બાળપણનાં બાર વરસ – શરીફા વીજળીવાળા
August 07 2015
Written By Gurjar Upendra
(‘સંબંધોનું આકાશ’ પુસ્તકમાંથી સાભાર)
નાનાં હોય ત્યારે બધાંય થોડાંઝાઝાં તોફાની તો હોય જ… પણ હું જરાક ઝાઝી વાંગડ હતી. ચોરના માથાની જેમ રખડ્યે રાખતી. ઘરમાં ટાંટિયો સપરમા દા’ડે જ ટકતો. થોડું-ઘણું (એટલે થોડુંક જ) કામ કરી નિશાળે જવાનું, છાણાં-બળતણ ભેળાં કરવાં ને બાકી રખડ્યે રાખવાનું. વાંચતાં-લખતાં કેમની શીખી ઈ તો ઉપરવાળો જાણે… કોઈ દા’ડો લેસન કરવા બેઠી હોઉં, પરીક્ષા પહેલાં વાંચવા બેઠી હોઉં એવું મને યાદ નથી. ઈ બધું સાતમા ધોરણ પછી શરૂ થયું. બાકી તો નિશાળમાં ભણ્યા ઈ માફ. લેસન પણ મોટી રિસેસમાં થઈ જાય. ખંભેથી ખલતો ઊતરે તે બીજે દા’ડે પાછો ખંભે ચડે… ને તોય રખડવા હાર્યે, ક્રિકેટ, ફિલમ ને રાજકરણમાં બધું જીભને ટેરવે રે’તુ… ઊઠતાંવેત બધાંય છાપાં વંચાઈ જાતાં ને થોડીઘણી કાતર પણ ચાલતી. કતરણોનો મારો ખજાનો બઉ મોટો હતો.
નિશાળ નો હોય એવા દિવસોમાં મા-બાપ જરાક આડા પડખે થયાં નથી ને અમારી ટણકટોળી નીકળી પડે ઘરની બા’રી. દવાખાનાનાં ઘરોની વચાળે એક ઘેઘૂર લીમડો… અખાત્રીજે ગામ આખાની વેજાં ઈ લીમડે જ હીંચકા બાંધતી. ઈ લીમડા હેઠ્યે બધાંય ભેળાં થાય ને પછી કાળા દેકારા વચાળે જાત્યભાત્યની રમત્યં શરૂ થાય. બાજુમાં રે’તાં ચંપાબેન જરાક આડે-પડખે થયાં હોયને અમારું રીડિયારમણ શરૂ થાય. કાળઝાળ ચંપાબેન, સાડલો વીંટાળતાંક, મણમણની જોખતાં બા’રાં નીકળે. ‘માયું મજાની ઘોરે… ને આ બાર બાપની વેજાને મોકલી દ્યે મારી છાતી પર મગ દળવા…’ અમારાં બધાંનાં મા-બાપ તો ઠીક, સાત પેઢીને ફરી વળે એમની સરસતી. હાથે ચડી જાય કોઈ તો એકાદા ધૂંબાની પરસાદી પણ મળી રે’તી. ઘડીકની વારમાં તો બધાં ભરરભટ દેતાંકને વેરાઈ જાય… પણ ઈ તો ઘડીક વાર… જેવાં ઈ માલીપા જાય કે પાછાં બધાં હતાં એવાં ને એવાં… ચંપાબેન અમને બધાને ‘નકટીનાંવ’ કહી હાર માની લ્યે. ગાળ્યુંનું ભંડોળ સમૃદ્ધ થાવા સિવાયની કોઈ અસર અમારા પર નો થાતી. અમારા ગામમાં ચંપાબેન સિવાયની પણ બીજી બે બાયું હતી જેને મૌલિક ગાળ્યુંની હરીફાઈમાં ઉતારી હોય તો ભાર છે કોઈના કે એમને હરાવી જાય… જોખી જોખીને દીધેલી મૌલિક ગાળ્યું વચ્ચે મોટી થઈ હોવાને કારણે કોઈ જ્યારે એવું કહે કે ‘મને ગાળ નથી આવડતી’ ત્યારે મને હંમેશાં રમૂજ જ થાય… ભલા માણસ એમાં વળી નંઈ આવડવા જેવું છે શું ?
ગામડામાં રત્યે રત્યની રમત્યું બદલાય. ટાઢ્યમાં વાળેલાં ટૂંટિયાં છૂટતાં જાય, ટાંટિયા લાંબા થતા જાય ઈ ખબર્ય પડે પણ રમત્યું કંઈ બડલાઈ જાય ઈ નો ખબર્ય પડે. ઉનાળામાં મોંઈડાંડિયા, પત-પત, કુંડાળા ને કિક્રેટ… ચોમાસે પાંચીકા, નવકૂકરી, ચલ્લસ ને કૂક્કી… શિયાળામાં ટાણું ઓછું મળે રખડવાનું. દિ’ ટૂંકો ને એમાં છાણ ભેળું કરવા વાંહે ગાંડી હોઉં… પણ તોય હોળીના હાયડા બનાવવાનો વખત કાઢી જ લઈએ. જેવી હોળી જાય કે ખજૂરના ઠળિયાથી રમવાનું હાલી નીકળે… તો થોડાક દા’ડામાં જ ઈ રમત્ય લગ્ગીમાં ફેરવાઈ જાય… નાનેથી જ મને છોકરિયુંની રમત્યમાં ઓછો રસ મોંઈ-દાંડિયા ને લગ્ગીયું ટીચવામાં ઝાઝો રસ. એમાંય પાછી કાકાના કરા જેવડા છોકરાવ ભેળી રમવાવાળી થાઉં તે ઘડીકની વારમાં ઈ બધા ખંખેરી લ્યે. શીશો ભરીને ભેળી કરેલી લગ્ગીયું હારીયાવું. પણ હારવાની હામ નો મળે. તે ગામ આખું સાંભળે એવો ભેંકડો તાણતી ઘર્યે જાઉં. બાએ જોકે કોઈ દિ’ ભેર્ય તાણી હોય એવું યાદ નથી. હળવી-ભાર્યે ગાળ્યું ને એકાદી થપાટથી હાર પચી જતી. મોઈ-દાંડિયામાંય તે દાવ દેવાની તેવડ્ય નંઈ… સામેવાળા પછી ખાડો ગાળી સાંઠીકડા દાટવા બેહે… મા-બાપ-ભાઈ-બેનેને દાટતા જાય ને બોલતા જાયઃ
અમારો દાવ ક્યાં જાય, પીપળિયાની પાળ્યે જાય,
પીપળિયો ખોદાતો જાય, અમારો દાવ ક્યાં જાય…
ને કાં તો ‘દા દે નકર દાદો કવ…’ કે’તા વાંહે ધોડે… મા-બાપને થોડાં મરવા દેવાય ? એટલે પછી ફીણના ફોહા નીકળી જાય મોઢેથી ન્યાં લગણ ધોડ્યા કરવાનું.
હોળીમાં આખી ટોળી ગાઉ-બે ગાઉ આઘી નીકળી પડે. સીમમાંથી કેસૂડાં ભેળાં કરીએ ને પછી ઘરની પછવાડે મંગાળો માંડીને મોટું તપેલું ભરીને ઉકાળીએ. પણ આમાં તો બધાં ભાઈ-બેનનાં ભાગ પડે. એટલે મને તો કાયમ ચપટી વગાડતાંક તૈયાર થાતો રંગ વધુ ગમતો, લૂગડાં ધોવાના સોડામાં ચપટીક હળદર ભેળવો કે લાલઘૂમ રંગ તૈયાર… ઈ જમાનામાં પિચકારી તો મારી ફરે… અમે તો શીશા ભરી ભરીને ઉલાળીએ… ને જો કોઈની આંખ્યુંમાં ઈ સોડાનું પાણી જાય તો કાં તો ગાળ્યું ને કાં તો માર ખાવાનો… જેવી સામેવાળાની ત્રેવડ્ય. ઢોર જ પાણી પી શકે એટલી લીલ જામી હોય અવેડામાં. પણ હોળીમાં બધા એકબીજાને ઉપાડી ઉપાડીને અવેડામાં નાખે. જોકે આ રમત મોટાઓ પૂરતી મર્યાદિત હતી. પણ મેં ચોથી ભણતી ત્યારે મારાથી ત્રણ ગણા મોટા એક છોકરાની સળી કરેલી તે એણ્યે મને પાણી પી જાઉં ન્યાં લગણ અવેડામાં બોળી રાખેલી.
ઉનાળાની રજામાં મોંઈ-દાંડિયા, લગ્ગી ઉપરાંત વાળાની ગાડિયું બનાવીને ફેરવતાં… ગાડી માટે રસ્તો બનાવવા આવળનાં ડાળખાં ને હાથથી મેદાન સાફ કરતાં… કેરી તો મોસમમાં એકાદ બે વાર ભાળતાં પણ લીંબોળીની વખાર્યું બોવ નાખતાં. ગોઠણ એક ઊંડો ખાડો ગાળી એમાં રાખ નાખવાની, પછી લીમડાના પાન પાથરવાના, પછી લીંબોળી નાખી વળી પાંદડાં ને ઉપર્ય રાખ… બધાંએ પોતાની વખાર્યની રખેવાળી કરવાની… રોજરોજ પાકી કે નંઈ ઈ જોવા પાછા બધું ઉખેળીએ પણ ખરાં… એકબીજાની વખાર્ય ચોરી જવાના બનાવ દર વર્ષે બને ને પછી ગાળ્યું કે છૂટા હાથની મારામારી પણ થાય. ઉનાળાની રજામાં રખડવા ઉપરાંત બળતણ ભેળાં કરવાનાં… બળતણ હાર્યે વરહ આખું હાલે એટલાં કેયડાં (કેરડાં) પણ પાડી આવતાં. મીઠા-હળદરનાં પાણીમાં બોળેલાં કેયડાંના ગોળા લગભગ ઘરેઘરના ફળિયામાં પડ્યા જ હોય. ઉનાળામાં ઘઉં ભરી શકવાની ત્રેવડ્યવાળા ઘરની બાયું ગાળ્યું ને બદલે ગોળિયું દેતી. ઈ ખાટી-મીઠી ગોળિયું ને રેવડીના લોભે ખબર નથી મેં કેટલાના ઘઉં વીણ્યા હશે ! ઘરમાં તો વીણવાપણું હતું નંઈ એટલે કોઈ વઢતું પણ નંઈ. આ મોસમમાં ઘર્યે ઘર્યે શેવ વણાય. ઓશીકાં લઈને ચાળવા બેસી જાવાનું… બદલામાં ઓહાવેલી શેવ ખાવા મળે ને જો સારી ભાત્ય પાડી હોય ચાળવામાં તો વખાણ થાય ઈ નફામાં. ફળિયામાં બધાંએ આથાણાંની કેરીઓ સૂકવવા નાખી હોય… હાલતાં-ચાલતાં એમાંથી એકાદું ચીરિયું ઉપાડતાં જાવાનું. ઘર કરતાં પરની ખાવાની ત્યારે ઝાઝી મઝા આવતી. ભાળી જાય તે ગાળ્યું દેવા સિવાય તો શું કરી લ્યે ? ને ગાળ્યું તો અમને અડ્યા પેલાં જ ખરી પડતી…
ચૈતર મઈને ઠેર ઠેર ઓખાહરણ મંડાય ને કાં તો રામદેવપીરની આખ્યાનવાળા આવે… હવે મારા ઘરમાં હું એક જ રસનું ઘોયું… જ્યાં ને જેટલી વાર ઓખાહરણ મંડાય… મારે સાંભળવા ગ્યા વગર્ય લાહે નંઈ. ઘર તો વગડામાં હતું… એટલે કોઈ લેવા નો આવે તો પાછા વળતાં બીક લાગે. દાદી સિવાય એવી દયા કોઈ નો કરતું. રામદેપીરનું આખ્યાન તો વહેલાં ચાર-પાંચ વાગ્યા સુધી ચાલે… પછી કોણ ઘર્યે જાય ? ‘વાલી વીજળીને કેમ લાગી વાર ?’ કે ‘ઈશનમાં વીજળી ચમકી ઓલ્યા ખેડુભાઈ, ઈશનમાં વીજળી ચમકી રે…’ ગાતાં ગાતાં માંડવા હેઠ્યે જ ઘોંટાઈ જાતાં… મારી જેવાં બીજાંય થોડાંક હતાં એટલે વાંધો નો આવતો…
મારું એકમાત્ર કામ છાણાં-બળતણ ભેળાં કરવાનું હતું. એમાંય અમારી ટોળી હતી… નિશાળેથી આવતાં આવતાં જ પોદળામાં સાંઠીકાં નાખી બોટી લેવાનાં… લુશલુશ ખાઈ, સૂંડલા લઈ નીકળી પડીએ… ગાયું-ભેસું બેઠિયું હોય ત્યાંથી રોકવાની શરૂઆત થઈ જાય… અધીરાઈ આવી જાય તો વળી ભેંસુને ઉઠાડી પણ દઈએ… પૂંસડા પતપતાવવાનો લાગ પણ લઈ લઈએ… વણ ભેળાય તંઈ તો નિશાળેય એકકોર્ય રઈ જાય ને ખાવાનું ઓહાણેય નો રયે. સીમમાં ઢગલા કરી રાખીએ ને પછી ફેરા માર્યે રાખીએ… નીતરતા છાણના સૂંડામાં બઉ ભાર હોય… મોટો ભાઈ અર્ધે રસ્તે ઉપડાવે પણ નાનો ભાર્યે કાહળિયો. ‘મને શરમ આવે’ કહી છટકી જાય. એક વાર પરાણ્યે માથે મેલ્યો તો ફરંગટી ખાઈને પાડ્યો હેઠો… પછી તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા માનીને એને કે’તાં જ નંઈ.
વરસાદની મોસમ આવવાની થાયને ટણકટોળીથી અમે નોખાં પડી જાંઈ. ઈ બધાં દવાખાનાનાં પાક્કાં મકાનમાં રયે ને અમે તો બા ને દાદીએ ચણેલા ઘરમાં રે’તાં. જરાક ઊંચો માણસ ભટકાય એટલું હેઠું પતરાવાળું ઘર હતું. માથે મણ મણના પાણા. વરસાદ આવે ત્યારે નગારા પર દાંડી પડતી હોય એવો અવાજ આવે… એટલે જ તો મને છેલ્લાં ઘણાં વરસોથી વરસાદ મૂંગો લાગે છે… ધાબાવાળા મકાનમાં કાન અને વરસાદનો નાતો તૂટી ગ્યો. વરસાદ આવે ઈ પેલા ભીંત્યુની જાળવણી શરૂ થઈ જાય… એમાં અમે ભાઈ-બેન બાની હાર્યે જ હોઈએ. શિયાળે ભેળું કરી રાખેલું કુંવળ, છાણ, ધૂડ્ય ભેળું કરી ગારિયું ખૂંદાય… ને પછી બા એની ચાર આંગળ જાડી થાપ દ્યૈ. પછી જ્યાંત્યાંથી માંગી લાવેલી સાંઠિયુંનાં ત્રાટાં બંધાય… ત્રાટાંની ગાંઠ્ય પાડવામાં નાનોભાઈ પાવરધો… પણ પોતાનું મહત્ત્વ નો ઘટે એટલે કોઈને શિખવાડે નંઈ. ભીંત્યે ત્રાંટા દેવાઈ જાય પછી અમે છુટાં… જેવો વરસાદ આવે કે વાટક્યા લઈ કૂબલા પાડવા નીકળી પડીએ… ગામ આખાની ગંદકી લઈને આવતા પાણીના ખાડા મારા ઘરની પડખે ભરાય… ટિંગરવેજા બધી એમાં નાવા પડે… ઘરના લાખ ના પાડે પણ ધરાર નાવાનું એટલે નાવાનું. હું તો આમેય નાનેથી જ સડેલી હતી… આ પાણીમાં નાહ્યા પછી ગૂમડાં વકરી જાતાં… માછલી ઠોલે તો મટી જાય એવી અમારી માન્યતા… એટલે હું એ પ્રયોગ પણ કરતી.. પણ કોઈ દિ’ મટ્યું હોય એવું યાદ નથી, માછલિયું ધરાણી હશે ઈ ખરું.
આમ તો મારી સવાર મોડી પડતી… પાછી હતી ટાઢ્યવલી તે ઊઠ્યા પછી પણ ચૂલાની આવગુણ્ય પાંહેથી ખહતી નંઈ… પણ છાપાનાં બિલ નો ભરાયાં હોય, ને છાપાં બંધ થયાં હોય ત્યારે વેલાં ઊઠવું પડતું… ઘરાકને તો છાપું જોયે. તમે ક્યાંથી લાવો છો એની ચિંતા એ શા માટે કરે ? એટલે મને ભળકડે ઉઠાડી બાજુના સિહોર ગામે છાપાં લેવા મોકલતાં. ચોથા-પાંચમા ધોરણમાં હું રોજ દસ-બાર ગાઉ આઘેથી ૫૦-૭૫ છાપાં લઈ આવતી. જે વાહન મળે એમાં જવાનું… આવવાનું બસમાં… કોઈના બાપથીય બીવું નંઈ એવું કદાચ આ સવારની સફરે જ શિખવાડ્યું હશે.
કોઈના બાપથી નો બીતી પણ ભૂતની વાતું નીકળે ને રાડ્ય પાડું. મારા દાદા અને મારા મોસાળવાળા જાણે ભૂત હાર્યે રમીને મોટા થયા હોય ને કંઈક ભૂતડાં ભેળી ભાઈબંધી હોય એવી મોજથી વાતું માંડતા. માસીના ગામનો ટીંબો જ જાણે ભૂતનો… માણસ કરતાં ભૂત ઝાઝાં. એક એક વાતે રૂંવાડાં ઊભાં થઈ જાય. કો’કે ભૂત ભેળી બીડી પીધી હોય, કો’કે બાક્સ દીધી હોય, કો’કનો ભૂતે ટાંટિયો ખેંચ્યો હોય… ને એ ઉંમરે તો આ બધાં ગપ્પાં છે એવું કહેવાની હિંમતેય ક્યાંથી હોય ? હું કાન આડા હાથ દેતી, રોતી, ઘરમાં પાણી પીવા એકલી નો જાતી… પણ તોય વાતું કરવાવાળા તો હાંક્યે જ રાખતા… ને બધી વાતે બહાદુર હું આજેય ભૂત-પ્રેતની ફિલમો નથી જોઈ શકતી… કદાચ નાનપણનાં ભૂતોએ હજી મારો કેડો નથી મેલ્યો.
– શરીફા વીજળીવાળા
More from Gurjar Upendra
More Article
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.