Gujaratilexicon

રમણ રીઢાની ડાયરી – પ્રકરણ 5

January 24 2020
Gujaratilexicon

પ્રકરણ 5 : ‘ચાલો…ચાલો…ચાલો !’ (Raman ridha ni dayri)

લેખક : યશવંત ઠક્કર (Funny stories by Gujarati author Yashwant Thakkar)

આજે સાંજે હું ચાલવા નીકળ્યો ત્યારે સામેથી જાણે વંટોળિયો આવતો હોય એમ એક માણસ  ઝડપથી આવતો હતો. એ એકદમ મારી નજીક આવ્યો ત્યારે મને ઓળખાણ પડી કે આ તો ગુણવંત લહેરી છે. બહુ વખતે મેં એને જોયો.

એ સ્કૂલમાં મારી સાથે ભણતો હતો. એ સારું એવું ભણીને સરકારી બેન્કની નોકરીમાં લાગી ગયો હતો. નોકરીએ લાગ્યો ત્યારે એનું શરીર માપમાં હતું, પણ જેમ જેમ એનો પગાર વધતો ગયો હતો એમ એમ એનું શરીર પણ વધતું ગયું હતું. એ લહેરથી નોકરી કરતો હતો એટલે એનું ઉપનામ લહેરી પડી ગયું હતું.

મને આજે લહેરીને ઓળખવામાં વાર લાગી, કારણ કે એનું શરીર ઘણું જ ઊતરી ગયું હતું.

મેં કહ્યું : ‘લહેરી, તું તો ઓળખાતો જ નથી.’

એણે ખુશ થતાં કહ્યું : ‘બધા એવું જ કહે છે. મારામાં જબરું પરિવર્તન આવ્યું છે.’

‘હા, સાચી વાત છે. તારામાં મોટું શારીરિક પરિવર્તન આવ્યું છે. તારું શરીર બહુ ઊતરી ગયું છે.’

‘ઊતરી નથી ગયું. મેં ઉતાર્યું છે.’ જાણે કોઈ મોટા સાહસમાં સફળતા મેળવી હોય એમ એણે કહ્યું.  

‘શું વાત છે? કઈ રીતે?’ મેં કોઈ માનવમાં ન આવે એવી વાત સાંભળી હોય એમ પૂછ્યું.

‘ચાલી ચાલીને.’ એણે કહ્યું. અને પછી એણે પોતાના મોબાઇલમાં જોયું અને પોતે આજે કેટલાં  ડગલાં ચાલ્યો, કેટલા કિલોમીટર ચાલ્યો અને એની કેટલી કેલરી બળી એનો હિસાબ આપ્યો.

‘વાહ !’ મેં એની સફળતાને દાદ આપી.

‘રમણ દોસ્ત, આ રીતે મેં ફક્ત એક વરસમાં દસ કિલોને ત્રણસો ગ્રામ વજન ઊતાર્યું છે. આવી સફળતા ભાગ્યે જ કોઈકને મળે.’ એ બોલ્યો.   .

મને એ વખતે જ વિચાર આવ્યો હતો કે : ‘કેવો સતયુગ આવ્યો છે! માણસ પાઈએ પાઈનો હિસાબ રાખતો હોય એમ માણસ પોતાના વજનનો ગ્રામે ગ્રામનો હિસાબ રાખી શકે છે.’  

‘પણ એટલું બધું વજન ઉતારવાની જરૂર કેમ પડી?’ મેં લહેરીને પૂછ્યું.

‘ડાયાબિટીસ વધી ગયો હતો. ડૉકટરે સલાહ આપી કે, વજન ઉતારો નહિ તો ગયા કામથી. બસ, તે દિવસથી ચાલવાનું શરૂ કર્યું છે અને એનું પરિણામ તારી સામે જ છે.’ એ બોલ્યો અને જાણે કશું અગત્યનું કામ યાદ આવી ગયું હોય એમ ભાગ્યો. જતાં જતાં બોલ્યો : ‘ફરી કયારેક મળીશું. આજનો ટાર્ગેટ પૂરો કરવાનો છે.’

વજન ઉતારવું એ વ્યાજખોરનું  દેવું ઉતારવા જેવું કપરું કામ છે. આજકાલ, કેટલાય લોકો વજન ઉતારવા માટે અનેક પ્રકારના ઉપાયો અજમાવે છે. વજન ઉતારી આપવાનો ઉદ્યોગ મોટા પાયે ચાલે છે. કિલો મોઢેં વજન ઉતારી આપવાની ખાતરી આપવામાં આવે છે. એવા લોકોની તસવીરો  મૂકવામાં આવે છે કે જેઓ પહેલા વજનદાર હતા અને હવે હળવા થઈ ગયા છે. વળી, હળવા કાંઈ મફતમાં નથી થવાતું, એના માટે ગજવું પણ હળવું કરવું પડે છે.

આજના જમાનામાં માણસે હણહણતા ઘોડા જેવા વજન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, વગેરેને કાબુમાં રાખવાનાં હોય છે. એ માટે વિવિધ પ્રકારના ડૉકટરોની પાસે જવું પડે છે. વિવિધ પ્રકારની દવાઓ લેવી પડે છે. વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવા પડે છે. માણસ વધારે ટેસ્ટ આવે એવી વસ્તુઓ વધારે ખાય તો એને છેવટે આવા વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવાનો વારો આવે. 

મનગમતી વાનગીઓનો ત્યાગ કરીને અણગમતી દવાઓ પેટમાં પધરાવવી પડે છે. મોટા ભાગના દર્દીઓને ડૉકટર પેટ ઉતારવાની અને ચાલવાની સલાહ આપે છે. પેટ શું શું નથી કરાવતું!

કેટલાય લોકોને પેટ ભરીને ખાવા નથી મળતું તો કેટલાય લોકોનાં પેટ ઓછા નથી થતાં. અસમાનતા પેટ ક્ષેત્રે પણ છે.

આ જગતમાં કેટલાય લોકો એવાં નબળાં નસીબ લઈને આવ્યા હોય છે કે તેઓ વજન  ઉતારવા માટે ગમે એટલા ધમપછાડા કરે, પણ એમનું વજન વધતું જ જાય. મને લહેરી આ બાબતમાં સુખી લાગ્યો.

ગુણવંત લહેરીને ઝડપથી જતા જોઈને મને એક ગીત યાદ આવી ગયું …

રુક જાના નહીં તૂ કહીં હાર કે

કાંટોં પે ચલ કે મિલેંગે સાયે બહાર કે

ઓ રાહી ઓ રાહી

ઓ રાહી ઓં રાહી….

To read older chapters of Raman ridha ni dayri

પ્રકરણ 4 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 3 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 2 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 1 વાંચવા અહીં ક્લિક કરો

જાણો આ બ્લોગમાં રહેલા કેટલાક જરૂરી ગુજરાતી શબ્દોનું અંગ્રેજી (Gujarati to English word meaning)

ઉપનામ : surname; nickname, alias, appellation

અસમાનતા : inequality; disparity; unevenness

ધમપછાડા : impatient violent struggle, fruitless efforts

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

મંગળવાર

16

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects