| 1 |
|
पुं. |
મોહનદાસ કરમચંદ ગાંધી. કવિવર નાનાલાલ એ સંબંધે એમની વિશિષ્ટ શૈલીમાં ભાવપૂર્વક લખી ગયા છે કે:
અને એ કોણ છે એવો ?
જાણે કોઈક જગત ભૂખ્યો,
જાણે કોઈક વિશ્વ તરસ્યો,
જાણે સદાનો અપવાસી:
એ કોણ છે એવોક ?
લોકવંદ્ય ને સર્વ પૂજ્ય ?
સુદામાનો જામે કો સહોદર.
એ માનવસળેકડું છે શું ?
સળેકડાથી યે રેખાપાતળું
એ કિરણ છે મહાસૂર્યનું-
અડગ અને અવ્યય,
અખંડ અને અપ્રમેય.
એ તપસ્વી છે
સાભ્રમતીના ઊંચા કિનારાનો:
રિદ્ધિવંતા રાજનગરની હવેલીઓનો
એ યોગીન્દ્ર છે અવધૂત.
એ તો સંસારી સાધુ છે;
ગૃહસ્થ થઈ સંન્યાસ પાળે છે.
નિરંતર દુ:ખને ન્હોતરતો
એશિયાના એક મહાયોગીન્દ્ર ઇશૂનો
એ અનુજ છે ન્હાનકડો.
પરપીડા પ્રીછી પ્રજળનાર
મહાવૈષ્ણવોનો એ વંશજ છે.
શ્રીનગરનો જાણે નરસિંહ મહેતો.
હૈયામાં એના હોળી સળગે છે,
જ્વલંત અંગારા જેવી છે એની આંખડીઓ,
વદને વિરાજેલી છે વિષાદછાયા.
દેશની દાઝથી દાઝે છે
છણછણતી એની દેહલતા.
વિરોધીઓ પ્રતિ યે પ્રેમીલો,
शठं प्रत्यपि सत्यम् બોધનાર,
` અન્યાય સ્હામે યે ઉગામ મા ` નો અનુયાયી,
` દેહથી દેહી જયવંતો છે ` નો આચરનાર,
દુ:ખતપતી આ દુનિયાનો દરવેશ છે તે.
જીવન આદેશ શોધવામાં બ્રહ્મર્ષિ,
રણખેલનામાં સુભટ ક્ષત્રિય વીર,
નીતિમંત્રણામાં સુજ્ઞ વૈશ્યવર,
લોકસેવાભાવમાં પરમ શુદ્ર:
તેનામાં સૌ વર્ણ સમાયેલા છે.
વેળુકણીના તે મણિ રચે છે,
પથ્થરના તે દેવ પ્રગટે છે,
શલ્યાની તે અહલ્યાઓ કરે છે,
અસાધુના તે સાધુ ઘડે છે,
અહંકારીના તે સમર્પણી બનાવે છે.
દુખિયાંનો બેલી ને વિસામો,
દાઝ્યાંના અંતરનો આરામ,
ઘાયલના આત્માનો અમૃતૌષધિ:
અનારોગ્યોનો ધન્વંતરી છે તે.
વાદળાંની અધ્રુવ છાયાફૂદડીમાં
એક એ ધ્રુવ તત્ત્વ :
ઇતિહાસમાં ઉચ્ચારતો
સનાતન સત્યનો એ શબ્દ,
પ્રાચીનતાનો પરમ મંત્ર:
નવામાં નવો તે,
ને જૂનામાં જૂનો છે.
સત્ય તેનો મુદ્રામંત્ર છે,
તપ તેનું કવચ છે,
બ્રહ્મચર્યનો તેનો ધ્વજ છે,
અખૂટ ક્ષમાજલ તેને કમંડલે છે,
સહનશીલતા એની ત્વચા છે.
સનાતન યોગી કુલનો યોગવારસ,
રાગદ્વેષના ઝંઝાનિલથી પર,
ભારતનો વર્તમાન મહાગુરુ,
એ તો ગુજરાતનો તપસ્વી
મહાત્મા મોહનદાસ ગાંધી.
ને એને પડખે છે કોણ ?
કસ્તૂરી શી મહેકતી તે તપસ્વિની !
સાધુવરની સાધ્વી નાર,
પત્નીઓમાં પરમ પત્ની,
જગતની એ તો આદર્શ ગુજરાતણ:
ભગતની કસ્તુરબાઈ ગાંધી.
|