1 |
[ સં. દુગ્ધ ] |
न. |
બચ્ચાં જણનારાં પ્રાણીઓની માદાના સ્તનમાં બાળકના પોષણ માટે નીકળતો ધોળો પ્રવાહી; સ્ત્રી અથવા માદાના થાનમાંથી બાળકના પોષણ માટે નીકળતો ઊડળો પ્રવાહી પદાર્થ; સ્તન કે આંચળમાંથી નીકળતું ધોળું પ્રવાહી. પૃથક્કરણની દૃષ્ટિએ જોતાં પ્રજીવક તત્ત્વ અ અને પ્રોટીનનું ઘણું મોટું પ્રમાણ દૂધમાં જોવામાં આવે છે. માનવી જીવનના ખોરાક તરીકે સામાન્ય રીતે ગાય, ભેંસ અને બકરીનું દૂધ વપરાય છે. દૂધમાં વિવિધ ગુણો રહેલા જોવામાં આવે છે. ગાયનું દૂધ રસાયણ તરીકે માનવામાં આવ્યું છે. તે વૃદ્ધત્વનો નાશ કરનાર, માંસપેશીઓમાં અતિ તાકાત બક્ષનાર તેમ જ દરેક ઋતુ અને રોગમાં પથ્ય માનવામાં આવ્યું છે. ગાયના દૂધમાં મધ નાખી પીવાથી હૃદયના રોગો નાબૂદ થવાની વાત અત્રિ મુનિએ હજારો વર્ષ પહેલાં ઉચ્ચારી છે. ગાયનું દૂધ તાજેતાજું પીવામાં આવે તો તે આયુષ્યને વધારનારૂં અને આંખોને તેજ આપનારૂં કહેવામાં આવ્યું છે. ગાયના દૂધમાં સાકર મેળવી તેનું નિત્ય સેવન કરવાથી રક્તપિત્તનાં દર્દમાં ફાયદો થાય છે એમ હરિતકી સંહિતામાં નોંધાયેલું છે. ગાયના દૂધમાં સાકર અને ખસખસ મેળવી પીવાથી ભાદરવા મહિનાના અતિસારના અને પિત્તપ્રકોપના તાવ સિવાયનાં તમામ દર્દો નાબૂદ થાય છે. ગાયના દૂધમાં સાકર, ખસખસ અને બદામ નાખી પીવાથી છાતી મજબૂત બની અવાજ શુદ્ધ અને બુલંદ બને છે. ગાયના દૂધમાં સાકર, ખસખસ, બદામ અને કેસર નાખી પીવાથી બુદ્ધિ અતિ તીવ્ર બનવાતી વાત ભોજપત્રના હસ્તિલિખિત ગ્રંથોમાં જોવામાં આવે છે. ગાયના દૂથમાં લીંબુ નાખી પીવાથી યકૃતનાં દર્દો મટવાની વાત અને કમળો નાબૂદ થવાની વાત બૌદ્ધ ધર્મનાં પુસ્તકોમાં જોવામાં આવે છે. ગાયના દૂધમાં શતાવરી ઉકાળી દરરોજ રાત્રે એક માસ સુધી પીનાર માનવીની કાયા સુદૃઢ અને સુંદર બનવાની વાત સારંગધર નામના આયુર્વેદના આધારભૂત પુસ્તકમાં જોવામાં આવે છે. ગાયના દૂધમાં ગોખરુ ઉકાળી પીવાથી મૂત્રાશયનાં દર્દો નાશ પામી કમરના જૂનામાં જૂના દુખાવા મટે છે. ગાયના દૂધમાં એખરો ઉકાળી તેની ખીર બનાવી તેમાં બદામ અને ખસખસ નાખી પીનાર માનવી કદી માંદગીને સ્વપ્નમાં પણ જોતો નથી એમ આયુર્વેદના મહાગ્રંથકાર વાગ્ભટ કહે છે. ભેંસના દૂધનું નિત્ય સેવન કરવનાર સદા ઉત્સાહી અને દીર્ઘાયુ બને છે, કારણ કે ભેંસનું દૂધ શ્રમને દૂર કરનારૂં છે અને તેમાં ચરબીનું પ્રમાણ વધારે હોઈ શરીરને ચરબીરૂપી દીવાલની તાકાત આપનારૂં છે. ઔષધરૂપમાં ભેંસનું દૂધ સાકર સાથે લેવાથી તે મગજના જ્ઞાનતંતુઓને શાંત કરી આરામ અને ઊંઘ આપનારૂં છે. ભેંસનું દૂધ અંજીર સાથે ઉકાળીને લેવાથી નાસૂરના રોગ મટવાની વાત એક પુરાણા ગ્રંથમાં જોવામાં આવે છે. ભેંસના દૂધને ઉકાળી તેમાં બદામ અને જાવંત્રી નાખી લેવાથી પિત્તનાં દર્દો શાંત થાય છે. દૂધ વધારે કફવાળું હોઈ તેમ જ વાયુકર્તા હોઈ કફના દર્દીઓને કદી આપવું નહિ. વાયુના દર્દીઓને વાવડિંગ સાથે ઉકાળ્યા સિવાય કદી આપવું નહિ. પૃથક્કરણની દૃષ્ટિએ જોતાં ભેંસના દૂધમાં ચરબીનું એટલું બધું મોટું પ્રમાણ છે કે સુકલકડી શરીરવાળા માનવીઓ માટે તે મહા ઔષધ સમાન છે. બકરીના દૂધની વિશિષ્ટતા તે હલકું હોવા છતાં તેનામાં એક તૂરો રસ વધારે છે, તેથી તે મળને બાંધનાર ઔષધ છે. તેમાં પ્રોટીન, ચરબી અને પ્રજીવક તત્ત્વ અ નું એટલું બધું મોટું પ્રમાણ મળી આવે છે કે પુરાણા કાળના બુદ્ધિમંતોએ ક્ષયના દર્દ માટે આ દૂધની ભલામણ કરી છે તે ખરેખર જ અતિસૂચક છે. બકરીનું દૂધ પિત્તના રોગોમાં ઉકાળીને આપવાથી અથવા તાજું લેવાથી એક મહા ઔષધની ગરજ સારે છે. ખાંસીમાં બકરીના દૂધનું જ સેવન કરનાર જોતજોતામાં દર્દમુક્ત થાય છે એમ વૃદ્ધત્રયી કહે છે. મરડામાં પડતું લોહી અટકાવવામાં બકરીનું દૂધ એક ઉત્તમ ઔષધ છે એમ ઘણાં જૂનાં પુસ્તકનો આધાર છે. આ દૂધ ત્રિદોષને હરનારૂં છે અને તેનું નિત્ય સેવન જગતના તમામ વ્યાધિઓમાંથી બચાવનારૂં છે. ખોરાક ઓછામાં ઓછો આખા દિવસમાં પોણો શેરથી એક શેર દરેક માનવીએ લેવો જરૂરી છે. પણ કેવળ દૂધ ઉપર રહેનાર માણસે આખા દિવસમાં ઓછામાં ઓછું ચાર થી પાંચ રતલ દૂધ શરીરને પૂરૂં પોષણ આપવા માટે લેવું જોઈએ. એક રતલ ગાય, ભેંસ અને બકરીના દૂધમાં સમાયેલાં તત્ત્વોનું પૃથક્કરણ એમ છે કેઃ

વૈદ્ય દાકતરો તો એકીઅવાજે જાહેર કરે છે કે, ગાયનું દૂધ ભેંસનાં દૂધ કરતાં ગુણમાં ચડિયાતું છે અને દુગ્ધાલયશાસ્ત્રીઓનું કહેવું છે કે, ગાયનું દૂધ ઘટતી વ્યવસ્થા હેઠળ હાલના કરતાં ઘણું વધારે કસદાર બનાવી શકાય છે. આ બધી વસ્તુને યરપમાં મુખ્યત્વે ડેન્માર્કમાં શાસ્ત્રરૂપે બનાવી છે. ત્યાંની ગાય આપણી ભેંસો કરતાં વધારે ઉત્તમ દૂધ આપે છે. જે કેટલાક સૂક્ષ્મરોગનાશક અને આરોગ્યવર્ધક ગુણો ગાયના દૂધમાં છે, તે ભેંસના દૂધમાં હોતા નથી. ધર્મજ્ઞ પુરુષો કહે છે કે, ગાયનું દૂધ સાત્ત્વિક છે, ત્યારે ભેંસનું તામસી છે. જેમ ટપાલની ટિકિટોની કીમત બધે એકસરખી છે, તેમ દૂધની કીમત અને જાતનું એક જ પ્રમાણ બધે ચાલુ કરવું જોઈએ. ગાયનું, ભેંસનું, બકરીનું, ગાડરનું, સાંઢણીનું, ગધેડીનું, ઘોડીનું અને સિંહણનું દૂધ આપણા દેશમાં મળી આવે છે, દૂધ સવારે કાંઈક મીઠું હોય છે અને તેમાં એક જાતની વિલક્ષણ હલકી ગંધ હોય છે. જુદી જુદી જાતનાં પ્રાણીઓનાં દૂધના સંયોજક પદાર્થ સરખા હોય છે., પણ તેના પ્રમાણમાં ઓછોવત્તો તફાવત હોય છે. એક જાતનાં જુદાં જુદાં પ્રાણીઓના અને કોઈ કોઈ વખત એક જ પ્રાણીના જુદી જુદી વખતના દૂધમાં ઓછોવત્તો તફાવત પડે છે. દૂધમાં ૪/૫ થી ૧/૧૦ ભાગ પાણી હોય છે અને બાકીનો ભાગ ચરબી, સાકર, મીઠું વગેરે હોય છે. દૂધને થોડો વખત સ્થિર રહેવા દેવામાં આવે તો તેની ચરબી ઉપર તરી આવે છે અને તે બદલાઈને મલાઈ તથા માખણ થાય છે. દૂધમાં ખટાશનો અંશ મળે તો તે જામીને દહીં બને છે. કોઈ વખત એમ પણ બને છે કે, દૂધનું પાણી અને તેનાં સંયોજક તત્ત્વો જુદાં જુદાં થઈ જાય છે, એટલે કે દૂધ ફાટી જાય છે. મનુષ્યજાતિની સ્ત્રીના દૂધને સૌથી વધારે મળતું દૂધ ગાય તથા ભેંસનું છે. તેથી માણસ મોટે ભાગે ગાય તથા ભેંસનું દૂધ વાપરે છે. કોઈ કોઈ બકરી તથા ઊંટડી વગેરેનું દૂધ પણ વાપરે છે. વૈદ્યકમાં જુદાં જુદાં પ્રાણીઓનાં દૂધના જુદા જુદા ગુણ બતાવ્યા છે. પાશ્ર્ચાત્ય વિદ્વાનોએ દૂધનું પૃથક્કરણ કરી તેનાં તત્ત્વોનો નિશ્ર્ચય કર્યો છે, તે પ્રમાણે ૧૦૦ અંશ દૂધમાં ૮૬•૮ અંશ પાણી, ૪•૮ અંશ સાકર, ૩•૬ અંશ માખણ, ૪ અંશ કેસિન અને ઇંડાની સફેદી તથા •૭ અંશ ફોસ્ફરસ વગેરે ખનિજ પદાર્થ હોય છે. પ્રાણીવાર દૂધ માંહેની વસ્તુઓનું પ્રમાણ નીચે પ્રમાણે છેઃ

દૂધ વિષે ગાંધીજી કહે છે કેઃ દૂધ ઇંદ્રિયવિકાર પેદા કરનાર વસ્તુ છે. ઇંદ્રિયદમન અર્થે દૂધ છોડવું જોઈએ. દૂધના ત્યાગમાં ધર્મભાવને પ્રધાનપદ હતું. જેમ માંસ તેમ જાનવરનું દૂધ પણ મનુષ્યનો ખોરાક નથી. અન્નાહાર વિષેનાં અંગ્રેજી પુસ્તકોમાં મેં જોયું કે લેખકોએ બહુ સૂક્ષ્મ વિચારો કરેલા. અન્નાહનારને તેઓએ ધાર્મિક, વૈજ્ઞાનિક, વ્યાવહારિક ને વૈદ્યક દૃષ્ટિથી તપાસ્યો હતો. નૈતિક દૃષ્ટિએ તેઓએ વિચાર્યું કે મનુષ્યને પશુપંખીની ઉપર સામ્રાજ્ય મળ્યું છે, તે તેઓને મારી ખાવાને અર્થે નહિ, પણ તેઓની રક્ષા અર્થે, અથવા જેમ મનુષ્ય એકબીજાનો ઉપયોગ કરે છે, પણ એકબીજાને ખાતા નથી, તેમ પશુપંખી પણ તેવા ઉપયોગ અર્થે છે, ખાવાને અર્થે નથી. વળી તેઓએ જોયું કે ખાવું તે ભોગને અર્થે નહિ પણ જીવવાને અર્થે છે. આ ઉપરથી કેટલાકે ખોરાકમાં માંસનો જ નહી પણ ઇંડા અને દૂધનો પણ ત્યાગ સૂચવ્યો અને કર્યો; પણ અહીંનો મારો અનુભવ એમ જ સૂચવે છે કે જેની ઓઝરી મંદ થઈ છે ને જે પથારીવશ થયો છે તેને સારૂ દૂધ જેવો બીજો હલકો તથા પોષક ખોરાક જ નથી.

રૂઢિપ્રયોગ
૧. ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનું નહિ = સમ સ્વરૂપથી કે રૂપરંગ જોઈ ભુલાવું નહિં.,
૨. દૂધ અને ડાંગ બંને રાખવાં = પ્રેમ અને સખ્તાઈ બંને બતાવવાં.
૩. દૂધ અને દહીંમાં બેયમાં પગ રાખવા = બંને બાજુ માથું મારવું; બંને તરફ ઢોલકી વગાડવી.
૪. દૂધ ઊતરવું = સ્તનમાંથી દૂધ વહેવું; દૂધથી છાતી ભરાઈ જવી.
૫. દૂધ ચડવું = (૧) આતુર હોવું; પ્રેમ નહિ હોવો. (૨) કણસલામાં કણ બંધાવા ને ડૂંડામાં ધોળો રસ ભરાવો. (૩) થાનમાં દૂધ ભરાવું. (૪) પાનો ચડવો; હિંતમ આવવી.
૬. દૂધ છોડાવવું = ધાવણ મુકાવવું; ધવરાવવું બંધ કરવું.
૭. દૂધ જલવું = (૧) દૂધનું બળી જવું. (૨) સુકાઈ જવું.
૮. દૂધ દેખવું = સગર્ભા સ્ત્રીના સ્તનમાંથી દૂધ કાઢીને તે પાતળું છે કે જાડું તે જોઈ શું બાળક આવશે તે પારખવું. જાડું દૂધ હોય તો છોકરો, પાતળું દૂધ હોય તો છોકરી આવે.
૯. દૂધ દેવું = (૧) લાભ કરવો. (૨) સૌથી વધારે સારૂં કરવું.
૧૦. દૂધ દોહવું = (૧) દૂઝણા ઢોરને દોહવું. (૨) સ્તન દબાવી દૂધની ધાર કાઢવી.
૧૧. દૂધ દોહી આપવું = લાભ કરી આપવો; કમાઈ આપવું. તમારાં માતુશ્રી બબડે છે કે સરસ્વતીચંદ્ર તમને શું દૂધ દોહી આપવાના હતા કે જેવી તેવી પણ આ કમાઈ છોડી એની પાછળ પ્રવાસનું વિશેષ ખરચ કરો છો ? – ગોવર્ધનરામ.
૧૨. દૂધ દોહી પીવું = દૂઝાણું રાખી ખાધેપીધે સુખી થવું.
૧૩. દૂધ પડવું = રસ બનવો.
૧૪. દૂધ પાઈને ઉછેરેલો સાપ = પાળીપોષીને મોટો કરેલો પણ જાતનો નઠારો માણસ.
૧૫. દૂધ પાવું = ધવરાવવું.
૧૬. દૂધ પીતા રૂપિયા = વ્યાજ લાવતી મૂડી.
૧૭. દૂધ પીતાં વિખ ન વાવવું = જ્યાં સ્નેહ હોય ત્યાં દુશ્મનાવટ ન બાંધવી.
૧૮. દૂધ પીતું કરવું = જન્મતાંની સાથે નારીજાતિના બાળકને રેશમી કપડામાં ગૂંગળાવી મારી નાખવું. આ પ્રથા અગાઉ ચરોતરના લેઉઆ કણબીમાં સામાન્ય હતી.
૧૯. દૂધ પીતું બચ્ચું = ઘણું નાનું બાળક; ધાવણું બાળક.
૨૦. દૂધ પીને દીકરો જણવો = સ્વરૂપવાન બાળકને જન્મ આપવો.
૨૧. દૂધ પીવું = ધાવવું.
૨૨. દૂધ ફાટવું = દૂધનું પાણી અને બીજા ભાગો જુદા જુદા થઈ જવા; દૂધ બગડવું.
૨૩. દૂધ ફાડવું = કોઈ ક્રિયાથી દૂધનું પાણી અને બીજા ભાગ જુદા પાડવા.
૨૪. દૂધ ભર આવવુ = (૧) લાગણી હોવી. (૨) સ્તન દૂધથી ભરપૂર હોવાં.
૨૫. દૂધ ભરાઈ આવવું = હેત ઊપજવું.
૨૬. દૂધ ભરી કટોરિયાં = દૂધથી ભરપૂર સ્તનો.
૨૭. દૂધ વેંચવું = (૧) દૂધનું વેચાણ કરવું. (૨) ધાઈ તરીકે કામ કરવું.
૨૮. દૂધથી નહાવ, પૂતથી ફાલો = એક જાતનો આશીર્વાદ કે તમે દૂધમાં નાહો અને અસંખ્ય બાળકો ઉછેરો; સમૃદ્ધિવાન અને પુત્રવાન થાઓ.
૨૯. દૂધની માખી = તુચ્છ પદાર્થ; તિરસ્કારને લાયક પદાર્થ.
૩૦. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું = પૂરેપૂરો ન્યાય કરવો.
૩૧. દૂધનું દૂધમાં ને પાણીનું પાણીમાં = (૧) ખરા પરસેવાના પૈસા ખોવાય નહિ. (૨) જેટલું પ્રામાણિકપણે મેળવેલું હોય તે રહે, બીજું જતું રહે. (૩) જેવી જેની કરણી, તેવું તેનું ફળ. (૪) જેવી સારી માઠી રીતે ધન મેળવ્યું હોય તેવી સારી માઠી બાબતમાં તે વપરાય.
૩૨. દૂધમાં એળિયો ભેળવવો = (૧) દૂધમાં એળિયો ભેળવી ખરાબ કરી નાખવાની પેઠે સારામાં નરસું ભેળી બગાડી નાખવું; ખરાબ કરી નાખવું; ધૂળધાણી કરી નાખવું; કંઈનું કંઈ કરવું; બિગાડ કરવો. (૨) માઠા અને અજુગતા બોલ બોલી કજિયો કે અણબનાવ થાય તેમ કરવું.
૩૩. દૂધમાં કાળું હોવું = (૧) છૂપો મર્મભેદ હોવો. (૨) તરત જણાઈ આવે એવો નાનો પણ દોષ હોવો; કલંક કે કાળુંગોરૂં હોવું.
૩૪. દૂધમાંથી પૂરા-પોરા કાઢવા = (૧) ખાલી ખોટો દોષ કાઢવો; ન હોય તેમાં યે દોષ શોધવો; ભૂલ ન હોય તેમાંથી ભૂલ કાઢવાનો યત્ન કરવો. (૨) ઘણી જ બારીકીથી તપાસ કે તજવીજ કરવી.
૩૫. દૂધે જેલ ધોઈ નાખવી = બધા કેદીને જેલમાંથી છોડી મૂકવા.
૩૬. દૂધે દાઝયો છાશને યે ફૂંકીને પીએ-દૂધનો દાઝયો છાશ પણ ફૂંકીને પીવે = રૂપથી ઠગાયેલો ફરીથી તપાસીને કામ કરે; સમ સ્વરૂપે ભુલાયેલો ફરી પૂરો વિચાર કરે.
૩૭. દૂધે ધોઈને આપવું = પ્રામાણિકપણે સન્નિષ્ઠા રાખી આપવું; શુદ્ધ ભાવથી કે ઊભી આબરૂએ આપવું.
૩૮. દૂધે પગલાં ધોવાં = ઘણી માનની દૃષ્ટિએ જોવું. બુદ્ધિધનભાઈને ઘેર કુમુદનાં પગલાં દૂધે ધોવાયાં છે.-ગોવર્ધનરામ
૩૯. દૂધે મેહ વરસવા = (૧) ન્યાલ થવું. (૨) બધે આનંદ ફેલાવો. (૩) બહુ લાભકારક, સારૂં કે આનંદજનક થવું.
૪૦. મોઢામાં દૂધ ફોરવું = બાળક હોવું; નાની ઉમર હોવી.
|