| 15 |
|
पुं. |
ધર્મશાસ્ત્ર પ્રમાણે માણસના સારા માટે કરવામાં આવતા સોળ વિધિ કે ધાર્મિક રિવાજ; અભિમંત્રણથી સારી છાપ પાડવાનો વિધિ; મનુષ્યનું જીવન સુધારવા, માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી શરૂ થઈ પરલોકમાં સુખી થાય તે સારૂ મરણ પછી પણ કેટલોક વખત કરવામાં આવતી ધાર્મિક ક્રિયાઓ. તે વિધિ સોળ આ પ્રમાણે ગણાય છેઃ (૧) ગર્ભાધાન, (૨) પુંસવન, (૩) અનવલોભન, (૪) વિષ્ણુબલિ, (૫) સીમંતોન્નયન, (૬) જાતકર્મ, (૭) નામકરણ, (૮) નિષ્ક્રમણ, (૯) સૂર્યાવલોકન, (૧૦) અન્નપ્રાશન, (૧૧) ચૂડાકર્મ, (૧૨) ઉપનયન, (૧૩) ગાયત્ર્યુપદેશ, (૧૪) સમાવર્તન, (૧૫) વિવાહ અને (૧૬) સ્વર્ગારોહણ. આ સોળ માંહેના ત્રીજા, ચોથા, નવમા અને સોળમા સિવાયના ૧૨ સંસ્કાર મનુસ્મૃતિ કહે છે. મનુ ૧૨ સંસ્કાર આ પ્રમાણે વર્ણવે છેઃ ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, (બ્રહ્મચર્યાદિ ચાર વ્રત), સમાવર્તન, વિવાહ. મીમાંસા શાસ્ત્ર અનુસાર ૧૬ વૈદિક સંસ્કાર મુખ્ય માન્યા છે. તેમાંના ૮ પ્રવૃત્તિના અને આઠ નિવૃત્તિના કહેવાય છે. આ ૧૬ સંસ્કાર ઉપર આધાર રાખીને બીજા પણ અનેક સંસ્કારોનું વર્ણન સ્મૃતિમાંથી મળી આવે છે તેમાંના ગર્ભાધાન, પુંસવન, સીમાંતોન્નયન, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, સમાવર્તન અને વિવાહ એ દશ સંસ્કાર અત્યારે વિશેષ પ્રચલિત હોવાનું મહામંડલ ડાઇરેક્ટરીમાં જણાવેલ છે. આ સંસ્કારો ચાર શ્રેણીમાં આ પ્રમાણે વહેંચાયેલા છેઃ ગાર્ભ સંસ્કાર, શૈશવ સંસ્કાર, કૈશોર સંસ્કાર અને યૌવન સંસ્કાર. ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયન એ ગાર્ભ સંસ્કાર; જાતકર્મ, નામકરણ અને અન્નપ્રાશન એ શૈશવ સંસ્કાર; ચૂડાકરણ, ઉપનયન ને સમાવર્તન એ કૈશોર સંસ્કાર અને વિવાહ એ યૌવન સંસ્કાર છે. આ દરેક સંસ્કાર વેળાએ નાંદીમુખ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ એમ કહેવાય છે. અત્યારે હિંદુઓમાં આ ઉપયોગી ક્રિયાઓ લગભગ બંધ પડી ગઈ હોવાથી સમાજને અત્યંત હાનિ પહોંચી હોવાનું મનાય છે. ફક્ત જનોઈ અને વિવાહ એ બે અત્યારે પ્રચલિત છે. અંગિરા ઋષિના મત મુજબ ૨૫ સંસ્કારો આ પ્રમાણે ગણાય છેઃ ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, વિષ્ણુબલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, શાક્કવર, વ્રાતિક, ઔપનિષધ, કેશાંત, સમાવર્તન, વિવાહ, આગ્રપણ, અષ્ટકા, શ્રાવણી, આશ્વપુજી, માર્ગશીર્ષી, પાર્વણ, ઉત્સર્ગ, ઉપાકર્મ, પંચ મહાયજ્ઞ વગેરે. શિલ્પશાસ્ત્ર પ્રમાણે દરેક વસ્તુના સોળ સંસ્કાર આ પ્રમાણે ગણાય છે. ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, વેધન, દર્શન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંકર, કર્મ પ્રવેશ, પ્રસ્થાન, અંત્યવિધિ, પિંડીકરણ અને શ્રાદ્ધ. જૈન મત પ્રમાણે સોળ સંસ્કાર આ પ્રમાણે કહેવાય છેઃ ગર્ભાધાન, પુંસવન ( અઘરણી ), જન્મસંસ્કાર, સૂર્યચંદ્રદર્શન, ક્ષીરાસન, ષષ્ટીપૂજન, સૂચિકર્મ, નામકરણ, અન્નપ્રારાશન, કર્ણવેધ, કેશવપન, ઉપનયન, વિદ્યારંભ, વિવાહ, વ્રતરોપ સંસ્કાર, અંતકર્મ સંસ્કાર. કોઈ વળી ગર્ભાધાનથી માંડી મોક્ષ પ્રાપ્તિ સુધીના ૫૩ સંસ્કાર હોવાનું જણાવે છે.
|
| 16 |
|
पुं. |
ન્યાય મત પ્રમાણે ચોવીસ માંહેનો એ નામનો એક ગુણ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ એ ચોવીશ ગુણ મનાય છે.
|