| 2 |
|
स्त्री. |
ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું. ઈ. સ. પૂર્વે આશરે પાંચમી સદીના યાસ્કના વૈદિક ભાષ્યમાં અને જૂનામાં જૂના હિંદી લખાણોમાં સુખડના ઝાડોનો ઉલ્લેખ કરેલો છે. ઈરાનની સરહદમાં આયાત થતી હિંદી વસ્તુઓમાં લગભગ પહેલી સદીના અધવચમાં પેરિપ્લસ ઓવ ધ એરિથ્રિયન સીના કર્તાએ સુખડનો ઉલ્લેખ કરેલો છે.તે સમયે તેમાંથી નીકળતું ઉપયોગી તેલ કુંવારીઓને શરીરે લગાડવામાં જ માત્ર વપરાતું હતું. ચંદનનું ઝાડ સામાન્ય રીતે ૨૦ થી ૩૦ ફૂટ ઊંચાઈનું હોય છે અને પૂરેપૂરું ખીલો રહે ત્યારે તેનો ઘેરાવો ૬થી ૮ ઇંચનો હોય છે. હિંદુસ્તાનના ડુંગરાળ ભાગમાં તે થાય છે. તે સૂકી અને ખુલ્લી જમીનમાં ઊગે છે. જંગલમાં નહિ પણ વાડના જૂથમાં ઊગે છે. તેની છાલ ભૂરી ઝાંયવાળા પીળા રંગની હોય છે અને તેનો માવો ચોક્કસ ભૂરા રંગનો હોય છે. તે ઘણો સખત, વજનદાર, ચીવટ અને કાપવામાં આવે તો કુંડાળાં કુંડાળાંવાળો હોય છે. લાકડામાંથી ખાસ કરીને તેને ગરમ કરવામાં આવે ત્યારે અમુક જાતની તેલની મીઠી સુગંધ નીકળે છે. દુનિયાના બીજા ભાગોમાં સુખડની કેટલીક જાતની શોધ થયેલી છે. પણ સામાન્ય રીતે એમ સ્વીકારયું છે કે, હિંદુસ્તાન અને મલાયા દ્વીપકલ્પમાંથી મળતું સુખડ વૈદિક દૃષ્ટિએ સૌથી વધારે કીમતી છે. આ પ્રદેશનું તે વતની હોવાથી હિંદમાં તેનું વાવેતર બહુ લાભદાયક છે. જ્યારે ચંદનનું ઝાડ આશરે ૨૦ વર્ષનું થાય છે એટલે કે, યુવાવસ્થામાં પહોંચે છે ત્યારે તેને પાડવામાં આવે છે અને ડાળીઓ કાપી નાખવામાં આવે છે અને તેનું થડ જમીન ઉપર કેટલાક મહિના પડતર રહેવા દેવામાં આવે છે, જે દરમ્યાન ધોળી કીડીઓ બહારની છાલ અને અંદરની નવી છાલ ખાઈ જાય છે, કે જે તેમને પોષણ આપનારી અને હિતકારક હોય છે. પણ અંદરનું લાકડું કે જે ઘણું કઠણ અને તેલ આપનારું હોય છે તે તેઓ છોડી દે છે. આ રીતે અજાણતાં તેઓ બહારની નકામી છાલ દૂર કરવામાં માણસને મદદ કરે છે. ચંદનવૃક્ષનું સુગંધીદાર કાષ્ઠ રંગે સફેદ, પીળું તથા લાલ હોય છે. સફેદ અને પીળું કાષ્ઠ એક જ વૃક્ષમાં થાય છે. લાકડાંનો વધારે પાકેલો ભાગ પીળા રંગનો થાય છે. સુખડ શીતળ અને સુવાસિત છે અને ખીલ, ગૂમડાં, મસ્તકશૂળ તથા મોજા ઉપર ઘસીને ચોપડાય છે. સુખડનાં લાકડાંના લોટને પાણીમાં પલાળીને ઉર્ધ્વનળિકાયંત્ર દ્વારા તેલ ખેંચાય છે, જે ખરજ અને ત્વચારોગ ઉપર લગાડાય છે. તેલ મૂત્રલ તરીકે પ્રમેહમાં ૧૦ થી ૧૨ ટીપાં માત્રામાં આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, એક મણ સુખડના લાકડામાં દોઢ પાશેર તેલ મળી આવે છે. થડના કરતાં શાખાઓ અને શાખાઓ કરતાં નાની ડાળીઓમાં તેલ ઓછું હોય છે. આથી ત્રણ જાતનાં તેલ કાઢવામાં આવે છે. મૂળમાંથી જે તેલ નીકળે છે તે ઉત્તમ મનાય છે. તેલનો રંગ ફીકો પીળો હોય છે. ચંદનના ભેદો ધન્વંતરીય નીઘંટુમાં ચંદન, રક્તચંદન, કુચંદન, કાલીયક અને બબરીક આ પાંચ પ્રકારે છે. રાજનીઘંટુમાં તેના સાત પ્રકાર છે. ભાવપ્રકાશમાં ચંદન, રક્તચંદન, પીતચંદન, અને કુચંદન આ ચાર પ્રકારનાં ગુણોનો ઉલ્લેખ છે. ધોળા ચંદનના ગુણો: કડવું, તીખું, શીતળ, વૃષ્ય, કાંતિકારક, કામજનક, રુક્ષ, આનંદકર, લઘુ તથા હૃદયને હિતકર અને પિત્ત, ભ્રમ, ઊલટી, તાવ, તૃષા, સંતાપ, મુખરોગ, દાહ, શ્રમ, શોષ, વિષ, કફ તથા રક્તપિત્તનો નાશ કરે છે. પીત ચંદન: શીતળ, કડવું તથા કાંતિકારક છે અને કફ, કોઢ, ખરજ, કૃમિ, રક્તપિત્ત, વિષ, પિત્ત, તૃષા, દાહ અને જ્વરનો નાશ કરે છે. રક્તચંદનનું લાકડું ગ્રાહી અને પૌષ્ટિક માનેલ છે. સોજામાં ઠંડક લાવાવને તેમ જ માથું દુ:ખતું હોય તો ચંદનને ચોપડવાથી એ ધોળા ચંદન કરતાં વધારે ઠંડક કરે છે. લોહીની ઊલટી આદિ રોગોમાં રાતા ચંદનને દૂધમાં ઘસીને પવાય છે. સુખડનું અત્તર: ઊંચી મલબારી સુખડના ઝીણા ઝીણા કટકા કરી થોડા દિવસ પાણીમાં પલાળી રાખી તેને તે પાણી સાથે ઉકાળવા અને સારી રીતે ઉકાળવાથી તેની ઉપર તેલ તરી આવે ત્યારે નીચે ઉતારી તેમાંથી તે તેલ ખૂબીથી કાઢી લેવું.
રૂઢિપ્રયોગ
સુખડ ઘસાય, કાંઈ ઓરસીઓ ઘસાય ? = જાત નમે, કજાત ન નમે.
|