1 |
[ સં. સુ ( સારો ) + રાષ્ટ્ર ( દેશ ) ] |
पुं. |
આર્યાવર્તનો એ નામનો એક ઐતિહાસિક સુંદર પ્રદેશ; આનર્ત; સુરાષ્ટ્ર; સ્વરાટા; સુરોસ્થસ; ઓરેતુર; સુરાષ્ટ્રેણ; સુરઠ; સોરઠ; કાઠિયાવાડ. સૌરાષ્ટ્રનો અર્થ સુરાષ્ટ્ર એટલે કે સુંદર દેશ એવો થાય છે. યજુર્વેદની માધ્યંદિની શાખાની સંહિતામાં મહર્ષિ યાજ્ઞવલ્કયે સૌરાષ્ટ્ર દેશનો નિર્દેશ કર્યો છે. પુરાણોમાંથી મળતી હકીકત પ્રમાણે સાતમા મનુ વૈવસ્વતના પુત્ર શર્યાતિના પુત્ર આનર્તે આ રાષ્ટ્રની સ્થાપના કરી તેનું નામ આનર્ત રાખ્યું હોવાનું કહેવાય છે. તેનું મુખ્ય શહેર કુશાવતી હતું. હરિવંશમાં લખ્યું છે કે, આનર્તરાષ્ટ્ર બે ભાગમાં વહેંચાયેલું હતું. (૧) સૌરાષ્ટ્ર અને (૨ ) અનૂપ. તેનું મુખ્ય શહેર ગિરિપુર હત. સૌરાષ્ટ્રમાં ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર છે. તે ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે આનતરાષ્ટ્રના મુખ્ય શહેર ગિરિનગર જેવું કોઈ શહેર હાલના જૂનાગઢ નજીક હોવું જોઈએ. હરિવંશમાં એમ પણ ઉલ્લેખ છે કે રાજા માધુએ પોતાનું રાજય જમાઈ હર્યશ્વને આપ્યું. હર્યશ્વને તેના ભાઈ યુવાનશ્વે પદભ્રષ્ટ કર્યો અને તેની જગ્યા પચાવી પાડી. શ્રી કૃષ્ણની સરદારી નીચે યાદવો સૌરાષ્ટ્રમાં વાસ્યા અને જૂના કુશાવતીની જગ્યાયે દ્વારકા રાજધાની સ્થાપી. સુરાષ્ટ્ર અથવા સૌરાષ્ટ્રનો ઉલ્લેખ ઘણાં જૂનાં લખાણોમાં પણ મળે છે. મહાભારતમાં અને પાણિનિના ગણપાઠમાં સુરાષ્ટ્ર નામ છે. એ જ નામ વિક્રમ સંવત ૨૦૬ ના રુદ્રદામાના તેમ જ વિક્રમ સંવત ૪૯૨ ના સ્કંધગુપ્ત શિલાલેખોમાં તથા વલ્લભી તામ્રપત્રોમાં મળે છે. સુરાષ્ટ્રનું પ્રાકૃત રૂપ સુરઠ વિક્રમ ૨૦૬ ના ગોમતીપુરના નાસિના લેખમાં છે. આ પ્રદેશનો પરદેશીઓમાં પહેલો ઉલ્લેખ સં.૬ થી સં. ૭૬ માં સ્ટ્રેબો સુરોસ્થસ નામથી અને સં. ૧૨૬ માં પ્લીનીએ ઓરેતુરો નામથી કર્યો છે ઈજીપ્તના મહાન પ્રાચીન ભૂગોળશાસ્ત્રી ટોલેમી સં. ૨૦૬ માં અને ગ્રીક લેખક પેરીપ્લસ સંવત ૨૯૬ માં તે પ્રદેશને સુરાષ્ટ્રેણ કહે છે. ચીનાઈ મુસાફર હ્યુએનત્સંગ વલ્લભી રાજયને તથા સુરાષ્ટ્રને જુદા રાજયો તરીકે વર્ણવે છે. કેટલા ભાગને જૂના વખતમાં સુરાષ્ટ્ર કહેતા હશે એ કહેવું મુશ્કેલ છે. આખો દ્વીપકલ્પ કાઠિયાવાડ કહેવાતો ત્યારે માત્ર આ દ્વીપકલ્પનો છેક દક્ષિણ ભાગ સોરઠના જૂના નામથી ઓળખાય છે. કાઠિયાવાડ નામ તો મરાઠાઓએ પાડયું છે. તે પહેલાં મુસલમાનો તો આખા દ્વીપકલ્પને સોરઠ કહેતા. ગિરનાર પાસેના એક સુપ્રસિદ્ધ ખડક ઉપરના અશોકના એક શિલાલેખ સાથે મહાક્ષત્રપ રુદ્રદામાના કાળનો એક લેખ છે, તેમાં રુદ્રદામાના પોતે મેળવેલા દેશોનાં નામમાં આનર્ત અને સુરાષ્ટ્ર આમ બંને નામ છે. તેથી ઈસુના પ્રારંભકાળમાં કાઠિયાવાડના ભૌગોલિક સીમાડાઓમાં કેટલોક ફેરફાર થયો હશે એમ માનવું પડે છે. આર્યસંસ્કૃતિનો સમય જે ઈ. સ. પૂર્વે ૩૬૦૦ નો ઠર્યો છે તે વખતે સિંધુમુખ એટલે સૌરાષ્ટ્રની આજુબાજુ અનાર્યો વસતા અને સૌરાષ્ટ્રમાં આસુરી સંસ્કૃતિ ફેલાયેલી હતી એવું પણ એક મંતવ્ય છે. ઋગ્વેદ ના પહેલા મંડળના ૧૩૩માં સૂક્તમાં ’ સ્વરાટ ’ શબ્દ છે તે સૌરાષ્ટ્ર હોવો જોઈએ તે કાળમાં દૈત્ય, નાગ, દાનવ, દસ્યુ એવા અસુરોના પેટા પ્રકાર હતા તે સર્વે સૌરાષ્ટ્રમાં આવી જાય છે. એક એવું વિધાન પણ છે કે: બે હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ નહિ પણ ટાપુ હતો. કચ્છના રણની જગ્યાએ પણ સમુદ્ર હતો. સિંધુમુખ સૌરાષ્ટ્રનો પૂર્વભાગ હતો. કાળક્રમે સિંધુએ પોતાનું વહેણ બદલાવ્યું એટલે ઝાલાવાડની જમીન એક છીછરા કાદવવાળું તળાવ બની ગઈ. ધીમેધીમે આ તળાવ પુરાવા લાગ્યું અને રણ જેવો પ્રદેશ થઈ ગયો. આ પ્રદેશ ખારાશથી ભરપૂર છે અને તેમાં ફોરાં એટલે કે માણસોને માણસો કે ઢોરઢાંખર કે વાહન વગેરે આખાં અંદર ગરક થઈ જાય એવા ભગંદરો આજે પણ જોવામાં આવે છે, તે આ હકીક્તની શાખ દે છે. બીજી બાજુ ખંભાતનો અખાત જલદી પાછો હઠવા લાગ્યો અને અગ્નિકોણ તરફનું રણ હટી જવાથી ત્યાં ભાલ પરગણું બની ગયું. ભાલની જમીન ઘઉંને માટે લાયક બનવાનું તથા તે મુલક નપાણીઓ બનવાનું આ એક સંભવિત કારણ છે. આ હકીક્તના સમર્થનમાં શ્રી મુનિકુમાર મણિશંકર ભટ્ટે સંસ્કરણ કરી પ્રસિદ્ધ કરેલ સ્વ. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ કૃત ’ સિહોરની હકીક્ત ’ માં લખ્યું છે કે : ભૂસ્તરશાસ્ત્રઓ માને છે કે આખો સૌરાષ્ટ્ર દેશ એક કાળે બેટ હતો. તેનો જે ભાગ અત્યારે ગુજરાત પ્રાંતની ખંડસ્થ ભૂમિ સાથે જોડાયેલો છે. ત્યાં પણ દરિયો હતો, જે ખંભાતના અખાતને કચ્છના અખાત સાથે સંયુક્ત કરતો અને સિંધુ નદીનું મુખ ખંભાતના અખાતને મળતું હતું. વઢવાણ અને ભાવનગર વચ્ચેની સડકનું ખોદાણ કામ ચાલતું હતું ત્યારે ત્યાંથી વહાણનો એક કૂવાસ્તંભ નીકળી આવ્યો હતો તે એ પ્રદેશમાં પૂર્વે સમુદ્ર હોવાનું ચૂચન કરે છે. કચ્છનું રણ પૂર્વે સમુદ્દ તળિયાની રેતી હતી એવું અનુમાન છે. એ સમુદ્ર નદીઓની રેતી અને કાદવ વગેરેથી ભરાઈને કાળાંતરે જમીન બની ગઈ. શ્રી કૃષ્ણનું રાજય દ્વારિકા બેટમાં હતું એ ખરું પણ માત્ર દ્વારિકા નગરીનો જ વિભાગ નહીં, પરંતુ તે સ્થળે આખો સૌરાષ્ટ્ર બેટ હશે એમ માનવું કોઈ રીતે અપ્રમાણ નથી. વિશેષમાં તેમાં લખ્યું છે કે: ઈસ્વીસનના પાંચમા સૈકાથી તો ખાતરીપૂર્વક કહી શકાય કે અર્વાચીન ગોહિલવાડની સીમા જોતાં ઠેઠ વલ્લભીપુરથી આરંભીને મહુવા સુધી હાલ બંદરો છે તે કરતાં વધારે હતાં અને તે સારી હાલતમાં હતાં. પણ વલ્લભીપુર બંદર મટી ગયું અને કંઈક જ્વાળામુખીને યોગે ભૂકંપ થયો હશે, તે વેળા સિંહપુર યાને સિહોરના ડુંગરા તેમ જચ મારડીના ડુંગરા ઉપસી આવ્યા હોય એમ માનવાને કારણ છે. જો કે સિહોરના ડુંગરા ઘણા પ્રાચીન માનીએ તો પણ તે જ્વાળામુખીની જાતના છે. માત્ર તફાવત એટલો કે તેની અંદર લાવા રહેલો, અને પડ ઉપસવાથી શાંત પડેલો. સૌરાષ્ટ્ર એ તો ખરેખર દેવભૂમિ જ છે. તેનાં દૃષ્ટાંતો આપતાં સ્વાધ્યાયવલ્લીમાં યથાર્થ કહ્યું છે કે: અલૌક્કિ ગીતાજ્ઞાન આપનાર શ્રી કૃષ્ણ યોગેશ્વરનું નિવાસ્થાન આ ઐતિહાસિક સૌરાષ્ટ્ર છે ! આ ભૂમિમાં શ્રીકૃષ્ણ ભગવાન ઉપરાંત આદિનાથ, નેમિનાથ આદિ ચોવીશે તીર્થંકરો, સહજાનંદ સ્વામી અને સુદામા, મીરાં, નરસિંહ સમા પ્રભુપ્રિય ભક્તરાજોને સદાને માટે પરમ શાંતિ મળી છે. આ દેવભૂમિને માટે ગુજરાતી બીજી સાહિત્ય પરિષદના સ્વાગત પ્રમુખ ગોંડલના મહારાણી શ્રી નંદકુંવરબાએ સાક્ષરોનું સૌરાષ્ટ્ર તરફથી સ્વાગત કરતાં કહ્યું હતું કે : સૌરાષ્ટ્રમાં ગીતાના વક્તા જ્ઞાનમૌલી શ્રી કૃષ્ણે પોતાનું નિવાસ્થાન પસંદ કરી ગૃહસ્થાશ્રમનું પાલન કર્યું છે. અહીં ગૌતમ ચ્યવનાદિનાં તપોભૂમિના સ્થળો છે. અહીં આદિ જગત્ગુરુ શ્રી શંકરાચાર્યે વિદ્યાદેવીનું પીઠ સ્થાપેલ છે. અહીંની ગુહાકંદરાએ ગોરખ વગેરે સિદ્ધ જ્ઞાનીઓને એકાંતવાસ પૂરા પાડયા છે અહીં દાનવીર બલિરાજાએ પોતાના દેહ સહિત સર્વસ્વ ઈશ્વરાર્પણ કીધું છે. વેદકાળથી માંડીને ગાંધીયુગની સંસ્કૃતિનો સમન્વય કરતાં ’ સરસ્વતી ’ માં લખ્યું છે કે: સર્વોપનિષદો રૂપી ગાયો દોહીને યોગેશ્વર શ્રીકૃષ્ણ ભગવાને ગીતામૃતરૂપી જે દૂધ આપણા માટે એકઠું કર્યું છે, તેમાં અહિંસા અને ક્ષમા રૂપી મેળવણ નાખીને બુદ્ધ ભગવાને આપણા માટે દધિસાગર નિર્માણ કર્યો અને પછી તેનું નરસિંહ મીરાંરૂપી નેતરાં વડે મહર્ષિ દયાનંદ સરસ્વતી અને સહજાનંદ સ્વામીએ મંથન કરી મોહનદાસ કરમચંદ ગાંધી જેવા યુગપ્રવર્તક મહાત્માજી વિશ્વશાંતિને અર્થે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ રૂપે સારાયે વિશ્વને સમર્પ્યા. આ સૌરાષ્ટ્ર સમી દેવભૂમિમાં પુરાણાકાળના અવશેષો હજુ જેવા ને તેવા નજરે પડે છે: પ્રયાગ-ગુપ્ત, પ્રાચી-ક્ષેત્ર, ભાષ્કર-ક્ષેત્ર, તાલદૈત્યની રાજધાની તાલધ્વજપરા કે તળાજા, વિષ્ણુપ્રાયદકે ઉના પાસેના સપ્તકુંડ, દેહોત્સર્ગ, પાતાળના વાસુકિની રાજધાનિ તરણેશ્વર કે હાલનું થાનગઢ, હેંડબાસુરનું પાટણવાવ, પ્રેહપાટણ, મેરુતુંગાચાર્ય પ્રશસિત ઢંકાપુરી કે હાલનું ઢાંક, બલિનું પાટનગર કે હાલનું બિલખા સ્કંદપુરાણનું સિંહપુર કે વર્તમાન સિહોર, વામનપુરી કે વામનસ્થળી કે હાલનું વંથળી, મધુમાવતી કે હાલનું મહુવા, રુકમણીના પિતા ભીષ્મકની કુંડિતપુર કે કનકાવતી અથવા કરકાઈ, જાલંધર અને તુલસીના વિવાહથી પ્રસિદ્ધ થયેલું સપ્તોદકતીર્થ કે હાલનું તુલશીશ્યામ , નાલંદાથી બીજા દરજ્જાનું વલ્લભી વિદ્યાપીઠ કે હાલનું વળા. આવાં આવાં તો અનેક પુરાણા પાવનકારી તીર્થો અહીંની ભૂમિમાં વિસ્મૃતિની કંદરામાં ચવાઈ રહ્યાં છે અને તેથી જ હાલની સૌરાષ્ટ્ર સરકારે પુરાણા સ્મારકોના સંરક્ષણ માટે મહત્ત્વના અવશેષોને રક્ષિત સ્મારકો તરીકે જાહેર કર્યાં છે. મધ્યયુગનું ચિત્ર આપતાં એક સંશોધક લખે છે કેઃ મહારાજ મૂળરાજ સોલંકીએ અસાધારણ ઉદારતાથી ગામ દાન કર્યા પ્રમાણે બ્રાહ્મણો પોતપોતાનાં ગામે જઈને વસ્યા અનો પોતાના ષટ્કર્મ કરી મળેલી આજીવિકા ઉપર આનંદથી ગુજરાન ચલાવી દિવસ નિર્ગમન કરવા લાગ્યા. આ વખતે સિંહપુર યાને હાલનું સિહોર બ્રાહ્મણના પરિબળવાળું થયું અને તે બ્રહ્મપુરી તરીકે મનાવા લાગ્યું. આ વખતે બ્રાહ્મણોએ જાતે ખેડ કરવાનું રાખેલ નહોતું. વિદ્યાદેવીને બ્રહ્મચારીએ પ્રસન્ન કરવી, બટુકે કાશીએ ભણવા જવું અથવા જ્યાં સમર્થ વિદ્વાન શાસ્ત્રી રહેતા હોય ત્યાં જઈ વિદ્યાર્થીઅવસ્થા ગાળી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ, પુરાણ, વૈદુ શીખવું એ મુખ્ય વાત હતી. ’ શ્રીસ્થાનકપ્રકાશ ’ નામે ગ્રંથમાં ૩૩માં અધ્યાયમાં લખ્યું છે કેઃ ભરતખંડમાં સૌરાષ્ટ્ર દેશ છે. ત્યાં ઈંદ્રપુરી સરખું સિંહપુર નગર છે. સર્વ સમૃધ્ધિયુક્ત એ નગરમાં હજુ પણ નીલકંઠ મહાદેવજીનું બાણ છે, અઠ્ઠાસી હજાર ઋષિઓ નીલકંઠ મહાદેવની પાસે હંમેશા બેસીને ધ્યાન કરે છે. ત્યાં બ્રહ્મકુંડ બ્રહ્મદેવે નિર્માણ કર્યો છે. સંસારમાં જન્મમરણના ત્રાસથી શંકરભક્તિ પરાયણ થઈ સિંહપુર (સિહોર) માં જે ઉત્તમ દ્વિજો રહે છે, તેને પૂજય માનવા એમ માંર્કંડેય મુનિએ કહેલ છે. આવી બ્રહ્મપુરીમાં શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પધારતા સૌ શંકરાચાર્યની આજ્ઞા માનતા અને તેઓને સંન્યાસીઓના મઠમાં રાખી તેમની સેવાપૂજા કરતાં. સિંહપુરમાં ગૌતમેશ્વરની ગુફા ઘણી જૂની છે. મહાદેવજી કૈલાસ પર્વતની ઠંડકથી કંડાળીને ગરમી લેવા માટે આ જગ્યાએ વસ્યા છે એમ કહેવાય છે. આ ગૌતમઋષિએ સ્થાપ્યા માટે ગૌતમેશ્વર કહેવાયા. સ્કંદપુરાણમાં લખ્યું છે કેઃ મહાત્મા ગૌતમઋષિ અહીં હજારો શિષ્યોને ભણાવતા હતા. વિદ્યાભ્યાસ કરી રહી, ગુરુદક્ષિણા આપી તથા ગુરુજીની રજા લઈ ઘણા શિષ્યો પોત પોતાને ઘરે જતાં એમાંના એક ઉત્તંક નામે શિષ્ય ઘણાં વર્ષ સુધી ગૌતમઋષિની સેવામાં રહ્યા અને પછી ગુરુપત્નીની ઈચ્છાથી અપ્રાપ્ય રત્નજડિત કુંડલ પાંચ દિવસની અંદર લાવી આપ્યાની આડકથા પણ છે. આવી જ રીતે પૂર્વકાળમાં સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં પણ વિદ્યાપીઠ સમાં અનેક આશ્રમો હોવાનો સંભવ છે. ડોકટર સી. પી. રામસ્વામી આયરે તા. ૩ સપ્ટેમ્બર ૧૯૫૪ના રોજ ગુજરાત યુનિવર્સિટીના સ્નાતકો સમક્ષ દીક્ષાંત પ્રવચન કરતાં જણાવ્યું, હતુ કેઃ સૌરાષ્ટ્ર સૈકાઓ જૂની પોતાની ખાસ શૈક્ષણિક પ્રણાલિકાઓ ધરાવે છે. અને વલ્લભીપુર વર્ષો સુધી નાલંદાથી બીજે દરજ્જે એ સંબંધમાં ખ્યાતકીર્તિ ભોગવતું હતું. ’’. વલ્લભીનો ઈતિહાસ બતાવી આપે છે કે, તે વખતની તેની સંસ્કૃતિ ઉચ્ચ પ્રકારની હતી. જો કે ત્યાં મુખ્યત્ત્વે બૌદ્ધ વિદ્યાપીઠ હતું છતાં સારા યે ભારતવર્ષમાં સર્વ વિભાગોમાંથી અને ખાસ કરીને ગંગાપ્રદેશમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ માટે ત્યાં આવતા હતા. રાજનીતિ, કૌટિલ્યશાસ્ત્ર, રાજવહીવટ, કાયદાકાનૂન ન્યાયાદી, વ્યાપારવાણિજ્ય, અર્થશાસ્ત્ર અને હિસાબકિતાબ કે નામાઠામાનું ત્યાં શિક્ષણ અપાતું હતું. શ્રી ડી. જી. આપ્ટેના પ્રાચીન વિદ્યાપીઠોના અદ્યતન અભ્યાસ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, આ વલ્લભી વિદ્યાપીઠમાંથી અભ્યાસ કરીને બહાર આવતા વિદ્યાર્થીઓને ભારતના કેટલાક રાજવીઓ પોતાનાં રાજ્યો ચલાવવામાં મદદ કરવા માટે નોકરીમાં રાખતા હતા. હ્યુએનત્સંગ વર્ણેવ છે કે, સાતમાં સૈકાની આજુબાજુમાં વલ્લભીમાં ૬,૦૦૦ છ હજાર વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરતા અને ત્યાં ૧૦૦ સો જેટલાં છાત્રાલયો હતાં. એક એવું વિધાન પણ છે કેઃ જ્ઞાનમાર્ગના ઉદ્ધારક શ્રી આદ્ય શંકરાચાર્ય ભક્તિમાર્ગના ઉદ્ધારક શ્રી વલ્લભચાર્ય અને તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ગુંસાઈ ઘણો વખત બીરાજ્યા હતા એનાં અનેક પ્રમાણ ઉપલબ્ધ થાય છે. આ સિવાય આદ્ય શ્રી રામાનુજાચાર્ય, શ્રી નિંબાર્કાચાર્ય અને શ્રી મધ્વાચાર્યે અકેક વખત દ્વારિકા પ્રભાસની યાત્રાએ અહીં પધાર્યા છે. ભક્તિમાર્ગના નિર્ગુણ સિદ્ધાંતને સંપૂર્ણ રીતે જીવનમાં ઉતારનાર શ્રી વલ્લભાચાર્યે તો સૌરાષ્ટ્ર દેશમાં પંદર સોળ સ્થળે શ્રીમદ્ભાગવતનાં પારાયણ સત્રો કરી સૌરાષ્ટ્રની જનતામાં ભક્તિમાર્ગનો પ્રકાશ કર્યો છે. દ્વારિકાના પ્રસિદ્ધ મંદિરની સેવા પ્રણાલિકાની સુવ્યવસ્થા પણ આ આચાર્યશ્રીએ કરી હતી. ભટ્ટી નામના મહાકાવ્યના કર્તા ભર્તૃહરિ કે ભટ્ટી કવિ કાઠિયાવાડી હતા. પૂર્ણપ્રજ્ઞ નામના પંડિત, યજુર્વેદના ભાષ્યકર્તા અને સમર્થ દાર્શનિક મંજુ ભટ્ટ સૌરાષ્ટ્ર દેશના નિવાસી હતા. તેવી રીતે મેરુતુંગાચાર્ય, ભારતમાર્તંડ શતાવધાની, પંડિત ગટુલાલજી, સર્વદર્શન કેસરી કેશવજી શાસ્ત્રી, ધન્વંતરી યશોવર્ધક ઝંડુ ભટ્ટજી, આદ્ય સંશોધક ભગવાનલાલ ઈંદ્રજી વગેરે સૌરાષ્ટ્રની વિભૂતિ રૂપે છે. આ પ્રાચીન દેવભૂમિનો અર્વાચીન ઈતિહાસ આપતાં કહેવાય છે કેઃ ઈ. સ. પૂર્વે ૩૨૬ થી ૧૮૩ સુધી સૌરાષ્ટ્ર મૌર્ય સામ્રાજ્યનો પ્રાંત હતો. ખડકો ઉપર કોતરાયેલા અશોકના લેખો મૌર્ય સામ્રાજ્યના વિસ્તારનો ખ્યાલ આપે છે. આઠમી સદીમાં રાજપૂતની જૂદી જુદી ટોળીઓ જુદાં જુદાં રાજ્યો સ્થાપવા લાગી. તેમાંના ઘણાખરા સૌરાષ્ટ્રના નવા રાજય સ્થપાયા સુધી હયાત હતાં. અલાઉદ્દીન ખીલજીએ વાઘેલાઓને જીતી લીધા ને ત્યારપછી ગુજરાત દિલ્હીના રાજયકર્તાઓના તાબામાં રહ્યો અને સને ૧૪૦૩ માં સુલતાન મહમદશાહ ગુજરાતનો રાજા જાહેર થયો. અકબરે ગુજરાતને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. ગુજરાતના સૂબા ઉપર દિલ્હીના સુલતાનના પ્રતિનિધિ કે સૂબાની દેખરેખ રહેતી. તેઓ સૌરાષ્ટ્રના રાજપૂત રાજ્યો પાસેથી હથિયારના જોરે ખંડણી વસૂલ કરતાં. મોગલ સલ્તનતના અંત સમયે મરાઠાઓ આ દ્વીપકલ્પમાં દાખલ થયા અને ખંડણી વસૂલ કરવા લાગ્યા. ત્યારપછી અંગ્રેજો આવ્યા અને હકૂમત ચલાવવા લાગ્યા. સને ૧૯૪૮ ની ૧૫મી એપ્રિલે સૌરાષ્ટ્રના રાજયોનું એકમ થયું અને સૌરાષ્ટ્રને ब વર્ગના રાજયની કક્ષામાં મૂકવામાં આવ્યું. તે પહેલાં સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં ૨૨૨ રાજ્યો હતાં. આ એકીકરણની શરૂઆત સને ૧૯૪૮ની ૧૫ જાન્યુઅરિએ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં પાંચ જિલ્લા છેઃ મધ્ય સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, હાલાર, સોરઠ અને ગોહિલવાડ. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે. સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર બીજાં મોટાં શહેરો છે ભાદર, ઓજત, શેત્રુંજી, ઉબેણ, હીરણ, રાવળ, માલન, ભોગાવો, આજી, મચ્છુ, વગેરે સૌરાષ્ટ્રની મોટી નદીઓ છે ગિરનાર, શેત્રુંજય, બરડો અને ચોટીલો એ સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતો છે. કેશોદ, પોરબંદર, જામનગર, રાજકોટ ને ભાવનગર આ પાંચ શહેરો વિમાનવ્યવહારથી સંકળાયેલ છે. બેડી, નવલખી, ઓખા પોરબંદર વેરાવળ, મહુવા અને ભાવનગર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ બંદરો છે. સોમનાથ, દ્વારકા, પોરબંદર, જૂનાગઠ, ગઢડા અને પાલીતાણા આ સૌરાષ્ટ્રના યાત્રાનાં ધામો છે. જલારામ, ભોજા ભગત, દેવીદાસ, જીવણ ભગત, આપા ગીગા, રોહીદાસ, આપા દાના વગેરે સૌરાષ્ટ્રમાં નાના મોટા અનેક સંત પુરુષો થઈ ગયા છે. સૌરાષ્ટ્રનો સાગરકાંઠો, સૌરાષ્ટ્રનો ગિરનાર ને ગીરપ્રદેશ તેમજ આહીર, મેર, રાજપુત અને કાઠી જેવી શુરવીર કોમો, શ્રી કૃષ્ણને મીરાંના નામે પ્રખ્યાત બનેલું દ્વારિકા, સુદામાનું નિવાસસ્થાન પોરબંદર અને સોમનાથ જેવાં પવિત્ર સ્થળો, નરસિંહ જેવા વૈષ્ણવ અને અનેક લોકસંતો, મહર્ષિ દયાનંદ અને મહાત્મા ગાંધીજી જેવાની જન્મભૂમિ હોવાનું ગૌરવ આ બધી સૌરાષ્ટ્રની વિશિષ્ટતા છે. સૌરાષ્ટ્રની કલા, લોકગીતો, લોકસાહિત્ય, પોષક, રહેણીકરણી વગેરેથી સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું ભારતમાં ખાસ સ્થાન છે. સૌરાષ્ટ્ર સરકારે મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઓવ ઈકોનોમિકસ અને સોસિયોલોજીના નિષ્ણાતો પાસે કરાવેલ સૌરાષ્ટ્રની સર્વદેશી વૈજ્ઞાનિક સમીક્ષા અનુસારઃ સૌરાષ્ટ્રએ એક દ્વીપકલ્પ છે. તેનો દરિયાકાંઠો ૭૫૦ માઈલ જેટલો મોટો છે. આ પ્રદેશ ૨૦૦ ૪૦ ’ થી ૨૩૦ ૨૫’ ઉત્તર અક્ષાંશ અને ૬૯૦ ૫’ અને ૭૨૦ ૨૦’ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. તેનું ક્ષેત્રફલ લગભગ ૨૩,૫૦૦ ચોરસ માઈલ છે. મુંબઈ રાજયના અમદાવાદ જિલ્લામાં આવેલા ધંધુકા અને ઘોઘા તેમ જ મુંબઈ રાજયમાં હાલમાં ભેળવી દીધેલ ઓખા અને અમરેલી બાદ કરતાં રાજકીય વિભાગની દૃષ્ટિએ સૌરાષ્ટ્ર રાજ્યનું ક્ષેત્રફળ ૨૧,૪૫૧ ચોરસ માઈલ છે તેને દક્ષિણકાંઠે પોર્ટુગીઝનો ૭ ચોરસમાઈલનો દીવ બેટ આવેલ છે. પારકી હકુમત નીચેના આવી રીતે વચ્ચે આવેલા દેશી અને પરદેશી ન્યાય અને વ્યવસ્થાદિમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે. અને તે સૌરાષ્ટ્રના વિકાસ કે પ્રગતિમાં અંતરાયરૂપ થઈ પડે એ સહજ છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર સિવાય બીજો એકે ય એવો મોટો પર્વત નથી. ગિરનાર સિવાયના બીજા જે કોઈ ડુંગરાઓ છે તે ઉપયોગી વનસ્પતિ વિનાના હોઈ ને લાભ કરતાં ઊલટા હાનિ કરે છે. ઝાડપાન કે વનસ્પતિ વિનાની ટેકરીઓ કે નર્યા શુષ્ક ઉજ્જડ જેવા ડુંગરાઓ હવામાનને સાનુકૂળ નહિ બનાવતાં ઊલટા પ્રતિકુળ બનાવે છે; એટલે કે, તે પ્રદેશની ઠંડી કે ગરમીને નરમ નહિ પાડતાં ઊલટી વધુ આકરી કરી મૂકવામાં કારણભૂત બને છે. આવા છોડસૃષ્ટિ વિનાના ડુંગરાઓ વરસાદને આકર્ષવામાં જરાયે સહાયભૂત થતા નથી. ગિરનાર એક અપવાદ છે. સૌરાષ્ટ્રનો ઈતિહાસ પણ આ ગિરનાર પર્વતની આજુબાજુ બહુ જ ગૂંથાયેલો છે. દ્વારકાને બાદ કરતાં સૌરાષ્ટ્રમાં ગિરનાર સૌથી વધુ ઐતિહાસિક છે તેમાં સૌરાષ્ટ્રનો અસલ ઈતિહાસ તેના શુદ્ધ સ્વરૂપમાં છુપાયેલો છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર સિવાય બીજો કોઈ એવો પર્વત ન હોવાથી તેની નદીઓ પણ એવા ગણ્યાગાંઠયા અપવાદ વિના કંઈ એવી મોટી નથી. આ નદીઓ માત્ર ચોમાસામાં ને તે પછી બહુ થોડા વખત માટે ચાલુ રહે છે. તે નદીના માર્ગો પણ ટૂંકા છે સૌરાષ્ટ્રમાં સામાન્યતઃ બાવન જેટલી નદીઓ અને ઝરણાંઓ છે. આ નદીઓમાં નીચે જણાવેલ સાત નદીઓ સિવાય બીજી બધી નદીઓના માર્ગ ૫૦ માઈલ થી પણ ઓછાં છેઃ ( ૧) ભાદર, ૧૦૫ માઈલ, ( ૨) શેત્રુંજી, ૯૬ માઈલ, ( ૩) સુખભાદર, ૭૨ માઈલ, ( ૪) ઓઝત, ૫૯ માઈલ, ( ૫) ભોગાવો, ૫૭ માઈલ, ( ૬) કાળુભાર, ૫૬ માઈલ, ( ૭) મચ્છુ, ૫૫ માઈલ. બાકી બધી નદીઓ ઝરણાં કે વોંકળા ગણાય ! આ નદીઓના પટ પણ બહુ જ સાંકડા છે. એવી છીછરી નદીઓમાં જ્યારે બહુ વરસાદ આવે છે ત્યારે પાણી છલકાય છે ને આજુબાજુ નુકસાન કરે છે. સૌરાષ્ટ્રની નદીઓમાંથી વીજળીબળ ઉત્પન્ન કરી શકાય એમ ન હોઈને ખેતીના કામમાં તે જોઈએ તેવી ઉપયોગમાં આવી શક્તી નથી. આથી સૌરાષ્ટ્ર સરકાર તરફથી મોટી નદીઓ ઉપર બંધ બાંધીને તેનો ઉપયોગ ખેતીમાં કરવાના પ્રબંધ પંચવર્ષીય યોજનામાં ખાસ થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના વરસાદની વિશિષ્ટતા એ છે કેઃ ( ૧) જ્યારે વરસાદ આવે છે ત્યારે તે એકદમ તૂટી પડે છે. અને પછી ( ૨ ) તે બંધ થઈ જઈ બહુ લંબાવે છે, એટલે કે સૌરાષ્ટ્રમાં વર્ષાઋતુ બહુ ટુંકી છે. સૌરાષ્ટ્રની આબોહવા એવી છે કે, શિયાળામાં સખત ઠંડી અને ઉનાળામાં બહુ ગરમી; કેમ કે ચોમાસું બહુ થોડો વખત ચાલે છે અને વળી એ ટૂંકા ગાળાના ચોમાસામાં યે વચ્ચે વચ્ચે લાંબા વખત સુધી વરસાદ બિલકુલ આવતો નથી. દરિયાકાંઠે અપવાદ રૂપે ઠંડી અને ગરમી દરિયાને લીધે સમધારણ રહે છે, પણ સામાન્યતઃ સૌરાષ્ટ્રમાં લાંબો વખત સુધી ગરમી રહે છે. સૌરાષ્ટ્રમાં અગાઉ જુદાં જુદાં નાનાં મોટાં અનેક રાજ્યો હતાં; પણ આ બધાં રાજ્યોનું હવે એકમ થઈ જતાં સૌરાષ્ટ્ર રાજય એક, અખંડ અને અવિભાજ્ય બન્યું છે. સૌરાષ્ટ્રનું ક્ષેત્રફળ ભારતના ક્ષેત્રફળ સાથે સરખાવતાં ૧.૭ ટકા થાય. આજ રીતે જો સૌરાષ્ટ્રની વસતી ભારતની વસતી સાથે સરખાવીએ તો તે પણ માત્ર ૧.૨ ટકા જ થાય છે. સૌરાષ્ટ્રમાં શહેરોની વસતીનું પ્રમાણ જ્યારે ૩૪ ટકા છે, ત્યારે ભારતમાં તે પ્રમાણ માત્ર ૧૭ ટકા છે; એટલે કે, સૌરાષ્ટ્રમાં ભારત કરતાં શહેરોની વસતીનું પ્રમાણ બરોબર બમણું છે. મુંબઈ રાજ્ય જે હુન્નર ઉદ્યોગનું મથક ગણાય છે. ત્યાં પણ શહેરની વસતીનું પ્રમાણ ૩૧ ટકા છે. આ ઉપરથી જણાય છે કે, ભારતવર્ષમાં બીજાં રાજ્યો કરતા સૌરાષ્ટ્રમાં શહેરની વસતીનું પ્રમાણ વધારે છે. સૌરાષ્ટ્ર તેનો વિસ્તૃત દરિયાકાંઠો, અપૂરતો વરસાદ અને સાગર કિનારાની ધરતીને લીધે તેમ જ દરિયાના પાણીને હળવું કરનાર એક પણ નદી દરિયામાં ન મળતી હોવાને લીધે ભારતનું મીઠા માટેનું ઉત્પાદન કેંદ્ર બન્યું છે. સાગર કિનારા ઉપર તેમ જ રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મીઠાનાં કારખાનાં છે. સૌરાષ્ટ્ર તેના કિનારા વિસ્તારોમાં ખનિજો ખાસ કરીને ચૂનાના પથ્થરોવાળા ખનિજો, તેમ જ સિલિકા અને એલ્યુમિનિયમવાળા માટીનાં ખનિજોથી સમૃદ્ધ છે તેમાં જુદી જુદી જાતની લાલ તેમ જ પીળી માટી, ચીરોડી અને બાંધકામના પથ્થર તેમ જ રેતી આખા દ્વીપકલ્પ ઉપર પથરાયેલાં છે. સૌરાષ્ટ્રમાં કોલસાની ખાણ કે તેલનો એક રણ કૂવો નથી. સને ૧૯૪૮ પછી સૌરાષ્ટ્રના જુદા જુદા ઉદ્યોગોને ઠીક ઠીક વિકાસ થયો છે. દીવાસળીનો ઉદ્યોગ પહેલા વર્ગનો છે. કાપડની મીલો બીજા વર્ગમાં છે. મીઠું ઉદ્યોગોના ત્રીજા વર્ગમાં આવે છે. સૌરાષ્ટ્રમાં મીઠા તેમ જ ચૂનાના પથ્થરોનો વધારો હોવાને લીધે સમગ્ર ભારતમાં મહત્ત્વના એવા સોડએશનો ઉદ્યોગ વિકસેલ છે. ધ્રાંગધ્રા કેમીકલ વર્કસ દરરોજના ૬૦ ટન ઉત્પાદનની શક્તિ ધરાવે છે. આ ઉત્પાદન માટેનો બીજો પ્લાન્ટ મીઠાપુર તાતા કેમીકલ વર્કસ, પણ સૌરાષ્ટ્રમાં આવેલ છે. તેની દરરોજની ઉત્પાદનશક્તિ ૧૨૦ ટનની છે. વાર્ષિક ૬૬,૦૦૦ ટન મીઠાનું ઉત્પાદન કરતું એક મોટું કારખાનું જાફરાબાદ ખાતે છે. લગભગ બારેક કારખાનાંઓ સોડિયમ સિલીકેટ બનાવે છે. સૌરાષ્ટ્રનો તે પછીનો બીજો મહત્ત્વનો ઉદ્યોગ સિમેન્ટનો છે. દ્વારકા અને પોરબંદરમાં સિમેન્ટનાં કારખાનાં છે. પછીનો મહત્ત્વનો ઉદ્યોગ માટી કામનો છે. મોરબી, થાન, વાંકાનેર, જામનગર, ચોરવાડ વગેરેમાં માટીકામનાં કારખાનાંઓ છે. કાપડનો ઉદ્યોગ એ સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ઉદ્યોગ છે. આ પછીનો સૌરાષ્ટ્રનો અગત્યનો તેલનો ઉદ્યોગ છે. વનસ્પતિ ઘીની બનાવટનો બીજો ઉદ્યોગ વિકસી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં સાબુનાં નાનાં મોટાં ઘણાં કારખાનાં છે. સૌરાષ્ટ્રમાં લોકશાહી સરકારની રચનાની શરૂઆતથી જ જૂની કેળવણીને રાષ્ટ્રીયતાનું રૂપ આપવાની જરૂરિયાત માનવામાં આવી હતી. આને પરિણામે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં તેમજ પાયાની કેળવણીમાં પણ પ્રગતિ થઈ છે. ગુજરાતમાં અને મહદ્ અંશે ભારતમાં મોન્ટેસોરી પદ્ધતિએ બાલમંદિરની શરૂઆત કરીને બાળકો તરફની સમાજની પ્રચલિત દૃષ્ટિ બદલાવી તેને સમાજમાં, કુટુંબમાં અને શાળામાં મહાન ગૌરવ તેમ જ યોગ્ય સ્થાન આપવાના પ્રથમ પ્રચારનો યશ ભાવનગરની દક્ષિણામૂર્તિ નામની સંસ્થા અને તેમાં યે ખાસ કરીને શ્રી ગિજુભાઈ બધેકાને છે. સને ૧૯૩૭ માં પાયાની કેળવણી માટેની વિચારધારા દેશ પાસે રજૂ થઈ ત્યારે આ સંસ્થાએ પોતાનું કાર્યક્ષેત્ર મર્યાદિત કરીને ગ્રામદક્ષિણમૂર્તિ નામની નવી સંસ્થાનો ભાવનગરથી ૨૦ માઈલને અંતરે આવેલા આંબલા નામના ગામમાં પાયો નાખ્યો.કેળવણીના આ પ્રયોગને વિસ્તારીને એ જ ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાએ દેશની નવી જરૂરિયાતને લક્ષમાં લઈને આંબલાથી નજીક આવેલા સણોસરા ગામે લોકભારતી યાને ગ્રામવિદ્યાપીઠ નામની નવી ઉચ્ચશિક્ષણ સંસ્થાની શરૂઆત કરી છે. તેના પ્રણેતા શ્રી નાનાભાઈ ભટ્ટ છે ગઢડામાં ગ્રામોદ્યોગ મંદિર, માલપરામાં વાત્સલ્યધામ, કુંડલાની પાસે ખડસલીમાં લોકશાળા ચાલી રહી છે. વઢવાણમાં વિકાસવિદ્યાલય, ઘરશાળા અને ફૂલગ્રામની નજીક સર્વોદય આશ્રમ ઝાલાવાડની ખ્યાતનામ સંસ્થા છે. સોરઠમાં જૂનાગઢમાં ગ્રામકાર્યકર વિદ્યાલય ચાલી રહ્યું છે. ગિરનારની તળેટીમાં રૂપાયતન સંસ્થા કામ કરી રહી છે. શાપુરમાં સર્વોદય આશ્રમ પણ ચાલી રહ્યો છે. ઉપરાંત માંગરોળની નજીક શારદાગ્રામમાં લોકશાળા ચાલી રહી છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તરફથી સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ખાદીકેંદ્ર ચાલે છે. ઉચ્ચશિક્ષણ માટે સૌરાષ્ટ્રમાં ચાર કલાની કોલેજો છે, એક કોમર્સ કોલેજ છે, ત્રણ ટેકનિકલ સંસ્થાઓ છે, મોરબીમાં એક એન્જિનિયરિંગ કોલેજ છે અને જામનગરમાં આયુર્વેદિક કોલેજ છે. સૌરાષ્ટ્રમાં સરકારી અને ખાનગી આઠ અદ્યાપન મંદિરો પણ છે. સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલો ગુજરાતનો સાગરકાંઠો વિશાળ છે. જૂના સમયમાં સૌરાષ્ટ્રમાં દ્વારિકા, પોરબંદર, વેરાવળ, સોમનાથ પાટણ, દીવ અને ઘોઘા તથા ગુજરાતના ખંભાત એટલે સ્તંભતીર્થ, ભરૂચ એટલે ભૃગુકચ્છ ને સુરત બંદરેથી વહાણો મારફતે દેશપરદેશનો વેપાર ખેડાતો. આ બંદરો જગમશહૂર હતાં. અહીંના ખારવા ને વેપારીઓ વહાણોમાં ભાતભાતની ચીજો ભરીને મિસર, અરબસ્તાન, ઈરાન, આફ્રિકા, મલબાર, કોરોમંડલ, સિલોન, જાવા ને ચીનની મુસાફરી કરતાં. દ્વારિકાનો રામસિંગ માલમ તો એકવાર ઠેઠ હોલંડ દેશ સુધી પહોંચી ગયો હતો. ત્યાંથી હુન્નર ઉદ્યોગ પણ શીખી લાવ્યો હતો. સૌરાષ્ટ્રની આબોહવા નીરોગી અને મનને આનંદ આપનારી છે. ડુંગરાળ મુલકની ઘાસભૂમિના નેસડામાં ગાય, ભેંસ, બકરાં અને ઘેટાં ઊછેરે છે; ત્યાં દૂધ, દહીં ને ઘીની રેલમછેલ હતી. રસાળ ને સપાટ ભૂમિમાં બાજરી, જુવાર, ઘઉં, તલ, કઠોળ ને કપાસ પાકે છે. સોરઠમાં જ્યાં વરસાદ સારો પડે છે ત્યાં ડાંગર, શેરડી ને ફળફળાદિ પાકે છે. સોરઠની લીલી નાઘેરની હરિયાળી ભૂમિ આંખને ઠારે છે. દરિયાકિનારાના મુલકમાં શ્રીફળ પાકે છે. આ ઐતિહાસિક સૌરાષ્ટ્રને વંદન કરતાં વિહારી લેખે છે કેઃ જય જય સુંદર સૌરાષ્ટ્ર, વંદુ જય જય સુંદર સૌરાષ્ટ્ર પ્રભુની પૂર્ણ કૃપાના પાત્ર – વંદુ….. વંદું સુફળ વિમળ જળ પૂરિત ભરતભૂમિ મુજ દેશ, ઘન્ય ધન્ય ગુણિયલ ગર્જર મુજબ પ્યારો પુણ્ય પ્રદેશ- જય જય જય ગરવી ગુજરાત-વંદું….. દીપાવ્યો અમ દેશ દ્વારકા શ્રીકૃષ્ણે કરી તખ્ત, મીરાં નરસિંહ ને સુદામા મોહન સમ જ્યાં ભક્ત- દયાનંદે દીપાવી જાત-વંદું….. અન્ન અમારાં વસ્ત્ર અમારા જળ જીવન આધાર, લીલાંછમ લીલવણી ખેતર ભર્યા ભૂમિ ભંડાર-મહેનતુ જાડી ખેડૂત જાત-વંદું….. સિંહભૂમિ સુવર્ણભૂમિ તીખી તેજણ તારોતાર, પ્રેમશૌર્યની ભડવીર ભૂમિ કરે દુહા લલકાર- સહુ મુજ સોરઠના ચળકાટ-વંદું……
|