| 3 |
|
पुं. |
બાર માસ જેટલો કાળ; વર્ષ; સંવત; શક; સાલ; હિંદુનાં સાઠ વર્ષના યુગ માંહેનું એક વર્ષ. શકમાં સાઠ સંવત્સરનો એક સમૂહ બનાવી તેના એક એક વર્ષને સંવત્સર જેવાં સાઠ નામ આપેલાં છે. પંચાંગમાં અમુક સાલને એ સમૂહના અમુક સંવત્સર તરીકે નામ આપેલું હોય છે. જેમકે, ક્રોધી નામ સંવત્સર. સંવત્સર ૬૦ છે. તેમાંના પહેલા ૨૦ બ્રહ્માની વીશીના, બીજા ૨૦ વિષ્ણુની વીશીના અને ત્રીજા ૨૦ રુદ્રની વીશીના ગણાય છે. તે સાઠ સંવત્સરનાં નામ આ પ્રમાણે છેઃ (૧) પ્રભવ, (૨) વિભવ, (૩) શુકલ, (૪) પ્રમોદ, (૫) પ્રજાપતિ, (૬) અંગિરસ (૭) શ્રીમુખ, (૮) ભાવ, (૯) યુવા, (૧૦) ધાતૃ, (૧૧) ઈશ્વર, (૧૨) બહુધાન, (૧૩) પ્રમાથી, (૧૪) વિક્રમ, (૧૫) વૃષભ, (૧૬) ચિત્રભાનુ, (૧૭) સુભાનુ, (૧૮) તારણ, (૧૯) પાર્થિવ, (૨૦) વ્યય, (૨૧) સર્વજીત, (૨૨) સર્વધારી, (૨૩) વિરોધી, (૨૪) વિકૃતિ, (૨૫) ખર, (૨૬) નંદન, (૨૭) વિજય, (૨૮) જય, (૨૯) મન્મથ, (૩૦) દુર્મુખ, (૩૧) હેમલંબ, (૩૨) વિલંબ, (૩૩) વિકારી, (૩૪) સાર્વરી, (૩૫) પ્લવ, (૩૬) શુભકૃત, (૩૭) શોભન, (૩૮) ક્રોધી, (૩૯) વિશ્વાવસુ, (૪૦) પરાભવ, (૪૧) પ્લવંગ, (૪૨) કીલક, (૪૩) સૌમ્ય, (૪૪) સાધારણ, (૪૫) વિરોધકૃત, (૪૬) પરિધાવી, (૪૭) પ્રમાદી, (૪૮) આનંદ, (૪૯) રાક્ષસ, (૫૦) અથલ, (૫૧) પિંગલ, (૫૨) કાલયુક્ત, (૫૩) સિદ્ધાર્થી, (૫૪) રોદ્ર, (૫૫) દુર્મતિ, (૫૬) દુંદુભિ, (૫૭) રૂધિરોદગારી, (૫૮) રક્તાક્ષી, (૫૯) ક્રોધન અને (૬૦) ક્ષય. જૈન સૂત્ર પ્રમાણે પાંચ સંવત્સર છેઃ નક્ષત્ર સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર અને શનિશ્વર સંવત્સર.
૩ ઋતુ = અયન
૨ અયન = સંવત્સર
૫ સંવત્સર = યુગ
વેદમાં સંવત્સરરૂપી પ્રજાપતિને કેટલાક ઋષિઓ પાંચ પગવાળા, બાર આકૃતિવાળા, જલના સ્વામી તથા દ્યુલોકમાં સૌથી ઊંચા અડધા ભાગમાં રહેનાર કહે છે. વળી બીજા કેટલાક ઋષિઓ પ્રજાપતિ સંવત્સરને સાત ચક્ર અને છ આરાવાળા રથમાં બેઠેલા કહે છે. અહીં સંવત્સરના વિષયમાં જે લૌકિક કલ્પના છે, તેને ઋષિઓએ અલૌકિક રીતે વર્ણવી છે. જેમકે, સંવત્સર એ સૌનો જનક છે, કેમકે, કાલ મર્યાદામાં ઉત્પત્તિમાં મુખ્ય છે. એ સંવત્સરને પાંચ ઋતુઓ રૂપી પાંચ પગ છે, બાર મહિનારૂપી બાર મુખ છે, એને જલનો સ્વામી માનવામાં આવે છે અને એ દ્યુલોકમાં સૌથી ઊંચે ઉત્તરાયણમાં રહે છે. એટલે કે ઉત્તરાયણગત સૂર્યને લીધે ઊપજતા વર્ષને પાંચ ઋતુઓ, બાર માસ હોય છે. જ્યારે કેટલાક ઋષિની કલ્પના આથી સહેજ જુદી છે. તે સંવત્સરના પણ ઉત્પાદક સૂર્ય ભગવાનને દક્ષિણાયનમાં રહેલા સમજે છે અને તેનાં સાત કિરણોને સાત પૈડાં તરીકે માને છે અને તેના રથને છ ઋતુઓ રૂપી છ આરાઓ છે એમ વર્ણવે છે. તાત્પર્ય કે, સૂર્ય જ્યારે ઉત્તરાયણનિષ્ઠ હોય છે ત્યારે સંવત્સરની પાંચ ઋતુઓ ને બાર આરા હોય એવી એક કલ્પના છે અને બીજી કલ્પના એવી છે કે, તે જ સૂર્યનાં સાત કિરણો અને છ ઋતુઓ રૂપી પૈડાં ને આરાઓ છે.
ઉપયોગ
દેવયાનમાં ઉત્તરાયણ પછી સંવત્સર, વાયુલોક, સૂર્ય, ચંદ્ર, વિદ્યુત્, વરૂણલોક, ઇંદ્રલોક, પ્રજાપતિલોક અને અક્ષરબ્રહ્મલોક એ રીતે આગળની સર્વ પાયરીઓ આપેલી છે. – ગીતાપંચામૃત
|