જીવનની માવજત

January 13 2015
Written By GujaratilexiconDeval Talati

મનુષ્યજીવન પરમાત્માની સર્વોચ્ચ ભેટ છે. જીવે જેવાં કર્મો કર્યાં હોય તે પ્રમાણે તેને શરીરરૂપી સાધન પ્રાપ્ત થાય છે. શરીર પર કર્મોની સત્તા પ્રવર્તે છે અને કર્મના ફળદાતા ભગવાન છે. પિંડ અને બ્રહ્માંડનું સર્જન ઉપયોગ માટે છે. પણ શરીરને ભગવાને આપેલું સાધન માનવાને બદલે મનુષ્ય તેના પર પોતાની માલિકી સ્થાપે છે અને સત્કાર્યો માટે ઉપયોગ કરવાને બદલે ભોગવિલાસનું સાધન બનાવી દે છે.

મનુષ્ય પ્રકૃતિનું દર્શન કરે તો તેને ખ્યાલ આવી જાય કે સમગ્ર પ્રકૃતિ સતત આપવાનું જ કામ કરી રહી છે. વૃક્ષને કાપનાર કઠિયારા પર વૃક્ષ નારાજ થતું નથી અને તેને જળ સિંચનાર મનુષ્ય પ્રત્યે તે અનુરાગ કરતું નથી. તે પથ્થર મારનારને મીઠાં ફળ આપે છે અને પોતે પ્રચંડ તાપ સહન કરી તેની નીચે વિશ્રામ કરનારને શીતળ છાંયો આપે છે. વૃક્ષને હું એક ગુરુ તરીકે ગણું છું. ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા હતા. જેણે જીવનને પૂર્ણ રીતે પામવું છે તેણે આ જગતમાંથી ઘણું બધું શીખવા જેવું છે. જીવનની શરૂઆતનાં પચીસ વર્ષ શૈશવમાં, કિશોરાવસ્થામાં અને અભ્યાસમાં વીતી ગયાં. અગણિત મુશ્કેલીઓનાં અને અછતનાં એ વર્ષો હતાં. તે વખતે બધું સમજીને સહન કરતો હતો એમ નહિ કહું, પણ નાનપણથી જ સાધુ-સંતોનો સમાગમ, માતા-પિતા અને ભાઈઓનું એકદમ સાદું, સરળ અને ભક્તિમય જીવન મને માત્ર ટકી રહેવાનું જ નહિ, પણ તકલીફવાળા દિવસોમાં જીવનયાત્રામાં આગળ વધવાનું બળ આપતાં હતાં; વિધ્નો પર પગ મૂકીને આગળ ચાલવાની પ્રેરણા આપતાં હતાં.

તેમનાં જીવનમાંથી મને ભરયુવાનીમાં એક બાબત બરાબર સ્પષ્ટ થઈ ગયેલી કે અહીં કશામાં વધુ પડતો વેગ કરવા જેવો નથી કે જીવનના વિકાસમાં સહાયરૂપ થાય તેવી કોઈ પણ બાબતમાં બેદરકારી કે શિથિલતા બતાવવા જેવી નથી; અહીં તણાઈને કે ખેંચાઈને જીવવા જેવું નથી; અહીં સમજી-વિચારીને જ જીવવા જેવું છે; અહીં કોઈ પણ પ્રકારની પકડ રાખવા જેવી નથી, કારણ કે અન્યને પકડમાં લેવા જતાં આપણે જ સરખી રીતે પકડાઈ જઈએ છીએ તેનો આપણને ખ્યાલ રહેતો નથી; રુચિ-અરુચિ, રાગ-દ્વેષ અને સુખ-દુઃખ જેવા દ્વન્દ્વોમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી.

સંતસમાગમ દ્વારા અને નિષ્ઠાવાન સ્નેહીજનો પાસેથી એ શીખ્યો કે જીવનને ઊર્ધ્વગામી બનાવવું હોય તો સારા સંગની અને જાગૃતિની આવશ્યકતા છે, પણ તે ઉપરાંત સમયનો ઉત્તમ ઉપયોગ થાય તેની કાળજી એટલી જ જરૂરી છે. એટલે મારું અન્તઃકરણ ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પગદંડો ન જમાવી દે તેની શક્ય એટલી કાળજી રાખું છું. એટલું સમજાઈ ગયું છે કે ભૂતકાળ સ્મૃતિ છે, ભવિષ્યકાળ સ્વપ્નું છે, વર્તમાન જ ઉત્તમ છે, કારણ કે તેનો હું ઉપયોગ કરી શકું છું. એટલે જે વીતી ગયું છે તેમાં ડૂબી જવામાં લાભ જણાયો નથી અને ભવિષ્યનો વિચાર કરી નિષ્કારણ બોજો વધારવા ઈચ્છતો નથી. મેં જોયું છે કે ભવિષ્યનું ચિંતન તણાવ પેદા કરે છે, કારણ કે ભવિષ્યમાં આકાંક્ષાઓ છૂપી રીતે પડેલી છે. એટલે વર્તમાનનો શક્ય તેટલો ઉપયોગ કરી લઉં છું. તેમાં કોઈનું અનુકરણ, અનુસરણ કે દેખાદેખી કરવાનું ટાળું છું. મેં અનુભવથી એ નક્કી કરી લીધું છે કે શાંતિ, આનંદ, સંતોષ અને સ્થિરતાને ભોગે કશું જ કરવા જેવું નથી. શાંતિ એટલે કલેશરહિત સ્થિતિ, આનંદ એટલે ઉપાધિરહિત સ્થિતિ, સંતોષ એટલે ઈચ્છારહિત સ્થિતિ અને સ્થિરતા એટલે નિશ્ચયાત્મક સ્થિતિ. શાંતિ જોઈતી હોય તો કોઈ પણ બાબતની પકડ છોડી દેવી અને અન્યને શાંતિ મળે તેવાં વાણી અને વર્તન રાખવાં. એવું જ આનંદની બાબતમાં. અન્યને આનંદ આપવાથી જ આનંદ મળે છે.

અહીં કશું મૂળભૂત રીતે સારું કે નરસું નથી; ઉપયોગ કરનાર પર બધો આધાર છે. એટલે મારે મારી પાત્રતા કાળજીપૂર્વક કેળવતી જવી; કોઈનો વાંક ન કાઢવો. અહીં કરવા જેવું શું છે તે સ્પષ્ટ થઈ ગયું છે. સત્સંગથી એટલું સમજાઈ ગયું છે કે નામ અને શરીર પ્રત્યેનો મોહ છૂટી જાય એટલે સકલ વ્યવહાર નિર્વેગ અને સહજ થઈ જાય છે. વળી સહેજે સહેજે કોઈ વ્યક્તિના સહવાસમાં આવવાનું થાય ત્યારે તેના ગુણદોષની ભાંજગડમાં ન પડતાં, તેમાં પરમાત્માની જ સત્તા કામ કરી રહી છે એમ વિચારી તેનામાં ભગવદદર્શન કરવાનું વલણ રાખ્યું છે. તે ઉપરાંત ધ્યેયપ્રાપ્તિમાં જે જે બાબતો ઈષ્ટ લાગી છે તેને આચરણમાં મૂકવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું છું. મેં જે જીવ અને શરીર સાધનરૂપે ધારણ કર્યાં છે, તેમને પ્રારબ્ધાનુસાર સુખ કે દુઃખ આવે છે તે જોવાનો અવસર મળ્યો છે. વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થયા પછી એટલું શીખી લીધું છે કે સુખથી પ્રભાવિત થવા જેવું નથી અને દુઃખથી અકળાવા જેવું નથી. બધું જ પસાર થઈ જાય છે. મનુષ્યની માન્યતામાં જ સુખ-દુઃખ પડેલાં છે.

આ સૃષ્ટિમાં જે કાંઈ છે તેમાંથી જે આવશ્યક છે તેનો ઉપયોગ કરતાં આવડે તો અહીં બધું સહાયરૂપ છે; પણ વસ્તુ-પદાર્થનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાને બદલે તેને વળગીએ અથવા ઉપયોગમાં અતિરેક થાય તો જે વસ્તુ અનુકૂળ છે તે પ્રતિકૂળ થઈ જાય છે. જીવનમાં એ પણ શીખવા મળ્યું કે દવા ખીસ્સામાં રાખવાથી રોગ મટતો નથી. દવા ખાવી પડે અને પરેજી પાળવી પડે. તેમ લખાણો કે ગ્રંથો કબાટમાં રાખી મૂકવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તેને માટે અનુભવીનો સંગ અને સત્સંગ કરવો પડે. સમજણપૂર્વકનું આચરણ જ મનુષ્યને ઊર્ધ્વગામી બનાવે છે અને અખંડ શાંતિ, આનંદ, સંતોષ અને નિર્ભયતાનો અનુભવ કરાવે છે. મનુષ્યજીવનમાં જ આ સંભાવના રહેલી છે.

મનુષ્યજીવનની શક્યતાઓ અપરંપાર છે. હજારો વર્ષોથી જીવન વિશે લખાતું રહ્યું છે અને જીવનને સમજવાના પ્રયત્નો થતા રહ્યા છે. આ પૃથ્વી પર મનુષ્યો દ્વારા જેટલું સાહિત્ય રચાયું છે તેમાં પણ એક કે બીજી રીતે જીવન કેન્દ્રમાં રહ્યું છે, છતાં જીવન વિશેની વાત અધૂરી રહેવાની છે. આપણે જીવનને નકારાત્મક રીતે જોવાને બદલે હકારાત્મક રીતે જોતા થઈએ અને જીવનનીસંભવિતતાઓને પામવાનો નિરંતર પુરુષાર્થ કરીએ એ જ મહત્વનું છે.

લેખક – શ્રી કાન્તિલાલ કાલાણી

More from Deval Talati

More Article

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects