નિર્ણયનો નિર્ણય

September 11 2015
Written By GujaratilexiconGurjar Upendra

सोच सोच के हमने हमसफर का निर्णय किया था 
पर जब हमसफर मिला तो खुद की ही सोच बदल गइ ।

( સબા હમીદ નૂરાની ઇસ્લામાબાદ )

 

નિર્ણય….. કેવળ ૩ અક્ષરોનો બનેલો આ શબ્દ આપણી સાથે જીવનની પ્રત્યેક પળે ચાલે છે. ભગવદ્ ગીતામાં પ્રભુએ કહ્યું છે કે કશુંક કરવું છે, કશુંક નથી કરવું. કરવું છે તો શા માટે કરવું છે? અને નથી કરવું તો શા માટે નથી કરવું ? જે કશું આપણાં મનમાં ચાલતું હોય તે દર્શાવવા માટે આપણે નિર્ણયનો આધાર લઈએ છીએ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુએ વિવેકધૈર્યાશ્રયમાં નિર્ણય શબ્દને નીર અને નય એમ બે ભાગમાં વહેંચેલો છે. નીર એટલે પાણી અને નય એટ્લે વિચાર. પાણીની જેમ જ્યાંથી દિશા મળે ત્યાંથી વહેતો વિચાર એટલે કે નિર્ણય. પરંતુ નિર્ણય કોણે લેવો જોઈએ, ક્યારે લેવો જોઈએ, નિર્ણયો લેવાનાં કારણો શું છે, નિર્ણય લેવાનું મહત્તા શું છે તે સમજવા જેવું છે.

નિર્ણયની બાબતમાં સ્ટીવન સ્ટોએરે કોસમોસ સિરીઝમાં એક સુંદર વાત કરી છે. બ્રહ્માંડની કોઈ અદ્ભુત વસ્તુ હોય તો તે આપણું નાનુ શું દેખાતું મગજ છે. આપણા આ મગજ પાસે અસંખ્ય ખાનાં હોય છે. આપણું મગજ પોતાની રોજિંદી લાઇફમાં દિવસભરની પ્રત્યેક નાનીમોટી પ્રક્રિયાને સતત જોતું રહે છે. અને મગજને જે સારું લાગે છે તે તમામ નાનીમોટી પ્રક્રિયા પોતાનાં ખાનાંરૂપી જ્ઞાનતંતુઓમાં ભરતું રહે છે. આખા દિવસની પ્રક્રિયા પછી જ્યારે મગજને મોકો મળે છે ત્યારે તે પોતાનાં ખાનાંઓમાં ભેગી કરેલી અનેક વાતો, દૃશ્યોનો અને ક્રિયાઓના ઢગલામાંથી એક પછી એક તંતુ કાઢે છે, આપણને બતાવે છે અને જે તંતુની જો જરૂર ન લાગે તો તેને ફરી પોતાના ખાનામાં મૂકી દે છે. મગજે સંઘરેલા આ તંતુઓ તે વિચારનું રૂપ ધારણ કરે છે જે આખો દિવસ આપણાં મન, મગજ સાથે ફર્યા કરે છે. આ વિચારોમાં મોટાભાગના વિચારો નિરર્થક હોય છે પણ આ જ નિરર્થક વિચારોમાંથી આપણે રોજિંદી લાઇફના જરૂર પડતા નિર્ણય લઈએ. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અચેતન મન નિર્ણયો લેવામાં વધુ કાર્યશીલ હોય છે. તેથી જ કદાચ આપણે કહીએ છીએ કે જરા શાંતિથી વિચારવા દે પછી હું તને આગળ કહું કે શું કરવું અને શું ન કરવું. જે વિચારો અને નિર્ણયોનો દોર આખો દિવસ આપણી આસપાસ ફર્યા કરે છે તે નિર્ણયોનાં સમય, સંજોગ અને ઈચ્છા એ ત્રણ આધારો અને સાચા અને ખોટા એ બે પ્રકારો હોય છે. જેમાં સંજોગો પરનો નિર્ણય એ સારો પણ હોય (શકે છે) અને ખોટો પણ હોય. સમયમાં લીધેલો નિર્ણય એ એ જ ક્ષણોને આધાર આપે છે અને ઇચ્છાનો નિર્ણય તે મુખ્યતઃ ધન, જરૂરિયાત, સંજોગ અને સમય એ ચારેય પર આધાર રાખે છે.

આ સંજોગ અને સમયના નિર્ણયની વાત કરતાં કરતાં મને મારી સહેલીની યાદ આવે છે, તેથી તેની જ એક વાત અહીં રજૂ કરું છું.

થોડા દિવસ પહેલાં મારી મુલાકાત મારી નાનપણની સખી ભાવના સાથે થઈ. ૨૫ વર્ષ પછી અમે અનાયાસે ન્યૂયોર્કમાં મળ્યાં. પહેલાં તો આટલાં વર્ષોના અંતર પછી તેનું મળવું તે મારે માટે આશ્ચર્ય હતું,પણ તે આશ્ચર્ય સાથે અમને આનંદ પણ ખૂબ થયો હોઈ ઘણીબધી વાતોનો ખજાનો અમારી સામે ખૂલી ગયો. આ વાતોમાંથી જાણવા મળ્યું કે તેણે તેના શ્વસુર પાપાને ઇન્ડિયામાં વૃદ્ધાશ્રમમાં રાખ્યા છે.

વૃદ્ધાશ્રમમાં? મે પૂછ્યું.

‘હા. વૃદ્ધાશ્રમમાં. કારણ કે પાપાને અહીં આવવું નથી.’

તેની આ વાતથી મને આશ્ચર્ય થયું તેથી વાત આગળ વધારતાં તે કહે, ‘પૂર્વી, અમે તો બોલાવીએ છીએ પણ તેઓ આવવા માટે તૈયાર થતા નથી. તેઓ કહે છે કે અમે બેંગલોર મૂવ થઈ જઈએ. પણ તે અમારે માટે શકય નથી, આથી તેઓ ત્યાં જ રહે છે. મારાં મમ્મીનો વર્ષો અગાઉ સ્વર્ગવાસ થઈ ગયો છે ને અમે બેય ભાઈઓ અહીં જ છીએ. હવે એવું થયું કે ૨૦૦૮ સુધી પાપા અહીં રહ્યા પછી કેમેય અહીં રહેવા તૈયાર ન થતાં અમારે એમને ન છૂટકે ઇન્ડિયામાં રહેવા માટે મોકલવા પડ્યા, એ જ આશાએ કે તેઓ જ્યાં રહે ત્યાં ખુશ રહે. આ જ વિચાર સાથે તેઓ અમારા બેંગલોરના ઘરમાં એકલા રહેતા હતા ને પાપાનું ધ્યાન રાખવા માટે અમારી ૩૦ વર્ષ જૂની બાઈ હતી. હવે એવું થયું કે જે વર્ષો જૂનો વિશ્વાસ અમને અમારી બાઈ પર હતો તે વિશ્વાસ બાઈએ પાપાની ભૂલવાની આદત સાથે તોડી નાખ્યો. તે પોતાના જમાઈ અને દીકરીની સાથે મળીને બૅન્કબેલેન્સ ખાલી કરવા લાગી હતી. જ્યારે અમારા ધ્યાનમાં આ વાત આવી કે તરત જ અમે વિચાર્યું કે પાપા એકલા રહેશે તો ભવિષ્યમાં વધુ પ્રોબ્લેમ થશે. આમ વિચારી અમે પાપાને ત્યાં જ લાઇફ સ્ટાઇલ ઓલ્ડ એઈજ હોમમાં રાખ્યા છે.

ભાવનાની આ વાત તેની રીતે બરાબર હતી, પણ જો બીજા કોઈને વિચારવાનું હોય તો શું કહેશે કે, જુઓ કેવા દીકરા–વહુ છે, વૃદ્ધ પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે. પણ ભાવનાની દૃષ્ટિએ આ વાત વિચારીએ તો લાગે છે કે (તે) ભાવનાએ અને તેના પતિએ (તે) સમયને બરાબર પારખ્યો ન હોત તો ભવિષ્યમાં એક ક્રાઇમ ચોક્કસ થયો હોત, જેનું પરિણામ ઘણા બધા પ્રશ્નો ઊભા કરી ગયું હોત. આથી સંજોગ અને સમયને આધારિત તેઓએ જે નિર્ણય કર્યો છે તે બરાબર જ છે અને આ સંજોગોનો તેઓ પાસે કોઈ (જ) વિકલ્પ જ ન હતો (કે જેથી) તેઓ કોઈ બીજા પ્રકારનો નિર્ણય લે.

ભાવનાના પ્રસંગમાંયે એવું બન્યું કે ભાવનાનો નિર્ણય જોઈ તેના સંબંધીઓએ પણ વિરોધ કર્યો. આ વિરોધ સામે ભાવનાએ નમતું ન જોખ્યું ને પોતાના વિચારો, નિર્ણય અને વિશ્વાસમાં તે દ્રઢ રહી. મને લાગે છે કે ભાવનાનો આ એક દાખલો આપણી આસપાસ રહેલા સમાજની જ એક છબીને પ્રકાશિત કરે છે.

આવી તો ઘણીયે ભાવનાઓ આપણી આજુબાજુ હશે જેમની દૃષ્ટિને આપણે સમજવા માટે પ્રયત્ન કરતાં નથી હોતાં. અમેરિકામાં રહીને હું એક વાત મુખ્યતઃ સમજી શકી છું કે આપણી આસપાસ જે કશું થાય છે તે બધા જ નું હોવું કે ન હોવાનું એક કારણ હોય છે અને તે હોવા અને ન હોવાના કારણરૂપ આપણે જ બનતા હોઈએ છીએ. માટે આપણી વિચારસરણી અને નિર્ણયશક્તિ પર આપણે વિશ્વાસ રાખવો જ જોઈએ.

બીજી રીતે જોઈએ તો સાચો હોય કે ખોટો હોય, દરેક પ્રકારનો નિર્ણય તે વ્યક્તિની દૃષ્ટિ અને સમય પર આધાર રાખે છે. ઉપરોક્ત પ્રસંગમાં બીજી વાત એ છે કે જે નિર્ણય ભાવનાને માટે ખરો હોય તે જરૂરી નથી કે બીજી વ્યક્તિને માટે પણ (બરાબર)/ખરો હોય. આથી એમ કહી શકાય (છે) કે નિર્ણય કયા સમયે લેવો અને કઈ વ્યક્તિ લે છે તે વ્યક્તિગત બાબત છે. અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ રૂઝવેલ્ટનું નામ બહુ મોટું છે. તેઓ હંમેશાં કહેતા કે જો હું ૭૫ ટકા પણ સાચો હોઉં તોયે કસમયે મારા લીધેલા નિર્ણયોનું કોઈ મૂલ્ય રહેતું નથી. જ્યારે મારો હરીફ ૫૦ ટકા પણ સાચો હોય તો તે તેના સમયની જરૂરિયાત પ્રમાણે લીધેલો (તે) ૫૦ ટકાનો નિર્ણય ૧૦૦ ટકા સાચો નિર્ણય બની રહે છે. માટે નિર્ણય લેવો અને ક્યારે લેવો તે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે.

આપણે સમય અને સંજોગને આધારિત નિર્ણયનો એક દાખલો જોયો તે રીતે ઇચ્છાને આધારિત પણ અમુક નિર્ણયો રહેલા છે. આ ઇચ્છા–નિર્ણયનો આધાર સમય, જરૂરિયાત અને ધનશક્તિ પર રહેલ છે. દા.ત આપણે માર્કેટમાં ગયાં અને કોઈ સુંદર વસ્તુ જોઈ કે તરત જ લેવાનું મન થઈ આવશે પણ પછી વિચારીએ કે શું આ વસ્તુની હાલમાં જરૂર છે? જો જરૂર ન લાગે તો મૂકી દઈએ ને વિચારીએ, અત્યારે નહીં, પાછળથી લઈશું. આમ વિચારી આપણે તે સમયની ઇચ્છાઓ ઉપર પાબંદી લગાવી દઈએ છીએ. ખાસ કરીને આ બાબત મધ્યમવર્ગના લોકો માટે વધુ લાગે છે. જ્યારે અમુક વસ્તુઓ ભલે મોંઘી હોય પણ જરૂરિયાત છે જ તો તે વખતે આપણે સમય કે ધનને નથી જોતાં, બસ ખરીદી લઈએ છીએ. તે વખતે આપણે જરૂરિયાતને પ્રાધાન્ય આપીએ છીએ. તો કોઈ વાર એવુંયે થાય છે કે આ ભાવે આ વસ્તુ મળશે નહીં તેમ વિચારી આપણે ખરીદી લઈએ છીએ ત્યારે આપણે સમય, દિવસ અને ધનને આધારિત તે નિર્ણય લઈએ છીએ. આમ ભગવાન કૃષ્ણએ કહેલ વાતની જેમ આપણે પણ જીવનની પ્રત્યેક પળે સાચો કે ખોટો એમ બે પ્રકારે નિર્ણય લઈએ છીએ, જેની જવાબદારી અને તે જવાબદારીના પરિણામ માટે આપણે જ ઉત્તરદાયી હોઈએ છીએ.

નિર્ણયોના આધાર, પ્રકાર અને સમયની મર્યાદા પર આપણે જેમ નજર ફેરવી તેમ એક નજર નિર્ણયની ક્ષમતા ઉપર પણ રાખી લઈએ. આપણી આસપાસ ઘણા લોકો એવા હશે કે જેઓ પોતાના નિર્ણયો ઉપર મક્કમ નહીં રહેતા હોય. હમણાં કશું કહેશે, થોડી વાર પછી કશું બીજું કહેશે, ૩ કલાક પછી કોઈ ત્રીજા જ નિર્ણય પર તે આવશે. આમ જેઓ વારંવાર પોતાની નિર્ણયો(શક્તિ)ને ફેરવે છે તેવા લોકોમાં આત્મવિશ્વાસની કમી માનવામાં આવી છે.

આવા લોકો જે કોઈ કાર્ય હાથમાં લેશે તેને પૂરું કરશે કે નહીં તે નક્કી હોતું નથી. ઉપરોક્ત કહેલ વાકયમાં ટેમ્પલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. એલન બ્રાઉનની વિચારસરણી સમજવા જેવી છે. ડૉ.બ્રાઉનનું માનવું છે કે નિર્ણય લેવામાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ સૌથી નબળા હોય છે. અહીં આવતા ઘણા વિદ્યાર્થીઓને જ્યારે સ્ટડી દરમ્યાન તેમને કોઈ પ્રકારનો નિર્ણય લેવાનો આવે તો તેઓ ઘડિયાળના લોલકની જેમ વારંવાર વિચારતા રહે છે કે આ કરવું કે ન કરવું. જ્યારે કશું જ વિચારી ન શકે ત્યારે તેઓ ઇન્ડિયામાં પોતાના વડીલોને ફોન કરીને પૂછે છે, એટલે કે તેમની નિર્ણયશક્તિનો આધાર વડીલોને બનાવે છે અને જ્યારે વડીલોએ સૂચવેલ વ્યવસ્થા કામ ના અવે ત્યારે તેઓ પોતાના વડીલોને દોષ આપે છે. ડૉ. એલને કહેલ આ વાત સાથે હું ઘણી જ સહમત છું.

પરંતુ વિદ્યાર્થીઓનું આ રીતે માનવું કે વર્તવું તે તેમના પોતાના કરતાં તેમની આસપાસ રહેલા સમાજને કારણે હોય છે તે વાત ડૉ. એલનને સમજાવવી અઘરી છે. પણ તેવું શા માટે થાય છે તે વિષે પેનસ્ટેટ યુનિવર્સિટીના પ્રો. પ્રેમ વ્હોરા કહે છે કે આપણે કોઈ પણ કાર્ય શરૂ કરીએ તે પહેલાં વડીલોના સૂચનને ધ્યાનમાં લેવું જ જોઈએ તેવી આપણા ભારતીય સમાજની વ્યાખ્યા છે. તેથી આપણા નાના-મોટા દરેક નિર્ણયમાં આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તો પણ વડીલોની આમન્યા ભળી જ જાય છે. આ વડીલોની વિચારસરણી એ સમાજ ઉપર રહેલી છે જેની વચ્ચે તેઓ જીવી રહ્યા છે. તેથી નિર્ણય લેતાં પહેલાં જ ‘લોકો શું કહેશે ?’, ‘સમાજ શું વિચારશે?’ તે સમજીને નિર્ણય લઈએ છીએ આપણી જરૂરિયાત અને પ્રાથમિકતાને ઓછું મહત્ત્વ આપીએ છીએ. જેને કારણે એવું થાય છે કે સરખા નિર્ણયો લઈ શકતા નથી. તેથી બહેતર એ હોય છે કે ઇન્ડિયન સ્ટુડન્ટસ અમેરિકા ભણવા આવે તે પહેલાં વડીલોની અને સમાજની માન્યતાઓમાંથી મુક્ત થઈને આવે, જેથી કરીને તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકે.

પ્રો. પ્રેમ વ્હોરાની જેમ મારી પણ માન્યતા કશીક એવી જ થઈ ગઈ છે કે જ્યારે બીજા લોકોના વિચારો આપણા કાર્યમાં (અથવા આપણાં કાર્યોમાં) ભાગ બનવા લાગે ત્યારે જે નિર્ણયો લેવાય તેમાં સમજણ ઓછી હોય છે. જેનું ધાર્યું પરિણામ આવતું નથી, જેથી નિરાશા વધુ જણાય છે. આ નિરાશા નિષ્ફળતાયુક્ત પરિણામો તરફ દોરી જાય છે જેને આપણે સરળતાથી સ્વીકારવા માટે તૈયાર થતાં નથી. આ જ નિષ્ફળતા મન-મગજ ઉપર પોતાનો ડર ફેલાવી દે છે જેને કારણે બીજી વાર જ્યારે નિર્ણય કરવાનો આવે ત્યારે આત્મવિશ્વાસની કમી હોઈ વારંવાર વિચારતાં રહીએ છીએ કે આ નિર્ણય લેવો કે ન લેવો, શું કરવું, સમજમાં નથી આવતું.

ડૉ. બ્રાઉન અને પ્રો વ્હોરાના નિર્ણયશક્તિ અંગેના જે વિચારો છે તેનાથી અલગ જ વિચારો પેન્ટાગોનમાં કામ કરતી અમેરિકન ગુજરાતી યુવતી મિસ ક્રીષ્ના ધરાવે છે. મિસ ક્રિષ્ના કહે છે કે નિર્ણય લેવો તે પરિસ્થિતિ, વાતાવરણ અને વિચાર ઉપર આધાર રાખે છે. ઇન્ડિયામાં રહેલા વડીલો સમજતા નથી કે જ્યારે તેમનાં બાળકો ઘર બહાર નવા વાતાવરણમાં જશે ત્યારે તેઓ કેવી રીતે સર્વાઇવ કરશે. વડીલોના આવા વિચારોને કારણે તેમનાં કિડ્સને વધારે તકલીફ સહન કરવી પડે છે. ઇન્ડિયાની સરખામણીમાં અમેરિકન બાળકોને નાનપણથી જ નિર્ણયો લેવાની ટેવ પાડવામાં આવે છે, તેને કારણે તેઓ અમુક ઉમરપછી પોતાના નિર્ણયો પોતાની જાતે જ લે છે, અને તે નિર્ણયોમાં તેઓ પોતાના મા-બાપના સૂચનોને સાંભળે છે પણ તે સૂચનો પોતાના નિર્ણયમાં શામિલ કરશે કે નહીં તે પોતે જ નક્કી કરે છે. બીજી વાત એ છે કે તમે જેવા વાતાવરણમાં રહો છો તે વાતાવરણનો પણ તમારા નિર્ણયમાં મોટો ફાળો હોય છે. સારું વાતાવરણ તમને સારા મિત્રો આપે છે. આ મિત્રોથી તમારી લાઇફમાં અને વર્તનમાં પ્રેમ, શિષ્ટાચાર અને આશા આવે છે. જેને કારણે તમારામાં સકારાત્મક વિચારોની સાથે રચનાત્મકતા આવે છે જે તમારી જિંદગીને સફળ બનાવવામાં મદદ કરે છે. નિર્ણયપ્રક્રિયાની ત્રીજી બાબત એ છે કે અમેરિકામાં કિડ્સ બહુ નાની ઉંમરથી મા-બાપથી છૂટાં થઈ જાય છે તેથી મા-બાપ ક્યાં રહેતાં હોય અને કિડ્સ ક્યાંક રહેતાં હોય. તેથી અમે પ્રત્યેક નાની નાની વાતમાં અમારા મા-બાપને પરેશાન ન કરતાં અમારા નિર્ણય યોગ્ય સમયે લઈ લઈએ તો મા-બાપને પણ શાંતિ રહે છે, ને માનો કે કદાચ અમારો કોઈ નિર્ણય ખોટો હોય, ને અમે તકલીફમાં હોઈએ તો અમને ખાતરી છે કે અમારો પરિવાર હંમેશાં અમારો સાથ દેશે. આ તો થઈ કેવળ વ્યક્તિગતક્ષેત્રે નિર્ણયની વાત, પણ કોર્પોરેટક્ષેત્રે નિર્ણય લેવો એ ફક્ત તમારા બોલવા ઉપર કે વિચારવા ઉપર આધાર નથી રાખતો, બલ્કે તમારે બીજા શું કહે છે તે વાત શાંતિથી સાંભળી, સમજીને પછી નિર્ણય લેવો તે સૌથી વધુ ફાયદાકારક છે. કારણ કે જેમની સાથે કામ કરીએ છીએ તે ટીમમેમ્બરોની વાત સાંભળવાથી, સમજવાથી, તેમની સાથે વિચારવિમર્શ કરવાથી ટીમ મેમ્બરોમાં વિશ્વાસ આવે છે. આ વિશ્વાસ એકબીજાંને સાંકળી લેવાનું કામ કરે છે, જેને કારણે ટીમમેમ્બરોમાં કામ પ્રત્યે એક પ્રકારનો જુસ્સો, આનંદ ઊભો થાય છે અને ટીમવર્કની સફળતા વધી જાય છે. ટીમમેમ્બરો અંગે ફિલાડેલ્ફિયાના સોફ્ટવેર ઉદ્યોગપતિ કીટ બેન્ટલી કહે છે કે ટીમની સફળતા અને ટીમ મેમ્બરોનો સંતોષ એ તમારા પ્રત્યેક નિર્ણયોમાં હરકદમ તમારી સાથે રહે છે જેના વડે તમે ઉન્નતિના શિખર ચડો છો..

More from Gurjar Upendra

More Article

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

એપ્રિલ , 2024

બુધવાર

24

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects