| 2 |
|
पुं. |
વૈષ્ણવોનો પુષ્ટિમાર્ગ પંથ; શુદ્ધાદ્વૈત. તેના પ્રવર્તક શ્રી વલ્લભાચાર્ય છે. પ્રાચીન અદ્વૈતની પેઠે માયાવાદથી સૃષ્ટિનો નિર્વાહ પુષ્ટિમાર્ગીય અદ્વૈતમાં નથી. કેવળ ચિન્મય સદ્રૂપ બ્રહ્મમાં અચિન્મય અને અસદ્રૂપ માયા સંભવતી નથી. આમ હોવાથી વસ્તુતઃ શુદ્ધ બ્રહ્મ સ્વીકારવું જોઈએ. સત્ ચિત્ આનંદ સ્વતંત્ર બ્રહ્મ સ્વતઃ લીલા માટે સ્વેચ્છાથી પોતાને જ આવિર્ભાવ તિરોભાવ પમાડી સૃષ્ટિ રચે છે. આમ તત્ત્વ વિચાર કરી વિષ્ણુને બ્રહ્મરૂપધારી તે અવતારોમાં પણ શ્રીકૃષ્ણાવતારને જ પરબ્રહ્મ રૂપે ભજે છે, એને જે પુરુષોત્તમ તેમ જ અક્ષરાતીત પણ કહે છે. ગોલોકવાસી ભગવાનની પાસે સખીભાવે પ્રેમરૂપમાં લીન થવું એ જ મોક્ષ. ભાગવત, વિષ્ણુપુરાણ ઈત્યાદિ પુરાણોને અને તેમાં યે ખાસ કરી રાસપંચાધ્યાયીને માને છે અને શ્રીકૃષ્ણની બાળલીલાનું અનુકરણ પરમ ધર્મ સ્વીકારે છે. ભક્તિથી જ્ઞાનનો ઉદય થઈ પરિચ્છેદ ભંગ થતાં સાયુજ્ય મળે છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એમ નવ પ્રકારની ભક્તિ છે. એ ઉપરાંત દશમી પ્રેમલક્ષણા ભક્તિ મોક્ષ સ્વરૂપે છે. બાલ સ્વરૂપની સવિશેષ પૂજા આચરે છે. મંદિરોમાં મંગલા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, સંધ્યા તથા શયન એમ પૂજાના આઠ પ્રકાર થાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ચાર ભેદ છેઃ વિષ્ણુ સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, મધ્વ સંપ્રદાય અને વલ્ભ સંપ્રદાય. આ ચારે સંપ્રદાયોના મુખ્ય આચાર્યો અનુક્રમે શ્રી વિષ્ણુ, રામાનુજ, મધ્વ અને વલ્લભ હતા. મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ નામના પુસ્તકમાં લખે છે કે, ભગવદ્ગીતાના વિરાટ રૂપના વર્ણનને મનમાં રાખી સાત્વતો એટલે યાદવોએ વાસુદેવની ભક્તિના પ્રચાર માટે તેમની ઉપાસના શરૂ કરી. ભક્તિમાર્ગના પ્રચાર સાથે વિષ્ણુની મૂર્તિઓ પણ બનવા લાગી. આનો કાળ અનિશ્ચિત છે. પરંતુ ઈ. સ. પૂર્વે ૨૦૦ના શિલાલેખમાં તેનું ઉદાહરણ મળી આવે છે. છતાં ઈ. સ. પૂર્વની ચોથી શતાબ્દિના લેખક મેગસ્થનીઝ મથુરાના શૂરસેની યાદવોના સંબંધમાં હૈરિકિલસ હરિકૃષ્ણ એટલે વાસુદેવની પૂજાનો ઉલ્લેખ કરે છે. પાણિનિએ પણ પોતાના સૂત્રોનાં વાસુદેવ નામનો ઉલ્લેખ કર્યો છે. તેની ટીકા ઉપર પતંજલિએ વાસુદેવને આરાધ્ય દેવતા કહ્યા છે. અનુમાન થાય છે કે પાણિનિના સમયમાં એટલે ઈ. સ. પૂર્વે ૬૦૦માં પણ વાસુદેવની પૂજા પ્રચલિત હતી. તેથી જ ભાગવત સંપ્રદાય તથા મૂર્તિપૂજા તેથી પણ પ્રાચીન હશે. આ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ પંચરાત્ર સંહિતા છે. આ સંપ્રદાયવાળા અભિગમન એટલે મંદિરોમાં જવું, ઉપાદાન એટલે પૂજાની સામગ્રી એકઠી કરવી, ઈજ્યા એટલે પૂજા, સ્વાધ્યાય અને યોગથી ભગવાનનો સાક્ષાત્કાર થાય છે એમ માને છે. વિષ્ણુનાં મંદિર ઈ. સ. પૂર્વે ૨૦૦થી માંડીને મધ્યયુગ સુધી જ નહિ, પણ હજુ સુધી બની રહ્યાં જોવામાં આવે છે. શિલાલેખો, તામ્રપત્રો અને પ્રાચીન ગ્રંથોમાં વિષ્ણુ પૂજકોનાં વર્ણનો મળી આવે છે.
|