| 3 |
[ સં. મૌક્તિક ] |
न. |
કાળુ માછલીના શરીરમાંથી નીકલી રસીનાં બિંદુથી છીપમાં બંધાયેલો સહેજ ધોળો, લાલ અથવા પીળાશ પડતો કણ કે દાણો; મુક્તા; મુક્તાફળ; ગોળ મણકો; મણિ; એક જાતની છીપમાંથી નીકળતો સુંદર દાણાદાર કીમતી ગોળ પદાર્થ; છીપમાંથી નીકળતી એક દરિયાઈ પેદાશ; એક જાતનું રત્ન. તે ગોળ કઠણ, લીસું, સફેદ અથવા પીળાશ પડતું અને ચળકતું હોય છે. મોતી મોટામાં મોટું મોતી જમરૂખ જેવડું હોય છે. મોતી મુખ્યત્વે એશિયાઈ સમુદ્રોની ઉત્પત્તિ છે. સિંહલદ્વીપ પાસેના મનારના અખાતમાં કોંડાંટચીને કિનારેથી દરિયામાં વીશ માઈલ દૂર મોતી કાઢવાનું મુખ્ય મથક છે. ઈરાની અખાતમાં બહેરીન દ્વીપ નજીક મોતી મળે છે. એ ઉપરાંત મેકસિકોની ખાડીમાં, ઓસ્ટ્રેલિઅને વાયવ્ય કિનારે, માડાગાસ્કર, અરબસ્તાન, ન્યૂ ગીએના, બોર્નિયો, ફિલિપાઈન ટાપુઓ અને જપેન નજીકના સમુદ્રોમાં પણ મોતી પાકે છે. કેટલાક દેશની મોટી નદીઓમાં પણ મોતીની છીપો મળી આવે છે, પણ એ મીઠા પાણીમાં થતાં મોતી દરિયાઈ મોતી કરતાં ઘણુંખરૂં રંગે ઝાંખાં ને સૌંદર્યમાં કનિષ્ઠ પ્રકારનાં હોય છે. મોતી નીકળતાં હોય તે સ્થળના સમુદ્ર ઉપર ચીકણા પદાર્થના નાના કટકા જેવું, છીપ વિનાનું ઝીણું ને પોચું પ્રાણી તરતું હોય છે. વખત જતાં તે પ્રાણીની ઉપર છીપ વધતાં વજનને લીધે તે સમુદ્રને તળિયે ડૂબી જાય છે ને ત્યાં પોતાના શરીરમાંથી રેસા કાઢી તળિયાના કોઈ અચર પદાર્થને વળગી રહે છે. ત્યાં તે ખોરાક માટે સમુદ્રનું ઝીણાં ઝીણાં જંતુવાળું પાણી પીએ છે. પાણી પીતાં કદાચ કોઈ રજકણ, માછલીનું ઈંડું કે જંતુનાં હાડકાની અતિ નાની કણી ગળી જવાય તો તે બહાર કાઢી શકાતી નથી. આ શકિતમાં જ કુદરતે મનુષ્યને મોતીની બક્ષિશ આપેલી છે. ખાદ્ય પદાર્થ સિવાયના એ નાના સરખા કણનો અસહ્ય સ્પર્શ શરીરમાં તેનાથી ખમાતો નથી. એને એથી અત્યંત દુ:ખ થાય છે, તે દુ:ખ હળવું કરવા કુદરતે તેને એક ઉપાય બક્ષેલો છે. એના શરીરમાં ઉત્પન્ન થતા એક પ્રકારના પ્રવાહીનું પડ ચડાવી એ પ્રાણી પેલી વસ્તુને આવરી લે છે. પરિણામે તે લીસી બને છે. વખત જતાં એ રસનું આવરણ પણ કઠણ બને છે. પછી તો એ પ્રાણી પેલી વસ્તુ ઉપર રસનાં પડ ઉપર પડ ચડાવતું રહે છે. ધીમે ધીમે એ થર કઠણ ને વધારે લીસા બની વસ્તુ મોટી બને છે. આ જ આપણું મનોહર મોતી હોય છે. મોતીની છીપ કાઢનારાઓ કાળુ માછલીની છીપને ખુલ્લી જુએ ને લાગ આવે તો તેમાં કાંઈક સૂક્ષ્મ વસ્તુ મૂકી દે છે. વખત વીતતાં તેના ઉપર મોતી બંધાય છે. લંડનના સાઉથ કેન્સિંગ્ટનમાં આવેલા નેચરલ હિસ્ટરી મ્યુઝિયમમાં બુદ્ધની અતિ બારીક મૂર્તિ સાતે બંધાયેલું મોતી છે. વલી કોલંબોના સંગ્રહાલયમાં હાથીદાંતના સૂક્ષ્મ કોતરેલા હાથી ઉપર બંધાયેલું મોતી છે. કાળુ માછલી ઉપર બીજું કોઈ પ્રાણી આક્રમણ કરે ત્યારે પોતાનું રક્ષણ કરવા અથવા ઘાથી કે બીજાં કોઈ કારણોથી છીપમાં પડેલ છિદ્રને પૂરવા પણ એ જ રસનો ઉપયોગ કરે છે. તે રસના જમાવથી જે મોતી બંધાય છે, તે ખૂબ મોટું, પોલું ને પાણીદાર બને છે. એવાં મોતી અંગુરી મોતી તરીકે ઓળખાય છે. કોઈવાર તો મોતી હદ ઉપરાંત મોટું બનતાં એ પ્રાણીનું શરીર ભેદી બહાર નીકળી પડે છેને છીપ તથા શરીર વચ્ચે એ છૂટું પડી રહે છે. એ રીતે તૂટી પડેલું પોતાનું શરીર સાંધવા માટે જે રસનું મોતી બને છે તે રસ ત્યાં દ્રવે છે ને તે પડે એ મોતી છીપની અંદરની સપાટીને ચોંટી રહે છે એ સ્થિતિમાં તે એવું ઢંકાઈ જાય છે કે, તેનો અર્ધગોળ ભાગ જ બહાર દેખાય છે. ઝવેરીઓમાં આ મોતીનું સ્થાન અનોખું છે. મોતી જેમ વધુ નક્કર તેમ તેમાં કોંચિનનું તત્ત્વ વધુ હોય છે. તાજેતરમાં થયેલા પૃથક્કરણ ઉપરથી સાબિત થાય છે કે તેમાં ૮૫ ટકા કાર્બોનેટ ઑવ લાઈમ, ૧૨ ટકા સજીવાણુઓ અથવા કોચિન વગેરે અને ૩ ટકા પાણી હોય છે. મોતીનું કદ નક્કી કરવા માટે ચડઊતર કાણાંવાળી દશ રકાબીઓની થપ્પી હોય છે. કાણું ઉપરથી ક્રમાનુસાર સહેજ નાનું થતું આવે છે. નીચેની રકાબીમાં સૌથી નાનું કાણું હોય છે. જે રકાબીમાં મોતી અટકે તે વળનું એ મોત ગણાય છે. બારીક મોતી બજરિયાં મોતી તરીકે ઓળખાય છે. પછી મોતીને તોળી તેના રંગ, કદ અને આકાર પ્રમાણે તેના વર્ગ નક્કી કરી કીંમત અંકાય છે. મોટું, સુરેખ અને લાવણ્યમય મોતી બહુમૂલ્ય ગણાય છે. આવા તેજસ્વી મોતી ઉપરાંત કેટલાંક મોતી પીળી કે ગુલાબી તો કોઈ વાદળી કે કાળી ઝાંયવાળાં, કેટલાંક તીણો તેજસ્વી પ્રકાશ આપતાં, તો વળી કોઈ સોનેરી રંગનાં પ્રસન્ન સ્મિત વેરતાં મોતી હાથ આવે છે. દુનિયામાં સર્વોત્કૃષ્ટ ગણાતું મોતી મોસ્કોમાં ઝોસીનાના સંગ્રહસ્થાનમાં છે. તે લા પેલ્લેગ્રિના નામે ઓળખાય છે. સંપૂર્ણ વર્તુલાકારના ને અસાધારણ કાંતિવાળા એ ભારતીય મોતીનું વજન ૨૮ કેરેટ થાય છે. સર્વાંગસુંદર મોતીનો એ નાદર નમૂનો છે. લંડનના મ્યુઝિયમમાં એક મોટમાં મોટું મોતી છે. એ તેજસ્વી મોતી અઢારસો ગ્રેન વજનનું છે. એનો પરિઘ સાડાચાર ઈંચ છે. ઈરાનના શાહે એક નામચીન મોતીની કીમત ૧,૮૦,૦૦૦ પૌંડ આપી હતી. વળી ઈજિપ્તની રાણી કલીઓપેટ્રાએ એક સુંદર મોતીની કીમત ૮૦,૦૦૦ પૌંડ આપી કહેવાય છે. પ્રખર રસાયણશાસ્ત્રી પ્રો. ત્રિભુવનદાસ ગજજરે પડ છૂટા પડી ગયેલાં અથવા તેજાબને લીધે ખરાબ થયેલા મોતીને ધોવાથી એક રાસાયણિક ક્રિયા હાથ કરેલી છે. એ રીતે ધોવાતું મોતી વજનમાં ઘટે છે, પણ પોતાનું અસલ સ્વરૂપ પકડતું હોવાથી ઝવેરીઓ તેના વજન તરફ દુર્લક્ષ આપે એ દેખીતું છે. મોતીની ખેતી અને કલ્ચર મોતી માટે રાસાયણિક દ્રવ્યોવાળા તાસકો સાથેનાં તારનાં પાંજરાં બે માસ સુધી દરિયામાં રાખે છે; તેથી હજારો જેટલાં નાનાં બચ્ચાં કોઈ આકર્ષણબળે તે પાંજરાંને ચોંટી રહે છે. બે વર્ષ સુધી આ બચ્ચાંને સંભાળપૂર્વક ઉછેર્યા બાદ દરિયામાં છોડી દે છે. એક વર્ષ રહીને તારની ટોપલીઓમાં માછલી એકઠી કરવા જપેની કુમારિકાઓ દરિયામાં ઊતરે છે; કારણ કે, એટલા વખતમાં તે માછલી પુખ્ત બની ગઈ હોય છે. એકઠી કરેલી આ માછલીઓના શરીરમાં મિ. મિકીમેટોના શસ્ત્રવૈદ્યો પિચકારીદ્વારા રજકણ દાખલ કરી દે છે. ફરી પાછું એ રજકણ માછલીઓમાંથી કાઢી બીજી માછલીઓમાં દાખલ કરવામાં આવે છે. એમ કરતાં થતા જખમો રસાયણોથી રૂઝવી એ માછલીઓને પાંજરાંમાં મૂકી સાત વર્ષ સુધી સમુદ્રને તળિયે રાખે છે. છ છ મહિનાને અંતરે એ પાંજરાંને પાણીની સપાટી ઉપર લાવી તેમાંની છીપોને સાફ કરે છે. સાત વર્ષને અંતે એ છીપોમાંથી અર્ધ ઉપરાંતમાંથી કર્ષણ અથવા કલ્ચર મોતી મેળવે છે. જપેનનો ગોકાશો ઉપસાગર આ કર્ષણ મોતીઓનુ મોટું મથક છે.ભારતવર્ષમાં મોતીનો વ્યવહાર બહુ જ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. ધનવાન લોકો તેની માળાઓ બનાવે છે અને તેને વીંટીઓ તથા બીજા ઘરેણાંઓમાં જડાવે છે. તેનો વ્યવહાર વૈદકમાં દવા રૂપે પણ થયા છે અને ખાસ કરીને વૈદ લોકો તેની ભસ્મ તૈયાર કરે છે. વૈદકમાં મોતીને શીતવીર્ય, વીર્યવર્ધક,આંખોને માટે હિતકારી અને શરીરને પુષ્ટ કરનાર મનાય છે. આપણે ત્યાં પ્રાચીન ગ્રંથોમાં એમ પણ કહેલું છે કે, છીપ અને શંખ વગેરે ઉપરાંત હાથી, સાપ, માછલી, દેડકું, સૂવર, વાંસ અને વાદળામાં પણ મોતી હોય છે અને તેને પ્રાપ્ત કરનાર બહુજ ભાગ્યશાળી મનાય છે.
ઉપયોગ
શશિ ગોતી મોતી ગુલિક જલજ છીપીસુત નામ, મુક્તા તોરણ માળથી શોભે સુંદર ધામ. –પિંગળલઘુકોષ.
|