Gujaratilexicon

સાચા શબ્દો : ખોટા શબ્દો ભાગ-1

June 23 2010
Gujaratilexicon

  • આ પેલું કયું વૃક્ષ દેખાય છે?

– એ ‘ગુલમોર’ છે, ‘ગુલમહોર’ નહિ.

કેટલાક એને ‘ગુલમહોર’ કહે છે, તે ખોટું છે . હવેથી તમે ‘ગુલમહોર’ ના લખશો. ‘ગુલમોર‘ બોલજો, ને લખજો.

  • પેલાં પંખીડાં ‘કલ્લોલ‘ કરે છે, ‘કિલ્લોલ’ નહિ. ‘કિલ્લોલ’ શબ્દ ખોટો છે. કોઈ બોલે કે લખે તો તમે તેની ભૂલ કાઢજો.
  • દેવી અંતર્ધાન થઈ ગયાં ! એટલે કે અદૃશ્ય થઈ ગયાં ! પણ તમે આ શું લખ્યું તમે ‘અંતર્ધ્યાન’ થઈ ગયાં, એમ લખ્યું તે ખોટું છે. ‘અંતર્ધાન’ સાચો શબ્દ છે.
  • જુઓ, પેલું ગાડું ‘અધવચ‘ અટકી ગયું ! તમે તો બોલશો કે ‘અધવચ્ચે’ અટકી ગયું, પણ તે ખોટું કહેવાય. ‘અધવચ્ચે’ શબ્દ ખોટો છે. કોઈ શબ્દકોશમાં પણ એ શબ્દ જડશે નહિ.
  • પ્રભુ ! મારી ‘મનકામના’ પૂરી કરો ! આ વાક્યમાં ‘મનકામના’ શબ્દ છે, તે જ સાચો છે. ઘણા ‘મનોકામના’ લખે છે, પણ તે શબ્દ ખોટો છે. સારા સારા લેખકો પણ આ શબ્દ લખવામાં ભૂલ કરે છે.
  • કેવું અદ્ભુત દૃશ્ય !હા, પણ લખો ત્યારે શું લખશો? અદ્ભુત કે અદ્ભૂત?

ગૂંચવાઈ ગયા ને? ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો એવા છે કે ભલભલાને છક્કડ ખવાડી દે છે! તેમાં આ ‘અદ્ભુત’ શબ્દને પહેલો નંબર આપવો પડે.તમે મગજમાંથી ‘ભૂત’ કાઢી નાખીને ‘અદ્ભુત’ જ લખજો. ‘અદ્ભૂત’ શબ્દ ખોટો છે.

વળી આ શબ્દ સિવાય બીજા શબ્દોમાં ભૂત જ લખાશે. જેમ કે

અનુભૂત = (વિ.) અનુભવેલું

અભિભૂત = (વિ.) હારેલું: અપમાનિત

અંગભૂત = (વિ.) અંગરૂપ બનેલું

  • લો આ બીજો શબ્દ પણ ‘પજવવા’ હાજર થઈ ગયો છે.

‘ભૂલ’; ‘ભૂલચૂક’; ‘ભૂલથાપ’  -આ બધા શબ્દોમાં ‘ભૂ’ આવશે, પણ ‘ભુલકણું’ અને ‘ભુલામણી’ માં ‘ભુ’ આવશે.

– અને આ ‘ભુલભુલામણી’ માં બંને જગ્યાએ ‘ભુ’ આવશે.

ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દની જોડણી કેવી રીતે કરવી તેનો નિયમ જાણનાર પણ આ શબ્દ લખવામાં થાપ ખાઈ જાય છે.

  • હમે તો ચાલ્યા ! હમારું કામ પૂરું થઈ ગયું !

-‘હમે’ નહિ, ‘અમે’ એમ બોલવું જોઈએ. ‘હમારું’ નહિ, પણ ‘અમારું’ એમ કહેવું જોઈએ.

ગુજરાતી ભાષામાં ‘હમે, હમો, હમારું, હમારે’ આ બધા શબ્દો નથી. ‘અમે, અમો, અમારું, અમારે’ એ શબ્દો છે. હવેથી આ શબ્દો જ બોલજો, ને લખજો.

  • પત્રકારોએ ‘ઠપ’નું ‘ઠપ્પ’ કરી નાંખ્યું છે. ‘ઠપ્પ’ સાચો શબ્દ નથી. ‘ઠપ‘ લખવું. જેમ કે,

વૃક્ષ તૂટી પડતાં વાહનવહેવાર ઠપ થઈ ગયો.

કર્મચારીઓએ હડતાળ પાડતાં બૅન્કોનું કામકાજ ‘ઠપ’ થઈ ગયું.

  • તમે બરાબર સાત વાગ્યે સ્ટેશને પહોંચી જજો. આ ટ્રેન કોઈની શરમ રાખ્યા વિના સમયસર ઊપડી જાય છે.

‘સાત વાગે’ ને બદલે ‘સાત વાગ્યે’ લખવું, અગર ‘સાત વાગતાં’ એમ લખવું.

  • ‘જાવ’ એમ કોઈને કહેવું ખોટું છે. ખરો શબ્દ છે ‘જાઓ.”જાઓ,  હવે પછી મોડા ન આવતા.’
  • ‘દરેક’, ‘પ્રત્યેક’ અને ‘હરેક’ ની સાથે એકવચનનો શબ્દ આવે છે. જેમ કે, દરેક વાચક, પ્રત્યેક લેખક, હરેક ચીજ.

દરેક વાચકો, પ્રત્યેક લેખકો કે હરેક ચીજો એમ લખવું ખોટું છે.

(ગુજરાતી ભાષાના એક પાઠ્યપુસ્તકમાં અગાઉ ‘હરેક ચીજો’ એમ છપાયું હતું એ યાદ છે.)

  • ‘લબ્ધપ્રતિષ્ઠ’ લેખકોનાં પુસ્તકોમાં પણ જોડણીદોષો,  વ્યાકરણદોષો નજરે પડે એટલે કંઈ તેમની પ્રતિષ્ઠામાં ઘટાડો થતો નથી.

‘પ્રતિષ્ઠિત’ શબ્દને લઈને ‘લબ્ધપ્રતિષ્ઠિત’ શબ્દ લખાઈ જતો હોય છે, પણ તે ખોટો શબ્દ છે. ‘લબ્ધપ્રતિષ્ઠ’ જ સાચો શબ્દ છે.

તમે ‘લબ્ધપ્રતિષ્ઠ’ જ લખજો.

Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૧૮, ૧૯, ૨૦)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત

જાણો આ શબ્દનો અંગ્રેજી અર્થ (Gujarati to English)

ગુલમોર – kind of flowering tree, poinciana-pulcherrima.

કલ્લોલ – wave; surge; joy; overflowing with joy.

અધવચ – the middle; middle part. in the middle, midway; before a thing is finished.

ઠપ – a dull sound, thud. adv. making a dull sound.

વાંચો : સાચા શબ્દો – ખોટા શબ્દો (ભાગ -2)

વાંચો : સાચા શબ્દો – ખોટા શબ્દો (ભાગ -3)

વાંચો : સાચા શબ્દો – ખોટા શબ્દો (ભાગ – 4)

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects