| 29 |
|
पुं. |
સૂર્યમંડળમાંનો પૃથ્વીનો ઉપગ્રહ; ચંદ્રમા; શશિ; ઇન્દુ; શશાંક; સોમ; શીતરશ્મિ; શીતાંશુ; ગ્લૌ; મૃગાંક; કલેશ; નિશાકર; ઉડુપતિ; શીતદ્યુતિ; શીતગ; રજનીપતિ; નિશાનાથ; કુમુદપતિ; રાત્રીશ; કલાધર; કલાનિધિ. બધાં નક્ષત્રોમાંથી ચંદ્રની એક પ્રદક્ષિણા થવાને મધ્યમ માન લેતાં શુમારે ૨૭ દિવસ ૧૯ ઘડી લાગે છે. કોઈ કોઈ વાર તેમ કરતાં કેટલીક ઘડી ઓછી થાય છે, તો કોઈ કોઈ વાર વધારે ઘડી લાગે છે. સત્તાવીશ નક્ષત્રમાંથી કેટલાંકની દક્ષિણે થઇને ચંદ્ર નિત્ય જાય છે, કોઇની ઉત્તરથી જાય છે, અને બાકીનાં કૃત્તિકા, રોહિણી, પુષ્ય, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શતભિષા, રેવતી એ નક્ષત્રોનું કોઈ વાર આચ્છાદન કરે છે. રોહિણી સર્વથી વધારે તેજસ્વી છે. ચંદ્ર તેની બહુ જ સમીપ જાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તેથી તે પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પૃથ્વીની આસપાસ ક્રાંતિવૃત્તમાંથી ચક્કર લેતો નથી. તેની કક્ષા ક્રાંતિવૃત્તને છેદે છે. તે બંને મધ્યે શુમારે સવાપાંચ અંશનો કાટખૂણો પડે છે. આને લીધે ચંદ્ર કક્ષાનો અર્ધો ભાગ ક્રાંતિવૃત્તની ઉત્તરે સવાપાંચ અંશ પર્યંત અને અર્ધો ભાગ ક્રાંતિવૃત્તની દક્ષિણે સવા પાંચ અંશ પર્યંત હોય છે. ક્રાંતિવૃત્ત અને ચંદ્રકક્ષા એમના બે પાતબિંદુઓને રાહુ અને કેતુ કહે છે. ક્રાંતિવૃત્તની આસપાસ સવાપાંચ અંશની અંદર જે તારાઓ હોય છે. તેનું પિધાન ચંદ્ર કરે છે. ચંદ્રકક્ષા અને ક્રાંતિવૃત્ત એ બંનેના પાત એટલે રાહુ કેતુ એ કંઈ સ્થિર નથી, તેઓને ગતિ છે. તે શુમારે ૧૮|| વર્ષમાં ક્રાંતિવૃત્તમાં એક ફેરો ફરી રહે છે. તેથી એક તારાનું પિધાન ચંદ્ર એકવાર કરવા માંડે એટલે પછી તે શુમારે બે વર્ષ સુધી કરે, પછી નથી કરતો. તે પાછું સાડા અઢાર વર્ષે કરવા માંડે. ચંદ્રને પ્રકાશ સૂર્ય આપે છે. પૃથ્વીથી ચંદ્રનું મધ્યઅંતર ૨,૪૦,૦૦૦ માઈલ છે. કોઈ કોઈ વાર તે ઓછું થાય છે. ચંદ્રનો વ્યાસ શુમારે ૨,૧૬૦ માઈલ છે. સૂર્ય ચંદ્રનો અર્ધોભાગ દેખાય છે. ચંદ્રનાપ્રકાશિત ભાગ પૈકી જેટલો ભાગ આપણા તરફ હોય તેટલો જ પ્રકાશ આપણને દેખાય છે. ચંદ્ર પૃથ્વીથી આસપાસ ફરતાં ફરતાં કોઈ વાર પૃથ્વી અને સૂર્ય બેની વચ્ચે આવી જાય છે. તે વખતે તેનો અર્ધો પ્રકાશિત ભાગ સૂર્ય તરફ હોય છે. આ વખતે આપણે ત્યાં અમાવાસ્યા થાય છે. અમાવાસ્યા પછીથી પાછો ચંદ્ર પૂર્વ તરફ જવા માંડે છે એટલે તેનો પ્રકાશિત ભાગ આપણા તરફ હોય છે. પૂર્ણિમાને દિવસે ચંદ્ર અને સૂર્ય એ બેની વચ્ચે આપણે હોઈએ છીએ એટલે તેનો સઘળો પ્રકાશિત ભાગ આપણા તરફ હોય છે. આ કારણથી તે પૂર્ણિમાનો દિવસે ચંદ્ર આપણને પૂર્ણ દેખાય છે. પછી તે પાછો પૂર્વમાં જાય છે તેમ તેમ તેનું બિંબ પશ્ચિમ તરફથી ક્રમે ક્રમે અધિકાધિક અપ્રકાશિત દેખાવા લાગે છે. એ પ્રમાણે ચંદ્રની કળા વધતી ઘટતી થાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતો છતાં સૂર્યની આસપાસ ફરે છે. એટલે આ સમયમાં પૃથ્વી થોડીક આગળ જાય છે, તેથી ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં શુમારે ૨૯|| દિવસ લાગે છે. પૃથ્વીની આસપાસ ચંદ્ર જેટલા કાળમાં ફરે છે તેટલા કાળમાં તે ચંદ્ર પોતાની ધરીની આસપાસ એક પ્રદક્ષિણાં કરે છે. આને લીધે ચંદ્રનો ફક્ત અર્ધો ભાગ આપણને નિત્ય દેખાય છે, બાકી રહેલો અર્ધો ભાગ બિલકુલ દેખાતો નથી. ચંદ્રબિંબ એવા પ્રકારનું છે કે દરિયાના મોજાનું પાણી જેમ આમતેમ હાલે છે તેવી રીતે તે બિંબ ઉપર એક જાતનાં મોજાંની ગતિ થાય છે. તેથી તે પ્રતિબિંબ પણ આમતેમ હાલતુંચાલતું હોવાથી સહેજ વિસ્તારને પામે છે. તેને લીધે જે અર્ધ આપણને હંમેશા દેખાય છે. તેની ઉત્તર તરફનો અથવા દક્ષિણ તરફનો થોડોક ભાગ તથાપૂર્વ તરફનો અને પશ્ચિમ તરફનો થોડોક ભાગ ક્રમથી દેખાય છે આજ કારણથી જ્યારે ચંદ્ર આપણને અર્ધો દેખાય છે ત્યારે માત્ર અર્ધો ચંદ્ર ન દેખાતાં તે અર્ધા ઉપરાંત સુમારે એક દશાંશ ભાગ જાસ્તી આપણને કોઈ કોઈ વાર દેખાય છે. ચંદ્રને ધરીની આસપાસ ફરતાં ૨૯|| દિવસ લાગે છે તેને લીધે એક બીજો ચમત્કાર થાય છે. પૃથ્વી ઉપર ૨૪ કલાકનાં અહોરાત્ર હોય છે. આનાથી ૨૯|| ગણો અહોરાત્ર ચંદ્ર ઉપર હોય છે. તેમાં આપણી પૃથ્વી ઉપરના શૂમારથી ગણતાં આપણા ૧૪||| દિવસ જેટલો ચંદ્રનો એક દિવસ અને તેટલી જ રાત હોય છે. ત્યાં પંદર દિવસ નીરાંતે ઊંઘ લેવાની હોય છે. આપણો પિતૃગણ ચંદ્ર ઉપર રહે છે એ જ કારણથી માનવીના પંદર દિવસ તે પિતૃલોકનો એક દિવસ ગણાય છે. ચંદ્રના આકાશ ઉપર સૂર્ય એકસરખી રીતે પંદર દિવસ પ્રકાશિત રહે છે, તેને લીધે ચંદ્ર ઉપર તે વખત ગરમી કેટલી બધી થતી હશે ? દિવસે ગરમી વધારે તો રાત્રે ઠંડી પણ તેટલી જ. આપણે અહીં ચન્દ્રકલાની વૃદ્ધિ દેખાય છે તે વખતે ચંદ્ર ઉપર પૃથ્વીની કલાનો ક્ષય હોય છે. આ કારણથી જ શુક્લપક્ષની છઠ્ઠ પછી ચંદ્રનો પ્રકાશિત ભાગ દેખાતો નથી. આપણને ચંદ્ર જેવડો દેખાય છે તેનાથી ૧૩ ગણી મોટી પૃથ્વી ચંદ્ર ઉપર દેખાય છે. ૪૦ માઈલ ઉપર ચંદ્ર આવે ત્યારે તે જેવો દેખાય તેવો ચંદ્ર જોવાની શક્તિવાળું એક દૂરબીન હાલમાં આઈરમાં છે; પરંતુ ચંદ્ર તેટલો નજીક દેખાવાને હવા વગેરે અનેક અડચણો આવે છે. સાધારણત: અઢીસો માઈલના અંતર ઉપરથી ચંદ્ર જેવો દેખાય તેવો હાલના દૂરબીનથી જોઈ શકાય છે. ચંદ્ર ઉપર કેટલાક ડુંગરની હાર હોય છે, કેટલાક શાંત થયેલા જ્વાળામુખી પર્વતો છૂટા છૂટા પથરાયેલા છે, અને કેટલોક પ્રદેશ સપાટ છે. જે ભાગ ઉપર બિંબ કાળું દેખાય છે તે ભાગનો પ્રદેશ ચકચકતા પ્રદેશ કરતાં સપાટ છે. નરી આંખે જોતાં ચંદ્ર ઉપર કેટલોક પ્રદેશ કાળો અને કેટલોક સફેદ દેખાય છે. આ ફરક મુખ્યત્વે કરીને તે પ્રદેશોનાં ઘટક દ્રવ્યો ભિન્નભિન્ન રંગોનાં છે તેને લીધે છે. ચંદ્ર પૃષ્ઠ ઉપર જ્વાળામુખીના આકારના શુમારે ૩૩૦૦૦ નાના મોટા ડુંગરા છે. ચંદ્ર ઉપર વાતાવરણ બિલકુલ નથી. વાતાવરણ નથી તેટલા માટે પાણી અથવા બીજો કોઇ વરાળ ઉત્પન્ન કરે એવો પ્રવાહી પદાર્થ પણ હોવો જોઈતો નથી. પાણી નથી તેમ જ વાતાવરણ નથી, ત્યારે ખચીત વરસાદ અને તેમાંથી થતા ચમત્કારો અને ફેરફારોનો પણ ત્યાં તદ્દન અભાવ જ છે. તેમ જ વનસ્પતિ પણ નથી. વાયુ અને પાણી એ બંનેના યોગથી પૃથ્વી ઉપર જુદી જુદી જાતની ઊથલપાથલ થાય છે તેવું કંઈ પણ ચંદ્ર ઉપર થવા સંભવ નથી. ચંદ્ર પ્રાચીન કાળમાં દ્રવ અવસ્થામાં હતો એમ અનુમાન છે. ચંદ્રમાં ઉષ્ણતા નહિ જેવી છે. સરાસરી સૂર્ય પ્રકાશના બે લાખ એંશી હજારમા ભાગ જેટલી ઉષ્ણતા નહિ જેવી છે. સરાસરી સૂર્ય પ્રકાશના બે લાખ એંશી હજારમા ભાગ જેટલી ઉષ્ણતા ચાંદનીમાં છે. ચાંદનીની ઉષ્ણતા માંહેની સાતમા ભાગની ઉષ્ણતા સૂર્યની ઉષ્ણતાના પરાવર્તનને લીધે છે. ચંદ્ર ઉપર ગરમી અને ઠંડી એ બેનો અંતર ફેરનહીટ શુમારે પાંચસો અંશ જેટલો છે, એટલે કે ફેરનહીટ થર્મોમીટર ચંદ્ર ઉપર લગાવ્યું હોય તો દિવસના ભાગમાં શુમારે ૨૫૦ અંશ ઉપર આવે અને રાત્રે ૨૦૦થી ૨૫૦ અંશ જેટલું શૂન્યની નીચે ચાલ્યું જાય. ગરમી અને ઠંડી આટલાં બધાં ભયંકર, પાણીનું તો નામ જ નહિ, વનસ્પતિનું દર્શન નહિ. આટલું જાણ્યા પછી ચંદ્ર ઉપર પ્રાણીઓ છે કે નહિ તેનું અનુમાન સહેજ થઇ શકે છે. જેવા પ્રકારનાં પ્રાણી આપણી જાણમાં છે તેવાં પ્રાણી ચંદ્ર ઉપર હોવાનો સંભવ દેખાતો નથી. આપણને ચંદ્ર અનેક પ્રકારે ઉપયોગી છે. ચંદ્રમાં ક્ષીણ થઇ ફરી વૃદ્ધિ પામે છે, અર્થાત્ ક્ષયવૃદ્ધિ રૂપથી ચંદ્રમાં વારંવાર મરણ પામે છે અને જન્મ લે છે. સૂર્ય શિવ છે અને ચંદ્રમા જીવ છે. જ્યોતિષમાં પણ ચંદ્રની જીવ તરીકે ગણના છે, કેમકે બધા ગ્રહફલાદેશ ચંદ્ર રાશિ પ્રમાણે જ જોવાય છે. પંદર કળાથી ચંદ્રમા પૃથક્ ભ્રમણ કરે છે, અને સોળમી કળાથી અમાવાસ્યાના સૂર્યની સાથે વાસ કરે છે, ચંદ્રની વૃદ્ધિ અને હાસ તે તેની કળાઓની જ છે, પણ ચંદ્રની પોતાની નથી. આ સ્થળે જ્યોતિષશાસ્ત્રની એવી પ્રક્રિયા છે કે ચંદ્રમંડળ જલમય છે અને સૂર્યમંડળ તેજોમય છે. તે બંને જયારે એક જ નક્ષત્રમાં હોય, ત્યારે ચંદ્ર જોવામાં આવતો નથી, કારણકે સમપ્રદેશમાં આવેલા સૂર્યમંડળનું આંખને વ્યવધાન થાય છે. તે તિથિ અમાવાસ્યા કહેવાય છે. તે પછી સાઠ ઘડીએ ચંદ્ર બીજા નક્ષત્રમાં જાય છે, અને સૂર્ય તેર દિવસે બીજા નક્ષત્રમાં જાય છે. આવા કારણથી પ્રતિપદાથી માંડીને વિષમ રીતે રહેલા સૂર્ય મંડળનો પંદરમો પંદરમો ભાગ ચંદ્રના જલમય મંડળમાં પ્રતિબિંબિત થયેલો જોવામાં આવે છે તેને `કલા` કહે છે. આવી રીતે થતાં પંદરમે દિવસે ચંદ્ર અને સૂર્ય વચ્ચે તેર નક્ષત્રનું અંતર પડી જાય છે. તેથી ૨૭ નક્ષત્રોના રાશિચક્રની વચ્ચે સામસામા સૂર્ય ચંદ્ર આવી રહે છે, તે વેળા પૃથ્વીની છાયામાં ચિહ્નવાળું સંપૂર્ણ પ્રતિબિંબ ચંદ્રમંડલમાં દેખાય છે. તે તિથિ પૂનમ કહેવાય છે. ચંદ્રની સોળ કળા છે: અમૃતા, માનદા, પૃષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણાને પૂર્ણામૃતા.
રૂઢિપ્રયોગ
૧. ચંદ્રમાં સસલું = કલંક; ડાઘ. ૨. ચંદ્રવાસી થવું = નાસી જવું; ભાગી જવું. ૩. બારમો ચંદ્રમા = વૈમનસ્ય; દુશ્મનાવટ.
|