Gujaratilexicon

હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી (Krishna)

August 13 2020
Gujaratilexicon

(પુરાણ) વિષ્ણુનો આઠમો અવતાર. સાક્ષાત્ પ્રુભુરૂપ ગણાયેલા લીલાવતારી શ્રીકૃષ્ણ (krishna) એ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે.

તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળક રૂપ ધર્યું. દેવકી વસુદેવને તે વાત સ્વપ્નતુલ્ય જણાઈ. એ રીતે કૃષ્ણનો અયોનિસંભવ જન્મ શ્રાવણ વદિ ૮ બુધવારે મધ્ય રાત્રે રોહિણી નક્ષત્રમાં થયો.

તે ગોકુળમાં નંદને ઘેર ઊછર્યો. તેમની આકૃતિ મધ્યમ પ્રકારની હતી. નેત્ર કમળ જેવાં, નાસિકા સરળ, અંગકાંતિ શ્યામવર્ણની હતી. તેમને પીળાં વસ્ત્ર પહેરવામાં પ્રીતિ હતી. અધ્યાત્મજ્ઞાનમાં પારંગત હતો. તેનું શસ્ત્રઅસ્ત્ર મિથ્યા થતું નહિ. સ્નાન સંધ્યાદિક નિત્યકર્મ કરવાની દીક્ષા તેણે ઉપમન્યુ ઋષિ પાસેથી લીધી હતી. એ શ્યામસુંદર, કમળનયન, રમણીય અવતારમૂર્તિ સાક્ષાત્ વિષ્ણુએ જગદુદ્ધાર અર્થે અવતારદેહ ધારણ કર્યો છે એવું ઋષિમુનિઓએ જાણી લીધું હતું. કૃષ્ણ પૂર્ણ સોળ કળા અવતારી પુરુષ હતા. તેમણે પોતાની યોગમાયાથી જન્મથી માંડીને અગિયાર વર્ષે કંસને માર્યો ત્યાં સુધી બાળચરિત્રો કર્યાં.

આ પણ જુઓ : ગીતાસાર

મથુરાના ઉગ્રસેનને ગાદીએથી ઉઠાડી મૂકી કંસ ગાદીએ બેઠો અને આજ્ઞા કરી કે કોઈએ રામનામ લેવું નહિ અને યજ્ઞ કરવો નહિ. એણે બ્રાહ્મણ તથા પ્રભુભક્તોને બહુ દુઃખ દીધું. જ્યારે તેના કાકા દેવકે પોતાની કન્યા દેવકીને વસુદેવ સાથે પરણાવી ત્યારે કંસ (Kans) તેમને ખુશીથી વળાવા જતો હતો. એવામાં આકાશવાણી થઈ કે એનો આઠમો પુત્ર તારો કાળ થશે. કંસે દેવકી વસુદેવ બંનેને કેદમાં રાખ્યાં. દેવકીને થયેલાં સાત સંતાનોનો કંસે નાશ કર્યો. આઠમા સંતાન કૃષ્ણને મારવાને માટે કંસે ઘણી યુક્તિ કરી.

પોતાની બહેન પુતનાને તથા કણાસુર, શકટાસુર, તૃણાવર્ત, બકાસુર, વત્સાસુર, ધુંધક, પ્રબંધ, વૃષભાસુર, કેશી, વ્યોમાસુર વગેરે ઘણા રાક્ષસોને મોકલ્યા, પણ બાળકૃષ્ણે તે સર્વનો નાશ કર્યો. છેવટે અક્રૂરને મોકલી કૃષ્ણને મથુરા બોલાવ્યા અને શલ, દૂશલ, ચાણૂર, મુષ્ટિક અને કૂટ એ પાંચ વિકરાળ મલ્લો સાથે યુદ્ધ કરાવી કૃષ્ણને મારી નખાવવાનો વિચાર કર્યો. રસ્તામાં કુવલયાપીડ નામના દારૂ પાઈને મસ્ત બનાવેલા હાથીને ઊભો રાખ્યો. અગિયાર વર્ષના સુકુમાર બાળક શ્રીકૃષ્ણે તે હાથીને તથા મલ્લોને મારી નાખ્યા ને કૂદકો મારી કંસને પકડી તેના પ્રાણ લીધા અને માતાપિતાને કેદમાંથી છોડાવ્યાં.

એક વખત બાળ વયમાં બગાસું ખાતાં તેણે પોતાના મોઢામાં માતા જશોદાને ત્રણ ભુવન બતાવ્યાં હતાં. તોફાન કરે, ગોરસડાં ફોડે તોપણ સૌ પ્રેમભાવથી તેમને તેડી રમાડતાં. એકવાર કૃષ્ણે માયા રચી. ગોકુળમાં ઘેર ઘેર કૃષ્ણરૂપ (krishna) થઈ ગોરસડાં ફોડી દહીં માખણ તે ખાવા લાગ્યો. સ્ત્રીઓ જશોદા પાસે રાવે આવી. જશોદાએ કહ્યું કે મારો કૃષ્ણ તો પારણામાં જ રમે છે. બધી સ્ત્રીઓએ કૃષ્ણ શેરીઓમાં ભાખોડિયાભર ફરે છે એવું દીઠું હતું. કૃષ્ણની માયાનો આવો પ્રભાવ જાણી સૌનો તેમના ઉપર પ્રેમ વધ્યો.

આ પણ વાંચો : જન્માષ્ટમી

એક દિવસે તોફાની કૃષ્ણે ઘરમાં દહીં દૂધનાં મટકાં ફોડી સર્વ ઢોળી નાખ્યું અને પોતાના મિત્રોને તે ખવરાવ્યું. માતાએ દામણાથી કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધ્યા. ખાંડણિયો ઘસડતા ઘસડતા કૃષ્ણ જ્યાં નલકુબેર અને મણિગ્રીવ નામના કુબેરના બે પુત્ર નારદના શાપથી આમલીના ઝાડરૂપ થયા હતા ત્યાં આવ્યા. ખાંડણિયો ભટકાતાં તે બંને વૃક્ષ પડી ગયાં અને તેમાંથી બે દિવ્ય પુરુષ નીકળી કૃષ્ણની સ્તુતિ કરી ચાલતા થયા. કૃષ્ણ ગોવાળિયાના છોકરા ભેગા વાછરડાં ચારવા લાગ્યા. તે આહીરોની સાથે ખાતાપીતા, તેથી દેવોને શંકા થઈ કે કૃષ્ણ પરમાત્મા આહીરો સાથે ખાય છે માટે યજ્ઞાદિકમાં પવિત્રતા શા માટે જોઈએ ? તેથી પરીક્ષા કરવા બ્રહ્માએ બધાં વાછરડાંઓ સંતાડી દીધાં. કૃષ્ણે પોતાની માયાથી તેવા જ રંગનાં બીજાં વાછરડાંઓ બનાવી દીધાં.

કાળી નાગને મારી યમુનાનું પાણી વિષમય હતું તે અમૃતતુલ્ય કર્યું. પોતાની મોરલી બજાવી સર્વને તેમણે મોહિત કર્યાં હતાં. ગોકુળની સ્ત્રીઓ વસ્ત્ર રહિત થઈ સ્નાન કરતી હતી તેને શાસ્ત્રમર્યાદા બતાવી. ગોવાળો ઈંદ્રની પૂજા કરતા તેને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું કૃષ્ણે કહ્યું. ઈંદ્રે ગુસ્સે થઈ મૂશળધાર મેઘ વર્ષાવ્યો. કૃષ્ણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત છત્રની પેઠે તોળી રાખ્યોને તેની નીચે સર્વેનું રક્ષણ કર્યું. ઈંદ્રે ગર્વ મૂકી કૃષ્ણની સ્તુતિ કરી.

આઠ વર્ષની બાળ વયે જશોદા પાસે બેઠાં બેઠાં છ માસનાં રાત્રિ દિવસ કર્યાં. મહારાસક્રીડામાં સર્વ સ્ત્રીઓની પાસે એક એક કૃષ્ણ ઊભા છે એવી પોતાની યોગમાયા પ્રગટી. રાધા વગેરે સર્વ સ્ત્રીઓને શૃંગારનું પૂર્ણ સુખ આપ્યું ને સર્વનો ઉદ્ધાર કર્યો. સુદર્શન નામનો વિદ્યાધર અંગિરા ઋષિના શાપથી અજગર થઈને પડ્યો હતો તેનો ઉદ્ધાર કર્યો. કુબ્જાને કૂબડી મટાડી દિવ્ય દેહ આપ્યો. કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બળરામ સાંદિપનિ ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયા. ત્યાં તેઓએ વેદ, ઉપવેદ, ન્યાય, તત્ત્વજ્ઞાન, ધનુર્વિદ્યા અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગુરુદક્ષિણામાં ગુરુનો પુત્ર જે સમુદ્રમાં ડૂબી ગયો હતો તેને પાછો લાવવા પાંચજન્ય દૈત્યને માર્યો, તેનું શંખરૂપ તન પોતે લીધું. એ વગાડી તેણે યમને દર્શન આપી ત્યાંથી ગુરુપુત્રને ત્યાંથી લઈ આવ્યા.

કંસનો સાસરો જરાસંધ ઘણો દુષ્ટ હતો. તેણે ૨૦૮૦૦ રાજાને કેદ કર્યા હતા. તેનો નાશ કરવા પ્રથમ તેણે મોકલેલા કાળયવનને યુક્તિથી મુચકુંદ પાસે બળાવી નાખ્યો ને પછી ભીમને હાથે તેને મરાવી નાખ્યો અને રાજાઓને છોડાવ્યા. વિશ્વકર્મા પાસે સર્વ યાદવો સમાઈ રહે તેવી ઉત્કૃષ્ટ દ્વારકા નગરી વસાવી. યોગમાયાને આજ્ઞા કરી એક રાત્રિમાં સર્વ સંપત્તિ સહિત સર્વને ત્યાં વસાવ્યાં. વૈદર્ભ દેશની રુકિમણીનું હરણ કર્યું, જાંબુવાનની કન્યા જાંબુવતીને તથા સત્રાજિતની કન્યા સત્યભામાને પરણ્યા. પ્રાગજ્યોતિષપુરના નરકાસુર નામના રાજાએ ઘણા રાજાઓની કન્યાઓને પકડી કેદ કરી હતી. કૃષ્ણે નરકાસુરને મારી તે સોળ હજાર એકસો કન્યાઓ છોડાવીને તે સાથે પોતે લગ્ન કર્યાં.

તેમને મુખ્ય આઠ પટરાણી હતી. તેનાં નામ: રુકિમણી, જાંબુવતી, સત્યભામા, ભદ્રા, મિત્રંવદા, સત્યા, કાલિંદી અને રોહિણી. બાણાસુરના હજાર હાથમાંથી ચાર રાખી બાકીના કાપી નાખી તેનો ગર્વ ઉતાર્યો. પુંડરીક રાજા જુલમ કરતો હતો તેને મારી પ્રજા સુખી કરી. નૃગ રાજા શાપથી અંધારા કૂવામાં પડ્યો હતો તેને ચરણ અડાડી દિવ્યદેહી કર્યો.

દ્રોપદીના સ્વયંવરમાં પાંડવોને સહાય કરી જય અપાવ્યો. યુધિષ્ઠિરે આદરેલા રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોનું એઠું ઉપાડવાનું કામ કૃષ્ણે પોતાને હાથે રાખ્યું અને એક બ્રાહ્મણના પ્રેતને તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતથી સજીવન કર્યું. મદાંધ શિશુપાળનો નાશ કર્યો તથા શૈલ્ય, દંતવક્ર, વિદુરથને મારી નાખ્યા. ગુરુબંધુ સુદામાનું દારિદ્રય ટાળી સુખી કર્યો. કૌરવો પાંડવોને ઘણું દુઃખ દેતા. સતી દ્રોપદીનાં વસ્ત્રો દુઃશાસને ભરસભામાં ખેંચવા પ્રયત્ન કર્યો. એ વખતે ગુપ્તપણે કૃષ્ણે વસ્ત્રો પૂરી સતીની લાજ રાખી. કૌરવોને અનેક વાર કૃષ્ણે સમજાવ્યા છતાં તેમણે પાંડવોને (Pandavas) થોડો પણ ભાગ આપવાની ના પાડી, જેથી યુદ્ધનું નક્કી થયું. ત્યારે દુર્યોધન (Duryodhan) તથા અર્જુન (Arjun) બંને કૃષ્ણની મદદ માગવા ગયા. કૃષ્ણે પોતે યુદ્ધમાં ઊતરવાની ના પાડી, પણ સૈન્ય મોકલવા હા પાડી. દુર્યોધને સૈન્ય માંગ્યું. તેથી કૃતવર્મા યાદવને એક અક્ષૌહિણી સૈન્ય લઈને મોકલ્યો. તમે યુદ્ધ ન કરશો, પણ અમારી સાથે રહો એવી અર્જુનની માગણીથી કૃષ્ણ અર્જુન સાથે ગયા અને અર્જુનના સારથિ બન્યા. લડાઈની શરૂઆતમાં પોતાનાં આપ્તજનોને સામે ઊભેલાં જોઈ અર્જુને હથિયાર છોડી દીધાં ત્યારે કૃષ્ણે અર્જુનને બોધ આપી લડવા સમજાવ્યો. એ બોધ ગીતામાં કહેલો છે અને તે બુદ્ધિમાન પુરુષોએ મનન કરવા જેવો છે.

યુદ્ધમાં શ્રીકૃષ્ણે પાંડવોને યુક્તિઓ બતાવી દુર્યોધનાદિ કૌરવોનો સંહાર કરાવ્યો અને પાંડવોને જય અપાવ્યો. પછી કૃષ્ણ દ્વારકા પાછા આવ્યા. એક સમયે સર્વ યાદવોને લઈ કૃષ્ણ પ્રભાસની યાત્રાએ ગયા, ત્યાં યાદવો મદિરા પીને મસ્ત બન્યા હતા. તેમાં કજિયો થતાં સમુદ્ર કિનારે હથિયારો ખેંચાયાં અને સર્વ મરણ પામ્યા. આ સઘળું કૃષ્ણની ઈચ્છાથી જ થયું હતું અને તેમની ઈચ્છાથી જ દુર્વાસા મુનિએ તેવો શાપ આપ્યો હતો. આ સર્વ યાદવો કપાઈ મૂઆ તે વખતે કૃષ્ણ તથા બળરામ દૂર જઈ બેઠા હતા. એ રીતે સર્વનો નાશ કરી પોતે તથા બળરામે વૈકુંઠ જવા વિચાર કર્યો. બળરામે લંગોટી વાળી સમુદ્ર કિનારે જઈ દેહ તજી દીધો. પછી શ્રીકૃષ્ણ પીપળાને થડે જમણો પગ ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકી એકધ્યાનથી બેઠા ત્યાં તેમની ઈચ્છાથી જ વાલી નામના વાંદરાનો અવતાર જરા નામનો કોળી નિમિત્ત કારણે ધનુષ્ય લઈ આવ્યો. તેણે કૃષ્ણ પરમાત્માના ચળકતા પગને હરણની આંખ જાણી બાણ માર્યું. પછી પાસે આવી કૃષ્ણને જોઈ પસ્તાવો કરવા લાગ્યો. કૃષ્ણે તેને દિલાસો આપ્યો કે મારી ઈચ્છાથી જ આ થયું છે. એવામાં કૃષ્ણનો સારથિ દારુક આવ્યો. તેને કૃષ્ણે કહ્યું કે મારા સ્વધામ ગયાની અને યદુવંશીઓના મરણની વાત તું દ્વારકામાં કરજે અને કહેજે કે હવે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. માટે તમો સર્વ સ્ત્રી બાળકો તથા ધનમાલ લઈ અર્જુન સાથે હસ્તિનાપુર જજો. એટલામાં સર્વ દેવતાઓ વિમાનમાં બેસી કૃષ્ણને તેડવા આવ્યા, પણ કૃષ્ણ આંખો મીચી ધ્યાન કરી વીજળીની પેઠે ચમકાર કરી પોતાના મૂળ સ્વરૂપમાં મળી ગયા. એ રીતે કૃષ્ણે અનેક દુષ્ટોનો સંહાર કરી ભૂમિનો ભાર ઉતાર્યો અને ધર્મ, નીતિ, ન્યાય તથા વિવેકની સ્થાપના કરી તેઓ સ્વધામમાં ગયા.

તે મોટા પરોપકારી ને નિર્લોભી હતા. રાજવંશી છતાં ગોવાળિયાની સ્થિતિમાં તે ઊછર્યા હતા. તેઓ ચંદ્રવંશી યયાતિ રાજાના પુત્ર યદુના વંશના હતા. દ્વારકા તેમની રાજધાની હતી. તેમના મણિનું નામ કૌસ્તુભ, સારથિનું નામ દારુક, ખડ્ગનું નામ નંદક, શંખનું નામ પાંચજન્ચ, મુખ્ય શસ્ત્રનું નામ સુદર્શન ચક્ર, ગદાનું નામ કૌમોદકી હતું. તેઓ શૃંગારમાં વિલાસી હતા. રણમાં તેમની બરોબરી કરી શકે એવું કોઈ ન હતું. તેમની મુખમુદ્રા અવલોકન કરનારના મનમાં જુદા જુદા ભાવો પ્રગટ થતા. એમ કૃષ્ણે પોતાની અલૌકિક માયા દેખાડીને પોતાનું પ્રભુત્વ દર્શાવી આપ્યું છે.

તેમની ઉત્પત્તિ વિષે એમ કહેવાય છે કે વિષ્ણુએ પોતાના બે વાળ ખેંચી કાઢ્યા. એક ધોળો અને બીજો કાળો. આ બે વાળ રોહિણી અને દેવકીના ગર્ભાશયમાં ગયા. ધોળો વાળ બળરામરૂપે અને કાળો વાળ કૃષ્ણ અથવા કેશવરૂપે ઉત્પન્ન થયા. તેમનાં અનેક નામ છે. તેમાં ઉપેંદ્ર, વિષ્ણુ, નારાયણ, વૈકુંઠ, સ્વયંભૂ, દૈત્યારિ, પુંડરીકાક્ષ, ગરુડધ્વજ, પીતાંબર, અચ્યુત, વિશ્વકસેન, જનાર્દન, ચતુર્ભુજ, પદ્મનાભ, મધુરિપુ, ત્રિવિક્રમ, દેવકીનંદન, શૌરી, શ્રીપતિ, પુરુષોત્તમ, બલિધ્વંસી, કંસારાતિ, અધોક્ષજ, વિશ્વંભર, વિધુ, કૈટભજિત, શ્રીવત્સલાંછન, વનમાળી, વિઠ્ઠલ, કહાન, નંદકિશોર, કનૈયા, શામળિયા, વાસુદેવ, માધવ, નટવર, મદનમોહન, મધુસૂદન, ત્રિકમ, કેશવ, મુરલીધર, ચક્રપાણિ, સારંગપાણિ, ગરુડગામી, ગોવિંદ, મુરારિ, હૃષીકેશ, ગોપાળ, ગિરિધારી, વ્રજરાજ, દામોદર વગેરે છે. નિજધામ જવા કાળે કૃષ્ણનું વય એકસો પચીશ વર્ષનું હતું.

આવા નટખટ શ્રી કૃષ્ણના જન્મદિને બોલો, “હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી”

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

સપ્ટેમ્બર , 2024

સોમવાર

16

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects