| 2 |
|
पुं. |
ગૌતમ બુદ્ધ. શાક્યમુનિ; બૌદ્ધ ધર્મના સ્થાપક શાક્યસિહ; નેપાળ પાસે શાક્ય લોકોની કપિલવસ્તુ નામની નગરીના સૂર્યવંશી શુદ્ધોદન રાજાને મહામાયા નામની રાણીથી થયેલ એ નામનો સુલક્ષણો પુત્ર. તેનો જન્મ કાશી પાસે સારનાથ ગામે થયો હતો. બહુ મોટી ઉંમરે રાજાને ત્યાં પુત્ર પ્રસવ થયો, તેની આશા સિદ્ધ થઈ, એટલે સિદ્ધાર્થ એવું તેનું નામ રાખ્યું. બ્રાહ્મણોએ તેનું ભવિષ્ય જોયું કે, જો આ ગૃહસ્થાશ્રમી થશે તો ચક્રવર્તી રાજા થશે અને સંન્યાસી થશે તો બુદ્ધ એટલે બુદ્ધિમાન થશે અને પૃથ્વી ઉપરથી પાપ અને અજ્ઞાન દૂર કરશે. સિદ્ધાર્થ સાત દિવસનો થયો, ત્યારે માતા મહામાયા સુવાવડમાં મરણ પામી. ગૌતમી, જે સિદ્ધાર્થની ઓરમાન મા અને બીજી તરફથી સગી માસી થતી હતી, તેણે તેને પાળી મોટો કર્યો. સિદ્ધાર્થને મોજશોખમાં ઉછેરવામાં આવ્યો, પણ ઓચિંતાં વ્યાધિ, જરા અને મરણ ત્રણે એમના જોવામાં આવ્યાં. આથી એમના મન ઉપર ભારે આઘાત થયો. તેમણે વિચાર્યું કે, દુનિયાનું આ બધું દુઃખ મટાડવાનો ઉપાય હોવો જ જોઈએ અને તે શોધી કાઢ્યે જ છૂટકો. આમ વિચારી સિદ્ધાર્થ રાજ્યનો ત્યાગ કરીને સંન્યાસી થયા. જતાં જતાં છેલ્લી વારે પુત્રને નીરખી તેડવાનો વિચાર કરી પોતાની સ્ત્રી યશોધરાના ઓરડામાં ગયા, પણ તે યશોધરાના પડખામાં સૂતો હતો. તેડવા જતાં યશોધરા જાગી જાય ને પોતાના જવામાં વિઘ્ન પડે એ વિચારથી એમ ને એમ ચાલી ગયા. તેમણે અનેક સારા સારા ગુરુઓ પાસે જ્ઞાન મેળવ્યું. છ વર્ષ સુધી કઠણ તપ કર્યાં. ઓગણપચાસ દિવસ કશું ખાધું નહિ. ધર્મબોધ મેળવવા માટે બહુ પ્રયાસ કર્યો. એને ભમાવવા માટે ઘણા ઘણા પ્રયત્નો થયા, પણ સિદ્ધાર્થ અડગ રહ્યા. તેથી તેમને દુનિયાનું દુઃખ મટાડનાર જ્ઞાન, જેને બૌદ્ધ લોકો બોધિ કહે છે, તે મળી ગયું. જે ઝાડ નીચે તે જ્ઞાન પામ્યા, તે ઝાડને બોધિસત્ત્વ કહે છે. તેની એક શાખા ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ ઉપર સિંહલદ્વીપના અનુરાધાપુરમાં રોપી છે. તે આજ સુધી છે એમ બૌદ્ધો માને છે. સિદ્ધાર્થ બુદ્ધ થયા પછી પોતાને જડેલો માર્ગ દુનિયાને આપી તેનું ભલું કરવા ઉપદેશ દેવા માટે તેમણે ફરવાનું શરૂ કર્યું. કરેલાં કર્મ તો ભોગવ્યે જ છૂટકો, એ એમનો સિદ્ધાંત હતો. વળી જે કરે તે જ ભોગવે, પોતે પુણ્ય કર્મ કરીએ, પાપ કર્મ છોડી દઈએ, અહંકારનો ત્યાગ કરીએ તો સુખી થઈએ એમ બુદ્ધે સૌને શીખવ્યું. એકબીજા સાથે લડીને વેર વાળનાર દુનિયાને બુદ્ધ ભગવાને પોકારી પોકારીને જણાવ્યું કે, વેર વાળવાથી વેર વધે છે. ક્ષમા કરવાથી કે પ્રેમથી જ વેર શમી જાય છે. યુધિષ્ઠિરે ભારતવર્ષને એક રાજસત્તા નીચે આણવાનો પ્રયત્ન કર્યો હતો. ભગવાન બુદ્ધે અહિંસા અથવા પ્રેમથી ધર્મછત્ર નીચે આખી દુનિયાને આણવાનો પ્રયત્ન કર્યો. ધર્મની આણ ફેલાવીને તેઓ એશિઅના ધર્મસમ્રાટ થયા. તેમણે ૨૯ વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો અને ૮૦ વર્ષની ઉંમરે કુશીનગરના મલ્લ રાજાઓના શીલ વનમાં દેહત્યાગ કર્યો. ભિક્ષુકોએ તેમના મૃત્યુ પછી સાતમે દિવસે તેમના દેહને કપડામાં લપેટી, ઉપર સાફ કરેલું ધોળું રૂ વીટાળ્યું. પછી એ શબને તેલમાં બોળી, સુગંધી કાષ્ઠની ચિતામાં બાળી ભસ્મ કર્યું. રાખ ને હાડકાં જુદે જુદે ઠેકાણે શિષ્યો લઈ ગયા, તે ઉપર ચૈત્ય બનાવ્યા અને એ ચૈત્યને ભક્તિભાવથી પૂજવા લાગ્યા. બૌદ્ધ ધર્મના યતિઓ ભિક્ષુક, સૌગત, શાક્ય, શુદ્ધોદત્ત, ગત અને શૂન્યવાદી એવાં નામથી ઓળખાય છે. એમના યતિઓ માથું મૂંડાવે છે. હાથમાં કમંડળ ધારણ કરે છે, પીળાં રંગેલાં વસ્ત્ર પગની ઘૂંટી સુધી પહેરે છે અને ચમરની સાવરણી રાખે છે. તેઓ ભિક્ષા માગતાં માગતાં માંસાદિ જે આવે તે સર્વ શુદ્ધ માની ભક્ષણ કરે છે, બ્રહ્મચર્યાદિક સ્વધર્મક્રિયામાં દૃઢ રહે છે તથા ધર્મ, બુદ્ધ અને સંઘ એ ત્રણને રત્ન કહે છે. હિંદુશાસ્ત્રો અનુસાર બુદ્ધદેવ વિષ્ણુના દશ માંહેના નવમાં અને ચોવીશ માંહેના તેવીશમાં અવતાર મનાય છે. ગાંધીજી કહે છે કેઃ મારો નિશ્ચિત અભિપ્રાય છે કે, બૌદ્ધ ધર્મનો અથવા બુદ્ધનો ઉપદેશનો પૂરો પરિપાક ભારતવર્ષમાં જ થયો હતો. એથી ઊલટું થવું શક્ય પણ નહોતું. કારણ ગૌતમ પોતે હિંદુ હતા, હિંદુશ્રેષ્ઠ હતા. હિંદુ ધર્મના ઉત્તમાંશથી તેઓ ભીંજાયા હતા. કેટલાંક તત્ત્વો, જે વેદમાં દટાઈ રહેલાં હતાં અને જેની ઉપર જાળાં બાઝી ગયાં હતા, તે તત્ત્વોને તેમણે નવજીવન આપ્યું. વેદમાં રહેલા ઝળહળતા સત્ય ઉપર શબ્દોનું નિરર્થક શબ્દજાળનું જે અરણ્ય જામ્યું હતું, તેમાંથી તેમના મહાન હિંદુ આત્માએ પોતાનો રસ્તો શોધી કાઢ્યો. વેદના કેટલાક શબ્દોમાંથી તેમણે જે અર્થનું દોહન કર્યું, તેનાથી એમના કાળના માણસો સાવ અજાણ હતા. ભારતવર્ષની ભૂમિ એમને આ ધર્મકાર્યને સારૂ સૌથી અનુકૂળ લાગી.
|
| 8 |
|
स्त्री. |
દશાવતારી ગંજીફાનાં પાનાંની એ નામની એક જાત; દશાવતારી ગંજીફામાં ભગવાન બુદ્ધના ચિહ્નવાળાં પાનાંની એક જાત. આ જાતના ગંજીફામાં ૧૨૦ ગોળ પાનાં હોય છે. તેમાં વિષ્ણુના મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ એ દશ અવતારનાં ચિહ્નવાળાં પાનાં હોય છે.
|