સલાહ અંગે સલાહ – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

July 01 2015
Written By GujaratilexiconUpendra Gurjar

આગ કો પતંગોં ને ખેલ સમજ રખ્ખા હૈ, 

સબ કો અંજામ કા ડર હો યે જરૂરી તો નહીં.

 – અહમદ હમદાની

સલાહ, એડ્વાઇઝ, માર્ગદર્શન અથવા તો ગાઇડન્સની દરેક માણસને કયારેક તો જરૂર પડતી જ હોય છે. જિંદગી ઘણી વખત એવા સવાલો લઈને આવતી હોય છે જેના જવાબો સીધા ને સટ હોતા નથી. એક સવાલના જ્યારે એક કરતાં વધુ જવાબો હોય ત્યારે માણસ કન્ફ્યૂઝ થઈ જાય છે કે આ જવાબોમાંથી કયો જવાબ સાચો છે ? એક બંધ તાળું હોય અને આપણને ચાવીનો ઝૂડો આપી દેવામાં આવે અને કહેવામાં આવે કે આમાંથી તારે એક જ ચાવી પસંદ કરવાની છે, એ ચાવી તાળાને લાગી જવી જોઈએ, તાળું ખૂલી જવું જોઈએ ! આવું થાય ત્યારે માણસની મતિ મૂંઝાઈ જાય છે. છેલ્લે એ ચાન્સ લે છે. બહુ વિચારે પણ છે. ચાવીનું હોલ કેવડું છે ? તાળાની જાડાઈ કેટલી છે ? ઘણા બધા વિચારો કરીને એ એક ચાવી લગાડે છે. એ લાગી જ જાય એની કોઈ ગેરંટી હોતી નથી. સાથોસાથ ન જ લાગે એવું પણ હોતું નથી. કદાચ લાગી પણ જાય ! માણસ જિંદગીમાં ચાન્સ લેતો જ હોય છે. લાગે તો તીર, નહીં તો તુક્કો એવું વિચારે છે, પણ એને લગાડવું તો તીર જ હોય છે.

એક પતિ-પત્ની હતાં. પતિને કોઈ પણ વાત હોય તો એ તરત કોઈની સલાહ લેવા દોડી જતો. એક કામ માટે તેણે એક વડીલની સલાહ લીધી. વડીલે કહ્યું એ મુજબ કર્યું. એ કામ નિષ્ફળ ગયું. પતિએ પેલા વડીલને દોષ દેવાનું શરૂ કર્યું. તેની સલાહ માની એટલે મારા આ હાલ થયા. તેના કારણે મારે ભોગવવું પડ્યું. હવે હું કોઈ દિવસ તેની સલાહ નહીં લઉં. એક બીજા કામનો વિચાર કરતો હતો. તેણે બીજા વડીલની સલાહ લીધી. એની વાત માની. એ કામ સફળ થયું. પતિ તેનાં વખાણ કરવા લાગ્યો. એ માણસ સાચો હતો. તેની વાત માની તો મને ફાયદો થયો. એ પછી ત્રીજું કામ આવ્યું. કોની સલાહ લેવી એ વિશે પતિ વિચારતો હતો. પત્નીને પૂછયું. પત્નીએ કહ્યું, ‘મારો જવાબ તું માનીશ ? મારો જવાબ છે કે તું તારી જ સલાહ માન. તને તારી જાત પર ભરોસો નથી ? તારે હવે કેટલાંની સલાહ લેવી છે ? સાચી વાત એ છે કે તું ડરે છે. નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવાની તારી તૈયારી નથી. સફળતા વિશે તને સંશય છે. તું સલાહ લે છે અને પછી જે થાય છે એની ક્રેડિટ તો બીજાને જ જાય છે ! એ ક્રેડિટ પોઝિટિવ હોય કે નેગેટિવ ! એમાં તારું શું છે ? તું તો છેલ્લે અનુસરતો જ હોય છે !

ઘણા લોકોને સાવ નાની-નાની વાતોમાં સલાહ લેવાની આદત હોય છે. કાર કઈ કંપનીની લેવીથી માંડી કેરી હાફૂસ લેવાય કે કેસર, ત્યાં સુધીની સલાહ લેવાવાળા પડ્યા છે. એક માણસે તેના ફ્રેન્ડને પૂછ્યું કે કાર કઈ લેવાય ? પેલાએ કહ્યું કે કાર લેવાય જ નહીં ! કાર એ મોટી ઉપાધિ છે ! અત્યારે પાર્કિંગના કેવા પ્રોબ્લેમ છે ? પાર્કિંગ શોધવા માટે કેટલાં ચક્કર કાપવાં પડે છે ? ચક્કર કાપવામાં કેટલું પેટ્રોલ બળે ? કાર હોય તો વળી ઍક્સિડન્ટનો ડર. વેરેન્ટેજ તો આવવાનું જ છેને ? એના કરતાં કામ હોય ત્યારે ટેક્સી કરી લેવાની ! ફોન કરીએ એટલે હાજર ! પેલો માણસ મૂંઝાઈ ગયો. હવે કરવું શું ? એ વિચારવા લાગ્યો કે આ માણસની વાત સાચી છે કે નહીં ? એ માણસની પત્ની સાથે હતી. તેણે સલુકાઈથી સલાહ આપનારને કહ્યું, ‘જુઓ ભાઈ, અમે તમને એ પૂછ્યું જ નથી કે કાર લેવાય કે નહીં ? અમે તો તમને એટલું જ પૂછયું છે કે, કાર કઈ કંપનીની લેવાય !

કાર ખરીદવા વિશેની આવી જ સલાહ બીજા એક માણસે એના મિત્ર પાસે માગી. કાર કઈ લેવાય ? પેલાએ સામો સવાલ કર્યો કે તને કઈ ગમે છે ? પેલાએ એક ચોક્કસ કારનું નામ આપ્યું. મિત્રએ કહ્યું કે તો પછી તને ગમે એ જ લેને ! મને ગમે એ લેવાની વાત શા માટે કરે છે ? બહુમાં બહુ તો તું એ લેવલની બીજી કારની ટેક્નોલોજી સાથે એની સરખામણી કરી લે અને પછી તારું ડિસિઝન તું જ લેને ! સલાહ આપવાવાળા ક્યારેક ઊંધા રસ્તે પણ ચડાવી દેતા હોય છે. એક દંપતીને કાર લેવી હતી. પતિને એક કાર ગમતી હતી અને પત્નીને બીજી. બંને વચ્ચે આ મામલે વિવાદ હતો. એક મિત્રની સલાહ લીધી. તેણે કહ્યું કે તમારી બંનેની પસંદગીને છોડી દો અને ત્રીજી કાર જ લઈ લો ! હવે આને તમે શું કહેશો ?

વાત કોઈ ચીજવસ્તુની હોય ત્યાં સુધી તો ઠીક છે, બહુ બહુ તો આર્થિક નુકસાન જાય છે. વાત જ્યારે જિંદગી કે કરિયરની હોય ત્યારે ગંભીર બની જાય છે. સલાહ લો. સલાહ લેવી પણ જોઈએ. એમાં કશું ખોટું નથી. તમે કોની પાસેથી સલાહ લો છો એ વધુ મહત્ત્વનું છે. સમજુ અને ડાહ્યા માણસની સલાહ ઘણી વખત ઉપયોગી નીવડતી હોય છે. જોકે, દરેક ડાહ્યા માણસની સલાહ સાચી જ હોય એ જરૂરી નથી. હા, એ વાત એના માટે સાચી હોઈ શકે. દરેક માણસ કોઈને સલાહ આપતો હોય ત્યારે એ પોતાને એ સ્થાને રાખીને સલાહ આપે છે. હું આ જગ્યાએ હોઉં તો શું કરું ? બહુ ઓછા લોકો એ વાત સમજતાં હોય છે કે હું એ જગ્યાએ નથી, એ જગ્યાએ તો એ વ્યક્તિ છે જેને માટે સલાહ આપવાની છે.

એક માણસ એક સલાહ લેવા ફિલોસોફર પાસે ગયો. ફિલોસોફરે કહ્યું કે, તું આમ કર. બીજા દિવસે એવો જ પ્રશ્ન લઈને એક બીજો માણસ આવ્યો અને સલાહ માગી. ફિલોસોફરે અગાઉ જે સલાહ આપી હતી તેનાથી તદ્દન વિરુદ્ધ સલાહ આપી. ફિલોસોફરના શિષ્યે પૂછયું કે, તમે એક જ વાતમાં આવી જુદી જુદી સલાહ શા માટે આપી ? ફિલોસોફરે કહ્યું, ‘કારણ કે એ બંને વ્યક્તિ અલગ છે. બંનેની પ્રકૃતિ અલગ છે. એક ચાવીથી બે તાળાં ન ખૂલે. દરેક તાળાની ચાવી અલગ જ હોય છે.’

સલાહ માગવી સહેલી છે કે સલાહ આપવી ? આમ તો એવું જ કહેવાય છે કે સલાહ આપવી સહેલી છે. કોઈને તમે કંઈ પૂછો કે એ તરત સલાહ આપવા માંડશે. સલાહ આપવી એ બહુ અઘરું છે. આંખો મીંચીને કોઈને સલાહ ન આપવી જોઈએ. એક યુવાને સલાહ માગી ત્યારે વડીલે એમ કહ્યું કે, આઈ એમ સોરી…! મને એ ક્ષેત્રનું જ્ઞાન નથી. જેની મને ખબર ન હોય એની સલાહ હું ન આપી શકું. બેટર કે તું એ ક્ષેત્રના જાણકારની સલાહ લે. આવું બહુ ઓછા લોકો કહી શકતા હોય છે.

સલાહ એ વ્યક્તિ લે છે જે પોતે મૂંઝાયેલી હોય છે. ઘણા બધાની સલાહ લીધા પછી એ વધુ મૂંઝાઈ જાય છે કે હવે આમાંથી કોની વાત માનવી ? વધુ સલાહ લેવામાં સરવાળે એ જ થાય છે કે આપણે હતા ત્યાંને ત્યાં જ હોઈએ છીએ. યાદ રાખો… તમારાથી સારો તમારો સલાહકાર બીજો કોઈ હોઈ ન શકે. તમે જ પ્લસ-માઇનસ પોઇન્ટ વિચારીને તમારું ડિસિઝન લો. પરિણામ જે આવે તે સ્વીકારવા તૈયાર રહો, એટલિસ્ટ એટલું તો થશે કે મેં જે કર્યું છે એ મારા વિચારો અને મારી ઇચ્છા મુજબ કર્યું છે ! લેવી હોય તો પોતાની સલાહ લો, તમારા માટે સાચો રસ્તો તમને તમારા સિવાય બીજો કોઈ બતાવી ન શકે !

નવા રસ્તા એણે જ બનાવ્યા હોય છે જે પોતાના માર્ગે જ ચાલ્યો હોય છે.  – કેયુ 

(સાભાર : શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’, તા. 21 જૂન, 2015, રવિવાર)

More from Upendra Gurjar

More Article

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

જુલાઈ , 2024

શનિવાર

27

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects