જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ! (મધર્સ ડે નિમિત્તે)

May 11 2015
Written By GujaratilexiconGurjar Upendra

ઉસકો કભી હમને દેખા નહીં , પર ઉસકી જરૂરત ક્યા હોગી;
અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી…

મિત્રો, ગઈકાલે તા. ૧૦ મે, ૨૦૧૫ ને રવિવારના રોજ (મે મહિનાના બીજા રવિવારે) વિશ્વભરમાં મધર્સ ડે ઊજવાયો. દુનિયાનાં સંતાનોએ પોતાની માતાને યાદ કરી ઋણ અદા કર્યું. ખરેખર તો માતાનું ઋણ અનેક જન્મો સુધી અદા થઈ શકે એમ નથી. અરે ! મધર્સ ડે માત્ર એક દિવસ જ નહીં પણ પળે પળે ઉજવવાનું પર્વ છે. માતાએ પોતાના પર કરેલા ઉપકારોને એક પળ પણ વિસરાય તેમ નથી. એટલે જ કવિ શ્રી બહેરામજી મલબારીએ ગાયું છે, ‘અર્પી દઉં સો જન્મ ! એવડું મા તુજ લ્હેણું.’

કવિ બોટાદકરે ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !’ એ શબ્દોમાં, તો કવિ પ્રેમાનંદે ‘ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર’ એ ભાવનામાં માતાના ઋણનો સ્વીકાર કર્યો છે. ‘મા તે મા; બીજા બધા વગડાનાં વા’  એ કહેવતમાં માતાના પ્રેમને જ બિરદાવવામાં આવ્યો છે.

બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી ઘડતર કરનાર માતાની અમૂલ્ય સેવાનો બદલો કોનાથી વાળી શકાય તેમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી લઈને એ મોટું અને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનારી અને પોતાના શરીર સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનારી માતાને જો ઈશ્વરે પેદા જ ન કરી હોત તો આપણું શું થાત ? ખરેખર, જગતનાં સૌ સગા-સ્નેહીઓ વચ્ચે માતાની સૌજન્યમૂર્તિ પૂનમના ચાંદની માફક ઝળહળે છે. ‘નથી માતા વિના કુળ’ એ ઉક્તિ સાર્થક કરતી માતા, માત્ર સંતાનોની જન્મદાત્રી નથી; એમનું જીવની જેમ જતન કરનારી જનેતા અને સંસ્કારદાત્રી પણ છે.

માતા એ માતા જ છે, પછી એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન તેનું પ્રત્યેક બાળક કાળજાનો કટકો હોય છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની, એના વાત્સલ્યનું ઝરણું અખૂટપણે વહ્યા જ કરે છે.

વળી, બાળક હૃષ્ટપુષ્ટ અને દેખાવડું જ હોય તે કાંઈ જરૂરી નથી. માતાને મન તો લૂલું-લંગડું કે બહેરું-બોબડું બાળક પણ ગુલાબના ખીલેલા ફૂલ સમાન હોય છે. સાચે જ, ઈશ્વરે માતાને ઘડીને હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી.

બાળક માંદું પડે, સ્કૂલેથી આવતાં મોડું થઈ જાય કે કોઈ વસ્તુ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા પોતાનાં દરેક કામ પડતાં મૂકીને બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે. પોતે ભીનામાં સૂઈને બાળકને કોરામાં સૂવાડનારી, એના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થનારી, રાતદિવસ એનાં હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઇ છે ખરી ? ‘જ્યારે મા ન હોય ત્યારે જ માની ખોટ દેખાય – એની હાજરીનું મૂલ્ય અંકાય છે.’ જીવનનૈયાનું સૂકાન માતા છે. માતા વગરનાં બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અસહ્ય હોય છે.

રેંટિયો કાંતતી માતા, ઘોડે ચડતા બાપ કરતાં હજાર દરજજે સારી છે. માતા વગરની દીકરીને આપણે ફૂટેલાં ઘડાની રસ્તે રઝળતી ઠીકરી સાથે સરખાવીએ છીએ. જીવનનું સબરસ મા છે. એનો ત્યાગ, એનું વાત્સલ્ય, એનું માધુર્ય એ તો સંતાનનાં જીવનની અણમોલ અને અદ્વિતીય મૂડી છે. ‘માતાનાં ચરણ તળે જ સ્વર્ગ છે.’ એવું કુરાનનું વિધાન પણ માતાની જ ગાથા ગાય છે.

જગતના પ્રત્યેક મહાન પુરુષના ઘડતરમાં એની માતાનો અનન્ય અને અણમોલ ફાળો છે. નેપોલિયન જેવાને કહેવું પડયુ છે કે – ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.’ સંતાનનું ચારિત્ર્યઘડતર અને એ દ્વારા સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર કરનાર માતા જ છે. તેથી જ કહેવાયું છે કે ‘ જે કર ઝૂલાવે પારણું, તે જગત પર શાસન કરે.’ વનરાજને ગુણસુંદરીએ, સિદ્ધરાજને મીનળદેવીએ, શિવાજીને જીજાબાઇએ અને ગાંધીજીને પૂતળીબાઇએ જે સંસ્કારધન આપ્યું હતું તે ક્યાં કોઈથી અજાણ્યું છે ! મહાન ભારત દેશના વર્તમાન વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી પણ પોતાની રાજકીય સફળતાનો સઘળો યશ પોતાની માતા હીરાબાનાં ચરણોંમાં ચઢાવીને શત્ શત્ વંદન કરે છે. 

અપાર દુ:ખો વેઠીને, વખત આવ્યે પેટે પાટા બાંધીને પણ બાળકનું જતન કરનારી માતાને જો ઘડપણમાં પુત્ર તરફથી પ્રેમના બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન અને મદદના બદલે કુવચનો સાંભળવા મળે તો તે પુત્રને પુત્ર કહેવો કે પથ્થર ? અને માની લો કે આમાંનું કાંઈ પણ થાય તો પણ પેલી જનેતાનું હૈયું તો ‘ખમ્મા મારા દીકરા…’ એમ જ કહેતું કહેતું ધબકતું હશે તેમાં શંકાને જરાય સ્થાન નથી. માટે જ કહેનારે કહ્યું છે કે ‘છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.’ ધન્ય છે મા તને ! ‘અર્પી દઉં સો જન્મ એવડું મા, તુજ લ્હેણું’એમ કહીને કવિ બહેરામજી મલબારીએ ઘણુંબધું કહી દીધું છે.

More from Gurjar Upendra

More Article

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

એપ્રિલ , 2024

સોમવાર

22

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects