીજા સાથે એ જોડાયેલ હોય છે. જ્યારે પાણીમાં મીઠું, તેજાબો વગેરે ઓગળે છે ત્યારે તેમનાં અણુઓ છૂટાં પડી જાય છે. કેટલાક કુદરતી ને બનાવટી એવા અદ્રાવ્ય પદાર્થોના દ્રાવણમાંથી એક પ્રકારનાં અણુ ખેંચી લઈને એને સ્થાને બીજાં અણુઓ મૂકવાની શક્તિ છે. આમ પાણીમાંથી ખનીજ દ્રવ્યોને અલગ પાડવાનું કે શુદ્ધ કરવાનું શક્ય છે. નવી પદ્ધતિમાં વીજળી શક્તિ માટે વપરાયેલા નવા પ્રકારના બનાવટી પદાર્થો પ્રવાહના વિવિધ વેગ વેળાએ પાણીને શુદ્ધ કરે છે. ખારા પાણીનો વેગ વધતાં વીજળીશક્તિ પણ વધારવી જોઈએ. અણુના બદલાને કારણે વીજળીના પોઝીટીવ અને નેગેટીવ પ્રવાહો અંદર અંદર બદલાય છે અને એને લીધે તેઓ વીજળીનો જે પ્રવાહ ધરાવતા હોય છે એ પ્રવાહ પ્રમાણે ખનીજ દ્રવ્યો અને ક્ષાર છૂટા પડી જાય છે. કેટલાક નપાણીઆ પ્રદેશોમાં આ નવી પદ્ધતિ વધુ સસ્તી માલૂમ પડશે. પાણી શુદ્ધ કરવાની વર્તમાન પદ્ધતિથી ગેલન દીઠ લગભગ સાડાસાત આના ખર્ચ થાય છે. પાણીમાં ખનીજ દ્રવ્યોનું પ્રમાણ ગમે તેટલું હોય પણ ગેલન દીઠ ખર્ચનું પ્રમાણ તો એનું એ જ રહે છે. આને બદલે જો સસ્તી વીજળી મળે તો નવી ઈઓન બદલાની પદ્ધતિથી દર ગેલને સાડાચાર આનાનો ખર્ચ આવે છે. આનું કારણ એ છે કે, ખનીજ દ્રવ્યોના પ્રમાણ અનુસાર ઈઓન બદલાનો ખર્ચ ઘટે છે. નપાણીઆ પ્રદેશોમાં દરિયાના પાણીમાં જે ક્ષારતત્ત્વો હોય છે એના દશમા ભાગનાં ક્ષારતત્ત્વો મોજૂદ હોય છે. નપાણીઆ પ્રદેશમાં પાણીને ક્ષારમુક્ત કરવાના ખર્ચનો આધાર વીજળીશક્તિના ખર્ચ પર રહે છે. અણુ અથવા ઈઓન બદલાનો સિદ્ધાંત તો સો કરતાં પણ વધુ વર્ષોથી જાણીતો છે, પરંતુ રોબર્ટ ગેન્સ નામના જર્મન વૈજ્ઞાનિકે એનો પ્રથમ અમલ ૧૯૦૦ની સાલમાં કર્યો. દરિયાના પાણીમાંથી સોનું મેળવવાની એની આશા હતી. પાછળથી એમણે ખારા પાણીને મીઠું બનાવવા માટે પ્રયોગો કર્યા. પરંતુ ઈઓન બદલા માટે તેઓ જે પદાર્થો વાપરતા હતા એ પદાર્થો વીજળીના પોઝીટીવ પ્રવાહવાળા ઈઓન્સને બદલી નાખતા હતા. ૧૯૩૫ની સાલમાં બે અંગ્રેજ વૈજ્ઞાનિકો બી. એ. અદમ્સ અને લિટન હોમ્સે નેગેટીવ અને પોઝીટીવ ઈઓન્સ બદલી શકે એવા પદાર્થો શોધી કાઢ્યા. અમેરિકન કંપનીઓએ તરત જ એમની પદ્ધતિઓ અપનાવી લીધી. વૈજ્ઞાનિકો હવે માનવ શરીરમાંના ઈઓન બદલાની પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છે. મૂત્રપિંડ, ફેફસાં, રક્તાશયો, આંતરડાંઓનો માર્ગ વગેરે સ્થાનોમાં ઈઓન બદલો થતો હોવાથી માનવશરીરમાં નીપજતી વિપરિત અસરો અને તેના ઉપચાર અંગે અભ્યાસ થઈ રહ્યો છે. વળી સાગરનાં પાણીને મીઠું પાણી બનાવવાની એક બીજી રીત પણ શોધાઈ છે. તેની વિગતો આમ છેઃ એક ભઠ્ઠીમાં એક છીછરી તાવડી કાળા રંગથી રંગેલી હોય છે. તેના મુખ પર બરાબર બંધ બેસતો કાચ હોય છે. આ કાચની નીચલી ધારની આસપાસ એક પરનાળ હોય છે અને એ સંગ્રાહક તરીકે કામ લાગે છે. દરિયાના પાણીને આ તાવડીમાં રાખવામાં આવે છે. ત્યારે સૂર્યની ગરમીથી એનું વરાળમાં રૂપાંતર થાય છે. ત્યાર પછી ઠંડા વાતાવરણમાં કાચના ઢાંકણા ઉપર ધુમ્મસનું ગાઢું પડ જમાવવામાં આવે છે. આને પરિણામે મીઠા વગરનું ચોખ્ખું પાણી ધીમે ધીમે સંગ્રાહકમાં ટપકે છે. આ તાવડીને જ્યાં મૂકવામાં આવે છે એ જમીન જ સૂર્યની લગભગ અડધો અડધ ગરમી મેળવી લેતી હોવાથી એ તાવડી અને જમીન વચ્ચે કોઈ અવાહક મૂકવાથી બમણા પ્રમાણમાં મીઠું પાણી મેળવી શકાય છે. સૂર્યનાં કિરણોની સહાય વડે પાણી ગાળવાની બીજી કોઈ પદ્ધતિ કરતાં આ પદ્ધતિથી બમણા પ્રમાણમાં પાણી મળે છે. તાવડીમાં રાખવામાં આવેલા પાણી પર સૂર્યની ૭૦ ટકા ગરમી કેન્દ્રિત કરી શકાય તો વધુ પ્રમાણમાં ચોખ્ખું પાણી મેળવી શકાય. સાગરના પાણીમાંથી જથ્થાબંધ મીઠું પાણી તૈયારી કરવામાં આ ભઠ્ઠી માટે એક એકર જમીનની જરૂર પડે છે. આ માપની ભઠ્ઠીદ્વારા દસ હજારથી બાર હજાર ગેલન પાણી મેળવી શકાય. આવી નવી પદ્ધતિઓને કારણે દુનિયાના રણ વિસ્તારોમાં ફરી જીવન શરૂ થવા માટેની આશા સર્જાઈ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં