| 1 |
[ સં. છંદસ્ ] |
पुं. |
( પિંગળ ) અક્ષર કે માત્રાના મેળ એટલે નિયમથી બનેલ કવિતા; તાલ કે લયબંધ શબ્દની ગોઠવણ; લઘુ ગુરુ અક્ષરો અને તેની માત્રાઓને અનુસરી પદબંધ કરેલ વાક્ય નિયમિત માપથી મર્યાદામાં રહી મનને આનંદ આપનારી ક્રમબદ્ધ વાણી કે કાવ્ય; વૃત્ત. છંદના બે, ચાર કે છ ભાગ હોય છે. છ ભાગ હોય ત્યારે દરેકને તક કહેવાય છે. છંદ બે જાતના છે: માત્રામેળ છંદ અને અક્ષરમેળ છંદ. ગમક, વામ, કંતા, દીપક, આભીર, ઉધોર, ગઝલ, હાકળી, જેકરી, ચોપાઈ, અલક, પદ્ધરી, મહીદીપ, હીર, કાવ્ય, હરિગીત, ચોપાયા, મરહઠાં, રુચિરા, સવૈયા, ત્રિભંગી, લીલાવતી, ઝૂલણા, દોહરા, સોરઠા, ગીતિ, કુંડળિયા, છપ્પય, ચંદ્રાવાળા વગેરે માત્રામેળ છંદ છે અને શ્રી, કામા, હંસા, વિલાસ, મલ્લિકા, તોમર, મહાલક્ષ્મી, ચંપકમાળા, સંજુકતા, દોધક, ઇંદ્રવજ્રા, ઉપેંદ્રવજ્રા, શાલિની, લલિત, તોટક, મોતીદામ, ભુજંગી, વસંતતિલકા, ચંચળા, નારાચ, શિખરિણી, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી, ઝૂલણા, શાર્દૂલવિક્રીડિત. ઇંદ્રવિજય, વિષ્ણુ, મનહર, ધનાક્ષરી વગેરે અક્ષરમેળ છંદ છે. અક્ષરમેળ છંદમાં ગણ આવે છે અને માત્રામેળમાં તાલ હોય છે. ગુજરાતીમાં છંદ અને વૃત્ત એ બંનેને સરખાં ગણેલ છે, પણ ભુજંગી, તોટક વગેરે છંદ નહિ પણ વૃત્ત છે.
|
| 2 |
|
पुं. |
અક્ષરની ગણતરી પ્રમાણે ગોઠવાયેલી વેદની ઋચા. વેદની ઋચાઓમાં ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતી એ મુખ્ય સાત ભાગ છે. તેના પછી ઘણા અવાંતર ભેદ પડેલા યજુર્વેદ વગેરેમાં જણાય છે. આ છંદ શબ્દ ઘણો જૂનો એટલે હિંદી અને ઈરાની આર્ય લોકો સાથે રહેતા હતા તે સમયનો છે અને ઇરાનીઓમાં તે છંદ તરીકે જોવામાં આવે છે. મહાસંસ્કૃતનાં છંદનાં નામ નારીજાતિમાં છે, કેમકે તે ગર્ભિત રીતે વાચ્ એટલે વાણીનાં વિશેષણ જણાય છે. ગાયત્રી, ત્રિષ્ટુભ કે જગતી કહેતાં ગાયત્રીવાક્, ત્રિષ્ટુભવાક્ કે જગતીવાક્ સમજવાનું છે. ગાયત્રી, ત્રિષ્ટુભ વગેરે કહેતાં જે વાચ્ વિશેષ્ય અધ્યાહાર સમજાતું. તે કાળાંતરે ભુલાયું ને તે તે વિશેષણ જ છંદની સંજ્ઞારૂપ મનાયાં. આવી રીતે ખરૂં જોતાં જેનું નામ ભગવદ્ગીતોપનિષદ છે, તેને આપણે ભગવદ્ગીતા અથવા કેવળ ગીતા કહીએ છીએ. છંદનાં નામ વાચ્ વિશેષ્યની જાતિને અનુસરીને નારીજાતિમાં રચાયાં, તેમ સંગીતમાં રાગરાગણીનાં નામ તે તે વિશેષ્યની જાતિ અનુસાર નરજાતિ કે નારીજાતિમાં રચાયેલાં જોઇએ છીએ.
|