વટસાવિત્રી વ્રત કરવામાં આવે છે પતિના દીર્ઘાયુ માટે
June 02 2015
Written By
styfloal styfloal
જેઠ સુદ તેરસના રોજ વટસાવિત્રી વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે અને પૂનમના દિવસે વ્રત પૂરું થાય છે. ત્રણ દિવસ ઉપવાસ કરવો અથવા બે દિવસ ફળાહાર અને એક દિવસ નકોરડો ઉપવાસ કરવો. સ્ત્રીઓ આ વ્રત પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, સ્વાસ્થ્ય માટે અને પોતાને જન્મોજન્મ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય તે માટે કરે છે.
'વટમૂલે સ્થિતો બ્રહ્મા, વટમધ્યે જનાર્દનઃ ।
વટાગ્રે તું શિવો દેવઃ સાવિત્રી વટસંશ્રિતાઃ ।।'
અર્થાત્, વટવૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્ય ભાગમાં વિષ્ણુ અને અગ્ર ભાગે શિવજી વિરાજે છે અને દેવી સાવિત્રી પણ સમગ્ર વટવૃક્ષમાં સ્થિર થયાં છે.માટે 'નમઃ સાવિત્ર્યૈ' એ પ્રકારના ઉચ્ચાર સાથે સાવિત્રીદેવીની પૂજા કરવી. વટસાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કે પઠન કરવું.
કેવી રીતે પૂજન કરવું
વટવૃક્ષના મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં ભગવાન વિષ્ણુ, ટોચ પર ભગવાન શંકર અને સમગ્ર વૃક્ષમાં સાવિત્રીનો વાસ છે. વટવૃક્ષને પાણી રેડવું. સ્ત્રીઓએ વૃક્ષ સમીપે બેસીને ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન, અક્ષત તેમજ પાન-સોપારી, ફળ-ફૂલ, ચોખા વગેરેથી પૂજન કરવું. સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરતી વખતે 'નમો વૈવસ્વતાય નમઃ' મંત્રનો ઉચ્ચાર કરી, પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પાર્થના કરવી. ચોથા દિવસે (વદ પડવે)રાત્રે પૂજનવિધિથી પરવારી સૌભાગ્યવતી સ્ત્રીઓએ વટવૃક્ષ, સાવિત્રી, યમરાજ અને છેલ્લે પોતાના પતિને નમસ્કાર કરી પછી ભોજન કરવું.
'શ્રીં હ્રીં કલીં સાવિત્ર્યૈ સ્વાહા ।'
સાવિત્રીદેવીના ઉપર જણાવેલા મંત્રની પાંચ માળા કરવી. આ મંત્રનું માહાત્મ્ય અનોખું છે. આ આઠ અક્ષરોવાળો સાવિત્રીદેવીનો મૂળ મંત્ર છે, તેનો ઉચ્ચાર સ્પષ્ટપણે થવો જોઈએ. શ્રીં, હ્રીં અને ક્લીં પર અનુસ્વાર (બિંદુ) માટે શ્રીમ્, હીમ્, ક્લીમ્, ઉચ્ચાર કરવો.
સાવિત્રીદેવીની સ્તુતિ
'હે સચ્ચિદાનંદરૂપ, હિરણ્ય ગર્ભરૂપ, હે દેવી! હે માતા! તમે મારા પર પ્રસન્ન થાઓ. હે તેજસ્વરૂપ, હે નિત્યરૂપ, નિત્ય સર્વપ્રિય, નિત્ય આનંદસ્વરૂપ, સર્વમંગલ સ્વરૂપ, હે માતા! તમે મારા પર પ્રસન્ન થાઓ. હે સર્વસ્વરૂપ, બ્રાહ્મણોના શ્રેષ્ઠ મંત્રરૂપ, પરથી પર, સુખ-શાંતિ અને મોક્ષ અર્પનારાં, પાપરૂપી કાષ્ટને બાળવા માટે પ્રજ્વલિત અગ્નિની શિખા સમાન, બહ્મતેજ આપનારાં હે દેવી! તમે મારા પર પ્રસન્ન થાઓ.'
પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે તથા પોતાના કુટુંબ-પરિવારમાં અને પિયરમાં પણ સુખ-શાંતિ માટે આ વ્રત બહેનો માટે અતિ ઉત્તમ છે. પૂર્ણિમાએ સાવિત્રીદેવી ઉપરોક્ત વ્રતનું ફળ અવશ્ય આપે છે. પૂર્ણામાએ વટવૃક્ષે જઈ બ્રાહ્મણો દ્વારા પણ પૂજન કરાવી શકાય છે.
આ વ્રત લગ્ન પછી 5 વર્ષ કરવાનું હોય છે. પછી માત્ર પુનમ કરવામાં આવે છે તે ચૌદ વર્ષ કે આજીવન કરવામાં આવતી હોય છે. અર્ચન-પૂજન દરમિયાન ચૌદ ફળ તથા ચૌદ નૈવેદ્ય અર્પણ કરી શકાય છે. સ્થાપન કળશમાં સાવિત્રીદેવીનું આવાહન કરી પૂજન કરવું. વ્રત દરમિયાન ધ્યાન, મંત્ર અને સ્તુતિનું આગવું મહત્ત્વ છે.
More from styfloal styfloal



More Article



Interactive Games

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.