स्त्री.
[ સં. હસ્ત ( હાથ ) + અક્ષર ( દસ્કત ) + વિદ્યા ( શાસ્ત્ર ) ]
હસ્તાક્ષર ઉપરથી તે લખનારના ગુણદોષ જાણવાની કળા; અક્ષર ઉપરથી માણસનાં લક્ષણ પારખવાનું શાસ્ત્ર. હસ્તાક્ષર ઉપરથી તે લખનારના ગુણદોષ પારખવાની આ કળાને જેમ ગુજરાતીમાં હસ્તાકક્ષરવિદ્યા કહે છે તેમ અંગ્રેજીમાં તેને `ગ્રાફોલોજિ`, કહે છે. `ગ્રાફોલોજિ` એ ગ્રીક ભાષા બે મૂળ શબ્દોનો બનેલ શબ્દ છે. `ગ્રાફો` એટલે લખવું અને `લોગોસ` એટલે સિદ્ધાંત કે શાસ્ત્ર. આ સંબંધે એમ મનાય છે આધુનિક હસ્તાક્ષરવિદ્યાનું ઉદ્ભવસ્થાન ફાન્સ છે. ઉચ્ચ કોટિના ફ્રેન્ચ છે. ઉચ્ચ કોટિના ફ્રેન્ચ ધર્મગુરુઓના એક અભ્યાસીમંડળે માનવ સ્વભાવ હસ્તાક્ષરમાં કઇ રીતે વ્યક્ત થાય છે તે વિષય ઉપર વ્યવસ્થિત રીતે સંશોધન કર્યું. કાર્ડિનલ રેગ્નિયર, કેમ્બ્રીજના આર્કબિશપ, એમીન્સના બિશપ બોડીનેટ અને એબી ફલેન્ડ્રીન આ અભ્યાસીમંડના સભ્ય હતા. ફલેન્ડ્રીન આગળ જતાં હિમોલાઈટ માઇકન, જે આધુનિક હસ્તાક્ષર વિદ્યાનો પ્રથમ વિધાયક ગણાય છે તેનો ગુરુ બન્યો. હસ્તાક્ષર વિદ્યાનું અંગ્રેજી નામ `ગ્રાફોલોજિ`એ પણ માઇકને જ પ્રચલિત બનાવ્યું તેણે હસ્તાક્ષરવિદ્યાના ક્ષેત્રમાં ચિર:સ્મરણીય કીર્તિ મેળવી. તેણે જે બધી નિશાનીઓ અને જેના ઉપરથી માનવ સ્વભાવને પારખવાના નિયમો ઘડ્યા તે આજે પણ સર્વમાન્ય છે અને અત્યંત આધારભૂત ગણાય છે. આ સંબંધે બીજું એક વિધાન એવું પણ છે કે: આ વિદ્યાની ઉત્પત્તિ લખતાં પશ્ચિમવાસીઓ કહે છે કે, તે કળાનું મૂળ રોમમાં છે. સોટોનિયસ નામના એક રોમન ઇતિહાસકારે રોમના એક પાદશાહનું જીવનચરિત્ર લખ્યું હતું અને તેમાં તેણે પાદશાહના હસ્તાક્ષર ઉપરથી તેના કેટલાક ગુણદોષ એટલે કે લક્ષણનું વર્ણન કર્યું હતું. વળી શેક્સપીઅર, બાયરન, વોલ્ટર સ્કોટ, બ્રાઉનિંગ અને અમેરિકન એડજર એલાન પો વગેરે સુપ્રસિદ્ધ લેખકોએ પણ હસ્તાક્ષર ઉપરથી માણસની પ્રકૃતિ જાણવાના વિવિધ પ્રયાસો પ્રસંગોપાત કરેલ છે. આમ હોવા છતાં પણ આ વિદ્યા વિષે એમ કહેવાય છે કે: (૧) તે એવી કોઇ પુરાણી વિદ્યા નથી. એટલે કે અગાઉના વખતમાં તે જાણવામાં આવી નહોતી, (૨) એ તો માત્ર કલ્પનામય ગણાતી એટલે કે તેની ઉપર કોઇ કશો યે આધાર રાખતું નહિ અને (૩) કોઈ કોઈ તો તેને માત્રા વહેમ જેવી વાત જ માનતું. આ ત્રણે માન્યતાઓ માટે જુદાં જુદાં કારણો પણ રજૂ કરાતાં હતાં. હસ્તાક્ષરવિદ્યાના સમર્થનમાં તેના નિષ્ણાતો લખે છે કે: હસ્તાક્ષરવિદ્યા એ હજી ઊગતી નવી વિદ્યા છે. તે ઉપરનો પહેલો ગ્રંથ ઇ. સ. ૧૮૭૫માં હિપ્લોલાઈટ માઇકન નામના ફ્રેંચ લેખકે બહાર પાડેલો હતો. અર્વાચીન હસ્તાક્ષર વિદ્યાનો તેને પિતા કહેવામાં આવે છે. તે પછી તો આ વિદ્યા ઉપર ઘણા ગ્રંથો લખાયા છે; છતાં યે માનસશાસ્ત્રની અન્ય શાખાઓની જેમ આ વિદ્યાને હજી શાળાઓ, વિદ્યાપીઠો, સભાગૃહો અને વર્તમાનપત્રોમાં સ્થાન અપાયેલ નથી. પરિણામે આ વિષયના નિષ્ણાતો, સંશોધકો અને શિક્ષકોની સંખ્યા બહુ નાની છે. હોલેન્ડ અને ઇંગ્લંડ કરતાં ફ્રાન્સ, જર્મનિ અને ઓસ્ટ્રિઆમાં આ વિદ્યામાં રસ લેનારાઓ વિશેષ મળી આવે છે. અત્યારે સ્વીટ્ઝર્લેંડમાં તે વિદ્યાના સંશોધકો સૌથી વધુ છે. એટલું જ નહિ, પણ ત્યાં તો સામાન્ય માણસો પણ હસ્તાક્ષરવિદ્યામાં સારો એવો રસ લે છે. આ વિદ્યાના થતા ગેરઉપયોગના સંબંધમાં નિષ્ણાતો એમ કહે છે કે: હસ્તિવિદ્યાનો ભવિષ્ય ભાખવાની વિદ્યા તરીકે જે ગેરઉપયોગ થઈ રહ્યો છે તે ઇચ્છવા યોગ્ય નથી; કેમકે હસ્તાક્ષર ઉપરથી ભવિષ્ય ભાખવું એ તો નર્યો વહેમ અને જૂઠાણું છે. હસ્તાક્ષર ઉપરથી હસ્તરેખાની માફક ભૂત, વર્તમાન કે ભવિષ્ય ભાખી શકાય નહિ; પણ તેના ઉપરથી તો તે લખનારનાં વિવિધ લક્ષણો કે એ લેખકના ગુણદોષ જાણી શકાય છે. હસ્તાક્ષર ઉપરથી ચારિત્ર્ય જાણી શકાય કે નહિ એ બહુ જ વિવાદગ્રસ્ત પ્રશ્ન છે, અને તેની દલીલોની સમર્થનમાં કેટલાંયે શાસ્ત્રીય પુસ્તકો પણ લખાયેલાં છે. આર. સાદેકનું `હેન્ડ રાઇટિંગ અને કેરેક્ટર` અર્થાત્ ` હસ્તાક્ષર અને ચારિત્ર્ય ` તેમ જ એચ. જે. જેકબિનું ` એનેલિસિઝ ઓફ હેન્ડરાઇટિંગ ` અર્થાત્ ` હસ્તાક્ષરનું પૃથક્કરણ ` એ દલીલોની વિરુદ્ધમાં અને તરફેણમાં લખાયેલા અંગ્રેજી ભાષાના બે સુંદર ગ્રંથો છે. આ અંગેની ત્રણ દીલોલ કે શંકાઓ અને તેનાં સમાધાનો કે નિરાકરણ નીચે પ્રમાણે આપવામાં આવેલ છે. પહેલી શંકા : નિશાળમાં અક્ષર લખવાની કોપીબુકો ઉપરથી સૌ શીખનાર માણસના હસ્તાક્ષર એક જ પદ્ધતિથી ઘડાયેલા હોય છે. એટલે વસ્તુત: જુદા જુદા હસ્તાક્ષરોમાં ખાસ તફાવત હોતો નથી. સમાધાન : આ દલીલ કેટલી વજૂદવાળી છે તે એક સાદા દાખલા ઉપરથી જ સ્પષ્ટ સમજાય તેમ છે. `t` `ટી` જેવો એક નાનો અક્ષર જુદા જુદા માણસો જુદી જુદી રીતે લખે છે. બીજા અક્ષરો સાથે તેને જોડે છે, તેમાં કાપલીટી પણ અનોખી રીત કરે છે. `t`-`ટી`ના વિવિધ કાપના ૧ થી ૨૬ નમૂના જોતાં હસ્તાક્ષર પણ `ભિન્નરુચિહિ લોક:` અર્થાત્ લોકોની ભિન્ન ભિન્ન પ્રકૃતિ પ્રમાણે તેના અક્ષરના વળાક પણ ભિન્ન ભિન્ન હોય છે. જેમકે, `ટી`ના કાપ નમૂના ૧માં માથાથી ઊંચે, નમૂના રમાં માથા ઉપર, નમૂના ૩માં યોગ્ય ઊંચાઇએ, નમૂના ૪માં જરા નીચે નમૂના ૫ માં કાપ જ નહિ, નમૂના ૬ માં ઊંચે જતો કાપ, નમૂનાં ૭માં નીચાણ પડતો, નમૂના ૮માં છેડે પાતળો, નમૂના ૯માં છેડે જાડો, નમૂના ૧૦માં આંકડિયા સાથે, નમૂના ૧૧ માં વચ્ચે ગાંઠ સાથે, નમૂના ૧૨માં વચ્ચે ખાલી જગ્યા રાખી નીચાણ તરફ, નમૂના ૧૩માં ઉપર ખાલી જગ્યા, નમૂના ૧૪ अ માં ડાબી બાજુ કાપ, નમૂના ૧૪ ब માં જમણી બાજુ કાપ, નમૂના ૧૫માં ત્રિકોણ સાથે ક્ષિતિજ સમાંતર કાપ, નમૂના ૧૬માં ડાબી બાજુ ઉપર નીચે ખાલી જગ્યા સાથે, નમૂના ૧૭માં ખાલી જગ્યા નીચાણ તરફ ઢળતી અને કાપ જમણી તરફ ઢળતો, નમૂના ૧૮માં એકધારી નહિ એવી લીટીવાળો, નમૂના ૧૯માં છાપેલ ટાઇપ જેવો, નમૂના ૨૦માં ગાંઠ અને કાપ બંને સાથે, નમૂના ૨૧માં કાપ પછીના અક્ષર સાથે અથવા પછીના `આઈ `ના મીંડા સાથે જોડાયેલ, નમૂના ૨૨માં ટી ઊંધો, નમૂના ૨૩માં કાપ પાછળ નમતો ઉપર કે ઊંચે, નમૂના ૨૪अ માં ટી નો કાપ બધા અક્ષર ઢાંકી દે છે, નમૂના ૨૪ ब માં કેટલાક શબ્દોને જોડે છે, નમૂનો ૨૫ માં સંગીતા અક્ષર જોવો અને નમૂના નમૂનો ૨૬માં આખા અક્ષરને બદલે થોડોક જ કાપ. એક જ અક્ષર વચ્ચે આવો તફાવત માત્ર `t` `ટી` પૂરતો જ નહિ પરંતુ મૂળાક્ષરના બધા અક્ષરો વચ્ચે નજરે તફાવત પડે છે. જેમકે, `આઈ` ઉપર મીડું મૂકવાની લખનાર તો શાળામાં એક જ રીત શીખ્યો હોય છે. છતાંયે વ્યવહારમાં જુદા જુદા લખનાર `આઇ`ઉપર વિવિધ રીતે મીંડું પોતપોતાની જુદી જુદી પ્રકૃતિ પ્રમાણે મૂકી રહ્યા છે. કોઈ ` આઈ ` ઉપર અધવચ્ચે મીડું મૂકે છે, તો કોઈ આગળ કે પાછળ મૂકે છે; તો વળી કોઇ ક્યાંયનું ક્યાંય `આઈ`થી દૂર પણ મૂકીને પોતાનો સ્વભાવ વ્યક્ત કરે છે. ગુજરાતી અક્ષરોમાં પણ ઉપર જણાવાયું તેમ હૃસ્વ, દીર્ધ, કાનો, માત્રા, અનુસવાર વગેરે એક ચોક્કસ રીતે કરવાનું શાળામાં શીખેલ માણસ વ્યવહારમાં પોતાપોતાના સ્વભાવ પ્રમાણે અનેક જુદી જુદી રીતે કલ્પનામાં ન આવે ભિન્ન ભિન્ન રીતે લખે છે એ હકીકત છે. હસ્તાક્ષર પારખુ એમ પણ કહે છે કે: જુદા જુદા હસ્તાક્ષરો વચ્ચેનો આવો તફાવત માત્ર અક્ષરો પૂરતો જ નથી; પણ તેના વળાંક, દિશા, એક અક્ષરની બીજા સાથે જોડવાની રીત, અક્ષરોનાં કદ, એ અક્ષરો વચ્ચેની જગ્યા વગેરેમાં પણ સ્પષ્ટ રીતે લખવાની ભિન્ન ભિન્ન પ્રકૃતિ પ્રમાણે જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. સ્પષ્ટીકરણ કરતાં તેઓ લખે છે કે: (૧) એકબીજા અક્ષરો અને શબ્દોને જોડવાની એક સ્પષ્ટ પદ્ધતિ શાળામાં શીખનાર માણસ વ્યવહારમાં એ અક્ષરો અને શબ્દો કોઇ ખાસ અનેરી પોતપોતાની રીતે જોડી રહેલ આપણે જોઇએ છીએ. (૨) અક્ષરોનાં કદ પણ સૌ કોઈ શાળામાં શીખ્યા પ્રમાણે તે એકસરખાં કરતાં નથી; કોઈ નાના કદના, તો કોઇ મોટા કદના તો વળી કોઇ સમધારણ કદના અક્ષરો લખે છે અને તે જુદી જુદી ટેવ ઉપરથી પણ લખનારનો સ્વભાવ જુદો જુદો પારખી શીખાય છે. (૩) શાળામાં શબ્દો અને લીટીઓ વચ્ચે અમુક અંતર રાખવાનું શીખેલ માણસ પોતાપોતાના સ્વભાવ પ્રામાણે શબ્દો અને લીટીઓ વચ્ચે મનમાન્યું અંતર રાખીને પણ પોતાનો સ્વભાવ કે મનોવૃત્તિ અજાણપણે જણાવી દે છે. (૪) શાળામાં એકધારી સમધારણ ઝડપે લખવાનું શીખેલ ઓછીવધતી ઝડપથી પોતાનાં લખાણો કરીને પણ પોતાનો સ્વભાવ હસ્તાક્ષરપારખુને સ્પષ્ટ રીતે બતાવી દે છે. (૫) અક્ષરોના વળાંક અમુક એક જ રીતે રાખવાનું શીખ્યા છતાં માણસ વ્યવહારમાં સાવ સીધા, જમણા ત્રાંસા, ડાબા ત્રાંસા, ઓછા વધતા ત્રાંસા, સાવ વળેલા કે કૃત્રિમ દેખાય એવા ચિત્રવિચિત્ર અક્ષરોના વળાંક કરીને પણ લખનાર પોતાનો સ્વભાવ કેવો છે તે પોતાના અક્ષરોના જુદા જુદા પ્રકારના વળાંક ઉપરથી તે સાફ જણાવી દે છે. (૬) એકધારા શબ્દો, વચ્ચે એકધારું અંતર, સીધી લીટી વગેરેથી ઊડીને આંખે વળગે એવું લખાણ લખવા શાળામાં ટેવાયેલ માણસ વ્યવહારમાં પોતાનું લખાણનું પાનું પોતપોતાના સ્વભાવ પ્રમાણે જુદી રીતે ચીતરી મૂકીને પણ પોતાનો સ્વભાવ હસ્તાક્ષરપારખુને ખુલ્લો પાડી દે છે. બીજી શંકા: એકના એક જ દિવસમાં જેમ જેમ માણસમાં સ્વભાવ અને મનોવૃત્તિઓ બદલતાં જાય છે તેમ તેના હસ્તાક્ષર પણ ફરતા જાય છે. આવી જાતના ઘડીએ ઘડીએ બદલાતા માપકયંત્રથી માણસનું મૂળ ચારિત્ર્ય કેવી રીતે જાણી શકાય ? સમાધાન : જુદાં જુદાં લખાણમાં જે કાંઈ તફાવત માલૂમ પડે છે તે વસ્તુત: નામનો જ હોય છે. લેખકનાં મૂળભૂત લક્ષણો તો હમેશ એકસરખાં જ રહે છે; પરંતુ જ્યારે માણસના ચારિત્ર્યમાં કોઇ મોટો ફેરફાર થાય છે ત્યારે તેના હસ્તાક્ષરમાં પણ સ્પષ્ટ તફાવત પડી જાય છે. એ વાત તો સત્ય છે. હિપ્નોટિઝમ યાને વશીકરણની અસર નીચેના માણસનો દાખલો આ વાત સાબિત કરે છે. પોતાને સમ્રાટ માની કંઈ લખવાનું તેને ફરમાવવામાં આવશે તો સમ્રાટના જેવા ભભકાથી અને છટાથી જ તે લખશે; અને બાળકની જેમ લખવાનું તેને કહેવામાં આવશે તો એક અણઘડ બાળકની જેમ જાણે કે તે માંડમાંડ લખતો હોય તેમ તે લખશે. m, n નાના, l, s, h મધ્યમ અને f મોટા અક્ષરોની લંબાઈમાં તફાવત, એ વચ્ચેની જગ્યાના ત્રણ વિભાગ કલ્પેલા છે. m, n જેવા નાના અક્ષરો મધ્યમ વિભાગને આવરે છે; l, g, h જેવા મધ્યમ કદના અક્ષરો એ વિભાગમાં લખાય છે અને f જેવા ઊંચા અક્ષરો ત્રણે વિભાગને આવરે છે. આ ત્રણે વિભાગોમાં પણ અક્ષરોની સપ્રમાણતા જુદી જુદી હોય છે. નમૂના ૩-૧૧, ૩૪, ૫૦, ૯૯, ૧૨૧. ૨. સામાન્ય ગોઠવણ: પાના ઉપર લખાણની રચના, હાંસિયાનો પ્રકાર-પહોળો, ટૂંકો, સ્થિર અથવા બદલાતો વગેરેનો આમાં સમાવેશ થાય છે. ૩. લીટીઓની દિશા: ઊચે જતી નમૂના ૩૦,૬૪ નીચે જતી નમૂનો ૩૩, કમાનની જેમ ઢાળવાળી નમૂનો ૩૨, ઊંધી કમાનની જેવા વળાંકની નમૂનો ૩૫. ૪. જોડાણનું પ્રમાણ; એકી સાથે સંકલિત લખાણ નમૂના ૮૧૨,૧૬. અસંકલિત લખાણ નમૂનો ૩૪. એક જ શબ્દમાં ચાર અથવા પાંચ અક્ષરો ઓછામાં ઓછા જ્યારે જોડેલા હોય ત્યારે તેવા લખાણને સંકલિત લખાણ કહેવાય છે, `ટી`ને કાપવાને અથવા `આઇ` ઉપર ટપકું કરવા જો લેખક લેખનભંગ કરે છે તો તે બહુ ધ્યાનમાં લેવા જેવું નથી. નમૂના ૪૩થી૬૦. ૫. ઊર્ધ્વગામી અને અધોગામી અર્થાત્ ઉપરની બાજુએ અને નીચેની બાજુએ ઢળતા કાપના જોડાણના પ્રકાર: કોપીબુકના અનુસાર લખાણ નમૂના ૬,૧૦૯ ખૂણાના આકાર પ્રમાણે નમૂના ૩૮,૧૨૧ મથાળા ઉપર વેલની જેમ વળેલ નમૂના ૧૬,૬૬ તળીએ માળાની જેમ વળેલ નમૂના ૮, ૪૦ મથાળા ઉપર તેમ જ નીચેની બાજુએ બંને તરફ સમુદ્રનાં મંડોની માફક વળાંક લેતા નમૂના ૨૫,૩૪ દોરાની માફક ધીમે ધીમે પાતળા પડતા નમૂના ૪૪,૫૫. ઉપર વર્ણવેલા દરેક જોડાણના પ્રકાર એક મિશ્ર પ્રકારમાં સમાવી શકાય તેમાં બીજો અક્ષર શરૂ કરતાં પહેલાં લેખક આગળના અક્ષરને નીચેથી તેના મધ્યભાગ સુધી ચડતી લીટી દ્વારા બીજા અક્ષર સાથે જોડે છે. ૬. નિયમિત લખાણની વ્યાખ્યા: નાના અક્ષરો કદ, લખાણનો વળાંક અને અક્ષરોની નીચેની બાજુ તરફનું પરસ્પર અંતર એકધારું હોય ત્યારે તે લખાણને નિયમિત લખાણ કહી શકાય. આ પ્રમાણે ન હોય તે અનિયમિત લખાણ. નમૂનો ૪૬. ૭. એકધારું લખાણ: નિયમિત કે અનિયમિત કોઈ પણ પ્રકારના લખાણમાં આદિથી અંત સુધી લખાણની ઢબમાં ફેરફાર થતો ન હોય તેવા પ્રકારને એકધારું લખાણ કહેવાય છે, નમૂના ૪૬,૭. જો લખાણની ઢબમાં ફેરફાર થાય તો તે લખાણ એકધારું ન કહેવાય. ૮ ઓછી વધતી પહોળાઇનું લખાણ: પહોળું લખાણ નમૂનો ૫, સાંકડું લખાણ નમૂનો ૩૧. લેખકના l, m, n વગેરે નાના અક્ષરોની ઊંચાઈ અનુસાર જો બે નીચે ઢળતા શબ્દોનું અંતર હોય તો તેને સપ્રમાણ પહોળાઈનું લખાણ કહી શકાય. ૯. લખાણની ગતિ: ઝડપી લખાણ નમૂનો ૧, ધીમું લખાણ નમૂનો પર. લખાણની ગતિ અને વિશિષ્ટતાઓ ઉપરથી માપી શકાય છે અને આ બાબતનું શ્રી સાદેકે વિસ્તૃત અભ્યાસપૂર્ણ સંશોધન કરેલ છે. ઝડપી લખાણની વિશિષ્ટતાઓ એ છે કે, તેમાં અક્ષર ઉપરનાં ચિહ્ન, જેવાં કે i ઉપરનું બિંદુ કે t ની કાપરેખા-અક્ષરની ઉપર કે અંદરથી શરૂ થવાને બદલે જમણી બાજુએ જ આવી જાય છે. તેમાં લખાણનો ઢાળ જમણી બાજુએ વળેલ હોય છે શબ્દના અંત્ય કાપ કે ચિહ્નો પણ જમણી બાજુ તરફ ખેંચાયેલ હોય છે. ૧૦. અક્ષરોનું કદ: જરૂર પ્રમાણે જ જ્યારે અક્ષરોનું કદ હોય ત્યારે તેને સામાન્ય રૂપ અક્ષરો કહી શકાય. સુસંગતતા અને પ્રતિકૂળતા વિના તેના કદમાં ફેરફાર હોય ત્યારે તેને મોટા કે મિશ્રરૂપ અક્ષર કહી શખાય. નમૂનો ૪૧. જ્યારે તેમાંથી અગત્યનાં ચિહ્નો ઉડાડી દેવામાં આવ્યાં હોય ત્યારે તે લખાણના વાચનમાં પણ દુર્બોધિતા આવે છે. વધુ પડતા વળાંકથી મૂળ અક્ષરો ઢંકાઈ જાય એ પણ લેખનશૈલીનો એક પ્રકાર છે. નમૂનો ૩૭. ૧૧. લખાણમાં રોકાતી જગ્યા: જ્યારે લખાણમાં રોકાતી જગ્યા પ્રમાણમાં વધુ પડતી હોય ત્યારે તેને ભર્યુ અથવા સભર લખાણ કહેવાય છે. આવું લખાણ વધુ પડતા વળાંકને લીધે પ્રમાણમાં વધુ જગ્યા રોકે છે. નમૂનો ૪૧. આછા લખાણમાં રોકાયેલી જગ્યા લખાણના પ્રમાણમાં થોડી હોય છે. ૧૨. અક્ષરોના મરોડ: અક્ષરોમાં ઉપરનાં ચિહ્ન પાતાળાં અને નીચેનાં ચિહ્ન જાડાં હોય તેનો મરોડ સ્પષ્ઠ કહેવાય. કોઈક વાર અક્ષરના વળાંક કે ચિહ્નો સ્પષ્ટ અને પાતળા હોવાને બદલે લખનાર જાણે કે પીંછીથી લખતો હોય તેવાં ઘાટાં હોય છે. અક્ષરો લખતી વખતે દબાણ કે ભાર પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ક્યારેક અક્ષરો તેની નીચેના ભાગ ઉપર વધારે દબાણ આપી લખવામાં આવે છે અવે ક્યારેક કોપીબુકના લખાણની જેમ અક્ષરોના ઉપરના ભાગ લખતી વખતે જરાપણ દબાણ રાખવામાં આવતું નથી. અક્ષરોના મરોડ તપાસતી વખતે કઈ જાતની કલમ વાપરવામાં આવી છે તે પણ લક્ષમાં રાખવું જોઇએ. અત્યારની ફાઉન્ટન પેનથી લખવાની પદ્ધતિ અનુસાર અક્ષરો જાડા બનતા જાય છે. ઝીણા પાતળા અક્ષરો તે વતી લખવાનું મુશ્કેલ છે. ૧૩. લખાણની લીટીનો વળાંક: તે ત્રણ પ્રકારનો હોય છે: ઉપરની બાજુ તરફ ઢળતો નમૂનો ૧૨,૨૩,૪૧,૪૩. જમણી બાજુ તરફ ઢળતો, નમૂનો ૧૪,૨૦,૩૩,૩૭, તેમજ ડાબી બાજુ તરફ ઢળતા નમૂના ૮, ૩૨. લખાણની લીટીનો વળાંક અક્ષરો નીચેના ભાગનો બનેલો હોય છે. દરેક અક્ષરની નીચે કાલ્પનિક આડી રેખાને પરિણામે પણ લખાણની લીટીમાં વળાંક આવી જાય છે. ૧૪. જમણી કે ડાબી બાજુએ લખવાનું વલણ: આ પ્રમાણેની વૃત્તિ ડાબી બાજુ તરફ ઢળતાં લખાણને લીધે જ થાય છે તેવું કંઈ નથી. અક્ષરના અંતના વળાંક કે ઉપરના વળાંક ડાબી બાજુ તરફ પાછા જતા હોય ત્યારે પણ તેના કારણરૂપ આવી વૃત્તિ જ રહેલી હોય છે, નમૂના ૧૬,૧૭. ૧૫. લીટીઓ કે અક્ષરો વચ્ચેની જગ્યા: આ જગ્યા ક્યારેક પ્રમાણસર અને સ્પષ્ટ હોય છે, તો ક્યારેક વધારે પડતી હોય છે; અને કોઈવાર નથી પણ હોતી. જ્યારે જરાપણ જગ્યા નથી હોતી ત્યારે એક જ લીટીમાં શબ્દો જોડી દેવામાં આવે છે, અથવા તો લખાણની બે લીટીઓ એકબીજાને પરસ્પર અડી જાય છે કે એકબીજામાં મળી જાય છે. ૧૬. લખતી વખતે તેની પાછળ ધ્યાન અને કાળજીનું પ્રમાણ: આ બાબતમાં નિર્ણય કરવા માટે આપણે શબ્દો કે લીટીઓના નિર્ણય કરવા માટે આપણે શબ્દો કે લીટીઓના આદિ કે અંતૂનું અવલોકન કરવુ જોઇએ. આ બાબતમાં સરનામાનું લખાણ, સહીનો નમૂનો અને સામાન્ય લખાણના તફાવતને લક્ષમાં લેવાની જરૂર છે. ત્રીજી શંકા: હસ્તાક્ષરનાં લખાણ હાથની હિલચાલથી જ થાય છે. એટલે હસ્તાક્ષરમાં જે વિવિધતા દેખાય છે તે ઉપરથી જુદા જુદા લખાનારની હાથ ચતુરાઈ, તેની લખવાની ઢબ કે તેની અણઆડત જાણી શકાય; પરંતુ તે ઉપરથી લખનારના ચારિત્ર્ય અંગે કાંઇ ખયાલ બાંધી ન શકાય. સમાધાન: હિપ્નોટિઝમ અને વશીકરણના અગાઉ જણાવેલ પ્રયોગ ઉપરથી આનો રદિયો આવી મળી રહે છે. હિપ્નોટિઝમ અસર નીચે આવેલા માણસના હસ્તાક્ષરના ફેરફારનું મૂળભૂત કારણ લખનારની માનસિક સ્થિતિમાં એ ફેર છે તે જ હોય અને આ ફેરફારનું ઉદ્ભવસ્થાન તેનું મન અને લાગણી હોય છે. તેની અસર હસ્તાક્ષર ઉપર સીધી પડે છે. હાથના હલનચલનને આ સાથે જરાયે સંબંધ નથી. બીજા એવા પ્રયોગોએ એમ પણ પુરવાર કરેલ છે કે, લખાણની સામાન્ય વિશિષ્ટાતાઓ માણસ ગમે તે સાધનથી લખે તો પણ એક જ જાતની રહે છે. માણસ પોતાના હાથથી લખે કે છરીના છેડાથી લખે અથવા આકાશમાં ધુમાડાથી લખે તો પણ લખાણ એક જ પ્રકારનું રહે છે. લખવાની આ રીતના જુદા જુદા પ્રકાર અનુસાર ’લખાતા શબ્દોમાં લખવાના સાધન અનુસાર અમુક અંશે ફેરફાર તો હોય છે જ; છતાં પણ કેળવાયેલી દૃષ્ટિએ આવો ફેરફાર હોવા છતાં લેખકની લાક્ષણિક વિશિષ્ટતાઓ સ્પષ્ટ રૂપે જણાઈ આવે છે અને તેની નજરે તેમાં કોઇ ખાસ તફાવત જણાતો નથી. જર્મનીમાં એક રસદાયક કિસ્સો ત્યાંની કોર્ટમાં લગભગ વીશેક વર્ષ પહેલાં બની ગયેલો. એક ખેડૂત તેના પાડોશી સાથે અણબનાવ થયો. એટલે તેને ચીડવવા ખાતર અપશબ્દોના આકારે તેના પાડોશીની જમીન ઉપર તેણે બી વાવ્યાં. તે બી થોડા વખત પછી ઊગ્યાં અને તેના છોડવા અક્ષરોમાંથી થયેલો આકાર બી વાવનાર ખેડૂતના હસ્તાક્ષરને તદ્દન મળતો હતો. કોર્ટમાં અક્ષરોના આકારનો આ પુરાવો રજૂ કરવામાં આવ્યો અને બી વાવનાર ખેડૂતે કરેલ ગુનાની સાબિતીના પુરાવા તરીકે કોર્ટ તે પુરાવો મંજુર રાખી તેને સજા કરી. હસ્તાક્ષર એ મગજની ડાબી બાજુએ રહેલ યાંત્રિક કરામતને અંગે હાથની હિલચાલનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. આને લીધે હસ્તાક્ષરવિદ્યા વિશારદનું પહેલું કામ એ લખાણ માટેની સંયોગિક અને વૈધાનિક પૂર્વ અનુકૂળતાઓ તપાસવાનું છે. ત્યારપછીનું તેનું બીજું કામ એ લખાણ લખાતી વખતે થતી હિલચાલનું સ્મરણ કરવાનું હોય છે. તેનું છેલ્લું કામ એ લખાણ ઉપરથી વ્યંજિત થતા લેખકના વ્યક્તિત્વ ઉપર વિચારણા કરવાનું હોય છે. લખાણ એ તેના લેખકની બુદ્ધિ, સ્મરણશક્તિ, સંસ્કાર, ચાતુર્ય, બળ, ઓજસ, પ્રતિભા અને વિવેકશક્તિના પરિપાકનું ફલ છે. એક એવું વિધાન પણ છે કે: ક્યારેક લેખક લખતી વખતે પોતાને અણગમતા લખવામાં મુશ્કેલ લાગતા કે બિનજરૂરી લાગતા અક્ષરના ભાગોને કાપી નાખે છે અને એ જ રીતે પોતાને ગમતા, સહેલાઈથી લખી શકાતા કે અગત્યના અક્ષરના ભાગોને ઉમેરી પણ દે છે. આ રીતે જોતાં હસ્તાક્ષર એ લખનારના ભાવ, અભાવ, રુચિ કે અરુચિ અને તેની લાક્ષણિક્તાનું પ્રતિબિંબ બની રહે છે. સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યમા જો કે આવું હસ્તાક્ષર સંબંધનું કોઇ પ્રમાણભૂત સાહિત્ય પ્રાપ્ત થતું નથી; પણ વિહારીકૃત `આર્યવર્ત યાત્રા`માં પ્રાસ્તવિક લખવામાં આવ્યું છે કે: `વિહારી હસ્તાક્ષર પારખવામાં નિષ્ણાત હતા. ન્યાયની અદાલતોમાં એમને હસ્તાક્ષરના નિષ્ણાત તરીકે અવારનવાર જુબાની આપવા જવાનું થતું. જુબાની પછી ન્યાયાધીશો અને વકીલો અક્ષર પારખવાના અને તે ઉપરથી તે લખનારાનાં લક્ષણો જાણવાના એમની પાસે પ્રયોગો કરાવતા. બનાવટી અક્ષરો લખીને છેતરપિંડી કરનાર તરત જ પકડાઈ જતા હતા. અક્ષર ઉપરથી તે લખનારને જોયા જાણ્યા કે ઓળખ્યા પારખ્યા વિના તે માણસ કેવો છે, તેનામાં શું ગુણદોષ છે, તેનું ચારિત્ર્ય કેવા પ્રકારનું છે, તે સર્વ તે પારખી કાઢતા. માણસનો સ્વભાવ પારખવાનું તેના અક્ષર પણ એક અગત્યનું સાધન છે એમ તેઓ કારણો આપીને સૌને સમજાવતા. પોતાના પરિચયમાં આવેલ સેંકડો સ્નેહીઓ, સંબંધીઓ અને શિષ્યો તેમજ શિક્ષકોના અક્ષરનો એમણે એક મોટો સંગ્રહ કર્યો છે. સંગ્રહ માંહેના વિવિધ પ્રકારની વ્યક્તિઓના અક્ષરોના ભિન્ન ભિન્ન વળાક ઉપરથી તે તે લખનાર વ્યક્તિનાં લક્ષણ કેવા હોવા જોઇએ તે કારણો આપીને `અક્ષર પારખ` નામનું એક પુસ્તક તૈયાર કરવાની એમની ઘણાં વર્ષની તૈયારી હતી. એ ગ્રંથ પ્રસિદ્ધ થયો હોત તો ગુજરાતી સાહિત્યમાં એક મૌલિક વધારો થાત. તેઓ કહેતા કે: `અક્ષર સ્વભાવસિદ્ધ છે- સ્વભાવ છે-વર્તન છે-ચારિત્ર્ય છે. અવલોકન કરો, નિરીક્ષણ કરો, અક્ષર તે જ મનુષ્ય છે- જેવા અક્ષર તેવાજ મનુષ્ય આ બધી હકીકત જેના આધારે આપેલ છે તે પુસ્તકના મૂળ લેખક શ્રી એરિક સિંગર `ગ્રાફોલોજિ ફોર એવરી મેન` ના પ્રારંભમાં જ સ્પષ્ટ રીતે લખે છે કે:-કોઇ પણ મનુષ્યના હસ્તાક્ષરની સહી એ તેના જીવનની અંગત વ્યક્તિગત વિશિષ્ટતા છે. નાણાની પહોંચ આપવી, દસ્તાવેજ કરવો કે કોર્ટમાં સોગનનામું કરવાનું હોય એવાં જીવનનાં વિવિધ કાર્યોમાં સહી બહુ જ અગત્યની છે. સામાજિક જીવનમાં પણ સહીની ઉપયોગિતા સ્વીકારાયેલી છે; કારણકે અન્ય કોઈ માણસના નામની ખોટી સહી કરવી એ દરેક દેશના કાયદા અનુસાર સખત શિક્ષાને પાત્ર છે. આપણા મિત્રોના અને સગાંવહાલાંના હસ્તાક્ષર તથા સહી પહેલી નજરે જ આપણે ઓળખી જઇએ છીએ. તેમની વચ્ચેનો તફાવત પણ આપણે સહેજે પારખી શકીએ છીએ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, હસ્તાક્ષરનો મનુષ્યના ચારિત્ર્ય અને વ્યક્તિત્વ સાથે નિકટ સંબંધ છે. સહીના અક્ષરો ઓળખીને જ લાખો રૂપિયાના ચેકો આ અતિ શાસ્ત્રીય એવી વીસમી સદીમાં પણ ચૂકવવામાં આવે છે. તાત્પર્ય કે હસ્તાક્ષરથી કરેલી સહી ઊપરથી જેમ તે લખનાર માણસને હાજરાહજૂર ઓળખી માની લાખો રૂપિયાની હૂંડી સ્વીકારવામાં આવે છે, તેમ તેના હસ્તાક્ષર ઉપરથી તે માણસના ગુણદોષ પારખવાની કળા પણ માનસશાસ્ત્ર અને વૈદ્યશાસ્ત્ર માફક તેનો ઉપયોગ કર્યાથી જ ક્રમશ: હસ્તગત થઈ શકે છે. સૂચન, પ્રત્યક્ષ દર્શન અને અનુભવ એ ત્રણેયની આ શાસ્ત્રના અભ્યાસમાં સરખી રીતે જરૂર છે. એ ઉપરાંત જોયેલા હસ્તાક્ષરને યાદ રાખવાની કે તેમાં ઝીણવટ ભરેલી રીતો જોવાની શક્તિ પણ હોવી જોઇએ. હસ્તાક્ષર તપાસવામાં રસ, આંતદૃષ્ટિ, માનસસ્વભાવનું જ્ઞાન અને પૃથક્કરણ તેમજ સમીકરણ કરી શકવાની માનસકિ શક્તિ એ ત્રણ આ શાસ્ત્રના અભ્યાસનું આવશ્યક અંગ છે. જો ફક્ત પુસ્તકો વાંચીને જ આ વિષયનો અભ્યાસ થાય તો તે તે પુસ્તકમાં દર્શાવેલ અમુક ચિહ્નો પૂરતો જ તે અભ્યાસ મર્યાદિત રહે છે અને તે ઘણું ગેરરસ્તે દોરનાર બને છે; કારણ કે દરેક લેખનપ્રકારને તેના અનેક ભાવાર્થે હોય છે. જો આ બધું સમગ્ર રીતે લઇ તટસ્થતાથી જોઇ શકાય તો જ લખનારના ચારિત્ર્યનું ખરું સ્વરૂપ સમજાય. આ વિષયના ખાસ નિષ્ણાત હસ્તાક્ષરપારખુને એક ખાસ ચેતવણી ફરીફરીને આપે છે કે: `હસ્તાક્ષરની કોઇ પણ એક સામાન્ય પદ્ધતિ અથવા તો કોઇ એક સંજ્ઞા ઉપરથી મનુષ્યના ચારિત્ર્યના ગુણ કે અવગુણનું માપ ન નીકળી શકે. દરેક લખાણ પદ્ધતિના અનેક અર્થો હોય છે. એટલે કોઇ પણ નિશ્ચિત અભિપ્રાય બાંધતાં પહેલાં એક જાતની લખાણપદ્ધતિને તેના જેવી બીજી પદ્ધતિએ સાથે સરખાવવી જોઇએ. માનવચારિત્ર્ય અને તેના પ્રતિબિંબરૂપ હસ્તાક્ષર એ બને ગંજીફાની રમતનાં પાનારૂપ છે. પાનાં હમેશ એક જ હોય છે; પરંતુ દરેક વખતે રમતની અંદર તે વહેંચાયા પછી રમનારના હાથમાંની બાજી જુદી જુદી હોય છે એટલે દરેક રમત તે દરમિયાનનાં પાનાં ઉપર અવલંબે છે. હસ્તાક્ષરની વિવિધ સંજ્ઞાઓનું આલોચન કરતાં જુદા જુદા અંગ્રેજી, ગુજરાતી હસ્તાક્ષરપારખુ જે કંઈ સામાન્ય તારવણી કરી ગયા છે તેના સાર રૂપે કહીએ તો; નમૂના ૭૧મુજબ મોટા માપનાં લખાણ લેખકને પોતાને માટે જગ્યા જોઈતી હોવાની વૃત્તિમાંથી જન્મે છે અને નાનાં લખાણ લેખકોને વૃત્તિમાંથી જન્મે છે અને નાનાં લખાણ લેખકોને પોતાને જેટલી જગ્યા મળી હોય તેનાથી સંતોષ માનવાની વૃત્તિના સૂચકરૂપે હોય છે. અર્થાત્ મોટા કદનું લખાણ આત્મલક્ષીપણું, મહત્ત્વાકાંક્ષા, આત્મવિશ્વાસ, નેતા થવાની અને પ્રખ્યાત થવાની વૃત્તિ, ઉત્સાહ ને ઉદારતા તેમ જ પરલક્ષીપણાનો અભાવ, વિવેકશૂન્યતા, નમ્રતા અને કૌશલ્યનો અભાવ, વાસ્તવિક્તા પ્રત્યેની ઉદાસીનતા, ચોક્સાઈનો અભવા અને દંભીપણું પણ વ્યક્ત કરે છે. નાના કદના અક્ષરો આત્મવિશ્વાસનો અભાવ, લઘુતાગ્રંથી લઘુ ઉદાસીનવૃત્તિ અને આજ્ઞાંક્તિપણું દર્શાવે છે. તેની સાથોસાથ તે વાસ્તવિક્તાનું ભાન, અવલોકનશક્તિ, ચોક્સાઈ, વિશ્વસનીયતા તેમ જ શારીરિક અથવા માનસિક ટૂંકી દૃષ્ટિ, અસહિષ્ણુતા અને ગમગીનપણું પણ સૂચવે છે. લખાણના કદને તેના લેખકની ઊંચાઈ સાથે જરા પણ સંબંધ નથી. કદાવર અને પડછંદ દેખાતા મનુષ્યો પણ ક્યારેક બહુ જ ટૂંકા કદમાં લખે છે; જ્યારે ઠીંગણા મનુષ્યો મોટા કદમાં લખે છે. નમૂનો ૮ પડછંદ મનુષ્યના અક્ષરનો છે, જ્યારે નમૂનો ૧૪ ब એક ઠીંગણા મનુષ્યના અક્ષરનો છે. હસ્તાક્ષરવિદ્યામાં લખાણના માપ ઉપરાંત અક્ષરોનું માપ પણ જાણવું જરૂરનું છે. જો અક્ષરની મધ્યસ્થ લંબાઈ સામાન્ય કરતાં વિશેષ હોય તો પ્રમાણમાં અક્ષરનું માપ મોટું ગણાય, નમૂનો ૩૧, અને જો મધ્યસ્થ લંબાઈ સામાન્ય કરતાં ઓછી હોય તો અક્ષરનું માપ નાનું ગણાય. નમૂના ૪૧,૩૬,૧૧૮ મુજબ મોટા માપનાં લખાણ આત્મવિશ્વાસ, પોતાની જાત માટેનો બહુ ઊંચો અભિપ્રાય અને ક્યારેક ગર્વિષ્ઠપણું તથા ઉદ્ધતાઈ દર્શાવે છે. નમૂના ૭૭ મુજબ સામાન્યત: મોટા પરંતુ પ્રમાણમાં નાના હસ્તાક્ષર વધુ પડતી મહત્ત્વકાંક્ષાઓનું સૂચન કરે છે અને પ્રસિદ્ધિ માટેની લાલસા દર્શાવે છે. અક્ષરોના ઉપરના અને નીચેના ભાગને ભોગે મધ્યભાગનો વિશેષ વિસ્તાર દર્શાવે છે કે, જીવન વિચારશીલ, વ્યાવહારિક, જાગૃત અને તરંગી છે અને મહત્તા પ્રાપ્ત કરવી એ લખનારના જીવનનું પરમ ધ્યેય છે. આવી અનેક વૃત્તિઓ હસ્તાક્ષર ઉપરથી પારખી શકાય છે; પણ તેમ કરતાં પહેલાં તે વિદ્યામાં સંપૂર્ણ પારંગત તો થવું જ જોઇએ. હસ્તાક્ષર ઉપરથી લખનારના ગુણદોષ પારખવા કે લક્ષણો જોવાના એકધારા કોઇ નિયમો નથી; કેમકે નિષ્ણાતો કહે છે તેમ કોઈ એક ચોક્કસ વળાંકના અક્ષરો ઉપરથી કોઈ એક જાતના નિર્ણયો લઈ શકાતા નથી. કોઈ કોઈ કિસ્સામાં તો તેનું પરિણામ સાવ ઊલટું પણ આવે છે. છતાં યે નિષ્ણાતોની તારવણી ઉપરથી કેટલાક નિર્ણયો જાણવા જેવા છે: (૧) જે કોઇને ઊંચે જતા સાવ સીધા અક્ષર લખવાની ટેવ હોય તે સામાન્ય રીતે વ્યાજબી હોવો જોઇએ, તેની તુલનાત્મક શક્તિ પણ બહુ સારી હોવી જોઇએ. (૨) મોટા અક્ષર લખવાની ટેવવાળો માણસ મહાન હોય; પણ આ તારવણીની સાથોસાથ નિષ્ણાત એમ પણ લખે છે કે: ખોટો પણ હોય, દંભી હોય અને તે કંઈ પણ વિચારણા કરી શકે એવો ન હોય. (૩) ઝડપથી લખવાની ટેવવાળો શક્તિશાળી અને સ્વાભાવિક પણ હોય. (૪) શબ્દો અને લીટીઓ વચ્ચે એકધારી સારી જગ્યા રાખનાર માણસબુદ્ધિશાળી હોય. (૫) અક્ષરોના વળાક કોઈ નવી રીતે કરનાર મૌલિકતાવાળો હોય એટલે કે એ કોઇ અવનવી સર્જકશક્તિ ધરાવતો હોય. (૬) વધારે પડતા નાના અક્ષર લખવાની ટેવવાળો અથવા બહુ ભારથી કે હળવામાં હળવી રીતે લખવાની ટેવવાળો કે વચ્ચે વચ્ચે તૂટતા જતા અક્ષરવાળો માણસ નમાલો હોય. (૭) ગુજરાતી નમૂના મુજબ એકધારા ઊડીને આંખે વળગે એવા સ્પષ્ટ અક્ષર લખનાર આત્મબળવાળો હોય એટલે કે તેની ઇચ્છાશક્તિ બહુ જ પ્રબળ હોય. (૮) ગુજરાતી નમૂના મુજબ `ઝડપથી લખવા છતાં શબ્દો અને અક્ષર: જેના અખંડિત અને એકધારા હોય, વચ્ચે વચ્ચે એકધારી જગ્યા રહેતી હોય, હાંસિયા વગેરેમાં પણ હદબહાર જેનાથી કદી પણ ન લખાઈ જતું હોય, ક્યારેક ક્યારેક અક્ષરોના વળાક પણ મૌલિક થઈ જતા હોય, શબ્દોના છેડા ટૂંકાતા હોય, અક્ષરો મોતીના દાણા જેવા હોય તે ઊંચી કેળવણી અને સારા સંસ્કારનાં લક્ષણો સૂચવે છે. (૯) ગુજરાતી નમૂના મુજબ જેના અક્ષરોના વળાક જમણી બાજુ તરફ ઢળતા હોય તે સહૃદયી હોય અને ક્યારેક ક્યારેક તે ઉડાઉ પણ માલૂમ પડે. (૧૦) ગુજરાતીના નમૂના મુજબ ડાબી બાજુ ઢળતા અક્ષરો લખનારો માણસ પ્રામાણિક હોવા સાથે ક્યારેક મનનો મેલો પણ હોય. (૧૧) અંગ્રેજીમાં કેપિટલ એટલે કે વાક્ય માંહેનો પહેલો અક્ષર કે જે લખવામાં મોટો કરવાનો હોય છે તે જેનો નાનો નાનો થતો જતો હોય તે મગરૂર હોય છે. (૧૨) ગુજરાતીના નમૂના મુજબ શબ્દોનો છેલ્લો અક્ષર પાસેના શબ્દના અક્ષર સાથે જોડીને લખવાની જેને ટેવ હોય અને અક્ષર ઉપરના માત્રા કે અનુસ્વાર લખીને પછી તેને પછીના અક્ષર સાથે જોડી દેવાની જેને ટેવ હોય છે. એટલે કે જે લખવામાં સળાંગસૂત્રી હોય છે તે મુત્સદ્દી હોય છે અને તે જ ટેવવાળો ક્યારેક ક્યારેક દંભી અને ડોળી પણ નીવડે છે. (૧૩) ગુજરાતીના નમૂના મુજબ `ક…દ…ફ્…શ…` જેવા અક્ષરો લખતી વખતે અક્ષરોના ઉપલા અને નીચલા વળાક એક સરખા કરે છે તે પોતાનું કામ પ્રારંભમાં અને અંતમાં એક સરખી રીતે કરનાર સમધારણ શક્તિવાળો હોય છે. જે કોઈ ઉપલા વળાક મોટા કરે છે અને નીચલા વળાક નાના કરે છે તે આરંભશૂરો હોય છે. જે કોઈ ઉપલા વળાક નાના અને નીચલા વળાક મોટા કરે છે. તે નીચલા વળાક નાના કરે છે તે આરંભશૂરો હોય છે. જે કોઈ ઉપલા વળાક નાના અને નીચલા વળાક મોટા કરે છે. તે શરૂઆતમાં થોડું કામ કરીને પછી બહુ કામ કરવાની ટેવવાળો હોય છે. (૧૪) અંગ્રેજીમાં b,d,h,c,t કે જે અક્ષરો ઉપર જતા હોય છે તે વધારે પડતા ઉપર લખવાની ટેવવાળો માણસ બુદ્ધિશાળી, ધાર્મિકવૃત્તિવાળો, સંસ્કરી, બહુલક્ષી અને આદર્શવાદી હોય છે; તેમ જ તે ડોળાઈ ગયેલ ભેજાવાળો કે ચક્રમ, નિરંકુશવૃત્તિવાળો એટલે કે સ્વચ્છંદી અને કલ્પનાના ઘોડા દોડાવનાર એટલે તરંગી પણ હોઇ શકે. (૧૫) અંગ્રેજીમાં f, g, j, p, g, y, z કે જે અક્ષર નીચે જતા હોય છે તે વધારે પડતા નીચે લખવાની ટેવવાળો માણસ દૃઢનિશ્ચયી, આદર્શ વ્યવસ્થાપક અને પોતાના કામનો પાયો દૃઢતાથી નાખે એવો મક્ક હોય છે; પણ તે ભ્રમવાળો, ઉચ્છ્રંખલ અને વિષયી કે લંપટ પણ હોઈ શકે. (૧૬) જે માણસના લખાણમાં એક પછી બીજી લીટીઓ એક સીધી લીટીમાં નહિ લખાતા ગુજરાતી નમૂના મુજબ નીચે તરફ ઊતરતી જતી લીટી લખનારો હોય, અક્ષરો પણ ધ્રૂજતા ધ્રૂજતા કેમ જાણે લખ્યા હોય તેવા ભાસતા હોય અને વચ્ચે વચ્ચે શબ્દો પણ ઊડી જતા હોય તે માણસ કેમ જાણે હતાશ થઇને મરવાની આળસે જીવતો હોય તેમ લાગે છે. (૧૭) અક્ષરોના મધ્યભાગનાં કદ ઝાડના થડની જેમ મનુષ્યના વિચારશીલ, વ્યાવહારિક અથવા તરંગી માનસને વ્યક્ત કરે છે. (૧૮) અક્ષરોના નીચેના ભાગનાં કદ ઝાડનાં મૂળની માફક અજ્ઞાત ભૌતિક, જાતીય અને માનુષિક ભાગોને વ્યક્ત કરે છે. (૧૯) શબ્દોની ઉપરના ભાગનાં કદ અદૃષ્ટ મુકુટની માફક આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસનું ક્ષેત્ર દર્શાવે છે. (૨૦) જે લખાણમાં ઉપરનાં ત્રણે કદ વચ્ચેનો સુમેળ જળવાઈ રહે છે. તે મનુષ્ય સ્વભાવનાં ઉપર વર્ણવેલા ત્રણેય ક્ષેત્રોને સુમેળ સાધી શકે છે. (૨૧) નમૂના ૪૭,૧૨૧ મુજબ જો ઉપરના અને નીચેના ભાગ વચ્ચેનું અંતર પ્રમાણમાં ઘણું ઓછું હોય તો તે લેખકની કોઇ પણ વસ્તુ પ્રત્યે. ધ્યાન ન આપવાની વૃત્તિનું સૂચન કરે છે. પોતાના સાંસારિક અને વિચારશીલ જગતની બહાર આવા માણસોને બહુ ઓછો રસ હોય છે. (૨૨) નમૂના ૪૮ મુજબ અક્ષરોના ઉપરના ભાગના વધુ પડતા વળાક બોદ્ધિક, આધ્યાત્મિક તેમ જ સાંસ્કૃતિક પ્રગતિ સૂચવે છે. આવા લેખકોને જીવનમાં અનેક ક્ષેત્રોમાં રસ હોય છે. તેમને અનેક આદર્શો અને રંગીન કલ્પનાઓ પણ હોય છે. તેની સાથે સાથે તે ગૂંચવાડા ભરેલું માનસ, તરંગીપણું, આત્મસંયમનો અભાવ, નિશ્યાત્મકવૃત્તિ અને વાસ્તવિક્તાનો અભાવ પણ દર્શાવે છે. (૨૩) નમૂના ૪૯ મુજબ અક્ષરોના નીચના ભાગમાં વધુ પડતો વળાક વાસ્તવિકપણાનું સૂચન કરે છે. આવા અક્ષરો લખનારની વૃત્તિ દરેક વસ્તુને તેના દૃઢ પાયા ઉપર રાખવાની હોય છે. તેઓમાં વ્યવસ્થાશક્તિ સારી હોય છે; પરંતુ કલ્પનાયુક્ત વિચાશક્તિ, હડાપણ કે વ્યાવહારિક દક્ષતા ઓછાં હોય છે. (૨૪) નમૂના ૬૩,૬૪ મુજબ અક્ષરોના નીચેના ભાગ તેના લખનારની મનોભૂમિના અવ્યક્ત પ્રદેશો તેમ જ તેના જાતીય આવેગોને પણ દર્શાવે છે. હસ્તાક્ષરમાં જાતીય લાગણીનો આવિષ્કાર એ એક વિશિષ્ટ પ્રકારનો અભ્યાસ જ છે. (૨૫) સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં દરેક અક્ષરના ત્રણે ય ભાગની લંબાઈ સરખી જ હોવી જોઇએ. નમૂના ૨૮,૧૦૯ મુજબ અક્ષરની ત્રણ લંબાઈઓમાંથી ગમે તે એકનું ઓછાવધતા લેખકના માનસપ્રદેશના રસ કે સ્વસ્થતાની સ્થિતિનું સૂચન કરે છે. જ્યારે કોઈ પણ લેખ અક્ષરના એક જ ભાગની લંબાઈમાં તરી આવે એવી અપ્રમાણતા દર્શાવે ત્યારે તે વસ્તુ ખાસ લક્ષમાં રાખવી જોઈએ. આ તેની હિલચાલમાં પણ કાંઈ ક્ષતિ હોવાનું સૂચન કરે છે. તેના પરિણામે વિશેષકાળજી કે વૈદ્યકીય સારવાર પણ ક્યારેક માગી લે છે. (૨૬) નમૂના ૪૬,૬૪ મુજબ જ્યારે કેપિટલ અક્ષરો સામાન્ય કરતાં લંબાઈમાં વધારે હોય ત્યારે તેને શરૂઆતમાં વિશેષ ભારવાળા અક્ષરો તરીકે આપણે ઓળખીએ છીએ. તેનું સૂચન એવું છે કે તેનો લખનાર પોતાની જાતની પ્રસિદ્ધિમાં માને છે અને તે તરફ બીજાનું ધ્યાન ખેંચે છે. (૨૭) નમૂના ૩૧ મુજબ સામાન્ય અક્ષરોના માપના જ્યારે કેપિટલ અક્ષરો કરવામાં આવે ત્યારે જ્ઞાનના પરિણામે આવતી ઓછું કહેવાની સંયમવૃત્તિનું તે સૂચક છે. (૨૮) નમૂના ૨૯ મુજબ જો અક્ષરોની લંબાઈ ધીમે ધીમે વધતી જાય તો તે અભિમાન દર્શાવે છે. (૨૯) નમૂના ૭૮ મુજબ જો કેપિટલ અક્ષરો અને ખાસ કરીને M જેવા ત્રણ ભાગવાળા અક્ષરો તેના કદ કરતાં મોટા દેખાય તો તે બહારનો દેખાવ અને અંતરથી બીજાઓને વશ થઈ રહેવાની વૃત્તિનું સૂચન કરે છે. આવા અક્ષરના લેખકો જનતાના અભિપ્રાયને માન આપીને રહે છે. (૩૦) અક્ષરોને છેડે મોટું કદ સામાન્ય રીતે બાળકોના હસ્તાક્ષરમાં જોવામાં આવે છે. જીવનમાં વધારે ને વધારે સ્પષ્ટ બનતા જવાની વૃત્તિનું પણ તે સૂચન કરે છે. જો મોટા માણસોના અક્ષર આ જાતના દેખાય તો તે તેમની બાલિશ વૃત્તિઓનું સૂચન કરે છે અને દર્શાવે છે કે આવા મનુષ્યોના મગજમાં કોઈ પણ જાતના ગૂંચવાડા હોતા નથી. જે સમયે જે વસ્તુ તેમના મગજમાં આવે છે તે તેઓ બોલી નાખે છે. બુદ્ધીશાળી અને સુસંકૃત માણસોના હસ્તાક્ષરમાં જો આ પ્રકાર જોવામાં આવે તો તે તેમનું સ્પષ્ટહૃદયપણું, મુત્સદ્દીગીરીનો અભાવ અને મનમાં આવે તે કરી નાખવાની વૃત્તિનું સૂચન કરે છે. (૩૧) નમૂના ૫ મુજબ અક્ષરોને છેડે ઘરનું કદ પરિપક્વતા દર્શાવે છે. (૩૨) નમૂના ૪૩ મુજબ પહોળાઈવાળા હસ્તાક્ષરનો લેખક પોતાની જાત માટે વિશેષ જગ્યાની આશા રાખે છે. તેને વિશાળ જગ્યાનો શોખ હોય છે. ઘણે ભાગે વિશ્વબંધુત્વમાં જ માને છે. (૩૩) નમૂના ૩૧ મુજબ ટૂંકી કે સાંકડી જગ્યાનું લખાણ સંકુચિત અને સંયમિત વૃત્તિઓનું સૂચન કરે છે. તેવાં માણસો શિસ્તબદ્ધ હોય છે અને એકાગ્રવૃત્તિ ધરાવે છે. આવા લોકો કરકસરિયા, ક્યારેક હલકા અને વિશ્વાસ ન રાખી શકાય એવા હોય છે. (૩૪) નમૂના ૩૯ મુજબ શબ્દોની શરૂઆતમાં કેપિટલ અક્ષરોમાં નાના અને સાંકડા અક્ષરો લખવાની વૃત્તિ હોય તો તે ડરપોકપણું બતાવે છે. (૩૫) નમૂના ૧૨૨ મુજબ પહોળા અને મોટા કેપિટલ અક્ષરોમાં ખાસ કરીને તેના બે ભાગ વચ્ચે જોડતી લીટી કે તેવું હોય તો અભિમાની વૃત્તિના હલકા પ્રકારના સૂચક હોય છે. તે ઉદ્ધતપણા તેમ જ બેદરકારીપણાનું પણ સૂચન કરે છે. (૩૬) નમૂના ૬૫ મુજબ કોપીબુકમાં લખાતા અક્ષરોના જેવું જોડાણ ઝડપી ને અંગત માહિતીયુક્ત લખાણ તો તે તેના લેખકની ચાલુ ચિંતાઓને વળગી રહેવાની વૃત્તિનું સૂચન કરે છે. (૩૭) નમૂના ૪૨ મુજબ ધીમા અને આત્મલક્ષી ન હોય તેવા લખાણમાં તે મૌલિક વૃત્તિઓનો અભાવ દર્શાવે છે. ક્યારેક દાખલા તરીકે ગુનેગારોના હસ્તાક્ષરોમાં, તે વ્યવહારિક પડદા પાછળ છુપાયેલ ગુનાભરી મનોવૃત્તિનું સૂચન કરે છે. (૩૮) નમૂના ૩૧ મુજબ ખૂણાઓથી થયેલ જોડાણ એમ બતાવે છે કે આ જાતનું લખાણ કરવામાં જરૂરી એવા પ્રયાસની મહેનતને લેખક ગણકારતો નથી એટલે લેખક સમાધાનવૃત્તિ કરતાં અડગતાને વધારે પસંદ કરે છે. ખૂણાવાળા અક્ષરો લખનારને ખંતની શક્તિ મોટે ભાગે હોય છે અથવા તો પ્રચ્છન્ન રીતે વિરોધ કરવાની પણ શક્તિ હોય છે. તેઓ ઘણી વખત ચીડિયા, વેર લેવાની વૃત્તિવાળા અને ક્યારેક નિષ્ઠુર અને ઘાતકી બની જાય છે. (૩૯) નમૂના ૩૫ મુજબ જોડાણની ગોળાકૃતિમાં માલાના આકારની લેખનશૈલી મિલનસારપણું, સ્પષ્ટ મિત્રતાયુક્ત વર્તન, માયાળુતા, સ્વભાવની નમ્રતા અને ક્યારેક ગતાનુગતિક વિચારમૂઢતા કે નબળાઈ વ્યક્ત કરે છે. (૪૦) નમૂના ૬૬ મુજબ વેલના આકારની લેખનશૈલીનો ઉદ્ભવ કોઇ વસ્તુનું રક્ષણ કરવાની કે કોઇ છાનું રાખવાની મનોવૃત્તિમાંથી ઉદ્ભવે છે અને તે મુત્સદ્દીપણામાં જરૂરી એવી વિવેકશક્તિનું સૂચન કરે છે. જૂઠું બોલવાની તેમ જ દંભી મનોવૃત્તિઓનું પણ તે સૂચન કરે છે. (૪૧) નમૂના ૫૬ મુજબ ઊંચે જતી લીટીઓવાળી દરિયાનાં મોજાની સપાટી કે સર્પની હિલચાલ જેવો જેનો દેખાવ હોય છે તેવી લખાણ શૈલી જો બુદ્ધિશાળી મનુષ્યના હસ્તાક્ષરમાં હોય તો ઉચ્ચ કોટિનું મુત્સદ્દીપણું અને નમૂનો ૭૯ મોરચા સમયને અનુસરી બદવાની વૃત્તિનું સૂચન કરે છે. કંઈક અંશે ઓછા વ્યક્તિત્વવાળા માનવીઓના આવા હસ્તાક્ષર હોય તો તે ચારિત્ર્યની દૃઢતાના અભાવનું સૂચન કરે છે. (૪૨) નમૂના ૫૫ મુજબ જે કોઇ શબ્દના અક્ષરો અને તેની વચ્ચેનું જોડાણ દોરી જેવું બની જતું હોય અને ખાસ કરીને શબ્દોની અંદર આવું બનતા જો શબ્દ વાંચી ન શકાય તેવો બનતો હોય તે તરંગીપણું, નિશ્ચયાત્મકવૃત્તિનો અભાવ અને દૃઢકાર્યશક્તિનો અભવા સૂચવે છે. હિસ્ટીરીઅનું પણ આ એક અગત્યનું લક્ષણ છે. (૪૩) નમૂના ૩૮,૬૫મુજબ વેલ, માળા કે ખૂણાવાળા જોડાણના હસ્તાક્ષરોમાં ઉપરનો વળાક એ અત્યંત સંયમિતભાવનું સૂચન છે. આવો લેખક બીજું પગલું ભરતાં પહેલાં જૂની વસ્તુને બને ત્યાંસુધી છોડતો નથી. તે બહુ અવિશ્વાસુ હોય છે. છીપમાંથી નીકળતા જંતુઓની માફક તે દરેક ક્ષણે નવા નવા તરંગોથી વ્યાપ્ત હોય છે. (૪૪) નમૂનો ૩૮ મુજબ જોડાણનો અંશ એક અગત્યનું અંગ છે અને તે બદલવાનું બહુ મુશ્કેલ છે. એક બીજા સાથે જોડાયેલ હસ્તાક્ષર એ વ્યક્ત કરે છે કે શબ્દોના સ્વરૂપને કાગળ ઉપર મૂકતાં લેખક બીજા કોઇ વિચારોથી દોરવાનો નથી અને તેના વિચારો તર્કયુક્ત અને શિસ્તબદ્ધ રીતે આગળ વધે છે. તે પોતાની જાતને બીજાને અનુકૂળ બનાવી શકે છે. (૪૫) નમૂના ૫૭ મુજબ જો જોડાણનો વળાક વધુ પડતો કરવામાં આવે તો અને ખાસ કરીને આખું વાક્ય જોડી દેવામાં આવે તો તે દૂર રહેલ સંબંધ માટે પણ તીવ્ર ઇચ્છા વ્યક્ત કરે છે. ચેસ અને બ્રિજની રમતમાં જુદા જુદા કોયડાઓનો ઉકેલ લાવનારાઓના હસ્તાક્ષર આવા હોય છે એમ મનાય છે. માનસ વિજ્ઞાનીઓના હસ્તાક્ષર પણ આવા હોય છે. શબ્દવ્યૂહ હરીફાઈઓ, અઠવાડિક હરીફાઈઓ, પ્રશ્નાવલિઓ અને મગજના કોયડાઓ ઉકેલનારાઓના પણ આવા અક્ષર હોય છે. (૪૬) જોડાણ વધુ પડતું હોય તો ક્યારેક જુદા પાડવાની શક્તિના અભાવનું તે સૂચન કરે છે. ક્યારેક ગાંડપણ કે ઉત્સાહ લાગે તેટલી હદ સુધી બળજબરી કે તર્કયુક્તતાથી તે આ પ્રમાણે કરવાની વૃત્તિ રાખે છે (૪૭) નમૂના ૩૪ મુજબ ત્રૂટક લખાણ એમ બતાવે છે કે લેખકને ઘણા ભિન્ન ભિન્ન પ્રકારના વિચારો હોય છે અને તે તેના ઉપર એટલી બધી અસર કરે છે કે તેના લખાણને ત્રૂટક અને કકડાવાળું બનાવે છે. અસાધારણ કલ્પનાશક્તિ અને અંતર્દષ્ટિવાળા ઘણા લેખકોના હસ્તાક્ષરમાં આ પ્રકાર મળી આવે છે; તેમ જ તર્કયુક્તતાવિહિત, ઉતાવળિયા મનના તેમ જ એકધ્યાનપણાના અભાવવાળા અને વિગતો ઉપર વધારે પડતું ધ્યાન આપતાં મૂળ મુદ્દાને ભૂલી જનાર વૃત્તિવાળા મનુષ્યોના હસ્તાક્ષરમાં પણ આ લેખનપ્રકાર જોવામાં આવે છે. (૪૮) નમૂના ૭૪-૭૬ મુજબ શબ્દોની વચ્ચે અવાર નવાર કે લાંબાગાળાવાળી જગ્યા જોવામાં આવે તો તે મનના ઉપર વધારે પડતા અને તેજ બોજાનું સૂચક છે અને તેનું પરિણામ સ્મૃતિનો નાશ કે એવું આવવાનો સંભવ છે. (૪૯) નમૂના ૮૧ મુજબ શબ્દોના વિવિધ ભાગોમાં તેનું કપાઈ જવું એ અસ્થિરતાની નિશાની છે. (૫૦) ઊભી લીટીમાં આવતા ઉપર કે નીચેના ભાગમાં અમુક કકડાઓનું મૂળભૂત કારણ વિશિષ્ટ હોય છે. હૃદયરોગથી પીડાતા લોકોમાં ક્યારેક આવા હસ્તાક્ષર લખવાથી વૃત્તિ હોય છે. (૫૧) નમૂના ૬૭,૭૦ મુજબ `i` આઈ ઉપર રહેલ અનુસ્વાર મીંડાને `t`-ટીમાં રહેલ કાપની લીટીને આગળ કે પાછળના અક્ષર સાથે જોડી દેવાની વૃત્તિ તર્કયુક્ત સમીકરણની વૃત્તિ કે વૈજ્ઞાનિક સંશોધનની શક્તિ વ્યક્ત કરે છે. (૫૨) નમૂના ૪૫ મુજબ નિયમિત લખાણ એ નિયમિત મગજનું સૂચક છે. આ નિયમિતતા કોપીબુક જેવી શૈલીની જ હોય તો તે શક્તિ, વ્યક્તિત્વ અને ક્લપનાનો અભાવ બતાવે છે અને નહિ તો સંકલ્પશક્તિ, મગજની સમતુલા અને સંવાદિતતાના લક્ષણને બતાવે છે. (૫૩) નમૂના ૮૦ મુજબ અનિયમિત લખાણ એ રસનું બહુવિધપણું, વિવિધ અને બદલાતી કાર્યપ્રણાલિકા, ઉત્તેજિત થઈ જવાની વૃત્તિ અને સંયોગો અનુસાર બદલાઈ શકવાની આવડત બતાવે છે. (૫૪) નમૂના ૭૯ મુજબ જો અનિયમિત લખાણમાં વિસંવાદિતા હોય તો તે શાંતિ અને સમતોલ પ્રકૃતિનું સૂચક કરે છે; પણ ક્યારેક તે ઉદાસીનપણું પણ સૂચવે છે. અનિયમિત લખાણમાં વિસંવાદિતા હોય તો લાગણીવશતા, વિકારીમાનસ ને ચિત્તતંત્રની અસ્થિરતા બતાવે છે. (૫૫) હસ્તાક્ષરની ગતિ અથવા ઝડપી ઘણી દૃષ્ટિએ રસપૂર્ણ વસ્તુ છે. નમૂના ૫૪ મુજબ ઉતાવળું લખાણ એ તેના લેખકના લખવામાં સરળતા, પરલક્ષીપણું તેમ જ ચોક્સાઈ વ્યક્ત કરે છે. લખવાની ક્રિયા એ શબ્દો કે અક્ષરોનાં સ્વરૂપને સ્મૃતિમાંથી યાદ કરી કાગળ ઉપર ઉતારવાની એક ક્રિયા છે. જે ઝડપથી આ કામ થઈ શકે તે આ ક્રિયા ઉપરના પ્રભુત્વનું સૂચન કરે છે. ઉતાવળું લખાણ વસ્તુનો સાર જલદી પકડી લેવાની વૃત્તિ બતાવે છે. તે સાથે બુદ્ધિ, મનનું તેમ જ ભાવ અને પ્રાસંગિક ઉત્સાહનું ત્વરિતપણું વ્યક્ત કરે છે. (૫૬) નમૂના ૪૬ મુજબ ધીમું લખાણ એ યોજનાબંધ ક્રમ બનાવે છે. જો તે ધીમા હાથવાળાનું કે માનસિક શક્તિની મંદતાવાળી વ્યક્તિનું ન હોય તો નિયમબદ્ધતા તેમ જ લખવાની પ્રવાહિતતાના અભાવનું સૂચન કરે છે. વળી કળાકારો કે કળાની દૃષ્ટિથી જોનારા અને સૌંદર્ય દૃષ્ટિથી વસ્તુઓનું મૂલ્યાંકન કાઢનારાઓ ધીમે લખશે. એ જ રીતે જે માણસ પોતાના લખાણથી અમુક જાતની છાપ પાડવા ઇચ્છતો હશે તે પણ આ રીતે ધીમે લખશે. જે લોકોને પોતાના હસ્તાક્ષર સ્વેચ્છાથી બદલવા હોય તેઓ પણ ધીમે લખે છે. આવા લખનારાઓમાં ખોટા નામથી પત્ર લખનારા કે ગુનેગાર લોકો જે પોતાના હસ્તાક્ષરથી ઓળખાઈ જવા ન માગતા હોય તે પણ નમૂના ૬૧ મુજબ ધીમે લખે છે. જે માણસ બીજાની ખોટી સહી કરે છે તેણે તો ધીમેથી જ લખવું જોઇએ. ઘણી વખત ખોટી સહી પકડવાનું એક માત્ર સાધન તે જ લેખકનું ધીમું અને ઝડપી લખાણ સરખાવવાનું જ હોય છે; એટલે હસ્તાક્ષરમાં બીજાં બધાં લક્ષણો કરતાં લખાણની ગતિ એ જ તેની સચ્ચાઈ કે સ્વાભાવિક્તા પકડવાનું એક માત્ર સાધન છે. (૫૭) નમુના ૪૧ મુજબ લખાણનું ભર્યાપણું એ કાંઈ શબ્દોની લંબાઈ કે પહોળાઈ ઉપર આધાર નથી રાખતું; પરંતુ તેનો આધાર મુખ્યત્વે કરીને અક્ષરોની ઉપરના વળાક, તેના ઢાળ અને તેનાં વર્તુળો ઉપર રહે છે. ભર્યા અક્ષર પાતળા અક્ષર કરતાં વધારે જગ્યા રોકે છે. ભર્યું લખાણ એ તરંગ કે કલ્પાશક્તિનું સૂચક છે. સર્જનાત્મક માનસ કે ધ્યેયલક્ષી દૃષ્ટિ તે બતાવે છે. (૫૮) નમૂના ૨૮ મુજબ આછું પાતળું લખાણ અમૂર્ત સ્વરૂપનાં ચિંતન, નિશ્ચિંત વસ્તુને વળગી રહેવાની વૃત્તિ, કલ્પનાશક્તિ તથા ઠરેલપણાના અભ્યાસનું સૂચન કરે છે. (૫૯) લખાણમાં દબાણના પ્રમાણનું અગાઉની હસ્તાક્ષરવિદ્યાના સંશોધનમાં અગત્યનું સ્થાન હતું; પરંતુ સમયના પ્રવાહની સાથે બરૂની કલમને બદલે ફાઉન્ટનપેન આવતાં તેની અગત્ય અત્યારે કંઈક અંશે ઘટી છે. નમૂના ૯ મુજબ દબાણનું વિશેષ પ્રમાણ શક્તિ અને ચેતનાનું પ્રતીક છે. બીજી રીતે તેનો અર્થ એવો પણ થાય કે લેખક લખવાથી ટેવાયેલ નથી અને તેમ કરવા માટે તેને બળ વાપરવાની જરૂર પડે છે. (૬૦) નમૂના ૩૫ મુજબ લખવામાં ઓછું દબાણ લેખક ઓછામાં ઓછી શક્તિથી લખવામાં પારંગત છે એવું બતાવે છે; અથવા તેને બિનજરૂરી શક્તિનો વ્યય કરવાનું પસંદ નથી; અથવા તે માટે તે નિર્બળ હોવાથી અશક્તિમાન છે એમ બતાવે છે. (૬૧) નમૂના ૩૧,૩૮,૪૦ મુજબ પ્રસરી ગયેલ લખાણ ખૂબ જ રંગ અને છાયાનું તેના જોનારને દર્શન કરાવે છે. તેની અસર પણ ઇંદ્રિયોના સુખ માટે લાલસાનું માનસવ્યક્ત કરે છે. તેવાં મનુષ્યને આધ્યાત્મિક દ્રષ્ટિ ઓછી હોય છે. (૬૨) આવાં પ્રસરી ગયેલ લખાણની વિરુદ્ધ બાજુમાં પાતળા દેખાતા હસ્તાક્ષરો છે. આવા લોકો જીવનના સંસ્કારજન્ય ભોગવિલાસો પ્રત્યે બહુ આકર્ષખ નથી. (૬૩) નમૂના ૨૬ મુજબ ટટ્ટાર લખાણ સ્વતંત્રતા દર્શાવે છે. (૬૪) જમણી તેમજ ડાબી બાજુએ ઢળતા રહેલ નમૂના ૯૨, ૯૫, ૯૯ મુજબનું લખાણ હૃદય અને મનના આંતરિક સંઘર્ષનું તેમ જ લાગણીવશ અને વ્યવહારદક્ષ વૃત્તિનું તથા સ્વાભાવિક અને અભિમાની માનસનું સૂચન કરે છે. (૬૫) અક્ષરો વચ્ચેની લીટીઓ અથવા છેડાના અક્ષરોના વળાક અથવા જમણી કે ડાબી બાજુએ અક્ષરોના નમૂના ૬૨ મુજબના વધુ પડતા વળાક ખૂબ સામાન્ય છે. જમણી બાજુનો વધુ પડતો વળાક એ હમેશ આપવાની વૃત્તિ તથા બીજાઓ પાસે દોડી જવાની વૃત્તિ સૂચવે છે. પ્રવૃત્તિમય જીવન જીવનાર, ઉદારચરિત અને અશાંતવૃત્તિવાળા માણસો જમણી બાજુ લખતા જોવામાં આવે છે. (૬૬) નમૂના ૪૮, ૬૧, ૭૧, મુજબ ડાબી બાજુએ ઢળતું લખાણ નિવૃત્ત માનસ બતાવે છે. સામાન્ય બુદ્ધિવાળો મનુષ્ય, પૃથક્કરણ કરનાર તેમ જ લોભી મનુષ્ય ઈર્ષાળુ અને અભિમાની મનુષ્ય ડાબી બાજુએ લખવાની વૃત્તિવાળા હોય છે. ડાબી બાજુએ લખવાની વૃત્તિવાળાઓમાં નફાનુક્સાનનું દૃષ્ટિબિંદુ પણ હોય છે. (૬૭) નમૂના ૬૦ મુજબ ઊડીને આંખે વળગે એવી સપ્રમાણ ગોઠવણી વાળું લખાણ તેના લેખકનું ચાતુર્ય વ્યક્ત કરે છે. (૬૮) નમૂના ૮૫,૧૦૫ મુજબ ઢંગધડા વગરનું સામું જોવું યે ન ગમે એવું લખાણ તેના લેખકનું લઘરાપણું દર્શાવે છે. (૬૯) નમૂના ૮૨નું યોગ્ય એકધારા હાંસિયાવાળું લખાણ લેખકની સારી રીતભાત સૂચવે છે. (૭૦) નમૂના ૧૧૭નું વધારે જગ્યાવાળું લખાણ લેખક થાકી ગયો છે એમ બતાવે છે. (૭૧) નમૂના ૧૧૦નું ઓછી જગ્યાવાળું લખાણ લેખકની કમકાળજી દેખાડે છે. (૭૨) નમૂના ૮૩નું હાંસિયાને અડોઅડ કરેલ લખાણ તેના લેખકની કરકસરવૃત્તિ સૂચવે છે. (૭૩) નમૂના ૬૩નું છેડેના સંયુક્ત ચિહ્ન વિનાના શબ્દવાળું લખાણ તેમ જ નમૂના ૮૭નું છેડે વધારે પડતી જગ્યા પડતર રાખતું લખાણ તેના લેખકની બેદરકારી બતાવે છે. (૭૪) નમૂના ૮૫નું શબ્દો વચ્ચેની ઓછી જગ્યાવાળું લખાણ તેના લેખકની સમજશક્તિનો અભાવ સૂચવે છે. (૭૫) નમૂના ૧૦૨નું શબ્દો વચ્ચેની ઓછી વધતી જગ્યાવાળું લખાણ લેખકની અનિયમિતાનું સૂચક છે. (૭૬) નમૂના ૪૮,૬૧,૭૩નું વિધવિધ વળાકના અક્ષરનું લખાણ લેખકની સંતોષવૃત્તિ વ્યક્ત કરે છે. (૭૭) નમૂના ૮૯,૧૦૩નું વધારે પડતા કાપવાળું લખાણ લેખકનો બહુ કામઢો સ્વભાવ સૂચવે છે. (૭૮) નમૂના ૧૧૨, ૧૧૩, ૧૧૫નું વિવિધ વળાકવાળા અક્ષરનું લખાણ લેખકની નાટકીવૃત્તિ પ્રકટ કરે છે. (૭૯) નમૂના ૯૬,૧૦૪,૧૧૬નું બિંદુથી શરૂ થતું લખાણ લેખકની સંતોષવૃત્તિ બતાવે છે. (૮૦) નમૂના ૧૦૫નું કાપ વગેરેથી માળા સમું બની જતું લખાણ લેખકની ધાર્મિકવૃત્તિ બતાવે છે. (૮૧) નમૂના ૬૧, ૧૧૧નું અક્ષરના ઉપલા વિચિત્ર વળાકવાળું લખાણ લેખકની વધારે પડતી લગાણીવશતા બતાવે છે. (૮૨) નમૂના ૯૧,૯૫નું છેડાના વળાકવાળા કાપવાળું લખાણ લેખકના ઊગ્ર સ્વભાવનું સૂચક છે. (૮૩) નમૂના ૧૦૪, ૧૦૭નું અક્ષર ઉપર નજીકમાં મીંડાવાળું લખાણ લેખકની અધીનતા સૂચક છે. (૮૪) નમૂના ૧૦૬નું વળાક વળી જતા કમાન જેવા મીંડાંવાળું લખાણ લેખકની મુત્સદ્દીગીરી કે તેની પક્કાઈ દેખાડે છે. (૮૫) નમૂના ૬૩નું નીચલા ભાગમાં જાડું થતું વિરામચિહ્નવાળું લખાણ લેખકની ટીકાખોર વૃત્તિ વ્યક્ત કરે છે અને નમૂના ૮૫નું વધારે પડતા લાંબા વિરામ ચિહ્નવાળું લખાણ લેખકની વધારે પડતા દેખાવ કરવાની ટેવ દર્શાવે છે. (૮૬) નમૂના ૯૭નું ચાલતી વખતે સાથે રાખવાની લાકડી જેવા S એસ જેવા અક્ષરવાળી સહીનું લખાણ લેખકની ડોળ કરવાની વૃત્તિ પ્રકટ કરે છે. હસ્તાક્ષરના જુદી જુદી મનોનૃત્તિનું ઉપરનું લખાણ ` ગ્રાફોલોજિ ફોર એવરી મેન ` માંથી લીધું છે. તેના લેખકવર્ય શ્રી એરિક સિંગર લખે છે કે: ` તેના નિરૂપણમાં મધ્ય યરપની પ્રણાલિકાને હું અનુસરેલ છું. જેકોબી અને સાદેક જેને અનુસરેલ તે પલવર અને કલેગ્ઝની આ પ્રાણલિકા હતી. તે ક્રોપો જામીનની ફ્રેંચ પદ્ધતિ વિરુદ્ધ અમુક વિશિષ્ટ સંજ્ઞાઓથી સ્વભાવની લાક્ષલિકતાઓ પ્રગટ કરે છે, ક્રેપો જામીને ૧૬૫ જેટલી જુદી જુદી હસ્તાક્ષરની પદ્ધતિઓ બતાવી અને સમૃદ્ધ નામાવલિ મૂકી, ઉપર વર્ણવેલ અમુક વિશિષ્ટ સંજ્ઞાઓની પદ્ધતિથી વિરુદ્ધ રીતે વિવેચન કરેલ છે. સમૃદ્ધ નામાવલિવાળી આ પ્રણાલિકાની મહત્તા સ્વીકાર્યા છતાં મ આ વિષયમાં પ્રારંભ કરનાર માટે સાદી અને સરળ યોજના મૂકવા માટે જ વિશિષ્ટ સંજ્ઞાવાળી પદ્ધતિનો આ પુસ્તક પૂરતો સ્વીકાર કરેલ છે. ધન્ય છે આ બધા સંશોધકનો ને શ્રી એરિક સિંગરને.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.