“પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું.
-મહાત્મા ગાંધીજી
“દુનિયાની કોઈપણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં ‘ભગવદ્ગોમંડલ’ ઊણો ઊતરે તેમ નથી. આ ફક્ત શબ્દકોશ નથી પણ જ્ઞાનકોશ પણ છે.” ‘ભગવદ્ગોમંડલ’ એક અમૂલ્ય અને મહત્ત્વનો જ્ઞાનકોશ છે.
ઈ.સ. ૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે ધોરાજીમાં જન્મેલ ભગવતસિંહજી એકમાત્ર રાજવી તરીકે નહિ પરંતુ સામાજિક અને સાહિત્યક્ષેત્રે પણ અમૂલ્ય પ્રદાન આપીને ગણનાપાત્ર બન્યા છે. ગુજરાતી ભાષાને વિશ્વકક્ષા સુધી પહોંચાડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા બજાવી છે. ભગવતસિંહજીએ ગુજરાતી ભાષામાં રત્નમણિ સમાન મહાન જ્ઞાનકોશ “ભગવદ્ગોમંડલ”ની રચના કરી. આ કોશના રચયિતા તરીકે આજે પણ સાહિત્ય જગત તેમને સન્માને છે.
1. ‘ભગવત્’ એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ.
2. ‘ગોમંડલ’ એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે ગોંડલ.
આમ ભગવદ્ગોમંડલ એટલે:
-ભગવતસિંહજી શબ્દસંગ્રહ
-બૃહત શબ્દકોશ
-સમૃદ્ધિવાન જ્ઞાનકોશ
-જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર
-પ્રભુપ્રેરિત વ્યાપક વાણી
– ગૌરવવંતું ગોંડલ.
‘ભગવદ્ગોમંડલ’ એ એક એવો ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ કે જ્ઞાનકોશ છે કે જેમાં ધર્મ, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક અને જીવનવ્યવહારનાં બધાં જ પાસાંઓને સમાવી લીધેલા છે. દા.ત. આપણે ‘કલા’ શબ્દને ભગવદ્ગોમંડલમાં તપાસીએ તો ‘કલા’ શબ્દ સાથે તેના ૬૨ અર્થ, ૫૪ કલાના નામ, શિલ્પશાસ્ત્રની ૬૪ કલાનાં નામ એવી વિવિધ તેમજ વિસ્તૃત માહિતી આપી છે. જ્યારે આંખ શબ્દનું ૬ પૃષ્ઠમાં વિસ્તૃત વિવરણ આપેલ છે. આમ, કોઈપણ શબ્દનાં ફક્ત અર્થ જ નહિ પરંતુ તેના ઉચ્ચાર, વ્યુત્ત્પતિ, વ્યાકરણ, અર્થ, રૂઢિપ્રયોગ, ઉદાહરણ અને જરૂર પડે ત્યારે ચિત્રો, કોષ્ટકો વગેરે દ્વારા માહિતીને સચોટ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
દુનિયાની કોઈપણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં સહેજપણ ઊણો ન ઉતરતો આ ગ્રંથ માત્ર શબ્દકોશ જ નહિ પણ જ્ઞાનકોશ ગણાયો છે. નવ ગ્રંથોના ૯૨૭૦ જેટલા પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોને સમાવવામાં આવ્યા છે. શબ્દભંડોળ અને અર્થભંડોળની દૃષ્ટિએ એ અતુલનીય છે. વાસ્તવમાં આપણી ગુજરાતી ભાષામાં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ જ આ કોશ દ્વારા વિશ્વને થઈ. તેથી જ ભગવદ્ગોમંડલને વિવિધ વિશેષણો જેવા કે, ‘જ્ઞાનનો ઘૂઘવતો શબ્દસાગર’, ‘ગુજરાતી ભાષાનો સંસ્કૃતિગ્રંથ’, ‘વિશ્વકોશ’, ‘ગુજરાતી ભાષાની અસ્મિતા’, ‘સર્વજ્ઞાન સંગ્રહ’ અને ‘સમૃદ્ધિનો સાગર’ જેવા શબ્દોથી નવાજવામાં આવેલ છે.બ્દને ભગવદ્ગોમંડલમાં તપાસીએ તો ‘કલા’ શબ્દ સાથે તેના ૬૨ અર્થ, ૫૪ કલાના નામ, શિલ્પશાસ્ત્રની ૬૪ કલાનાં નામ એવી વિવિધ તેમજ વિસ્તૃત માહિતી આપી છે. જ્યારે આંખ શબ્દનું ૬ પૃષ્ઠમાં વિસ્તૃત વિવરણ આપેલ છે. આમ, કોઈપણ શબ્દનાં ફક્ત અર્થ જ નહિ પરંતુ તેના ઉચ્ચાર, વ્યુત્ત્પતિ, વ્યાકરણ, અર્થ, રૂઢિપ્રયોગ, ઉદાહરણ અને જરૂર પડે ત્યારે ચિત્રો, કોષ્ટકો વગેરે દ્વારા માહિતીને સચોટ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાતી ભાષાના અમૂલ્ય એવા જ્ઞાનકોશ ભગવદ્ગોમંડલને ડિજિટલાઇઝ કરવાનું ભગીરથ કામનું ‘ગુજરાતીલૅક્સિકોને’ બીડું ઝડપ્યું. વિશ્વના કોઈપણ ખૂણે રહેતો માનવી આ જ્ઞાનસંગ્રહની માહિતી અને તેની મહત્તા જાણી શકે અને તેના રોજિંદા જીવનમાં સરળતાથી તેનો વિનિયોગ કરી શકે તે માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું.
રતિલાલ ચંદરયા અને ‘ગુજરાતીલૅક્સિકોન’ ટીમના અન્ય સમિતિ સભ્યોએ આ કાર્યને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. આ કાર્યની શુભ શરૂઆત ૧૮-૦૪-૨૦૦૮ ને મહાવીર જ્યંતીના દિવસે કરવામાં આવી. ડેટાએન્ટ્રી માટે એડિટિંગ સોફ્ટવેરની રચના કરવામાં આવી. ડેટાએન્ટ્રીમાં કુશળ એવા ઓપરેટરો પાસેથી એ એન્ટ્રી કરાવવામાં આવી. તે ડેટાએન્ટ્રીને પ્રૂફરીડરો પાસે ચકાસણી અર્થે મોકલવામાં આવી. પ્રૂફરીડરો પાસેથી ચકાસેલ એન્ટ્રીની ભાષાનિષ્ણાતે પુન:ચકાસણી. કરી. જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને સુધારી લેવામાં આવી. આ રીતે નવેનવ ભાગનું કામ હાથ ધરવામાં આવ્યું અને ૧૧માસના ટૂંકાગાળામાં આ કાર્ય પૂર્ણ કર્યું. કોશ પ્રમાણે એન્ટ્રીને સાઇટ પર મૂકવા એક ખાસ પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવી. જેમાં સમગ્ર માહિતીને સંગૃહિત કરવામાં આવી રહી છે. ભગવદ્ગોમંડલના સમગ્ર પૃષ્ઠોને પણ એનીમેટેડ ફોર્મમાં જોઈ શકશો અને તે પણ તદ્દન નિ:શુલ્ક. આમ, ડિજિટાઇઝ ભગ્વદ્ગોમંડલ તેની વેબસાઇટ પર જઈ વધુ જોઈ શકશો જેની લિંક નીચે મુજબ છે.
http://www.bhagwadgomandal.com/
૮૦ વર્ષની જૈફ વયે સતત કાર્યરત રહી ભગવતસિંહજીએ ભગ્વદ્ગોમંડલ દ્વારા ગુર્જરી ગિરાને એક અમૂલ્ય મહિમુકુટથી શણગારવાનો મહાન પ્રયાસ કર્યો હતો તે જ રીતે શ્રી રતિલાલ ચંદરયા
પણ ૮૭ વર્ષની જૈફ વયે ગુજરાતી ભાષા વિશે સતત ચિંતિત છે. તેમનો આ માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અવિરલ છે. અને આજના કૉમ્પયૂટર યુગમાં આધુનિક ટૅક્નોલૉજીના માધ્યમથી ગુજરાતી શબ્દકોશ અને અન્ય માહિતીને સંગૃહિત કરવાની અને લાખો લોકો સુધી પહોંચાડવા માટે તેમણે જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કર્યો જે ‘ગુજરાતીલૅક્સિકોન’ નામથી પ્રચલિત છે.
ગુજરાતીલૅક્સિકોનનું ધ્યેય માત્ર આટલું જ નથી પરંતુ ભાષાના વિવિધ એકમોને સમાવવા માટે તે હંમેશા કાર્યરત રહે છે.”
કહેવત છે –
‘જય જય ગરવી ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી; ત્યાં ત્યાં વસે સદા કાળ ગુજરાત’ ..
ત્યાં હવે આપણે કહી શકીશું કે
‘જ્યાં જ્યાં વસે એક કૉમ્પ્યૂટર વાપરતો ગુજરાતી; ત્યાં સદાકાળ ગુજરાતીલૅક્સિકોન’
‘જય ગુજરાતી’
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.