બે બાળવાર્તાઓ – આળસુ ઊંટ અને મૂર્ખ કોણ ?
June 30 2015
Written By
Upendra Gurjar
આળસુ ઊંટ
એક હતું જંગલ . તેમાં એક ઊંટ રહે. આ ઊંટે ખૂબ તપ કર્યું. અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન બોલ્યા, ‘હે ઊંટ ! તારા પર રાજી થયો છું, બોલ તારે શું જોઈએ ?
ઊંટ બોલ્યું, ‘ હે ભગવાન ! મને ચારસો માઈલ લાંબી ડોક આપો. કારણ કે ખોરાકની શોધમાં મારે દૂર-દૂર જવું પડે છે. અને જંગલનાં વાઘ, સિંહ વગેરેનો બહુ ડર લાગે છે. જો મારે લાંબી ડોક હોય, તો અહીં બેઠાં-બેઠાં ચારસો માઈલ સુધી ચરી શકું.’ ભગવાનને ઊંટને મનગમતું વરદન આપ્યું.
ઊંટ હવે જંગલમાં એક સ્થળે બેસી રહેતું. ત્યાં જ બેઠાં-બેઠાં ડોક લાંબી કરતું. અને આખા જંગલમાંથી ખોરાક મેળવતું. આ રીતે રહેવાથી ઊંટ આળસુ થઈ ગયું. હવે તેને કોઈ કામ કરવું ગમતું ન હતું. પણ આળસના કારણે એક મોટી આફત આવી પડી.
એક દિવસ ઊંટને નજીકમાં ક્યાંય ખાવાનું ન મળ્યું. આથી ડોકને ખૂબ દૂર સુધી લઈ ગયું ને ત્યાં ચરવા લાગ્યું. બરાબર તે જ સમયે વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાયો. અને ધૂળ ઊડીને ઊંટની આંખોમાં ભરાવા લાગી. આથી ઊંટ પોતાની ડોકને નજીકની એક ગુફા પાસે લઈ ગયું.
આ ગુફામાં પહેલેથી એક શિયાળ અને શિયાળવી તેના પરિવાર સાથે ભરાઈને બેઠાં હતાં. તેમણે ઊંટની લાંબી ગરદન જોઈ, પહેલાં તો તેમને નવાઈ લાગી. પણ અંતે ખબર પડી કે, ‘આ તો ઊંટની જ ડોક છે!’ એટલે તેની પર તૂટી પડ્યાં. અને બટકાં ભરી-ભરીને તેને ખાવા લાગ્યાં.
બોધ : આળસુ માણસ ક્યારેય સુખી થઈ શક્તો નથી. જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. ક્યારેક આળસ તેના મોતનું કારણ બની જાય છે. આથી જ તો કહેવત છે કે આળસ એ જીવતા માણસની કબર છે.
મૂર્ખ કોણ ?
એક હતો રાજા. તેના દરબારમાં ઘણાં નરરત્નો હતા. નરરત્નો એટલે જુદાં-જુદાં ક્ષેત્રનાં બુદ્ધિશાળી માણસો. પણ રાજાને વિચાર થયો, ‘આપણા રાજ્યમાં એક મૂર્ખરત્ન પણ હોવો જોઈએ. એના માટે પણ ગાદી પડવી જોઈએ.’
તેથી તેણે પ્રધાનજીને કહ્યું, ‘મૂર્ખરત્નની ગાદી ખાલી છે. દેશ-વિદેશમાં ફરો ને જે સૌથી મૂર્ખ હોય તેને શોધી લાવો. ‘પ્રધાનજીએ આજ્ઞા માથે ચઢાવી. મહિનાઓ સુધી પ્રધાનજી અને સૈનિકો ફર્યા, પણ મૂર્ખ મળ્યો નહીં.
પછી એક ઝાડ પર તેમણે એક માણસ જોયો. તે જે ડાળી પર બેઠો હતો, તેને જ કાપતો હતો. પ્રધાનજી તે વ્યક્તિને રાજા પાસે લઈ આવ્યા. રાજાને બધી વાત કરી. રાજાને સંતોષ થયો.
પછી રાજાએ તે માણસના ગળામાં ‘મૂર્ખનો સરદાર’ એવું પાટિયું પહેરાવ્યું. માણસે પૂછ્યું, ‘આ પાટિયું મારે ક્યાં સુધી પહેરી રાખવાનું ?’ રાજા કહે,’તારાથી મોટો મૂર્ખ ન મળે ત્યાં સુધી .’ દિવસો વીત્યા. એકવાર રાજા બીમાર થયા. તેમનો મૃત્યુનો સમય આવી ગયો હતો.
રાજાએ મૂર્ખરત્નને પણ યાદ કર્યો. મૂર્ખરત્ન આવ્યો. તેણે રાજાને પૂછ્યું, ‘શુ થયું રાજાજી ?’ રાજા કહે, ‘ હું લાંબી યાત્રાએ ઊપડું છું !’ મૂર્ખરત્નને બધી ખબર પડી ગઈ. તેણે રાજાને પૂછ્યું, ‘ તમે આ યાત્રા માટે કાંઈ તૈયારી કરી છે ? સારાં કર્મો, સત્સંગ કર્યાં છે ?’
રાજા કહે, ‘ના. રાજ્ય ચલાવવામાંથી સમય જ ક્યાં મળતો હતો.’ આવું સાંભળ્યું કે તરત જ મૂર્ખરત્ને ‘મૂર્ખનો સરદાર’નું પાટિયું રાજાના ગળામાં પહેરાવી દીધું ને કહ્યું, ‘માણસ નાની મુસાફરી હોય તેનીય તૈયારી કરે છે. તમે ભગવાનના ઘરે જવાની લાંબી મુસાફરીનીય કાંઈ તૈયારી ન કરી. મારા કરતાં મોટા મૂર્ખ તમે છો.’
બોધ : આ દુનિયા છોડી એકવાર બધાને મૃત્યુની લાંબી મુસાફરીએ જવાનું જ છે. જેણે જીવન દરમ્યાન સારાં કર્મો અને સત્સંગ કરી પોતાનું કલ્યાણ ન કર્યું, તે ગમે તેટલો સત્તાવાળો, પૈસાવાળો કે દુનિયાની દષ્ટિએ મોટો હોય, તોપણ ‘મૂર્ખનો સરદાર જ કહેવાય.
(સૌજન્ય – સાભાર : વારતા રે વારતા (બાળવાર્તા સંગ્રહ, ભાગ – 2), અક્ષરપીઠ પ્રકાશન, શાહીબાગ, અમદાવાદ.)
More from Upendra Gurjar



More Article



Interactive Games

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.