પાણી જોવું ગમે? વરસાદ જોવો ગમે? ધોધ (waterfall) જોવો ગમે ? પાણી ને માણવું તો ગમતું જ હશે? પણ પાણી ને સાંભળવું ગમે? અરે! હા પાણીને સાંભળવાનું। આમ તો કંંઈ નવાઈની વાત નથી પણ જ્યારે આપણે નરી આંખે પાણીને સાંભળીએ તો એની વાત જ અલગ છે.
એવું માનવામાં આવે છે કે મનુષ્ય 2 પ્રકારના હોય છે. 1. જેને પાણી ગમે અને 2. જેને પર્વત ગમે પણ ક્યારેક 3 પ્રકાર પણ જોવા મળે છે જેમ કે હું અને મારા જેવા બીજા ઘણાંં હશે. એ ત્રીજો પ્રકાર એટલે જેને ધોધ (Waterfall) ગમતા હોય. જેમાં પાણી અને પર્વત બંને આવી જાય. કુદરતનું એવું સર્જન જેને જોતા જ દીલ ખુશ થઈ જાય. ભલે તમે ગમે તેટલા દુ:ખી કેમ ના હોવ. ધોધ ને જોવો અને સાંભળવો એક આલગ જ લ્હાવો છે જે બીજે ક્યાંય ના મળી શકે. તેની નીચે ઊભા રહીને આનંદ માણવાની ઈચ્છા થઈ જાય અને એ અદ્ભુત ક્ષણે જ્યારે તમે ધોધની નીચે ઊભા હોવ અને તમને પાણી સિવાય કંંઈ જ ન સંભળાય.
આપણા ગુજરાતમાં અનેક ધોધ આવેલા છે. જેમાંથી કોઈ મોટા છે તો કોઈ નાના; પણ એમાંનો એક ધોધ ખૂબ જ જાણીતો છે. તે છે ગીરા ધોધ (Gira Waterfall). ડાંગ જિલ્લાના વઘઈ ગામ પાસે ખાપરી નદી ધોધરૂપે અંબિકા નદીમાં ખાબકે છે જ્યાં ગીરા ધોધ આવેલો છે અંબિકા નદી ત્યાર પછી આગળ વહીને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. આ ધોધની ઉંચાઈ 25 મીટર જેટલી છે.
આશરે 300 મીટર પહોળી નદી આટલે ઊંચેથી પડતી હોય એ દૃશ્ય કેવું ભવ્ય લાગે એ વિચારીને પણ મન ખુશ થઈ જાય. આ ધોધ નદી અને વરસાદ ઉપર આધારિત હોવાથી કોઈ વખત સળંગ દેખાય છે અને પાણીની અછત હોય ત્યારે નાના ધોધમાં વહેંચાઈ જાય છે પણ બંને રૂપમાં સુંદર લાગે છે. ચોમાસામાં ખાપરી નદી જયારે આખી ભરેલી હોય ત્યારે ધોધનું સ્વરૂપ બહુ જ જાજરમાન લાગે છે. એવે વખતે ધોધ જોવા હજારો ટુરિસ્ટો ઉમટી પડે છે. ચોમાસામાં પાણી બધે ફરતું ફરતું આવતું હોવાથી પાણી ડોહળું દેખાય છે. ધોધ પાડવાની ગર્જના તેના ધોધ જેવી જ મોટી છે જે દૂરથી પણ તમને સાંભળાઈ જશે.
ગીરા ધોધ (Gira waterfall) વઘઈથી માત્ર 4 કિ.મી. જ દૂર છે. વઘઈથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું ગયા પછી, સાઈડમાં ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. આ સાઈડના રસ્તે બીજા 2 કિ.મી. જાવ એટલે અંબિકા નદીના કિનારે પહોંચી જવાય. કિનારેથી જ ધોધનાં દર્શન થાય છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે. કિનારેથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પથ્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની બિલકુલ સામે પહોંચાય છે. અહીં ખડકો પર જ ઊભા રહીને ધોધ જોવાનો અને ધોધનો કર્ણપ્રિય અવાજ સંભાળવાનો. ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગા છે. પાણીમાં ઉતરાય એવું છે નહિ. જો ઉતરો તો ડૂબી જવાય કે નદીમાં ખેંચાઈ જવાય. આવી સ્થિતિમાં ધોધનું પાણી જે જગાએ પડે છે, તે જગાએ જવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. ત્યાં જઈને ધોધમાં નહાવાનું તો શક્ય જ નથી.
વઘઈના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ એક ચોક્કસ કારણ છે. નામ એક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતોને ચિરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક એક ઊંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગીરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગીરા ધોધ નામે ઓળખવામાં આવે છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતાં ચેક ડેમ ઓવરફલો થઈ ધોધ સ્વરૂપે ગીરા નદી નીચે પડી અંબિકામાં સમાઈ જાય છે. અહીંથી અંબિકા નદી અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.
આ પણ જુઓ : દેવઘાટ ધોધ, ચીમેર ધોધ
ગીરા ધોધની મુલાકાત માટે ચોમાસાની સિઝન બેસ્ટ ગણાય છે. આખા ચોમાસા દરમ્યાન ગમે ત્યારે આ ધોધની સુંદરતાને માણી શકો છો. જુલાઈથી ઓક્ટોબર માસ ગીરા ધોધની સુંદરતા માણવાનો શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે. આ સિવાયના સમયમાં ગીરા નદીમાં પાણીના અભાવના કારણે ધોધ જોવા મળશે નહીં. આમ છતાંં આસપાસના કુદરતી નજારાઓ મન મોહી લે તેવા છે.
તો આ ચોમાસામાં એક વિકેન્ડમાં જરૂરથી ગીરા ધોધની મુલાકાત લેજો.
આ બ્લોગમાં આપેલ કેટલાક ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ જુઓ (Gujarati to English Meaning)
કુદરત : divine power; God’s creation as a whole; Nature; nature, disposition; strength, inherent power.
સળંગ : whole, entire; continuous; unbroken; without joint or break; going direct (to). adv. without pause; till the very end
અભાવ : non-existence; dislike, distaste
બ્લોગ લખનાર : મૈત્રી માધુ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.