| 1 |
|
पुं. |
સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક દરિયા કાંઠે આવેલું શંકરનું પ્રખ્યાત જ્યોતિર્લિંગ. સોમનાથનું મંદિર પ્રભાસપાટણમાં આવેલું છે. સૌરાષ્ટ્રમાં વેરાવળથી આશરે પાંચ માઈલ દૂર સમુદ્રકિનારે આવેલું આ નાનું નગર દેવપાટણ તરીકે પણ ઓળખાય છે. શૌર્ય અને ભક્તિનો ૨,૫૦૦ વર્ષોનો ઈતિહાસ આ નાના નગર સાથે સંકળાયેલ છે. સોમનાથના મંદિરનું પ્રાકટ્ય ક્યારે થયું તે કહી શકાય તેમ નથી, પણ માન્યતા એવી છે કે, મંદિર તો સૃષ્ટિ જેટલું જ પુરાતન છે. દંતકથા એવી છે કે, પ્રભાસમાં સોમ એટલે ચંદ્રદેવનું રાજ્ય હતું. પ્રજાપતિ દક્ષને ૨૭ કન્યા હતી. તે બધી સોમદેવને પરણી હતી. પણ સોમદેવને રોહિણી માનીતી હતી. કારણ કે, રોહિણી સૌથી સુંદર હતી. આથી બીજી બધી વાંધો પાડી પિતાને એ ફરિયાદ કરી. તેથી દક્ષે સોમને શાપ આપ્યો. આ શાપથી દૂષિત બનેલો ચંદ્ર ક્ષીણ થવા લાગ્યો. શાપમુક્ત થવા સોમે સોમનાથનું મંદિર બંધાવ્યું. પ્રાચીન કાળથી જ પ્રભાસ યાત્રાધામ તો હતું જ, પણ સોમનાથનું પહેલું મંદિર ઈ. સ. ના આરંભમાં બધાયુ હતુ. ગુપ્તવંશના યુગમાં ઈ. સ. ૩૨૦ થી ૬૦૦ સુધી સોમનાથની મહત્તા ઘટી ગઈ. કારણ કે, એ યુગના રાજાઓ વૈષ્ણવ હતા; શિવપંથી ન હતા. તેમ છતાં પશ્ચિમ ભારતના રાજાઓ ચુસ્ત શૈવપંથી હતા. પણ આ યુગ વલ્લભી રાજ્યોની ઉન્નતિનો હતો. ઈ. સ. ૭૫૫માં વલ્લભી સામ્રાજ્યનું પતન થયું. સિંધના સૂબાએ મોકલેલા આરબ લશ્કરે તેનો નાશ કર્યો તેની સાથે પ્રભાસનું પણ પતન થયું. પરંતુ બીજા નાગભટ્ટે આરબ આક્રમકોને હરાવીને હાંકી કાઢ્યા ત્યારે સોમનાથની મહત્તા પાછી એક વાર વધી. એ સમયમાં એટલે ઈ. સ. ૮૧૫માં સોમનાથનું ત્રીજું મંદિર ઉભું થયું. એ લાલ પથ્થરનું હતું. એ યુગમાં સૌથી મોટી ઈમારતોમાં તેની ગણના થતી હતી. આ ત્રીજા મંદિરની એટલે ઈ. સ. ૮૦૦ થી ૯૫૦ સુધી સોમનાથની કીર્તિ પરાકાષ્ઠાએ પહોંચેલી. થોડો સમય વીત્યા બાદ આ રાજાઓની સત્તા નબળી પડી. મુસ્લિમ સાહસિકો નસીબ અજમાવવા નીકળી પડ્યા. એમાં મહમદ સૌથી આગળ પડતો હતો. એ જીત મેળવતો ગયો અને સલ્તનત વિસ્તારતો ગયો. છેવટે તેની નજર પ્રભાસ ઉપર પડી. તે જાણતો હતો કે, પ્રભાસ મજબૂત કિલ્લેબંધીમાં સુરક્ષિત છે; એટલે તેણે બળવાન લશ્કર સાથે ચડાઈ કરી. સોમનાથના રક્ષણ માટે લોકો અપૂર્વ વીરતાથી આઠ દિવસ સુધી લડ્યા. આઠમે દિવસે ભીષણ સંગ્રામ ખેલાયો અને સોમનાથ મંદિરને બચાવવા અર્ધો લાખ માણસ લડ્યા. છેવટે આક્રમણખોરોનો વિજય થયો. મહમદ ગઝનવી કિલ્લામાં અને પછી મંદિરમાં દાખલ થયો. તેણે શિવલિંગ ભાંગ્યું અને મંદિર બાળ્યું પણ મહમદનો વિજય ક્ષણિક બન્યો. પ્રભાસની મદદે પરમદેવ સૈન્ય સાથે આવતો હતો એમ સાંભળી મહમદ એક માસની અંદર જ પ્રભાસ છોડી ગયો. ગઝનવીની વિદાય પછી ગુજરાતનો સૂર્ય મધ્યાકાશમાં ચડ્યો. પ્રતિભાશાળી રાજાઓની પરંપરાથી ગુજરાત મહત્તાની પરાકાષ્ઠાએ પહોંચ્યું. સોમનાથે પોતાની મહત્તા પાછી મેળવી. મંદિર અને નગરની પુન:રચના કરવામાં આવી અને વળી જાહોજલાલીના યુગની શરૂઆત થઈ. એનો યશ સમ્રાટ કુમારપાળને ઘટે છે. આ નવું મંદિર તેના પુરોગામીઓ કરતાં ક્યાંય મોટું અને ભવ્ય હતું. વિશાળ સભાગૃહ, સુંદર હોજ, આગળ ચોગાન, મંડૂકાકારની જલાધારી એ બધાંની રચના એ વખતે કરવામાં આવી. આ નવું મંદિર કાળના આક્રમણ સામે ઊભૂ રહી શક્યું છે. જો કે એને પણ ઘણું સહન કરવું પડ્યું છે, છતાં સમારકામ તો કરી શકાય તેમ છે. ઈ. સ. ૧૧૬૯માં પાંચમું મંદિર બંધાયું. ત્યારથી સો વરસના સુધી તો તે સલામત રહ્યું. પણ તે પછી ગુજરાતની પડતી થઈ. આ પડતીનું મુખ્ય કારણ તેરમી સદીના અંત ભાગમાં અલ્લાઉદ્દીન ખીલજી બન્યો. અકબરના બસો વર્ષના સમયકાળ પછી ઔરંગઝેબે મંદિરનો સંપૂર્ણ નાશ કરવાનો હૂકમ કર્યો કે જેથી તેનું સમારકામ પણ ન થઈ શકે. પણ મરાઠાઓની સત્તા પણ વધતી જતી હતી અને ઔરંગઝેબ બેચેન રહેતો હતો. ઔરંગઝેબના સરદારોએ મંદિરનો નાશ કરવા પ્રયાસ કર્યો, પણ સંપૂર્ણ નાશ ન થઈ શક્યો. ઔરંગઝેબના કાળથી મંદિર મૂર્તિ વિનાનું બન્યું. સોમનાથની મૂળ ઉત્પત્તિ અને મહિમા સ્કંદ પુરાણમાં નીચે મુજબ છે: સૌરાષ્ટ્રની ભૂમિ તે કાળમાં પ્રભાસ ક્ષેત્ર નામથી પ્રસિદ્ધ હતી. ઋગ્વેદના સાતમા અષ્ટકમાં ` યત્ર પ્રાચી સરસ્વતી યત્ર સોમેશ્વરો દેવ ` વાળો વેદમંત્ર આજે પણ મોજુદ છે. વળી સ્કંદપુરાણનો સાતમો ખંડ પ્રભાસખંડને નામે પ્રસિદ્ધ છે. તેમાં વેદવ્યાસ કહે છે કે, હિંદના દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું સોરઠી સોમનાથ ઉત્તમોત્તમ છે. પૃથ્વી ઉપર પાંચ સકાર દુર્લભ કહ્યા છે. તેમાં એક સકાર સોમનાથ છે. પુરાણોમાં સોમનાથને નામે જે જાતજાતની કલ્પનાઓ થયેલી જોવામાં આવે છે તેમાંની એક છે ચંદ્ર અને રોહિણીને લગતી. ચંદ્રની બીજી સ્ત્રીઓએ પોતાના પિતા દક્ષ આગળ ફરિયાદ કરી તેથી ચંદ્રદેવના શ્વસુર દક્ષે ચંદ્રને પંદર દિવસ સુધી ક્ષીણ થવાનો અને ત્યાર પછીના પંદર દિવસે ફરીને વધતા જવાનો શાપ આપ્યો. શાપના નિવારણ માટે ચંદ્રે દક્ષને પ્રાર્થના કરી. ત્યારે દક્ષે કહ્યું કે પંદર દિવસના ક્ષય પછી ઉત્કર્ષ લાવવા માટે તમારે જ્યાં સરસ્વતી સમુદ્રને મળે છે ત્યાં સ્થાપિત થયેલા શિવની પૂજાઅર્ચના કરવી અને રાત્રે સરિતામાં સ્નાન કરવું. કહે છે કે, શિવે ત્યાં પોતાનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ પ્રગટ કર્યું. આમ જે શિવસ્વરૂપ પ્રગટ થયું તે ચંદ્ર કે સોમના ઈશ્વર તે સોમેશ્વર અથવા સોમનાથ. દંતકથા કહે છે કે, ચંદ્રે આ મંદિર સુવર્ણનું બંધાવ્યું હતું. કેટલાક સોમનાથનો એવો અર્થ ઘટાવે છે કે, સોમવિદ્યાના યોગીઓના પ્રાબલ્યને લીધે સોમેશ્વર કે સોમનાથ નામ પડેલું હોવું જોઈએ. આ યોગીઓ ખેચરી મુદ્રાથી સોમરસનું પાન કરતા અને શિવોપાસના કરતા. તે ઉપરથી કદાચ તેમણે પોતાના આરાધ્ય દેવને સોમનાથ એવું નામ આપ્યું હોવું જોઈએ. મહાભારતની કથા અનુસાર પાંચ પાંડવોમાંના વડીલ બંધુ ધર્મરાજા પ્રભાસપાટણ આવ્યા અને ખુદ પ્રભુ તરીકે સદીઓથી જેઓ પૂજાતા હતા તે શ્રીકૃષ્ણે પ્રભાસપાટણમાં રૌપ્ય મંદિરની સ્થાપના કરી. ઈ. સ. ના પહેલા સૈકથી સોમનાથ પાશુપત સંપ્રદાયનું મહાન કેન્દ્ર બની ગયેલું. આ પ્રથમ મંદિરના અવશેષો ખોદકામ દરમિયાન આ સ્થળે જ મળી આવ્યા હતા. પુરાત્ત્વવિદોના સંશોધન મુજબ જ્યારે વલ્લભીપુરનું રાજ્ય ભારતવર્ષમાં અગ્રગણ્ય સ્થાન ભોગવી રહ્યું હતું ત્યારે ઈ. સ. ૫૦૦ થી ૭૦૦ના ગાળામાં સોમનાથનું બીજું મંદિર બાંધવામાં આવ્યું હતું. આ મંદિરના બાંધકામ ઉપર ઈ. સ. ૮૦૦ ની આસપાસ એક ત્રીજું મંદિર પણ બાંધવામાં આવ્યુ હતું. એ લાલ પથ્થરનું હતું. એ યુગની સૌથી મોટી ઈમારતોમાં તેની ગણના થતી હતી. કનોજના ગુર્જર પ્રતિહાર રાજાઓએ ઈ. સ. ૮૦૦ થી ૯૫૦ સુધી સોમનાથની પૂજા કરવાનું ચાલું રાખ્યું હતું. ભારતના પ્રવાસે આવનારા આરબો પણ આ મંદિરની પવિત્રતાથી અંજાઈ ગયા હતા. અગિયારમી સદીના અલ્બરૂનીએ અને તેરમી સદીના માર્કો દ પોલોએ સોમનાથની એક મહત્ત્વના વેપારકેન્દ્ર તરીકે ગણના કરી હતી. તેઓમાંના કેટલાકના મંતવ્ય મુજબ, મંદિર એ કાળમાં કલ્પી ન શકાય તેટલું સમૃદ્ધ હતું. આ મંદિરની જાળવણી ૧૦,૦૦૦ ગામડાં આપવામાં આવ્યા હતા. આ પવિત્ર સ્થળની પાસે ૨૦૦ મણ વજનની સોનાની સાંકળ સોનાની ઘંટડીઓ સાથે ઝૂલતી હતી અને શિવપૂજાના નક્કી કરેલા સમયની એ ઘંટડીઓના રણકાર દ્વારા જાહેરાત કરવામાં આવતી હતી. આ ખંડની પાસે એક કોઠાર હતો. તેમાં મૂલ્યવાન પથ્થરો અને સુવર્ણ ચાંદીની મૂર્તિઓ સંઘરવામાં આવી હતી. મંદિરના પૂજાગૃહને રત્નજડિત ઝૂંમરો અને મૂલ્યવાન રંગબેરંગી પડદાઓ શોભાવી દેતા હતાં. આ મંદિરની સમૃદ્ધિ અને કીર્તિએ મહમદ ગઝનવી માટે આકર્ષણ ઊભુ કર્યું અને તેને ઈ. સ. ૧૦૨૫ માં સોમનાથ ઉપર આક્રમણ કર્યું. આમ આ તુર્કી વિજેતાએ ત્રીજી વાર બંધાયેલા મંદિરનો નાશ કર્યો હતો અને તેની સમૃદ્ધિની લૂંટ ચલાવી હતી. આ ખંડન સંબંધે બે અભિપ્રાય પડે છે: એક સત્ય અને બીજો કાલ્પનિક. ફિરસ્તા અને અલ્બરૂની જેવા મુસ્લિમ તવારીખકારોએ જ તેનું વધારે પડતું વર્ણન કર્યું છે. ઉપરની દલીલની સત્યતા તપાસતાં એમ લાગે છે કે, જો મહમદ ગઝનવીના ખેદાન-મેદાનમાં તથ્ય જ હોય તો તે સમયના મેરુંતુગાચાર્યના પ્રબંધ જેવા ગ્રંથોમાં તેની વિગતોનો જરાયે ઉલ્લેખ થયેલ નથી. આમ હકીકત હોવાથી પરદેશીઓએ હિંદીઓને બદનામ અને કલંકિત કરવા માટે કેટલાંક જૂઠાણાં ફેલાવેલ એમ પણ માની શકાય. અને મહમદ ગઝનવીની સવારી પણ એક જૂઠાણું હોવાની માન્યતા પ્રચાર પામી છે. મહમદ ગઝનવીની લૂંટ પછી તરત જ માળવાના સમ્રાટ ભોજ અને ગુજરાતના રાજા ભીમ સોમનાથનાં ખંડેરો ઉપર ચોથા મંદિરની રચના ઈ. સ. ૧૦૪૨ કરી હતી. ઈ. સ. ૧૧૬૯માં મહાન રાજવી કુમારપાળે ત્યાં પાંચમી વાર મંદિરની સ્થાપના કરી હતી. તેના અવશેષો અત્યારે પણ મોજુદ છે. ઈ. સ. ૧૨૮૭ માં સુલતાન અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુગખાને મંદિરને નુકશાન પહોંચાડ્યું હતું અને મૂર્તિનો નાશ કર્યો હતો. આ ચડાઈનું વર્ણન કવિ પદ્મનાભ કાન્હડદે પ્રબંધમાં વિસ્તારથી નોંધે છે. તેનું બીજું વર્ણન જિનપ્રભુસુરિજીએ લખેલ તીર્થકલ્પ નામના જૈન સાહિત્યગ્રંથમાં જોવા મળે છે. તેના વર્ણન મુજબ ઉલુગખાન લિંગના ટુકડા કરાવી, ગાડામાં નંખાવી દિલ્હી લઈ ગયો હતો. ઈ. સ. ૧૩૦૮ અને ૧૩૨૫ ચુડાસમા વંશના મહિપાળદેવે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. આ પછી ઈ. સ. ૧૩૭૫ માં ગુજરાતના સુલતાન મુઝફરશાહ બીજાએ આ મંદિરની મૂર્તિને ખસેડી હતી. થોડા વર્ષો પછી લોકોએ પોતે જ મૂર્તિની પુન:સ્થાપના કરી હતી. અમદાવાદના સ્થાપક અહમદશાહે ઈ. સ. ૧૪૧૪ માં ફરીને મંદિરની ભાંગફોડ કરી હતી અને મૂર્તિને ઊઠાવી ગયો હતો. પરંતુ થોડા વર્ષોમાં મંદિરની પુન:રચના કરવામાં આવી હતી. ગુજરાતના બીજા સુલતાન મહમદ બેગડાએ ઈ. સ. ૧૪૫૯ માં મૂર્તિ ખસેડીને મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું હતું પણ ત્યાર પછીનાં થોડાં જ વર્ષોમાં ફરીને ત્યાં મંદિરની સ્થાપના થઈ હતી. મોગલ યુગમાં સોમનાથ મંદિરનો ઉત્કર્ષ ચાલુ રહ્યો હતો. ઈ. સ. ૧૫૬૦માં અકબરના વખતમાં તેનો પુનરુદ્ધાર થયો. ઈ. સ. ૧૭૦૬માં મોગલ બાદશાહ ઔરંગઝેબે મંદિરનો ફરીથી નાશ કર્યો હતો. ઔરંગઝેબ પછી માંગરોળના શેખે પણ સોમનાથની ગેરવલ્લે કરેલી; પણ જૂનાગઢના દીવાન અમરજીએ પાછું સોમનાથ જીતી લઈ જૂનાગઢના શાશન હેઠળ રાખ્યું હતુ. છેલ્લે ઈ. સ. ૧૭૮૩ માં અહલ્યાબાઈ હોલ્કરે મૂળ સોમનાથી એકાદ માઈલ ને છેટે એક નવું બંધાવી તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો. મૂળ શિવલિંગનું અનેક વાર ખંડન થયેલું એટલે આ નવા શિવલિંગને ભૂગર્ભમાં ઊતારવામાં આવેલ. પણ તે જમાનામાં સોમનાથની ખ્યાતિ વીસરાઈ ગયેલી હતી. તે દૂર દૂરના ખૂણામાં આવેલ હોવાથી તીર્થસ્થાન અને યાત્રાધામ તરીકે તેનું મહત્ત્વ ઓછું થઈ ગયું હતું. આર્યાવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કે: પ્રભાસપાટણમાં સમુદ્રકિનારે સ્વયંભૂ સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ હતું. જ્યાં તેનું મોટું, ભવ્ય, દિવ્ય, કીમતી મંદિર બાંધેલું હતુ. આ કારણથી પણ આ શહેર બહુ પ્રસિદ્ધ થઈ ગયું છે. પ્રાચીન અર્વાચીન રાજા મહારાજાઓએ એ મંદિર ઉપર વધુ ને વધુ ખર્ચ કરી તેને સુશોભિત કર્યું હતું. એ મંદિરમાં કોતરકામવાળા ૫૬ રત્નજડિત સ્તંભો હતા. થાંભલે થાંભલે કારીગરીનો અખૂટ ભંડાર હતો. હીરા માણેકનો પાર ન હતો. થાંભલે થાંભલે હિંદુસ્તાનના જુદા જુદા હિંદુ રાજાઓના નામો, ઈતિહાસ અને ખજાના ભરેલા હતા. અંદરના ભાગમાં મહાદેવનું સ્વયંભૂ બાણ હતું. દરરોજ હજારેક બ્રાહ્મણો તેની પૂજા કરતા. પૂજાના જળ માટે ગંગાજીથી હંમેશેહંમેશ ગંગાજળના લોટા આવતાં અને ઠેઠ કાશ્મીરથી પુષ્પોના કરંડિયા આવતા; પૂજા વખતે સેંકડો નટ નટીઓ નૃત્ય કરતાં. સોનાની સાંકળે ટાંગેલ રત્નજડિત દીવીઓ કે ચાડામાં ઘીના દીવા અખંડ બળતા. દરવાજાનાં બારણાં સોનાજડિત સુખડનાં હતાં. હેઠળ ભોંયરામાં સોનાના અને રત્નોના ભંડાર હતા. હિંદુસ્તાનના પ્રત્યેક વિભાગમાંથી હજારો યાત્રાળુઓ આવતા અને મંદિરની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરતાં. આ મંદિરની ખ્યાતિથી અન્ય ધર્મના વિદેશી લોકો આકર્ષાઈ ત્યાં જોવાને આવતા અને તેનાં તેઓ આકર્ષક વર્ણન લખતા. એક વિદ્વાન ચીની મહાશયે તેનું, તેની સમૃદ્ધિનું ભવ્ય વર્ણન કરેલું છે. ફરગસનના હિંદના ઈતિહાસના બીજા ભાગમાં નીચે પ્રમાણે વિગત મલે છે. આ દેવાલય તેના કદ માટે કંઈ ખાસ અસાધારણ નહિ હોય. ૧૩૦ ફૂટ કરતાં તે વધારે નહિ હોય. તેનાં મંડપના ઘુંમટનો વ્યાસ ૩૩ ફૂટ છે અને તે સમયમાં એવડા મોટા ઘુંમટવાળા મંદિરોમાં તેને એક ગણી શકાય. મહમદ ગઝનવીના સોમનાથના ઘેરાનું વર્ણન વાંચતાં માલૂમ પડે છે કે, નેમિનાથના મંદિરની માફક તેને ચોતરફ દિવાલ હતી અને દિવાલની અંદરનો ચોક ખરેખર આકર્ષક હોવો જોઈએ. નેમિનાથનાં મંદિર જેવી જ તેની રચના છે. પણ કદમાં તે નેમિનાથના મંદિરથી બેવડું છે. એટલે પ્રમાણમાં સોમનાથના મંદિરનો ચોક વિશાળ અને ભવ્ય હોવો જોઈએ; કોતરકામની કારીગરીના બાકી રહેલ અવશેષો જોતાં માલૂમ પડે છે કે, કોતરકામ ખરેખર એ જમાનામાં જેને શ્રેષ્ઠ કહેવાય છે તે પ્રકારનું હતું. મંદિરમાં અત્યારે માલૂમ પડતા અવશેષો નવમી કે દશમી સદીના છે. તેને માટે શંકા છે. બારમી સદીમાં તેનો પુનરુદ્ધાર થયા પછીનો તો તે નહિ. એક ઈતિહાસકાર લખે છે કે: ઈ. સ. ૧૯૪૭ ની ઓગસ્ટની પંદરમી તારીખે ભારત આઝાદ થયું અને સંજોગો બદલાયા. આર્થિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ૮૬ ટકા જેટલા હિંદુઓની વસ્તી ધરાવતા જૂનાગઢનું ભાવી પાકિસ્તાન સાથે જોડાયું અને ત્યાંના મુસ્લિમ રાજવી તેના કુટુંબ સાથે પાકિસ્તાન ચાલ્યો ગયો. નવાબની નાસભાગથી રાજકીય પરિસ્થિતિ પલટાઈ ગઈ ને વહીવટી તંત્રમાં ભંગાણ પડ્યું. આ હાડમારી દૂર કરવાના હેતુથી જૂનાગઢના દીવાન સર શાહનવાઝ ભૂતોએ ઈ. સ. ૧૯૪૭ ના નવેંબરની આઠમી તારીખે ભારત સરકારના પ્રાદેશિક કમિશ્નરને જૂનાગઢનો વહીવટ સંભાળી લેવાની વિનંતિ કરી. તા. ૯મી નવેંબરે ભારત સરકારે જૂનાગઢનો વહીવટની લગામ પોતાને હસ્તક લીધી. તા. ૧૩ મી નવેંબરે ભારતના નાયબ વડાપ્રધાન, લોખંડી પુરુષ, સરદારશ્રી વલ્લભભાઈ પટેલ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પધાર્યા ને કાકા સાહેબ ગાડગીલ તથા મહારાજા જામસાહેબ સાથે સોમનાથની મુલાકાત લીધી. ભારતની ભવ્યતાના પ્રતીક સમા સોમનાથ મંદિરના ખંડેરો જોઈએને સરદાર શ્રીને ખૂબ દુ:ખ થયું અને સોમનાથનો જીર્ણોદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી. આ યોજનાને અમલમાં મૂકવા શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખપણા હેઠળ એક સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી ને સૌરાષ્ટ્રના રાજપ્રમુખ નામદાર જામસાહેબના પ્રમુખપદ હેઠળ એક ટ્રસ્ટીમંડળની રચના પણ ભારત સરકારે કરી. સોમનાથના પ્રાચીન મંદિરોનું સ્થાન નિશ્ચિત કરતાં કેટલુંક ખોદકામ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના ભૂસ્તરશાસ્ત્રીઓની સહાયથી પાંચ જુદાં જુદાં મંદિરોના થર એકબીજાની ઉપર મળી આવ્યા હતા. આખરે પુરાણા મંદિરોને જમીનદોસ્ત કરવાનો અને નવાં મંદિરની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગોંડલની ‘મહારાજા ભગવતસિંહજી વાંચનમાળા’ માં લખ્યું છે કે: સોમનાથનું મૂળ મંદિર લાલ પથ્થર ને ઇંટની ઊભણી ઉપર સાગના છપ્પન થંભો ઉપર ઊભેલું હતું. મંદિરને સોનાના ઝગઝગતાં કળશો હતા. સભામંડપના થંભો ઉપર કીમતી હીરા, માણેકને મોતી, પાનાં ને પોંખરાજ જડેલાં હતાં. મંદિરના ગભારામાં જમીનથી બે હાથ નીચું ને પાંચ હાથ ઊંચું મહાદેવનું લિંગ હતું. પૂજા માટે રોજ કાશ્મીરથી પુષ્પો આવતાં. અભિષેક માટે કાશીથી કાવડિયા ગંગાજળ લાવતાં. ગભારામાં રત્નજડિત દીપમાલા અખંડ બળતી. એક હજાર બ્રાહ્મણો રોજ પૂજામાં રોકાતા. લિંગની નજીક ૨૦૦ મણ વજનની સોનાની સાંકળે લટકાવેલો ઘંટ હતો. આરતી ટાણે અંદર એ ઘંટ ગાજતો. મંદિરને દરવાજે સાડીત્રણસો ગવૈયાઓનું સંગીત થતું. સેંકડો નૃત્ય કન્યાઓ નૃત્ય કરતી. તેમને મંદિરની તિજોરીમાંથી રોજ પગાર મળતો. તિજોરીમાં રત્નજડિત કપડાં, કીંમતી રત્નો અને સોનાની મૂર્તિઓનો પાર ન હતો. દર ગ્રહણને દિવસે મહાદેવનાં દર્શન કરવા માટે એક લાખ લોકો ભેગાં મળતાં. ભારતભરના હિંદુ રાજાઓ સોમનાથની યાત્રાએ આવતા. તેમણે અનેક પાણીદાર રત્નો અને ૧૦,૦૦૦ ગામો મંદિરને દાનમાં આપ્યા હતાં. સોમનાથ પાટણની આસપાસ મજબૂત ગઢ હતો. ગઢને ફરતી ઊંડી ખાઈ હતી. મંદિરની આસપાસ અષ્ટકોણ આકારનો વિશાળ ખંડ છે. આ ખંડને થાંભલે થાંભલે અજબ કોતરકામ અને નકશીકામ જોવા મળે છે. ઝીણવટથી અભ્યાસપૂર્વક કોઈ એ જુએ તો એમાંથી એક એક મૂર્તિનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે. આજે તો કોઈ મૂર્તિનો પગ ભાંગી ગયેલો છે; તો કોઈ મૂર્તિનો હાથ ખંડિત થઈ ગયો છે. કોઈનું નાક નથી તો કોઈનું માથું નથી. એટલે પહેલી નજરે એની મૂળ સ્થિતિનો ખ્યાલ આવી શકતો નથી. આ અસંખ્ય કોતરેલી મૂર્તિઓમાંની કોઈ ગણેશની છે. તો કોઈ નર્તિકાની છે, કોઈ સંગીતકાર ગાંધર્વની હોય એવી લાગે છે. તો કોઈ શિવના તાંડવ નૃત્યની લાગે છે. આ મૂર્તિઓ ઉપરાંત આ સ્તંભોમાં જે નકશી કોતરેલી છે, જે કલાના નમૂના કંડારેલા છે, એ આંખનો વિસામો માગી લે તેવા છે. આ મંડપખંડની ત્રણ બાજુએ વિશાળ મહાસાગરના પ્રચંડ મોજાંઓ સતત અથડાયા કરે છે; આથી કરીને, સંખ્યાબંધ વિમાનો આપણી આસપાસ ઘૂમતાં હોય એવો ઘૂઘવાટ સંભળાયા કરે છે. હાલના મંદિરની પીઠ નીચેથી ૨૦ કે ૨૫ ફૂટ ઊંડેથી સ્થાપનાપીઠોના થરના થર નીકળી આવ્યા છે. જૂના શિવાલયના ચણતરમાંથી જે જે કલાની મૂર્તિઓ મળી આવી તેને સલામત કાઢી લઈને પ્રાચીન અવશેષો તરીકે સંગ્રહાલયમાં રાખવામાં આવેલ છે. આ મંદિરના પાયાનું ખોદકામ ૨૬ ફૂટ ઊંડું થતાં સુધીમાં ત્રણ પ્લીન્થો મળી આવેલી. પહેલી મૈત્રીક સમયની બીજી ભીમદેવની ને ત્રીજી પરમ ભટ્ટાર્ક કુમારપાળના સમયની છે. એટલું જ નહિ પણ શિવનાં બાણની નીચેની બ્રહ્મશિલાઓ પણ એક જ કેન્દ્ર ઉપર ઉત્તરોત્તર મુકાયેલી છે. તેની જળાધારીમાં થતા અભિષેકનું પાણી બહાર લઈ જનારી ખાળ એ જ શિલાઓની સપાટી ઉપર મંદિરની જમીનમાં થઈ બહાર જતી દરેક થરમાંથી નીકળતી દૃષ્ટિએ પડે છે. વળી હાલની સપાટીની નીચે ૧૦ ફૂટ જેટલે ઊંડેથી કાળા આરસની ફરસબંધી મળી આવે છે. તે ઉપરથી કુમારપાળના સમયમાં બંધાયેલા ભવ્ય મંદિરના અવશેષો સ્પષ્ટ હાથ લાગે છે. પુરાતની મંદિર તોડી તે જગ્યાએ નવું શિવાલય બાંધવાનું કામ શરુ થયેલ છે. શરુઆતમાં સમારકામ કરવામાં આવ્યું. શિલ્પીઓએ આ પુરાણા શિવલિંગની બ્રહ્મશિલા; કુર્મશિલા તથા જળાધારીનું બારીકાઈથી અવલોકન કરેલું. તેમાં એવું જણાએલું કે, આ બધા થર વજ્રલેપ અને સીસાથી જમાવેલ છે. આ બધી પાટો છએ પાસાએ સંઘાડાઉતાર કોરી કાઢેલી સફાઈદાર હતી. આ પછી મૂળ પાંચમા મંદિરના આધારે પૂરેપૂરા સંશોધન પછી મૂળ પાંચમા મંદિર માટેનો નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો. હાલમાં અંદરનું એક જ મંદિર બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાંધકામ પ્રમાણમાં ઓછે ખર્ચે થવાનું છે. અત્યારે ગર્ભગૃહનું પ્રવેશદ્વાર સુધી કામ પહોંચ્યું છે. તેમાં ધાંગધ્રાના થર દઈ ગજથર, અશ્વથર, નરથર એમ સાત પ્રકારના અદ્યતન શિલ્પવિધાનની થર દેવામાં આવ્યા છે. જૂના ગર્ભગૃહને ઉખેડતાં તેમાંથી કાળી લાદી હાથ લાગેલી. આ રાષ્ટ્રયુગના મંદિરની લિંગપ્રતિષ્ઠાવિધિ તા. ૧૧મી મે ૧૯૫૧ ના શુભ દિને માનનીય રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. તે વખતે શાસ્ત્રની પ્રણાલિકાઓ અનુસાર, દરેક ખંડોની માટી, સમુદ્રો અને સરિતાઓનાં જળ ધાર્મિક વિધિમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતાં. આ પ્રમાણે બરાબર સવારના ૯-૪૭ કલાકે રાષ્ટ્રપતિએ સુવર્ણશલાકા વડે જ્યોતિર્લિંગની પુન: પ્રતિષ્ઠાનો વિધિ કર્યો હતો. તે જ ક્ષણે સેંકડો બ્રાહ્મણોના મુખમાંથી વેદમંત્રોનો ઘોષ થઈ રહ્યો હતો. તેની સાથોસાથ પ્રચંડ લોક મેદનીએ ‘જય સોમનાથ’ ના જયનાદો અને ૧૦૧ તોપો ફૂટવાની ગર્જનાથી આખું યે વાતાવરણ ધમધમી ઊઠ્યું હતું. મંદિર પાસેના સાગર કાંઠા પાસે જમા થયેલાં સેંકડો વહાણોમાંથી પણ તોપો ફૂટી હતી અને સોમનાથની પુન: પ્રતિષ્ઠાને વધારવા માટે સાગર પણ જાણે ઊંછળી રહ્યો હતો. આમ એક હજાર વર્ષ પછી ભારતીય ઐક્યના ભવ્ય પ્રતીક સમા ઉન્નતિ, અવનતિ અને પુનરુત્થાનના કાળબોલ સમા, સૈકાઓ સુધી ગુજરાતના ધાર્મિક રાજનગર પદને શોભાવતા સોમનાથ પાટણના પ્રભાવ અને પ્રતાપ સમા મહાકાળ સોમનાથ ફરીથી ચિર નિદ્રામાંથી ઊઠે છે અને જૂની ભસ્મમાંથી પુનર્જન્મ પામે છે. આમ એક હજાર વર્ષ જૂના રાષ્ટ્રીય કલંકનું પ્રાયશ્ચિત થાય છે અને સૌરાષ્ટ્રની લોકક્રાંતિ વચ્ચે સૂતેલો અમર સોમનાથનો આત્મા જાગે છે. સોમનાથનું સ્થાન અતિ પ્રાચીન કાળથી લોકપૂજાનું મહાન પદ મેળવી રહ્યું છે. સત્યયુગમાં તેનું નામ ભૈરવેશ્વર, ત્રેતામાં શ્રાવણીકેશ્વર, દ્વાપરમાં ગલવેશ્વર અને કળિયુગમાં સાંકળેશ્વર તરીકે તેને પુરાણોએ ઓળખાવેલ છે. કહે છે કે, આ મંદિર ૧૩ માળનું ઊંચું હતું અને તેને ૧૪ સુવર્ણ કળશ હતા તેની ધજા ગગનમાં એટલે ઊંચે ફરકતી કે દૂરદૂરનાં વહાણો તેને સોમનાથનું મંદિર પીછાની લઈ તે તરફ હંકારતા. મેઘલી રાતે સોમનાથનો જે અખંડ દીવો બળતો દેખાતો તેને જોઈને વહાણવટીઓ પોતાના હોકાયંત્રની મદદથી માર્ગક્રમ ગોઠવતાં. તેનાં દ્વાર હીરારત્નજડિત હતાં. આ નૂતન રાષ્ટ્રયુગમાં યે એનું માહાત્મ્ય એમનું એમ અખંડ રહ્યું છે એ તેની વિશિષ્ટતા છે. રાષ્ટ્રયુગમાં યે તેનું માહાત્મ્ય અખંડ રહે છે.
image
|